કોરોના વાઇરસ : ગુજરાતના ત્રણ બૉડી બિલ્ડરોનો એ કારસો જે ડૅડ બૉડીનો ઢગલો કરી મૂકત

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એક ડૉક્ટરની જાગરૂકતાના લીધે કોરોનાના દર્દીઓનો જીવ બચાવનારા નકલી ઇંજેક્ષનનું કૌભાંડ પકડાયું. આ ડૉક્ટરે મધરાતે એમના કામમાં સાચવેતી ન રાખી હોત તો કદાચ ગુજરાતમાં મોટા પાયે એ નકલી ઇંજેક્ષન વેચાતું હોત અને તેને કારણે અનેક લોકોનાં મૃત્યુ પણ થઈ શકત.

કોરોના મહામારી જેમ જેમ આગળ વધી રહી છે તેમ આ આપદાને કમાણીના અવસરમાં પલટી દેવા માગનારા લોકો પણ સામે આવી રહ્યા છે. દેશમાં અનેક સ્થળોએ જરૂરી દવા-ઇંજેક્ષન બ્લૅકમાં વેચાણ થઈ હોવાની ઘટનાઓ બની છે તો ગુજરાતમાં સૌથી મોંઘા એવા ટોસિલિઝુમેબ ઇંજેક્ષનને નામે સ્ટીરૉઇડના નકલી ઇંજેક્ષન વેચાઈ રહ્યા હોવાનો કેસ સામે આવ્યો છે.

આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરી છે.

કેવી રીતે પકડાયું કૌભાંડ

ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલર વિભાગના ડાયરેક્ટર એચ.જી. કોશિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, મધરાતે એક ફોનને કારણે અમે આ નકલી રૅકેટ સુધી પહોંચી શક્યા.

એચ. જી. કોશિયાએ કહ્યું કે, ''અમારી પર રાત્રે ત્રણ વાગ્યે ફોન આવ્યો કે કોરોનામાં જીવ બચાવવા માટેનું સૌથી મોંઘું ટોસિલિઝુમેબ ઇંજેક્ષન નકલી મળ્યું અને અમારી 12 સભ્યોની ટીમ દોડતી થઈ ગઈ. અમે તરત જ અમને જાણ કરનાર ડૉક્ટર દેવેન શાહનો સંપર્ક કર્યો. અમે જોયુ તો ખબર પડી કે એ ખરેખર ટોલિસિઝુમેબ ડ્રગ્સનું નકલી ઇંજેક્ષન હતું.''

આ રૅકેટ એવી રીતે બહાર આવ્યું કે ડૉકટર દેવેન શાહ પાસે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલા કોરોનાના એક દર્દી હતા. આ દર્દી માટે એમણે ટોલિસિઝુમેબ ઇંજેક્ષન લખી આપ્યું હતું. એ જ્યારે એમની પાસે આવ્યું ત્યારે એમને ઇંજેક્ષન પર લખવામાં આવેલી એક સૂચનાથી શંકા લાગી. ડૉક્ટર દેવેન શાહે દર્દીને ઇંજેક્ષન ન આપ્યું અને સીધો ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલર વિભાગનો સંપર્ક કર્યો.

કોવિડ-19ની ખાનગી હૉસ્પિટલના ડૉક્ટર દેવાંગ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, ''સરકારે અમારી હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલની યાદીમાં સમાવી ત્યારથી કોરોનાના અનેક દર્દીઓ અહીં આવે છે. એક આધેડ વયનાં દર્દી લતાબહેનનું ઓક્સિજન લેવલ ઘણું નીચું જવા માડ્યું એટલા માટે મે કોરોના માટે અકસીર ડ્રગ ટોલિસિઝુમેબ ઇંજેક્ષન 400 મિ.લિ. એમના સગાને પ્રિસ્ક્રાઇબ કર્યું હતું.''

''દર્દી લતાબહેનનાં સગા આ ઇંજેક્ષન લઈને આવ્યા ત્યારે રાતના બે વાગ્યા હતા. પહેલાં તો ઇંજેક્ષનને બહારથી જોઈને મને કંઈ શંકાસ્પદ ન લાગ્યું કારણ કે તેનું પૅકિંગ અસલ ઇંજેક્ષન જેવું જ હતું. પરંતુ મેં તેને ખોલીને ઇન્ટ્રાવિનસના બદલે ઇન્ટ્રામસ્ક્યૂલર વાંચ્યુ ત્યારે મારી આંખો ચમકી.''

ડૉ. દેવેન શાહ કહે છે કે ''ટોલિસિઝુમેબ વૉટર-બેઝ હોય છે અને તે ઇન્ટ્રાવિનસ એટલે કે નસમાં આપવાનું હોય છે. જ્યારે આ ઇંજેક્ષન ઑઇલ-બેઝ હતું અને એના પર ઇન્ટ્રામસ્ક્યુલર લખેલું હતું. એટલે કે સ્નાયુમાં આપવાનું હતું. મેં પૅકિંગ પર જોયું તો કંપનીનું નામ ઝેનિથ ફાર્મા હતું. વાસ્તવમા આવી કોઇ કંપની ટોલિસિઝુમેબ નામનું ઇંજેક્ષન બનાવતી નથી.''

દેવેને શાહે એમના અન્ય કોરોનાના ઍક્સપર્ટ ડૉક્ટરને ફોન કર્યાં. દરેકે આ ઇંજેક્ષન નસમાં જ અપાય એવું કહ્યું એટલે એમણે ઇંજેક્ષન આપવાનું ટાળી દર્દીને વૅન્ટિલેટર પર રાખ્યો અને તરત જ આ ઇંજેક્ષન ઇમ્પોર્ટ કરતી કંપની અને ગુજરાતના ફૂડ ઍન્ડ ડ્રગ્સ કમિશનરને જાણ કરી.

તેઓ કહે છે કે ''જો કદાચ મેં એ નકલી ઇંજેક્ષન દર્દીને આપી દીધું હોત તો આ દર્દી મોતના મોંમા ધકેલાઈ ગયું હોત.''

ત્રણ બૉડી બિલ્ડરોનું કૌભાંડ

ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડૉ. એચ. જી કોશિયાએ બીબીસી સાથેની વાતમાં કહ્યું કે, ''અમે દર્દીના સગાની પૂછપરછ કરી તો ખબર પડી કે, એમણે બે ઇંજેક્ષનની ખરીદી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી મા ફાર્માસી નામની દવાની દુકાનમાંથી રૂ. 1.35 લાખમાં કરી હતી. અમે દર્દીના સગાને લઈ સીધા જ સાબરમતી ખાતે મા ફાર્મસી નામની દવાની દુકાન પર પહોંચ્યા. એના માલિકે આ ઇંજેક્ષન બિલ વગર વેચ્યું હોવાથી પહેલા ઇન્કાર કર્યો. પરંતુ એની કડક પૂછપરછ કરતાં એણે કબૂલ કર્યું કે, આ ઇન્જેક્શન એણે ચાંદખેડામાં બૉડી બિલ્ડિંગનું જિમ ચલાવનાર હર્ષ ઠાકોર પાસેથી 80 હજારમાં ખરીદ્યું હતું. ''

હર્ષ ઠાકોર બૉડી બિલ્ડર છે અને લોકોને બૉડી બિલ્ડિંગ શિખવે છે, પોતે જિમમાં પણ કામ કરે છે. હર્ષ ઠાકોરની કડક પૂછપરછ કરતાં ખબર પડી કે એણે પાલડીની હેપી કૅમિસ્ટ ઍન્ડ પ્રોટીનના નામથી દુકાન ચલાવતા નિલેશ લાલીવાલા પાસેથી એણે રોકડામાં 70 હજારમાં એક ઇંજેક્ષન ખરીદ્યું હતું.

નિલેશ લાલીવાલા બોડી બિલ્ડિંગ માટેની દવાઓ પ્રોટીન શેક, પ્રોટીન પાવડર અને ઇંજેક્ષનો ઉપરાંત દવાઓ પણ વેચે છે. નિલેશ લાલીવાલા આ બધો સામાન સુરતથી લાવતા હતા અને સુરતમાં એ સોહેલ તાઇ નામના માણસ પાસેથી આ દવાઓ મંગાવતો હતો.

નિલેશ લાલીવાલાની આવક લૉકડાઉનમાં ઘટી હતી અને એ સમયે એમના સુરતના સપ્લાયર પાસેથી માહિતી મળી કે સુરતમાં લોકો ટોસિલીઝુમેબ ઇંજેક્ષન કોરોના માટે ખરીદે છે એ એમની પાસે છે.

નિલેશ લાલીવાલા પાસે પણ આ ઇંજેક્ષન માટે અનેક લોકો આવતા હતાં. નિલેશે પૈસા કમાવા માટે 60 હજારમાં સોહેલ તાઇ પાસેથી ઇંજેક્ષનની ખરીદી કરી અને 70 હજારમાં એને નિયમિત ગ્રાહક હર્ષ ઠાકોરને વેચ્યું.

હર્ષ ઠાકોરે 80 હજારમાં આ ઇન્જેક્શન મા ફાર્માના માલિક આશિષ શાહને વેચ્યું અને આ આશિષ શાહે તેને કોરોનાથી ડરી ગયેલા લતાબહેનનાં સગાને એક લાખ પાંત્રીસ હજાર રૂપિયામાં વેચ્યું.

સાબરમતીથી સુરત

એચ .જી કોશિયાએ બીબીસીને કહ્યું કે, ''એ વખતે અમારી પાસે સોહેલ તાઈનું સરનામું હતું નહીં. અમને નિલેશ લાલીવાલા પાસેથી ફોન નંબર મળ્યો હતો. આ ફોન નંબર અને પોલીસની મદદથી અમે તાત્કાલિક અમે સોહેલ તાઈના ઘરે દરોડો પાડ્યો હતો. એના ઘરમાંથી ઇંજેક્ષન બનાવવાના ફિલિંગ મશીન, ઇંજેક્ષન સીલ કરવાનું મશીન, પૅકિંગ પછી બારકોડ લગાવવાનું કોડિંગ મશીન, પૅકિંગ મટિરિયલ ઉપરાંત રૅક્સોઝેન, ટેસ્ટોટેરોન એપીઆઈ, સ્ટૅન્ડોઝોલાલ જેવો દવા બનાવવાનો કાચો માલ મળી આવ્યો. સોહેલ તાઈ કોમ્પ્યુટરનો જાણકાર છે અને એ કોઇપણ લાઇસન્સ વિના ઝેનિથ ફાર્મા નામની કંપનીની એક વેબસાઇટ બનાવી લોકોને બૉડી બિલ્ડિંગમાટેની દવાઓ ગેરકાયદે વેચતો હતો.''

આમ ત્રણ બૉડી બિલ્ડરોએ ભેગા થઈને કોરોનાથી ડરેલા લોકોનો ફાયદો ઉઠાવવા માટે નકલી ટોસિલિઝુમેબ ઇંજેક્ષન લોકોને વેચતા હતાં.

સ્વિત્ઝર્લૅન્ડનું ઇંજેક્ષન સુરતમાં બનતું

આ ઇંજેક્ષન સ્વિત્ઝર્લેન્ડની એક જ કંપની બનાવે છે અને એને અહીં આયાત કરીને લાવવાનું લાઇસન્સ માત્ર સિપ્લા કંપની પાસે જ છે.

એક ઇંજેક્ષનની બજાર કિંમત 40,500 રૂપિયા થાય છે. કોરોનાના કારણે સરકારે આવા 6400 ઇંજેક્ષનો મગાવ્યા હતાં. એમાંથી 60 ટકા ઇંજેક્ષનો સરકારી હૉસ્પિટલોમાં અપાયા છે અને 40 ટકા ઇંજેક્ષન ખાનગી કોવિડ હૉસ્પિટલો માટે અપાયા છે.

આ ઇંજેક્ષન વાપરવાનો પણ ચોક્કસ પ્રોટોકોલ છે. જો કોઈ દર્દીને બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન હોય અથવા ટી.બી હોય તો આ ઇંજેક્ષનનો ઉપયોગ ન થાય.

એચ .જી કોશિયાએ બીબીસીને કહ્યું કે, ''આ ઘટનામાં હાલ નકલી ઇંજેક્ષનમાં શું વાપરવામાં આવ્યું છે તેની તપાસ લૅબમાં ચાલી રહી છે. એના કન્ટેન્ટનો ખ્યાલ આવતા તે કેટલું જીવલેણ છે તેની ખબર પડશે. આ ઉપરાંત સ્વિત્ઝર્લૅન્ડની જે રોશ કંપની જે આ બનાવે છે ત્યાં પણ તપાસ ચાલે છે. પ્રાથમિક તપાસમાં નકલી ઇંજેક્ષન ઑઇલ-બેઝ છે, એટલે એનાબોલિક સ્ટીરોઇડવાળું હોઈ શકે. જેની આડઅસરો ગંભીર પણ હોઈ શકે છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો