વિજય રૂપાણીના રાજીનામાથી સી. આર. પાટીલને શું મળ્યું?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ, કેન્દ્રમાં ભાજપના સાંસદ અને મોવડી મંડળના વિશ્વાસુ સી. આર. પાટીલનું નામ ગુજરાતના આગામી સંભવિત મુખ્ય મંત્રીઓની રેસમાં ઘણું આગળ ચાલી રહ્યું છે.

જોકે, તેઓ શનિવારે જ પોતે મુખ્ય મંત્રીપદની રેસમાં ન હોવાની સ્પષ્ટતા કરી ચૂક્યા છે.

નોંધનીય છે કે શનિવારે વિજય રૂપાણીએ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. આ અગાઉ પણ વિજય રૂપાણી અને સી. આર. પાટીલ વચ્ચેના સંબંધોમાં ખટાશ હોવાની વાત ઘણી વાર સામે આવી ચૂકી છે.

હવે રૂપાણીના રાજીનામા બાદ તેમનું નામ સંભવિદ મુખ્ય મંત્રીની યાદીમાં કેટલાંક ટોચનાં નામોમાં સમાવિષ્ટ છે.

આ અહેવાલમાં અમે તમને ભૂતપૂર્વ પોલીસમૅન ચંદ્રકાંત રઘુનાથ પાટીલ ઉર્ફે સી. આર. પાટીલના જીવન વિશે કેટલીક રસપ્રદ અને અજાણી વાતો જણાવીશું.

જુલાઈ 2020માં તેમની ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી જે બાદ ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે હાલ જ જીત મેળવી છે.

સી.આર. પાટીલે 'ઔપચારિક' રીતે ગાંધીનગરસ્થિત ગુજરાત ભાજપના મુખ્યાલય 'શ્રીકમલમ્' ખાતે પદભાર સંભાળ્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું હતું:

"ભાજપ જ એવો રાજકીય પક્ષ છે, જેમાં સામાન્ય કાર્યકર્તાને પણ પોતાની ક્ષમતાને અનુસારની જવાબદારી મળે છે. જેણે નાના કાર્યકર્તા તરીકે પ્રવેશ કર્યો, તેને ત્રણ વખત સંસદસભ્ય અને આજે પ્રદેશાધ્યક્ષ તરીકેની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે."

ભાજપના કાર્યકરો તથા સામાજિક વર્તુળમાં તેઓ 'સી.આર. પાટીલ' તથા નજીકના લોકોમાં 'સી.આર.' તરીકે ઓળખાય છે.

'પોલીસવાલા' નેતા

સી. આર. પાટીલનો જન્મ તા.16 માર્ચ 1955ના રોજ તત્કાલીન બોમ્બે રાજ્યના જલગાંવ જિલ્લાના એદલાબાદના પીંપરી-અકરાઉત ગામ ખાતે થયો હતો.

બોમ્બે રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતનું ગઠન થયું, ત્યારે પાટીલ પરિવાર ગુજરાત આવી ગયો. અહીં દક્ષિણ ગુજરાતની શાળામાં તેમણે પ્રાથમિક અભ્યાસ કર્યો, બાદમાં સુરતની ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો.

ભાજપની વિજ્ઞપ્તી પ્રમાણે, 1975માં પિતા તથા આજુબાજુના લોકોને જોઈને તેઓ ગુજરાત પોલીસમાં જોડાયા.

વર્ષ 1984માં પોલીસકર્મીઓને પડતી તકલીફો અને સમસ્યાઓને જોઈને તેમણે યુનિયન ઊભું કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા. બાદમાં તેમને પોલીસખાતામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

આગળ જતાં સરકારી નોકરીનો સંબંધ તૂટી ગયો. 1989માં તેઓ ભાજપમાં જોડાયા અને જિલ્લાકક્ષાએ ભાજપના ખજાનચી પણ બન્યા, જોકે ચૂંટણીલક્ષી કારકિર્દી માટે તેમણે બે દાયકાની રાહ જોવી પડી.

પાટીલની જેમ જ જસપાલસિંહ, ભવાન ભરવાડ તથા જેઠા ભરવાડ પણ રાજકારણમાં આવ્યા, તેઓ પહેલાં પોલીસખાતામાં હતા.

નરેન્દ્ર મોદીની નજીક

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના કહેવા પ્રમાણે, "દક્ષિણ ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતા કાશીરામ રાણાનો હાથ પકડીને તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને આગળ આવ્યા."

"જ્યારે ગુજરાત ભાજપ 'કેશુભાઈ કૅમ્પ' અને 'મોદી કૅમ્પ' એમ બે ભાગ પડ્યા, ત્યારે સી.આર. પાટીલે તત્કાલીન મુખ્ય મંત્રી સાથે રહેવાનું પસંદ કર્યું હતું."

આગળ જતા રાણાએ પાર્ટી છોડી દીધી અને કેશુભાઈ પટેલ તથા ગોરધનભાઈ ઝડફિયા દ્વારા સ્થાપિત 'ગુજરાત પરિવર્તન પાર્ટી'માં જોડાયા હતા. બાદમાં આ પાર્ટી ભાજપમાં ભળી ગઈ.

2009માં ગુજરાતની લોકસભા બેઠકોનું પુનર્ગઠન થયું, ત્યારે નવસારી બેઠકનું સર્જન થયું, તેની પ્રથમ ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપે સી. આર. પાટીલને ચૂંટણીજંગમાં ઉતાર્યા.

કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એન.ડી.એ.નો પરાજય થયો, પરંતુ પાટીલ પ્રથમ વખત લોકસભાના દાદરા ચઢવામાં સફળ રહ્યા.

'ગણેશોત્સવ', 'ગોવિંદા સમિતિ' જેવાં આયોજનો અને 'મરાઠા પાટીલ સમાજ મંડલ', 'મહારાષ્ટ્રીયન વિકાસ મંડળ' અને 'છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ' જેવાં સંગઠનોની કામગીરીને કારણે મરાઠીભાષી સ્થાનિકોમાં તેમની લોકપ્રિયતા વધી.

કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન સમયે પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા માટે ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની ટ્રેનો માટે રજૂઆત કરવામાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી.

આ સિવાય સુરત ઍરપૉર્ટનો લાંબા સમયથી પડતર પડેલો પ્રશ્ન પણ તેમના કાર્યકાળ દરમિયાન ઉકેલાયો હતો. સુરત ડાયમંડ બુર્સનું કામ આગળ વધ્યું હતું. સુરત તથા દક્ષિણ ગુજરાતમાં શ્રમિકથી લઈને માલિક સુધીની પહોંચ ધરાવે છે.

મૂળ કૃષક તથા ઉદ્યોગપતિ પાટીલ એક અખબાર તથા ચૅનલ પણ ચલાવે છે.

પૉપ્યુલર પાટીલ

2014માં નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા અને તેમને આગળ રાખીને પાર્ટી ચૂંટણી લડી હતી. ત્યારે પાર્ટીએ તેમને ફરી નવસારીથી ઉમેદવાર બનાવ્યા હતા.

પાટીલના ઉદયને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર અજય નાયકના કહેવા પ્રમાણે, "એ ચૂંટણીમાં બિલિમોરાથી નવસારી સુધી અડધો દિવસનો ચૂંટણીપ્રવાસ તેમની સાથે તેમની કારમાં ખેડ્યો હતો. એ સમયે લોકોનો પ્રતિસાદ જોઈને લાગે કે પાટીલ 'જનાધાર'વાળા નેતા છે."

2014માં 'મોદી લહેર'માં પાંચ લાખ 58 હજાર કરતાં વધુ મતોથી ચૂંટાયા હતા. લીડની દૃષ્ટિએ તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (વડોદરા બેઠક) તથા પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહ બાદ દેશમાં ત્રીજા ક્રમે હતા.

નાયક ઉમેરે છે, "સારા-માઠા પ્રસંગે હાજર રહેવાની ખાસિયત પાટીલને સામાન્ય વર્ગમાં લોકપ્રિય બનાવે છે. થોડાં વર્ષો પહેલાં એક સાર્વજનિક કાર્યક્રમમાં તેમની સાથે મુલાકાત થઈ, ત્યારે રાત્રે નવ વાગ્યા હશે."

"એમનું કહેવું હતું કે તે દિવસનો એ તેમનો 22મો કાર્યક્રમ હતો, જેમાં તેમણે હાજરી આપી હતી."

પાટીલ પોતાની સંસદની ઑફિસ માટે આઈ.એસઓ. (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનનું) સર્ટિફિકેટ લેનાર દેશના પ્રથમ સંસદસભ્ય હોવાના અહેવાલ છે.

સંસદસભ્યોની કામગીરી ઉપર નજર રાખતા સંગઠન PRS લૅજિસ્લેટિવ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે, 15મી લોકસભા દરમિયાન તેમની હાજરી 78 ટકા (દેશ તથા ગુજરાતની સરેરાશ 76%) હતી. જે 16મી લોકસભામાં વધીને 91 ટકા ઉપર પહોંચી. આ ગાળા દરમિયાન દેશના સંસદસભ્યોની સરેરાશ હાજરી 80 ટકા અને ગુજરાતના સંસદસભ્યોની હાજરી 84 ટકા હતી. તેમણે માત્ર છ ચર્ચામાં (રાષ્ટ્રીય સરેરાશ 67 તથા ગુજરાતના સંસદસભ્યોની સરેરાસ 41) ભાગ લીધો હતો.

17મી લોકસભામાં અત્યાર સુધી તેમની હાજરી 95 ટકા જેટલી છે. સંસદસભ્યોની હાજરીની રાષ્ટ્રીય સરેરાશ 84 ટકા તથા ગુજરાતના પ્રતિનિધિઓની સરેરાશ 92 ટકા છે. તેમણે માત્ર બે ચર્ચામાં જ ભાગ લીધો છે. રાષ્ટ્રીય સરેરાશ 16.5 તથા ગુજરાતની સરેરાશ 14.1 જેટલી છે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ચાર લાખ 80 હજાર) તથા ગૃહમંત્રી અમિત શાહ (પાંચ લાખ 55 હજાર) કરતાં વધુ મત (છ લાખ 89 હજાર)ની લીડથી જીત્યા હતા. સુરતનાં દર્શનાબહેન જરદોસ (પાંચ લાખ 47 હજાર) તથા વડોદરાનાં રંજનબહેન ભટ્ટ (પાંચ લાખ 90 હજાર મત) સાથે ટોપ-5માં હતા.

16મી તથા 17મી લોકસભાચૂંટણી દરમિયાન ભાજપે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.

અઢી દાયકા બાદ દક્ષિણાયન

1980માં ભાજપની સ્થાપના થઈ અને કેશુભાઈ તેના પ્રમુખ બન્યા. શંકરસિંહ વાઘેલાએ ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં તથા કાશીરામ રાણાએ દક્ષિણ ગુજરાતમાં પાર્ટીના પાયા નાખવામાં અને તેને મજબૂત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.

ત્યારબાદ 1991માં પ્રથમ વખત પાર્ટીએ દક્ષિણ ગુજરાતના નેતા કાશીરામ રાણાને તેના અધ્યક્ષ બનાવ્યા. રાણાએ આ પદભાર 1996 સુધી સંભાળ્યો. લગભગ અઢી દાયકા બાદ આ પદ દક્ષિણ ગુજરાતના નેતા મળ્યા છે.

આચાર્ય માને છે કે વાઘાણી પૂર્વ પ્રદેશાધ્યક્ષ હોય તેમને રાજ્ય સરકારમાં પ્રધાન તરીકે અથવા 'અન્ય કોઈ' સન્માનજનક પદ આપવામાં આવશે, જેથી તેમની ગરિમા જળવાઈ રહે.

અઢી દાયકાના ગાળામાં આ પદ સૌરાષ્ટ્રના નેતાઓ વજુભાઈ વાળા (ઓ. બી. સી. રાજકોટ), આર. સી. ફળદુ (પાટીદાર, જામનગર), પુરુષોતમ રૂપાલા (પાટીદાર, અમરેલી), વિજય રૂપાણી (રાજકોટ) પાસે જ રહ્યું.

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાના કહેવા પ્રમાણે, "ક્ષત્રિય, પાટીદાર તથા ઓ. બી.સી. વિવાદ ન વકરે તે માટે સી. આર. પાટીલની નિમણૂક કરવામાં આવી છે.સાથે જ તેમાં પાર્ટીની અંદર તથા બહારના લોકો માટે 'એલિમૅન્ટ ઑફ સરપ્રાઇઝ' પણ ખરું."

તેઓ માને છે કે 2017ની વિધાનસભા ચૂંટણ દરમિયાન 'પાટીદાર ફેક્ટર'ની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભાજપના પર્ફૉર્મન્સમાં પાટીલનું પ્રદાન ગણી શકાય.

પાટીલ સામે પડકાર

પાટીલ મૂળ દક્ષિણ ગુજરાતના છે આથી તેમની સામે 'સૌરાષ્ટ્રની લોબી'ને સાથે લઈને ચાલવાનો પડકાર હશે. આ સિવાય તેઓ ઓ.બી.સી., ક્ષત્રિય કે પાટીદાર એમ ત્રણ મુખ્ય જ્ઞાતિના ન હોય, તેમને સાથે લઈને ચાલવાનો પડકાર ઊભો થશે.

આ સિવાય સરકાર તથા સંગઠનમાં ફેરફાર લાંબા સમયથી પડતર છે, ત્યારે તમામ 'વર્ગ અને જૂથ'ને સાથે લઈને પુનર્ગઠન કરવાનો પડકાર તેમની સામે હશે.

આઠ વિધાનસભા ઉપર પેટાચૂંટણી, આ સિવાય મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી તથા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે સંગઠનને તૈયાર કરવાનું રહેશે.

નાયક માને છે, "2017માં સુરતમાં પાટીદાર ફૅક્ટરને ખાળવામાં સી.આર. પાટીલના સંગઠનકૌશલ્યનો પાર્ટીને લાભ મળ્યો હતો, બાદમાં 2019ની લોકસભા ચૂંટણીમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભાજપની મતોની ટકાવારી વધી હતી. એટલે આગામી સમયમાં પાર્ટી તેમના ઉપર મદાર રાખી શકે છે."

વર્ષ 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે, તેઓ રાજ્ય ભાજપના સહ-પ્રભારી છે. ત્યારે 'જનતા દળ યુનાઇટેડ સાથે કે તેના વગર' બિહાર ભાજપને સજ્જ કરવાની જવાબદારી તેમની ઉપર હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો