You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સી. આર. પાટીલની નિમણૂક વિશે હાર્દિક પટેલે શું સવાલ ઉઠાવ્યા?
ભાજપના સંસદસભ્ય સી. આર. પાટીલની ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સી. આર. પાટીલ નવસારી બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
સી. આર. પાટીલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "પાર્ટીએ મને સામાન્ય કાર્યકરમાંથી પક્ષના પ્રમુખની જવાબદારી સોંપી છે, જેની માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે. પી. નડ્ડા અને પ્રદેશનેતાઓનો આભાર માની રહ્યો છું"
આગામી પડકાર વિશે તેમણે કહ્યું, "પાર્ટી મજબૂત હતી, છે અને હવે વધારે મજબૂત બને એ માટે મહેનત કરીશું."
"હાલના સમયમાં સૌથી મોટો પડકાર કોરોના વાઇરસની મહામારી છે. જેમાં પક્ષના કાર્યકરો મહેનતથી કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં પણ કામ કરીશું અને મહામારીમાંથી બહાર નીકળીશું."
હાર્દિક પટેલે શું કહ્યું?
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેની સી. આર. પાટીલની નિમણૂકને ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ હાર્દિક પટેલ કૉંગ્રેસ માટે ચિંતાની વાત નથી માનતા.
બીબીસી ગુજરાતીના અર્જુન પરમાર સાથેની વાતચીતમાં તેમણે પાટીલની નિમણૂક અંગે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું, "શું ભાજપ પાસે પક્ષના જૂના ગુજરાતી કાર્યકર્તા નહોતા? શું એટલે ગુજરાતમાં રહેતી મહારાષ્ટ્રની એક વ્યક્તિની પ્રદેશના અધ્યક્ષ તરીકે પસંદગી કરાઈ?"
તેમણે કહ્યું "શું એમને કોઈ ગુજરાતી વ્યક્તિ ન મળી કે પછી ગુજરાતમાં ભાજપ પાસે કોઈ નેતૃત્વ જ બાકી નથી રહ્યું? શું નરેન્દ્ર મોદી, અમિત શાહના જવાથી અને વિજય રૂપાણીના ફ્લૉપ નેતૃત્વ બાદ ભાજપ પાસે કોઈ રહ્યું જ નથી?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના ગુજરાત પ્રદેશઅધ્યક્ષ તરીકે સી. આર. પાટીલની નિમણૂક અંગેનાં કારણ વિશે વાત કરતાં તેઓ કહે છે, "પસંદગી પાછળ ભાજપનું કોઈ આયોજન હશે, પરંતુ તેમની નિમણૂકથી અગાઉ કહ્યું એમ કૉંગ્રેસને કોઈ ફેર પડવાનો નથી. એમની નિમણૂકથી કૉંગ્રેસને કોઈ પણ જાતનું નુકસાન નથી થવાનું."
સી. આર. પાટીલની નિમણૂક મામલે ગુજરાત ભાજપના નેતૃત્વ પર કટાક્ષ કરતાં તેઓ જણાવે છે કે, "આર. સી. ફળદુ, શંકર ચૌધરી અને ગુજરાત ભાજપના અન્ય અગ્રણી નેતાઓને સ્થાને ગુજરાતમાં રહેતી મહારાષ્ટ્રની એક વ્યક્તિની ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકેની વરણીથી એ વાત સાબિત થઈ ગઈ છે કે આજ સુધી ગુજરાતમાં ભાજપનું કોઈ નેતૃત્વ સફળ નથી રહ્યું અને ભવિષ્યમાં પણ નહીં રહે."
વિજય રૂપાણીએ શુભેચ્છા પાઠવી
રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વિટરના માધ્યમથી તેમને શુભેચ્છા પાઠવી હતી.
વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે આ નિર્ણયને વધાવીએ છીએ, સી. આર. પાટીલ ખૂબ જૂના ભાજપના કાર્યકર્તા છે. તેઓ એક નાના કાર્યકરથી સંસદસભ્ય સુધી ખૂબ મહેનત કરીને પહોંચ્યા છે."
"આગામી વર્ષોમાં તેમના નેતૃત્વમાં ભાજપ ખૂબ વિકાસ સાધશે, સંગઠનનો વ્યાપ વધશે. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ તેમના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત કરશે એવી શ્રદ્ધા છે."
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સોમવારે પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિની જાહેરાત કરી હતી.
અત્યાર સુધી ભાજપના ગુજરાત રાજ્યના પ્રમુખની જવાદારી જીતુ વાઘાણી સંભાળતા હતા.
20 ઑગસ્ટ 2016થી જીતુ વાઘાણી પ્રદેશ ભાજપના પ્રમુખનું પદ સંભાળતા હતા.
હવે વાઘાણીને મંત્રીમંડળમાં જગ્યા આપવામાં આવી શકે છે, એવી શક્યતા રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.
નોંધનીય છે કે કાશીરામ રાણા બાદ દક્ષિણ ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ માટે લાંબા સમય સુધી કોઈની નિયુક્તિ નહોતી કરાઈ, એ પછી સી. આર. પાટીલને આ પદભાર સોંપવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો