You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને ભૂકંપ નડ્યો અને વિજય રૂપાણીનો કોરોનાએ ભોગ લીધો?
- લેેખક, રાજ ગોસ્વામી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
2017માં વિધાનસભાની રાજકોટ (પશ્ચિમ)ની બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવા માટે ગાંધીનગરસ્થિત તેમના બંગલે ગયા હતા.
તે વખતે રૂપાણીએ ઉપસ્થિત મીડિયાને કહ્યું હતું, "માનનીય કેશુભાઈ અમારી પાર્ટીના સૌથી વડીલ સભ્ય છે એટલે હું તેમના આશીર્વાદ લેવા આવ્યો છું. તેમણે તેમનું સમગ્ર જીવન પાર્ટીને સમર્પિત કર્યું છે. હું તેમના આશીર્વાદ લઈને ઉમેદવારીપત્ર ભરવા માટે રાજકોટ રવાના થઈશ. હું ધન્યતા અનુભવું છું."
વિડંબના કહો કે યોગાનુયોગ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પહેલા મુખ્ય મંત્રી કેશુભાઈને 2001ના ધરતીકંપમાં ગેરવહીવટના કારણે ચૂંટણીના 15 મહિના પહેલાં જ સત્તા છોડવી પડી હતી.
તેમણે જેને આશીર્વાદ આપ્યા હતા તે રૂપાણીને પણ કોરોનાની મહામારીમાં ગેરવહીવટના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 15 મહિના પહેલાં ગડગડિયું મળ્યું છે.
ગુજરાતમાં મુખ્ય મંત્રીઓનો કાર્યકાળ
એક વારના ભાજપના નેતા શંકરસિહ વાઘેલાએ રૂપાણીના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે કોરોનાકાળમાં ગેરવહીવટ કર્યો છે કેન્દ્ર સરકારે, પણ મોદી એનું ઠીકરું ફોડી રહ્યા છે રૂપાણીના માથે.
ઇન ફેક્ટ, કેશુભાઈને બે વાર જવું પડ્યું હતું, પહેલી વાર 1995માં અને બીજી વાર 2001માં.
ગુજરાતમાં કેશુભાઈએ જ ભાજપને ઉછેરી હતી અને કેશુભાઈએ જ એ મીથ પણ તોડી કે ભાજપ કેડર-આધારિત શિસ્તબદ્ધ પાર્ટી છે.
એમાં જોડવા જેવું એ પણ છે કે ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને પણ સત્તાના બે જ વર્ષમાં પટેલ અંદોલનમાં તેમની કથિત નકામીના કારણે રાજીનામું આપવું પડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેશુભાઈના રાજીનામાના કારણે નરેન્દ્ર મોદીને 2001માં મુખ્ય મંત્રીપદ આપવામાં આવ્યું હતું.
2014માં મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમની જગ્યાએ આનંદીબહેનને ગુજરાતનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.
2016માં તેમણે રાજીનામું આપ્યું હતું અને રાજકોટથી રૂપાણીને ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. તેમણે રાજીનામું આપ્યું ત્યારે પણ ચૂંટણી 15 મહિના છેટી હતી.
ભાજપ ભલે ગુજરાતમાં 27 વર્ષથી અણનમ હોય, પણ તેના મુખ્ય મંત્રીઓ (મોદીને બાદ કરતાં) ટર્મ પૂરી કરી શકતા નથી, અને વિશેષ તો ગેરવહીવટના આરોપો સાથે બહાર જાય છે તેવી માન્યતાના નિયમિત પુરાવા મળતા જાય છે. રૂપાણીએ એમાં એમાં ઉમેરો કર્યો છે.
જ્યારે કેશુભાઈને રાજીનામું આપવું પડ્યું
ગુજરાતમાં અત્યાર સુધીમાં 16 મુખ્ય મંત્રીએ શાસન કર્યું છે. તેમાંથી 12 મુખ્ય મંત્રીઓએ 5 વર્ષનું પૂરું શાસન કર્યું નથી. મોદીએ સૌથી વધુ 4610 દિવસ શાસન કર્યું હતું, જ્યારે સૌથી ઓછું માત્ર 128 દિવસનું શાસન દિલીપ પરીખે કર્યું હતું.
તાજેતરમાં મુખ્ય મંત્રીની ખુરશીમાંથી જવું પડ્યું હોય તેવા રૂપાણી ચોથા છે. અગાઉ કર્ણાટકમાં બીએસ યેદુરપ્પા, ઉત્તરાખંડમાં તીરથસિંહ રાવત અને ત્રિવેન્દ્ર રાવતને જવું પડ્યું હતું.
ગુજરાતમાં ભાજપની પહેલી સરકાર 1995માં બની હતી. 14 માર્ચે કેશુભાઈ તેના પહેલા મુખ્ય મંત્રી બન્યા હતા.
સાત જ મહિનામાં ભાજપના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને સરકાર ઊથલી પડે તેવી સ્થિતિ ઊભી થઈ એટલે કેશુભાઈએ રાજીનામું આપ્યું હતું.
જોકે, 1998માં ફરીથી ભાજપની સરકાર રચાઈ હતી અને કેશુભાઈને બીજી વાર CM બનાવાયા હતા.
2001માં ભૂકંપની કામગીરીને લઈને તેમની ઘણી ટીકા થઈ હતી. એ પછી સાબરકાંઠા લોકસભા બેઠક અને સાબરમતી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય થયો એટલે એ ટીકાને બળ મળ્યું અને ઑક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીને લાવવામાં આવ્યા.
લેખક-પત્રકાર શેષાદ્રી ચારીએ અગાઉ એક વાર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે "2001ની કેશુભાઈની ઘટના અને 2021માં નરેન્દ્ર મોદીની ઘટના એ બંને જુદી-જુદી વાતો છે."
તેમણે કહ્યું હતું "એવું તો જરાય નથી કે ભૂકંપ ન આવ્યો હોત તો કેશુભાઈ ક્યારેય હઠ્યા ન હોત અને નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા જ ન હોત. કેશુભાઈ ભૂકંપ વખતે સ્થિતિને સારી રીતે સંભાળી ન શક્યા એટલે એમને હઠાવાયા એવું કહેવું પણ યોગ્ય નથી."
ત્યારે કેશુભાઈએ પણ એ વાતનો ઇનકાર કર્યો હતો. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે મારી સરકારે પહેલા જ દિવસથી યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું હતું.
"એપી સેન્ટરની ખબર પડતાં જ મેં રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. મેં વડા પ્રધાન વાજપેયીને અને અન્ય કેન્દ્રીય નેતાઓને પણ જણાવ્યું હતું કે અમે પહેલા દિવસથી જ કામ કરી રહ્યા છીએ," એમ કેશુભાઈએ કહ્યું હતું.
શંકરસિંહ વાઘેલાએ ત્યારે કહ્યું હતું કે રાહતકામમાં રાજ્ય સરકારની નિષ્ફળતા એવી હતી કે વરસાદ પડતો હતો અને ભૂકંપ પીડિતોના માથે છત ન હતી.
કેશુભાઈએ તેમના બચાવમાં કહ્યું હતું કે મેં પ્રયાસ નહોતા કર્યા એટલે મારી ટીકા થઈ ન હતી, પરંતુ જમીની હકીકત અને માન્યતા વચ્ચે બહુ અંતર હતું.
ત્યારે એકમાત્ર ગુજરાતમાં જ ભાજપની બહુમતી હતી અને આરએસએસ-ભાજપ માટે ગુજરાત હિન્દુત્વની પ્રયોગશાળા હતું અને સરકારની નિષ્ફળતા આંખે ઊડીને દેખાતી હતી.
કેશુભાઈ મોદીના નામથી ભડકી ઊઠ્યા
સાબરમતી બેઠક તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના મતવિસ્તારમાં આવતી હતી. ત્યાં ભાજપ હાર્યો એટલે નેતાગીરીને નક્કર કારણ મળી ગયું અને કેશુભાઈને દિલ્હી બોલાવીને રાજીનામા માટે સમજાવી લેવામાં આવ્યા હતા.
કેશુભાઈ ત્યારે મોદીના નામથી ભડકી ગયા હતા. તેમના મોટા ભાગના 30 પટેલ ધારાસભ્યોએ દિલ્હીમાં ભાજપ નેતાગીરીને આવેદનપત્ર આપીને પટેલ મુખ્ય મંત્રી માટે માગણી કરી હતી.
કેશુભાઈના હરીફ અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતાએ પણ ત્યારે કહ્યું હતું કે મોદી મુખ્ય મંત્રી બનશે તો હું પ્રધાનમંડળમાં નહીં હોઉં, કારણ કે મોદી મારાથી જુનિયર છે.
ગાંધીનગર આવેલા કેશુભાઈએ બે દિવસ સુધી રાજીનામું પણ આપ્યું ન હતું, પરંતુ પડદા પાછળની સમજાવટના પરિણામે ત્રીજા દિવસે તેમણે પત્રકારપરિષદમાં તેમના રાજીનામાની અને મોદીના નામની ઘોષણા કરી હતી.
આ ડ્રામાની સરખામણીમાં રૂપાણીનું રાજીનામું એટલું સરસ રીતે ગોઠવાયેલું હતું કે તેમણે રાજ્યપાલને રાજીનામાપત્ર સુપ્રત કર્યો ત્યારે તેને કૅમેરામાં રેકૉર્ડ કરવા માટે મીડિયા હાજર હતું.
સરખામણીનો સવાલ છે ત્યાં સુધી કેશુભાઈ જેવા જ આરોપો રૂપાણી સામે થઈ રહ્યા છે. કૉંગ્રેસે કહ્યું છે કે કોરોનાની મહામારીનો સામનો કરવામાં અને લોકોને રાહત પહોંચાડવામાં રાજ્ય સરકારની નિષ્ફળતાએ રૂપાણીનો ભોગ લીધો છે.
2017માં ભાજપ 100ની અંદર સમેટાઈ ગયો
કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી ભારત સોલંકી કહે છે, "રૂપાણી કોવિડ દરમિયાન રાહત આપવામાં નિષ્ફળ ગયા હતા. નીતિન પટેલને પણ દૂર કરવા જોઈએ."
લોકોમાં રૂપાણીને લઈને એવી માન્યતા બંધાઈ હતી કે તેઓ વહીવટમાં 'નબળા' પુરવાર થયા હતા અને અધિકારીઓ પર આધાર રાખતા થઈ ગયા હતા.
કોવિડની બીજી લહેરમાં રાજ્યનું આરોગ્યતંત્ર ઊંઘતું ઝડપાયું હતું અને તેમાં આર્થિક સ્થિતિ પણ બગડી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ મહામારીમાં વહીવટને લઈને સરકાર સામે ગંભીર ટીપ્પણીઓ કરી હતી.
બીજાં બે કારણો પણ તેમના જવા પાછળ જવાબદાર હોઈ શકે. એક, ગુજરાત ભાજપના પ્રમુખપદે સી.આર. પાટીલની નિમણૂક થઈ ત્યારથી રૂપાણી અને તેમની વચ્ચે ખટરાગ ચાલતો રહ્યો હતો.
મહામારીમાં પાટીલ પાસેથી મળી આવેલા રેમડિસિવર ઇન્જેકશનના જથ્થાને લઈને રૂપાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે રીતે "મને શું ખબર, સીઆરને પૂછો" એવું કહ્યું હતું તેનો વીડિયો પણ ખૂબ વાઇરલ થયો હતો.
ત્યાં સુધી કે રૂપાણીએ શનિવારે રાજીનામુ આપ્યું તેના કલાકોમાં જ પાટીલે રેકૉર્ડેડ વીડિયો સંદેશો જારી કરીને કહ્યું હતું કે "હું CMની હરીફાઈમાં નથી."
બીજું કારણ એ મનાય છે કે 2017ની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 100 બેઠકોની અંદર આવી ગયો હતો.
તેનો નેતાગીરીને રંજ હતો. રૂપાણીને એટલા માટે જ લાવવામાં આવ્યા હતા કે ચૂંટણીમાં પર્ફૉર્મન્સ સુધરે.
અમિત શાહે 2017માં 182માંથી 150 બેઠકોનું લક્ષ્ય નક્કી કર્યું હતું. તેમણે ત્યારે કહ્યું હતું, "ચૂંટણીમાં 150 બેઠકોનું મિશન પૂરું કરવામાં આવશે. ભાજપે એટલો વિકાસ કર્યો છે લોકો એટલો સપોર્ટ તો કરશે."
ના કર્યો. ભાજપને 99 બેઠકો મળી. એ 16 બેઠકોનું નુકસાન હતું. કેન્દ્રીય નેતાગીરીને લાગ્યું હશે કે 2017માં જો 16 બેઠકો ઘટી ગઈ હોય, તો આટલી જાલિમ મહામારી વચ્ચે યોજાનારી આગામી ચૂંટણીમાં બેઠકો 99થી પણ ઓછી થઈ જાય તો?
ભાજપ તેની પ્રયોગશાળામાં એવા 'પ્રયોગ' કરવા માગતું ન હતું એટલે સરકાર-વિરોધી મૂડને ખાળવા રૂપાણીને રુખસદ આપવી પડી છે. એ જ કારણ કેશુભાઈ વખતે પણ હતું. કેશુભાઈએ તો પછી ભાજપ છોડીને અલગ પણ ચોકો બનાવ્યો હતો.
આપણને ખબર નથી કે 2017માં કેશુભાઈએ કેવા આશીર્વાદ આપ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો