નીતિન પટેલ : ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે આ પહેલાં જ્યારે નામ જાહેર થયું પણ...

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજ્યની શાસનની ધૂરા કોણ સંભાળશે, તેના વિશે અટકળો શરૂ થઈ ત્યારે નીતિન પટેલનું નામ પણ હતું. જોકે હવે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ ગઈ છે.

એક વખત એવો હતો જ્યારે નીતિન પટેલનું નામ જાહેર થઈ ગયું હતું પણ પછીની મુખ્ય મંત્રીની ખુરશી તેમને નહોતી મળી.

ગુજરાત ભાજપના ઇતિહાસને જોવામાં આવે તો કમસે કમ બે વખત એવું થયું છે કે મુખ્ય મંત્રીનું નામ 'સાર્વજનિક' થઈ ગયું હોય અને છેલ્લી ઘડીએ તે બદલાઈ ગયું હોય. આ નામ હતાં નીતિન પટેલ તથા કાશીરામ રાણાનાં.

કાશીરામ ન બની શક્યા 'રાણા'

નવમી ગુજરાત વિધાનસભા દરમિયાન માર્ચ-1995માં ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર બની હતી અને કેશુભાઈ પટેલ તેના મુખ્ય મંત્રી બન્યા હતા. જોકે માત્ર છ મહિનામાં જ પાર્ટીનો આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો અને કેશુભાઈના નેતૃત્વ સામે પડકાર ઊભો થયો હતો.

આ પડકાર તેમના જ એક સમયના સાથી શંકરસિંહ વાઘેલા દ્વારા ઊભો થયો હતો. વાઘેલાએ કેશુભાઈ પટેલની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને સંઘસમર્થિત નરેન્દ્ર મોદીને ગુજરાતની બહાર મોકલવાની માગ મૂકી હતી.

લગભગ 48 જેટલા ધારાસભ્યો શંકરસિંહ વાઘેલાની સાથે હતા. એ સમયે કાશીરામ રાણા ગુજરાત ભાજપના અધ્યક્ષ હતા. વાઘેલા ઇચ્છતા હતા કે કાશીરામ રાણાને મુખ્ય મંત્રી બનાવવામાં આવે.

1995માં ગાંધીનગર ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં રાણાના નામની પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી, પરંતુ તેની 'ઔપચારિક જાહેરાત' થઈ ન હતી.

જ્યારે રાણા બેઠકમાંથી બહાર આવ્યા, ત્યારે બેઠકમાં શું થયું તેની આતુરતાપૂર્વક બહાર રાહ જોઈ રહેલા પત્રકારોને રાણાએ 'Good Faith'માં આ વાત કહી હતી.

તેમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા. એ સમયે 24 કલાકની ન્યૂઝ ચેનલ્સનો જમાનો ન હતો અને મોટા ભાગના પત્રકારો અખબાર કે સામયિકો માટે કામ કરતા હતા.

જોકે, એક પત્રકારે ' News FLash' (બ્રૅકિંગ ન્યૂઝ માટેની અગાઉની વ્યાખ્યા, પત્રકારોની પરિભાષા) માટે ડેસ્કને આ ઘટનાક્રમ વિશે જાણ કરી.

News Flashને કારણે એ માહિતી બધે ફેલાઈ ગઈ અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સુધી આ માહિતી પહોંચી.

તેમને લાગ્યું કે વાઘેલા કૅમ્પ દ્વારા 'દબાણની રાજનીતિ' અપનાવવામાં આવી રહી છે એટલે છેક છેલ્લી ઘડીએ તેમનું નામ હઠાવીને સુરેશ મહેતાના નામને ફાઇનલ કરવામાં આવ્યું, જે વાઘેલાની બીજી પસંદ હતા.

મહેતા કેશુભાઈની નજીક હતા, પણ તેમના જૂથના ન હતા એવી જ રીતે તેઓ વાઘેલા જૂથના પણ ન હતા.

બળવા વખતે વાઘેલાએ કહ્યું હતું કે 'ધારાસભ્ય જ મુખ્ય મંત્રી બને', આથી રાણાનું પત્તું કાપવા માટે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા એ જ તર્ક આગળ કરવામાં આવ્યો. મજબૂરીમાં વાઘેલાએ એ નિર્ણય સ્વીકારવો પડ્યો.

રાણાના મનમાં એ ઘટનાક્રમનો ખટકો હંમેશાં રહેવા પામ્યો હતો, પત્રકારની પ્રતિષ્ઠાને પણ આંચકો લાગ્યો. પત્રકારત્વની કૉલેજમાં અને નવા પત્રકારોને શીખવવામાં 'શું ન કરવું' તે વાત માટે આ દાખલો ટાંકવામાં આવતો હતો.

જોકે, કદાચ ભાજપના જ નેતા નીતિન પટેલે આ વાતમાંથી કોઈ પાઠ લીધો નહીં અને 2016માં તેનું પુનરાવર્તન થયું.

નીતિન પટેલનું પત્તું પણ કપાઈ ગયું

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા ત્યારે આનંદીબહેન પટેલને રાજ્યની શાસનની ધૂરા સોંપવામાં આવી હતી.

જોકે, તેમના શાસનકાળ દરમિયાન પાટીદાર અનામત આંદોલન થયું, જેના કારણે લાંબા સમયથી ભાજપની સાથે રહેલો પાટીદાર સમાજ નારાજ થઈ ગયો. જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે આ નારાજગીનું પરિણામ ભોગવવું પડ્યું.

આ નારાજગીને દૂર કરવા માટે તથા 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર તથા પાર્ટીમાં નવેસરથી પ્રાણ ફૂંકવા માટે નેતૃત્વ-પરિવર્તનની જરૂર ઊભી થઈ.

ઑગસ્ટ-2016માં 'ઉંમર'નું કારણ આગળ કરીને તેમને મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. તેમને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે, તે ભાજપ સહિત રાજકીય વર્તુળોમાં 'ઑપન સિક્રેટ' હતું.

આ અરસામાં નીતિન પટેલના નામ પર કેન્દ્રીય નેતૃત્વે મંજૂરીની મહોર મારી દીધી. નીતિન પટેલ પ્રભાવશાળી પાટીદાર સમાજના હતા, તેઓ આનંદીબહેન પટેલની નજીક હતા, સરકારમાં 'નંબર ટુ' પર પણ હતા એટલે આ નામ સામે આશ્ચર્ય ન હતું.

નીતિન પટેલે આ વાતની જાહેરાત કરી અને તેમનો ઍક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ પણ થયો. જેમાં પટેલે આગામી વિધાનસભા ચૂંટણી માટેના વિચાર, દલિતોમાં અસંતોષ, પાટીદાર આંદોલનને ઉકેલવા માટેના રસ્તાની ચર્ચા કરી હતી.

એ ઇન્ટરવ્યૂમાં નીતિન પટેલે મોદીનાં વખાણ કર્યાં હતાં, પરંતુ તે પૂરતા નિવડ્યા ન હતા. તેમના સ્થાને વિજય રૂપાણીની 'સરપ્રાઇઝ' જાહેરાત થઈ, તેઓ માસ લીડર ન હતા, પણ તેમને કેન્દ્રીય નેતૃત્વનું પીઠબળ હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો