કોરોના વાઇરસ : એ સવાલ, જેના જવાબ તમે શોધી રહ્યા છો

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે દુનિયાભરમાં 2,93,03,757 લોકો કોરોના વાઇરસની ચપેટમાં આવ્યા છે અને 9,28,963 લોકો મોતને ભેટ્યા છે.

ભારતમાં પણ કેસો 50 લાખની નજીક પહોંચ્યા છે.

અમેરિકા અને ભારત હાલ કોરોના વાઇરસથી સૌથી વધારે અસરગ્રસ્ત દેશો છે.

અહીં અમે કોરોના વાઇરસ મામલે વાંચકો તરફથી પૂછવામાં આવેલા કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

1. શું કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિના હાથે બનેલું ભોજન જમવાથી ખતરો રહે છે?

સંક્રમિત વ્યક્તિએ ભોજન બનાવતા સમયે જો સાફ-સફાઈનું સારી રીતે ધ્યાન ન રાખ્યું હોય તો તેનાથી કોરોના વાઇરસ ફેલાવાનો ખતરો રહે છે.

છીંકવા અથવા ખાંસવા પર હાથ પર લાગેલા કફના નાના કણથી પણ કોરોના વાઇરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.

બૅક્ટેરિયાને ફેલાવાથી રોકવા માટે ભોજન લેતા પહેલાં અને સ્પર્શ કરતાં પહેલા હાથ સારી રીતે ધોવાની હંમેશાં સલાહ આપવામાં આવે છે.

2. શું કોરોનાહૅન્ડલથી પણ ફેલાઈ શકે છે?

જો કોઈ સંક્રમિત વ્યક્તિ છીંકતા સમયે મોઢા પર હાથ રાખે અને પછી એ જ હાથથી કોઈ વસ્તુને પકડે છે તો તે વસ્તુમાં બૅક્ટેરિયા લાગી જાય છે.

દરવાજાના હૅન્ડલ તેના સારા ઉદાહરણ છે જેનાથી બીજા લોકોને સંક્રમણનો ખતરો હોઈ શકે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના વાઇરસ કોઈ પણ જગ્યાએ અસ્તિત્વમાં રહી શકે છે અને એ પણ ઘણા દિવસો સુધી.

એટલે સૌથી શ્રેષ્ઠ એ છે કે તમે હાથ નિયમિતરૂપે ધોતા રહો જેથી સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય અને કોરોના વાઇરસને ફેલાવાથી રોકી શકાય.

3. કોરોના વાઇરસથી બાળકોને કેટલો ખતરો?

ચીનથી મળી રહેલા આંકડા પ્રમાણે બાળકો તુલનાત્મક રૂપે કોરોના સંક્રમણથી બચેલા છે.

જોકે, જે બાળકોને ફેફસાની બીમારી છે અથવા તો અસ્થમા છે, તેમણે વધારે સાવધાન રહેવાની જરૂર છે કેમ કે આવા કેસમાં કોરોના વાઇરસ હુમલો કરી શકે છે.

મોટાભાગના બાળકો માટે તે શ્વસન સંબંધી સામાન્ય સંક્રમણની જેમ છે અને તેમાં ખતરા જેવી કોઈ વાત નથી.

વાઇરસને ફેલાવાથી રોકવા માટે સરકાર અને વહીવટીતંત્ર પાસે સ્કૂલ બંધ કરવાનો અધિકાર હોય છે. જો તેઓ ઇચ્છે તો આમ કરી શકે છે.

દુનિયાના 14 દેશોમાં સ્કૂલ પહેલેથી બંધ જ છે જ્યારે અન્ય 13 દેશોમાં થોડી સ્કૂલ બંધ કરવામાં આવી છે.

4. અસ્થમાના દર્દીઓ માટે કોરોના વાઇરસ કેટલો ખતરનાક?

આપણા શ્વસનતંત્રમાં કોઈ પણ પ્રકારનું સંક્રમણ થાય, પછી ભલે તે કોરોના વાઇરસ હોય, તો પણ તે અસ્થમાની તકલીફ વધારી શકે છે.

કોરોના વાઇરસ મામલે ચિંતિત અસ્થમાના દર્દી સાવધાનીરૂપે કેટલાંક પગલાં ઉઠાવી શકે છે. તેમાં ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલા ઇનહેલરનો પણ સમાવેશ થાય છે.

તેનાથી કોરોના સહિત કોઈ વાઇરસ કે બીજા કોઈ કારણોસર દમનો હુમલો થવાનો ખતરો ઓછો થાય છે.

5. મોબાઇલ ફોનથી પણ કોરોનાનો ચેપ લાગી શકે છે?

માનવામાં આવે છે કે કોરોના વાઇરસનો ચેપ છીંકવા તેમજ ખાંસવાથી એક વ્યક્તિના માધ્યમથી બીજી વ્યક્તિને લાગી શકે છે.

પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વાઇરસ કોઈ પણ સપાટીએ પણ રહી શકે છે અને એ પણ શક્ય છે કે ઘણા દિવસ સુધી રહી શકે છે.

એટલે મહત્ત્વની બાબત એ છે કે તમારો ફોન ઘરે હોય કે ઑફિસમાં, તેને વારંવાર સાફ કરવાનું રાખો.

ફોન બનાવતી દરેક મોટી કંપનીઓ મોબાઇલ ફોનને આલ્કૉહૉલથી, હૅન્ડ સૅનિટાઇટરથી કે પછી સ્ટરલાઇઝિંગ વાઇપ્સથી સાફ કરવા મામલે ચેતવણી આપે છે કેમ કે તેનાથી ફોનની કોટિંગને નુકસાન થવાનો ખતરો રહે છે.

આ કોટિંગ લેયરને નુકસાન પહોંચવાથી બૅક્ટેરિયા માટે મોબાઇલ ફોનની અંદર ફસાઈને રહેવું સહેલું બની જાય છે.

આજકાલ જે મોબાઇલ ફોન આવે છે, તેના વિશે કહેવામાં આવે છે કે તે વૉટર રેઝિસ્ટન્ટ હોય છે એટલે કે તેને પાણીથી ખતરો હોતો નથી.

જો એવું છે તો તમે તમારા ફોનને સાબુ અને પાણી કે પછી પેપર ટાવલથી સાફ કરી શકો છો પરંતુ એમ કરતા પહેલા એ ચોક્કસ તપાસી લો કે તમારો ફોન વૉટર રઝિસ્ટન્ટ છે કે નહીં.

6. કોરોનાના સંક્રમણ અને તેના લક્ષણ સામે આવવામાં કેટલો સમય લાગે છે?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાઇરસના સંક્રમણ બાદ તેના લક્ષણ સામે આવવામાં પાંચ દિવસનો સમય લાગે છે, પરંતુ કેટલાક લોકોમાં લક્ષણ દેખાવાને વધારે સમય પણ લાગી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે કોરોનાથી સંક્રમિત વ્યક્તિના લક્ષણ 14 દિવસ સુધી રહે છે. પરંતુ કેટલાક સંશોધકોના મતે તેના લક્ષણ 24 દિવસ સુધી રહી શકે છે.

ઇનક્યૂબેશન પીરિયડ અથવા તો બીમારી સામે આવવા માટે લાગતા સમયને જાણવો અને સમજવો જરૂરી છે.

તેનાથી ડૉક્ટરો અને સ્વાસ્થ્ય વિભાગને વધારે સારી અને પ્રભાવી રૂપે કોરોના વાઇરસને ફેલાવાથી રોકવા માટે યોગ્ય પગલાં ઉઠાવવા માટે મદદ મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો