World Cancer Day : ભારતમાં યુવા વયે કૅન્સર કેમ થાય છે?

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક ખાનગી કંપનીમાં કામ કરી રહેલાં નિધિએ નિશ્ચય કરી લીધો હતો કે કૅન્સરને પોતાનું જીવન નહીં બનવા દે અને તેમાંથી બહાર આવીને રહેશે.

નિધિ કપૂર બહુ સહજતાથી આ વાત કરી રહ્યાં છે. 38 વર્ષની ઉંમરે નિધિને ખ્યાલ આવ્યો હતો કે તેમને થાઇરૉઇડ-કૅન્સર છે.

નિધિ કહે છે કે કૅન્સર પ્રથમ સ્ટેજમાં છે તેની જાણ થઈ કે તરત જ આની સામે કેવી રીતે લડવું તે અંગે તેમણે વિચારી લીધું હતું.

નિધિ કહે છે કે તેમના પતિ અને પરિવારે સંપૂર્ણ સહકાર આપ્યો હતો, પણ તેમનાં દેરાણીને સ્તન-કૅન્સર છે તેની ખબર પડી ત્યારે તે ભાવુક થઈ ગયાં હતાં.

તેમનાં દેરાણી ગર્ભવતી હતાં અને સ્તન-કૅન્સર છે તેવો ખ્યાલ આવ્યો. તેમના કૅન્સરનો છેલ્લો સ્ટેજ હતો અને પ્રસૂતિ પછી તરત જ તેમનું મોત થઈ ગયું હતું.

નિધિનાં દેરાણી ફક્ત 29 વર્ષનાં હતાં. નાની ઉંમરે કૅન્સરથી વધારે લોકો મરી રહ્યા છે, તેવી વાતો ચાલવા લાગી છે, પણ શું તે વાત સાચી છે?

યુવા વયે કૅન્સર

છેલ્લાં 10 વર્ષમાં કૅન્સરના કિસ્સામાં 28 ટકાનો વધારો થયો છે અને તેનાથી થતાં મોતની સંખ્યામાં 20 ટકા વધારો થયો છે.

મેડિકલ જર્નલ ઑફ ઑન્કોલૉજીના 1990થી 2016 સુધી થયેલા અભ્યાસમાં આ આંકડા બહાર આવ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર દુનિયામાં મોતનું કારણ બનતી બીમારીમાં કૅન્સરનું સ્થાન બીજું છે.

ડૉક્ટરો કહે છે કે કૅન્સર મોટી ઉંમરે થનારી બીમારી છે, પણ હવે ઓછી ઉંમરે પણ લોકોને કૅન્સર થવા લાગ્યું છે.

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના ઑન્કોલૉજી વિભાગના પ્રોફેસર ડૉક્ટર એસવીએસ દેવનું કહેવું છે, "40 ટકા કિસ્સામાં તમાકુના સેવનને લીધે કૅન્સર થયું હોય એવું જોવા મળે છે."

"હવે તો 20-25ની ઉંમરના યુવાનોને પણ કૅન્સર થયેલું જોવા મળી રહ્યું છે."

બદલાયેલી જીવનશૈલી જવાબદાર?

ડૉક્ટર એસવીએસ દેવ કહે છે, "તમાકુનું સેવન કરનારાને 10-20 વર્ષ પછી જ કૅન્સર થયાનો ખ્યાલ આવે છે. અમારી પાસે ગામડાંના એવા યુવાનો આવે છે, જે સ્મોકલૅસ એટલે કે પાન, ખૈની, ગુટકામાં તમાકુ ખાય છે."

"કેવું નુકસાન થાય છે તેની જાણ વિના જ નાનપણથી તમાકુનો ઉપયોગ શરૂ કરી દે છે. તેના કારણે 22-25 વર્ષના યુવાનો કૅન્સરની સારવાર માટે અમારી પાસે આવે છે."

ડૉક્ટર એસવીએસ દેવના જણાવ્યા અનુસાર એમ્સમાં હાથ અને ગળાના, કોલોનના અને સ્તનના કૅન્સરના કિસ્સામાંથી 30 ટકામાં દર્દીની ઉંમર 35થી નીચેની જોવા મળી રહી છે.

મુંબઈના તાતા મેમોરિયલ સેન્ટરમાં સેન્ટર ફૉર કૅન્સર એપિડીમિઓલૉજીના ડિરેક્ટર પ્રોફેસર ડૉક્ટર રાજેશ દીક્ષિત તમાકુને કારણે થનારા કૅન્સરને જીવનશૈલી સાથે જોડે છે.

તેઓ જણાવે છે કે યુરોપ અને અમેરિકામાં તમાકુનું સેવન અટકાવવા માટે પગલાં લેવાયાં છે અને તે પછી ત્યાં તમાકુને કારણે થતા કૅન્સરમાં ઘટાડો થયો છે.

તમાકુના સેવનને કારણે મોઢામાં, સ્વાદુપિંડમાં, ગળામાં, અંડાશયમાં, ફેફસાંમાં અને સ્તનમાં કૅન્સર થતું જોવા મળે છે. જનતા, સરકાર અને મીડિયા આ બાબતમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે તો કૅન્સરને નિયંત્રણમાં લાવી શકાય.

કુપોષણ અને ચેપના કારણે થતી બીમારી

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કૅન્સરને કારણે થતાં મોત પૈકી ત્રીજા ભાગના કિસ્સાઓમાં શરીરની લંબાઈ કરતાં ઓછું વજન, ફળ અને શાકભાજીનો ઓછો ઉપયોગ, કસરતનો અભાવ અને તમાકુ તથા શરાબનું સેવન જવાબદાર હોય છે.

કૅન્સર વિશેના એક સવાલના જવાબમાં 2018માં લોકસભામાં કેન્દ્રના આરોગ્યમંત્રી હર્ષવર્ધને માહિતી આપી હતી કે ભારતમાં 15.86 લાખ કૅન્સરના કેસ થયેલા છે.

તેમણે આશ્વાસન આપ્યું હતું કે કૅન્સરના દર્દીઓના ઇલાજ માટે આરોગ્યકેન્દ્રોમાં સર્જરી, રેડિયોથેરપી, કિમોથેરપી અને પેલિએટિવ કૅરની સુવિધાઓ આપવામાં આવી રહી છે.

ભારતમાં કૅન્સરની વધી રહેલી બીમારી માટે ડૉક્ટર્સની જીવનશૈલીમાં ફેરફાર, લોકોમાં વધતી સ્થૂળતા, સરેરાશ આયુષ્યમાં વધારાને તથા નિદાનની સુવિધા વધી તેને ગણાવે છે.

ડૉક્ટર્સનું કહેવું છે કે આઝાદી વખતે ભારતમાં સરેરાશ આયુષ્ય 40-45 વર્ષનું હતું, જે અત્યારે વધીને 65-70ની થઈ ગઈ છે.

ભારતમાં કુપોષણ અને ચેપી રોગોની સમસ્યા મોટી હતી. તેના પર ઘણા અંશે કાબૂ મેળવી લેવાયો છે. સાથે જ કૅન્સરના નિદાનની અને સારવારની સુવિધા પણ વધી છે.

ભારતમાં કૅન્સરનો ઇતિહાસ

ભારતમાં કૅન્સર જેવી બીમારી અને તેના ઇલાજનો ઉલ્લેખ આયુર્વેદ અને પ્રાચીન પાંડુલિપિમાં મળે છે.

જર્નલ ઑફ ગ્લોબલ ઑન્કોલૉજીના જણાવ્યા અનુસાર ભારતીય મધ્યકાલીન સાહિત્યમાં કૅન્સરનો ઉલ્લેખ ઓછો જોવા મળે છે. 17મી સદી પછી કૅન્સરના કિસ્સાની નોંધ થવા લાગી હતી.

1860થી 1910 દરમિયાન ભારતીય ડૉક્ટરોએ કૅન્સરની તપાસ અંગે ઘણાં સંશોધનો અને અહેવાલો પ્રગટ કર્યાં હતાં.

મહિલાઓમાં કૅન્સર

'ધ ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ સ્ટડી' (1990-2016) અનુસાર ભારતમાં મહિલાઓમાં સૌથી વધુ સ્તન-કૅન્સર જોવા મળે છે.

અભ્યાસ અનુસાર સ્ત્રીઓમાં સ્તન-કૅન્સર પછી ગળાનું, પેટનું અને આંતરડાંના કૅન્સર સૌથી વધુ જોવા મળી રહ્યા છે.

દિલ્હીસ્થિત રાજીવ ગાંધી કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં ફેફસાં અને સ્તન રેડિએશન સર્વિસીઝના ડૉક્ટર કુંદર સિંહ ચુફાલનું કહેવું છે, "ગામડાની અને શહેરની સરખામણી કરીએ તો ગામડામાં ગળાનું અને શહેરમાં સ્તનનું કૅન્સર વધારે જોવા મળે છે."

"સમગ્ર ભારતમાં સ્તન-કૅન્સર સૌથી વધુ જોવા મળે છે, જેનું મુખ્ય કારણ મોડેથી થતાં લગ્ન, ગર્ભધારણમાં વિલંબ, ઓછું સ્તનપાન, તણાવ, જીવનશૈલી અને સ્થૂળતા જવાબદાર છે."

ડૉક્ટર રાજેશ દીક્ષિતનું કહેવું છે કે ભારતમાં સ્થૂળતા, ખાસ કરીને ફાંદને કારણે ગૉલ બ્લેડર, સ્તન અને કોલોનના કૅન્સર સૌથી વધુ થઈ રહ્યા છે.

પ્રદૂષણથી થતું કૅન્સર

ગયા વર્ષે ગંગારામ હોસ્પિટલમાં ડૉક્ટર અરવિંદ કુમાર પાસે 28 વર્ષનાં મહિલાનો કેસ આવ્યો હતો. તે સિગારેટ ના પીતાં હોવા છતાં ફેફસાનું ચોથા સ્ટેજનું કૅન્સર થયું હતું.

ડૉક્ટરનું કહેવું છે કે મહિલાના ઘરમાં પણ કોઈ ધૂમ્રપાન નથી કરતું, ત્યારે દિલ્હીના પ્રદૂષણના કારણે આવું થયું હશે તેવી ધારણા જ કરવી રહી.

એમ્સના ડૉક્ટર એસવીએસ દેવ પણ ધૂમ્રપાન ઉપરાંત પ્રદૂષણને પણ ફેફસાંના કૅન્સર માટે જવાબદાર માને છે.

અર્થતંત્ર પર અસર

લેસન્ટ જર્નલના જણાવ્યા અનુસાર 2035 સુધીમાં કૅન્સરની બીમારી વધી શકે છે અને 10 લાખથી 17 લાખ દર્દીઓ થઈ જશે. ભારતમાં કૅન્સરને કારણે થનારાં મોતની સંખ્યા વધીને 12 લાખની થઈ જશે.

જર્નલ ઑફ ક્લિનિકલ ઑન્કોલૉજીના જણાવ્યા અનુસાર ભારતમાં કૅન્સરના 18 લાખ દર્દીઓ સામે કૅન્સર સ્પેશ્યાલિસ્ટની સંખ્યા માત્ર 1600 જ છે, એટલે કે 1125 દર્દીઓ સામે એક જ કૅન્સર સ્પેશ્યાલિસ્ટ છે.

નવ્યાના ચીફ મેડિકલ ઑફિસર ડૉક્ટર નરેશ એમ. રાજનનું માનવું છે કે કૅન્સરને કારણે અર્થતંત્ર પર બે રીતે અસર પડે છે. એક અસર દર્દીના પરિવાર પર અને બીજી ભારતના આરોગ્ય બજેટ પર.

આ અસરને ઓછી કરવા માટે નેશનલ કૅન્સર ગ્રીડ (એનસીજી) બનાવવામાં આવી છે. એનસીજીમાં દેશભરના સરકારી અને બિનસરકારી હૉસ્પિટલોને જોડવામાં આવી છે.

તેના આધારે નવ્યાની સ્થાપના કરવામાં આવી છે, જેના દ્વારા દર્દીઓ સુધી નિષ્ણાતોની સલાહ અને સારવારની રીતો પહોંચાડવાની કોશિશ થાય છે.

ડૉક્ટર નરેશ એમ. રાજન કહે છે કે ઘણા અભ્યાસોમાં જોવા મળ્યું છે કે કુટુંબમાં કોઈ એકને કૅન્સર થાય ત્યારે તેની સારવાર માટે 40-50 ટકા લોકોએ કરજ લેવું પડે છે કે ઘર વેચી દેવું પડે છે.

લેન્સટના અહેવાલ અનુસાર ત્રણથી પાંચ ટકા કિસ્સામાં તેના કારણે પરિવાર ગરીબી રેખાની નીચે જતો રહે છે.

જોકે ડૉક્ટરોને આશા છે કે કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજનામાં કૅન્સરની સારવારને જોડવાથી ઘણા બધા લોકોને મદદ મળશે.

સરકારે 2018માં આયુષ્માન યોજના શરૂ કરી હતી, જેમાં કૅન્સરની બીમારી માટે પણ આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર દર્દીને મળી શકે છે.

ડૉક્ટર નરેશ એમ. રાજનના જણાવ્યા અનુસાર, "ગરીબ લોકોને સારવાર માટે મોટાં શહેરોમાં ના આવવું પડે તે માટે સરકારે એવી વ્યવસ્થા કરી છે કે કૅન્સરનું નિદાન થાય કે તરત જ સારવાર શરૂ થઈ જાય. તે માટે એક નેશનલ કૅન્સર ગ્રીડ બનાવાઈ છે."

"આ ગ્રીડમાં કૅન્સરની 170 હૉસ્પિટલને જોડવામાં આવી છે. આ હૉસ્પિટલના ડૉક્ટરોને કૅન્સરના દર્દીઓ માટે વિશેષ તૈયાર કરવામાં આવ્યા છે."

"તેમાં એવું સમજાવાયું છે કે ભારતમાં તમે ગમે ત્યાં હો, અમુક પ્રકારનું કૅન્સર હોય તો અમુક પ્રકારના ટેસ્ટ કરાવી લેવા જોઈએ અને અમુક પ્રકારે સારવાર આપવી જોઈએ."

"છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં કૅન્સર રિસ્પોન્સ સિસ્ટમ બનાવાઈ છે, જેમાં દર્દી કે ડૉક્ટર ગમે ત્યાં હોય તેમને કૅન્સર અંગે પૂરી જાણકારી આપીને સારવાર આપી શકાશે. મોટા શહેરની હૉસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે. આ ગ્રીડ સાથે આયુષ્માન યોજનાને પણ જોડવામાં આવી છે. તેના કારણે દર્દીને સારવારમાં આર્થિક મદદ પણ મળશે."

ડૉક્ટર એસવીએસ દેવનું પણ કહેવું છે કે આયુષ્માન યોજનાને કારણે કૅન્સરના દર્દીઓને લાભ મળશે. પહેલાં એવી પણ ફરિયાદ હતી કે કૅન્સરની દવાઓ મોંઘી છે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથૉરિટીએ કૅન્સરના દર્દીઓ માટેની દવામાં ટ્રેડ માર્જિન 30 ટકા સુધી મર્યાદિત કરી દીધું છે.

(આ લેખ ભૂતકાળમાં લખવામાં આવ્યો છે. આજે વર્લ્ડ કૅન્સર ડે નિમિત્તે વાંચકો માટે આ લેખને ફરી અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો