ગૌશાળા અને પાંજરાપોળને સરકાર ફંડ ન આપે તો ફરિયાદ ન કરો - વિજય રૂપાણી

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ગૌશાળાઓ અને પાંજરાપોળને સરકાર ફંડ ન આપે તો ફરિયાદ ન કરવી જોઈએ અને તેને સ્વનિર્ભર બનાવવી જોઈએ.

સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ મુજબ મુખ્ય મંત્રીએ તેમના નિવાસસ્થાને રાજ્યની વિવિધ ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં આવેલા ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો અને માલિકોએ પ્રતિ પશુ સબસિડી આપવા માટે વિજય રૂપાણીને વિનંતી કરી હતી.

જોકે, તેમણે ગૌશાળાઓ અને પાંજરાપોળોને સ્વનિર્ભર બનાવવા સૂચન કર્યું હતું.

વિજય રૂપાણીએ કહ્યું, "અંતે તો ઢોરવાડો તમારે જાતે જ ચલાવવાનો છે. જો સરકાર કે દાતા સહાય આપે એ તો એ સારી વાત છે, પરંતુ જો એ ન આપે તો તમારે ફરિયાદ ન કરવી જોઈએ, કેમ કે તમે પોતે આ કામ શરૂ કર્યું છે."

"જો તમે ચલાવી શકો એમ જ ન હો તો તમારે શરૂ જ ન કરવું જોઈએ, સરકારે તમને એ શરૂ કરવાનું નથી કહ્યું."

વિજય રૂપાણીએ કહ્યું કે "આપણે ઢોરવાડાઓને સ્વનિર્ભર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ."

આ બેઠકમાં ભાજપના ધારાસભ્ય નારાયણ પટેલે પણ ગૌશાળાઓ અને પાંજરાપોળોને સહાય માટે રજૂઆત કરી હતી.

નારાયણ પટેલે કહ્યું, "નોટબંધી અને જીએસટી પછી દાન ઘટ્યું છે એટલે સરકારે સહાય કરવી જોઈએ."

એમણે એમ પણ કહ્યું, "મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિત છ રાજ્યો સબસિડી આપે છે. સરકારની સહાય અનિવાર્ય છે, કેમ કે નોટબંધી અને જીએસટી પછી ખાનગી દાન મળી નથી રહ્યું. મને આશા છે કે તમે પરિસ્થિતિ સમજી શકશો."

બેઠકમાં અનેક લોકોએ નવી તકનીક, સોલર પેનલ, વિંડ મિલ તથા ઘાસનું ઉત્પાદન વધારવા સહિતના વિચારો રજૂ કર્યા.

શાહીન બાગ ફાયરિંગના આરોપીના પિતા, 'મારો દીકરો મોદી-શાહનો સેવક'

દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં હવામાં ગોળીબાર કરનાર આરોપી કપીલ ગુજ્જરના પિતાએ દાવો કર્યો છે કે તેમનો દીકરો વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનો 'સમર્થક' છે.

કપીલના પિતા ગજેસિંહને ટાંકતા એન.ડી.ટી.વી. લખે છે કે શાહીન બાગના ધરણાને કારણે કપીલને નોકરીએ જવામાં એકને બદલે ચાર કલાક લાગતા હતા.

અગાઉ ગજેસિંહે ફાયરિંગની ઘટના બાદ કહ્યું હતું કે તેમને રાજકારણ સાથે કોઈ લેવા-દેવા નથી અને તેમનો પરિવાર આમ આદમી પાર્ટીનો સમર્થક પણ નથી.

બીજી બાજુ, કેન્દ્રીય ચૂંટણી પંચે દિલ્હીના પોલીસ કમિશનર અમુલ્ય પટનાયકને સૂચના આપી છે કે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ રાજેશ દેવને ચૂંટણીલક્ષી કોઈ ફરજ સોંપવામાં ન આવે.

શાહીન બાગમાં ગોળીબાર કરનાર શખ્સ 'આપ' સાથે જોડાયેલો હોવાનું નિવેદન કરવા બદલ પંચે આ કાર્યવાહી કરી છે.

વિમાનના ત્રણ કટકા

તુર્કીના ઇઝમીર પ્રાંતના સાબિહા ગોકસેન ઍરપૉર્ટ ખાતે એક વિમાનના ત્રણ કટકા થઈ ગયા હતા, જેના કારણે એક મુસાફરનું મૃત્યુ થયું છે, જ્યારે 150થી વધુને ઈજા પહોંચી છે.

મળતી માહિતી મુજબ, પેગાસસ ઍરલાઇન્સના બૉઇંગ 737 વિમાને ભારે વરસાદ તથા હવાની વચ્ચે લૅન્ડિંગનો પ્રયાસ કર્યો, ત્યારે તે રનવે પરથી ઉતરી ગયું હતું.

વિમાન પર 171 મુસાફર તથા ક્રૂના છ સભ્ય સવાર હતા. ત્યારબાદ વિમાનમાં આગ પણ લાગી હતી.

આ દુર્ઘટનામાં બે પાઇલટને પણ ઈજા પહોંચી છે, જેના કારણે દુર્ઘટનાના કારણ વિશે જાણી નથી શકાયું.

'ગુજરાતમાં કોરોનાની દેખા નહીં '

ગુજરાતના પ્રિન્સિપાલ સેક્રેટરી (આરોગ્ય) જયંતી રવિનું કહેવું છે કે ગુજરાતમાં કોરોના વાઇરસે હજુ સુધી દેખા નથી દીધા.

અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે, પુનાની ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરલૉજી ખાતે આઠ નમુના મોકલવામાં આવ્યા હતા, જેમાંથી પાંચમાં કોઈ ચેપ ન હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય ત્રણના રિપોર્ટ આવવાના બાકી છે.

દિલ્હીની સફદરજંદ હૉસ્પિટલમાંથી ત્રણ તબીબ અમદાવાદ આવ્યા હતા અને તેમણે રાજ્ય સરકારની તૈયારીઓનું જાતનિરીક્ષણ કર્યું હતું. આ ટીમ કેન્દ્ર દ્વારા મોકલવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ગુજરાત યાત્રાને અનુસંધાને આ તૈયારી કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો