નિર્ભયા કેસમાં દોષિતોને અલગઅલગ ફાંસીની અરજી હાઈકોર્ટે ફગાવી

દિલ્હીના નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચારેય દોષિતોને અલગઅલગ ફાંસી આપવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

નિર્ભયા કેસમાં અલગઅલગ કાયદાકીય વિકલ્પોને લઈને ફાંસીમાં વિલંબ થઈ રહ્યો હોવાની વાત સાથે કેન્દ્ર સરકારે અરજી કરી હતી.

હાઈકોર્ટે કહ્યું કે નિર્ભયા મામલે દોષિતોને અલગ અલગ ફાંસી ન આપી શકાય.

કેન્દ્ર સરકારે દોષિતોને અલગઅલગ ફાંસી માટે અદાલતમાં અરજી કરી હતી, જેના પર રવિવારે સુનાવણી કર્યા પછી અદાલતે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

બુધવારે નીચલી અદાલતનો નિર્ણય રદ ન કરતાં દિલ્હી હાઈકોર્ટે તમામ 4 દોષિતોને તમામ કાનૂની ઉપાયોનો ઉપયોગ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધિશ સુરેશ કૈતે આદેશ વાંચી સંભળાવતા કહ્યું કે નિર્ભયા કેસના દોષિતોએ ન્યાયિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને સજાને ટાળવાની તમામ કોશિશ કરી છે એમાં કોઈ શંકા નથી.

દિલ્હીની એક કોર્ટ દ્વારા 22 જાન્યુઆરી, 2020ના રોજ દોષિતોને ફાંસી આપવાનો નિર્ણય અપાયો હતો.

કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ ચાર આરોપીઓમાંથી વિનય કુમાર અને મુકેશ સિંહ નામના આરોપીઓએ સર્વોચ્ચ અદાલતમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ. વી. રમન્નાના વડપણવાળી પાંચ જજોની બેન્ચ દ્વારા મંગળવારે આરોપીઓની ક્યૂરેટિવ પિટિશન ફગાવી દીધી હતી.

ત્રણ દોષિત અક્ષય, પવન અને વિનયના વકીલ એ.પી.સિંહનું કહ્યું હતું કે તેમના ત્રણ અસીલો ગરીબ પરિવારમાંતી આવે છે એટલા માટે તેમને ઓછામાં ઓછી સજા આપવી જોઈએ અને તેમને સુધરવાની તક મળવી જોઈએ.

બીબીસી સાથે વાતચીતમાં તેમણે કહ્યું, "મારા તમામ અસીલને સુધરવાની તક મળવી જોઈએ. તેઓ ગરીબ છે અને તેમને એક તક મળવી જોઈએ કે તેઓ પોતાને દેશના સારા નાગરિક તરીકે સાબિત કરી શકે."

ચારેય આરોપીઓ મુકેશ, અક્ષય, પવન અને વિનયે માર્ચ 2014માં દિલ્હી હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે તમામને મોતની સજા આપવાની મંજૂરી આપી હતી.

એ પહેલાં 3 સપ્ટેમ્બર, વર્ષ 2013માં ટ્રાયલ કોર્ટે તમામ દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી.

આ પછી 5 મે 2017એ સુપ્રીમ કોર્ટે પણ દોષિતોની તમામ અપીલોને રદ કરી દીધી હતી.

આ પછી 3 દોષિતો પવન, વિનય અને મુકેશે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારણાની અરજી કરી, જેને 9 જુલાઈ, 2018એ સુપ્રીમ કોર્ટે રદ કરી હતી.

સુપ્રીમ કોર્ટની પીઠે અપરાધીઓના વર્તનને 'જનાવર' જેવું ગણાવ્યું હતું અને કહ્યું હતુ કે 'એવું લાગે છે કે આ આખો મામલો બીજી દુનિયામાં ઘટ્યો હોય, જ્યાં માનવતાની સાથે બર્બરતા કરવામાં આવતી હોય."

શું હતો આખો કેસ?

16 ડિસેમ્બર, 2012ની રાત્રે દેશની રાજધાની દિલ્હીમાં 23 વર્ષની એક મેડિકલ વિદ્યાર્થિની પર છ પુરુષોએ એક ચાલુ બસમાં ગૅંગરેપ કર્યો હતો.

ચારેય દોષિતો સિવાયના એક મુખ્ય આરોપી રામસિંહે ટ્રાયલ દરમિયાન તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

એક બીજો આરોપી જે ઘટના સમયે સગીર હતો. તેને સુધારગૃહમાં મોકલવામાં આવ્યો હતો. તે સગીરને ઑગસ્ટ 2013માં ત્રણ વર્ષ સુધારગૃહમાં ગાળવાની કરવાની સજા કરાઈ હતી.

વર્ષ 2015માં તેને સુધારગૃહમાંથી છોડવામાં આવ્યો હતો. સગીર આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

ગુના સમયે સગીર હતો તે અપરાધી હવે વયસ્ક થઈ ગયો છે, વયસ્ક પરંતુ નિયમો અનુસાર તેણે પોતાની સજા પૂર્ણ કરી લીધી છે.

તેની સુરક્ષાને લઈને જોખમ હોવાથી તે હવે એક કલ્યાણકારી સંસ્થાની સાથે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો