You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાની સિએટલ સિટી કાઉન્સિલે CAA-NRC વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો
વિવાદિત બનેલા નાગરિકતા સંશોધન કાયદા અને કથિત એનઆરસીને લઈને ભારત બહાર પહેલીવાર ઠરાવ થયો છે.
અમેરિકાના સિએટલ શહેરની કાઉન્સિલે નાગરિકતા સંશોધન કાયદા અને અને એનઆરસીને તમામ વંચિત સમુદાય માટે ભેદભાવપૂર્ણ ગણાવીને તેના વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સિએટલ વૉશિંગ્ટનનું સૌથી મોટું શહેર છે.
ભારતીયમૂળના અમેરિકન ક્ષમા સાવંતે નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને વિરોધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ વિરોધ પ્રસ્તાવનો આંશિક વિરોધ થયો હતો પરંતુ અંતે તેને ધ્વનિ બહુમત સાથે પસાર કરવામાં આવ્યો.
સિએટલ શહેરની કાઉન્સિલે અમેરિકન કૉંગ્રેસને પણ વિનંતી કરી છે કે તે આ અંગે યોગ્ય પગલાં લે અને વિરોધ પ્રદર્શિત કરે.
ઉલ્લેખનીય છે કે ભારતના અમુક રાજ્યો સિવાય વિદેશમાં પહેલીવાર સત્તાવાર ઠરાવ દ્વારા નાગરિકતા કાયદાનો અને કથિત એનઆરસીનો વિરોધ થયો છે.
શું કહેવાયું છે ઠરાવમાં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિએટલ શહેરની કાઉન્સિલે પસાર કરેલો ઠરાવ નાગરિકતા કાયદા તેમજ કથિત એનઆરસીને લઈને ફક્ત મુસ્લિમોની વાત નથી કરતો.
ઠરાવ કહે છે કે, ''સિએટલ સિટી કાઉન્સિલ નાગરિકતા સંશોધન કાયદાનો અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનનો વિરોધ કરે છે અને માને છે કે આ નીતિ મુસ્લિમો, કચડાયેલી જ્ઞાતિઓ, મહિલાઓ, આદિમજૂથો અને એલજીબીટી માટે ભેદભાવપૂર્ણ છે.''
''સિએટલ સિટી કાઉન્સિલ અમેરિકન કૉંગ્રેસને વિનંતી કરે છે કે આ ઠરાવને સમર્થન આપે અને ભારતની સંસદને ભારતીય બંધારણનું સન્માન કરી નાગરિકતા કાયદા અને એનઆરસીને અટકાવવાનું કહે.''
ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ''દુનિયામાં ક્યાંય પણ અતિજમણેરી જોખમી તત્ત્વોનો ઉદય થાય તેનો વિરોધ કરવો એ સામાન્ય માણસની ફરજ છે.''
ઠરાવમાં કહેવાયું છે કે ''નરેન્દ્ર મોદી સરકારનું તાનાશાહી વલણ ફક્ત ભારતીય માટે જ નિસબત નથી ધરાવતું પરંતુ સિએટલના દક્ષિણ એશિયન પ્રવાસી સમુદાય અને જેઓ અમેરિકામાં ટ્રમ્પ અને જમણેરી નીતિનો વિરોધ કરનારા છે તેમને માટે પણ નિસબત ધરાવે છે.''
ઠરાવ રજૂ કરનાર ભારતીય મૂળના ક્ષમા સાવંતે કહ્યું કે ''ઇસ્લામોફોબિક એનઆરસી-સીએએ સામેની અમારી લડતની આજે આ જીત છે. આ દર્શાવે છે કે જ્યારે કામ કરનારા લોકો એકજૂથ થાય છે તે જીતે છે. આ ઐતિહાસિક છે કેમ કે ભારતની બહાર કરવામાં આવેલો આ પહેલો ઠરાવ છે અને સુનિશ્ચિત કરીએ કે એ છેલ્લો નહીં હોય.''
ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ઠરાવની કોઈ તકનીકી મહત્ત્વ નથી પરંતુ સાંકેતિક વિરોધ તરીકે તે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચે છે અને પ્રતીકાત્મક વિરોધ રજૂ કરે છે.
ભારત તરફથી કોઈ સત્તાવાર નિવેદન આ મામલે હજી આવ્યું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો