INDvsNZ : રોસ ટેલરની આક્રમક સદી, ન્યૂઝીલૅન્ડની આસાન જીત

ભારતે આપેલા 348ના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલૅન્ડ તરફથી હેનરી નિકોલસ અને રોસ ટેલરની વિસ્ફોટક બેટિંગ કરી છે અને પહેલી વન ડે મૅચ જીતી લીધી છે.

ન્યૂઝીલૅન્ડે 6 વિકેટ ગુમાવીને ભારતે આપેલો 348 રનનો પડકાર 49મી ઓવરમાં પાર કરી લીધો હતો અને મૅચ 4 વિકેટે જીતી લીધી હતી.

રોસ ટેલરે 73 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા અને 108 રન સાથે નોટઆઉટ રહ્યા હતા.

ન્યૂઝીલૅન્ડ તરફથી માર્ટિન ગપ્ટિલે 32 અને હેનરી નિકોલસે 78 રન કર્યા હતા. હેનરી નિકોલસને વિરાટ કોહલીએ રન આઉટ કર્યા હતા.

ટોમ બ્લુન્ડેલ ફક્ત 9 રને સ્ટમ્પ આઉટ થયા હતા અને ટોમ લાથમે પણ આક્રમક બેટિંગ કરતા 48 બૉલમાં 69 રન કર્યા હતા.

ભારત તરફથી કુલદીપ યાદવ સિવાયના બૉલરોને ખાસ સફળતા ન મળી અને તેઓ મોંઘા સાબિત થયા હતા. ભારતે બૉલિંગમાં 29 રન એક્સ્ટ્રા આપ્યા હતા જેમાં 24 તો વાઇડ બૉલ હતા.

કુલદીપ યાદવ સિવાય શાર્દુલ ઠાકુરને એક વિકેટ મળી હતી.

શ્રેયસ ઐય્યરની શાનદાર સદી એળે ગઈ

શ્રેયસ ઐય્યરની શાનદાર સદીની સાથે કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગના કારણે ભારતે હૅમિલ્ટન વન ડેમાં ન્યૂઝીલૅન્ડ સામે જીત માટે 348 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

શ્રેયસ ઐય્યર 103 રન બનાવીને આઉટ થઈ ગયા. વનડેમાં ઐય્યરની આ પહેલી સદી છે. રાહુલે 88 રન કર્યા, જ્યારે વિરાટ કોહલીએ 51 રન કર્યા.

ભારત 50 ઓવરમાં ચાર વિકેટના નુકસાન સાથે 347 રન બનાવ્યા છે.

હૅમિલ્ટનમાં ત્રણ વન ડે મૅચની સિરીઝની પહેલી મૅચ રમાઈ રહી છે.

આ અગાઉ ભારત પાંચ ટી-20 મૅચોની સિરીઝ 5-0થી જીતી ચૂક્યું છે.

રોહિત શર્મા અને શિખર ધવનની ગેરહાજરીમાં પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલને તક આપવામાં આવી હતી. બંનેની આ પહેલી વન ડે મૅચ હતી.

બંનેએ સારી શરૂઆત કરી પણ લાંબા વખત સુધી તેઓ ટકી ન શક્યા.

એ પછી વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યરે ભારતની સ્થિતિને સંભાળી હતી.

કોહલી અને ઐય્યરે 102 રનની ભાગીદારી કરી. વિરાટ કોહલી એ પછી 51 રન બનાવીને આઉટ થઈ ગયા.

શ્રેયસ ઐય્યરે તેમની આંતરરાષ્ટ્રીય કૅરિયરની પહેલી સદી ફટકારી છે.

તેમણે 107 બૉલમાં 103 રન કર્યા, જેમાં તેમણે 11 ચોગ્ગા અને એક સિક્સ ફટકાર્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો