રાષ્ટ્રવાદના નામે મુસ્લિમોને રાજકીય નિશાન બનાવવાનું સરળ કેમ?

    • લેેખક, ફારાહ નક્વી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બ્રિટન, સ્પેન અને ઇટાલીની કુલ વસતી છે 17.20 કરોડ. આટલા જ પ્રમાણમાં ભારતમાં મુસલમાનો રહે છે. એ દુનિયાના કોણ પણ દેશમાં મુસ્લિમોની ત્રીજા ક્રમની સૌથી વધુ વસતી છે.

હિંદુસ્તાનના મુસલમાનોમાં જેટલી વિવિધતા જોવા મળે છે એટલી કોઈ અન્ય દેશની મુસ્લિમ વસતીમાં જોવા મળતી નથી.

હિંદુસ્તાનમાં પાછલાં 1400 વર્ષોમાં મુસલમાનોએ ખાન-પાન, કવિતા, સંગીત, પ્રેમ તથા ઇબાદતનો સહિયારો ઇતિહાસ રચ્યો છે અને તેને જીવ્યા છે.

ઇસ્લામી 'ઉમ્માહ' ખુદને એક ગણાવે છે. તેનો અર્થ એ થયો કે તેમાં માનતા તમામ લોકો એક છે, પણ ભારતીય જે રીતે મુસલમાનો વિવિધ ફિરકામાં વહેંચાયેલા છે તે ઇસ્લામના આ પાયાના સિદ્ધાંતની વિરુદ્ધ છે.

હિંદુસ્તાનમાં મુસલમાનો સુન્ની, શિયા, વહોરા, અહમદિયા અને ન જાણે કેટકેટલાં ફિરકાઓમાં વહેંચાયેલા છે.

મુસ્લિમો અને સામાજિક વિભાજન

આમ તો મુસ્લિમ ધર્મગુરુઓ આ વાતનો વાંરવાર ઇન્કાર કરે, પણ હકીકત એ છે કે ભારતની મુસ્લિમ બિરાદરી પણ હિંદુઓની માફક નાતજાત જેવા સામાજિક વિભાજનની શિકાર બનેલી છે.

ભારતીય મુસલમાનો ધનસંપત્તિના સંદર્ભમાં અશરાફ, અજલાફ અને અરજાલમાં પણ વહેંચાયેલા છે. તેનો અર્થ છે - ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નીચલો વર્ગ.

ભારતમાં મુસ્લિમ સમાજમાં આ અંતર માત્ર ફિરકા, જાતપાત અને આર્થિક સમૃદ્ધિ પૂરતું જ મર્યાદિત નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

હિંદુસ્તાનમાં મુસલમાનો ભૌગોલિક અંતરના હિસાબે પણ વહેંચાયેલા છે અને આખા દેશમાં ફેલાયેલા છે.

તેથી તામિલનાડુના મુસ્લિમો તામિલ બોલે છે, જ્યારે કેરળમાં મલયાલમ બોલે છે. ઉત્તર ભારતથી લઈને હૈદરાબાદ સુધી ઘણા મુસલમાનો ઉર્દૂ જબાનનો ઉપયોગ કરે છે.

એ ઉપરાંત તેઓ તેલુગૂ, ભોજપુરી, ગુજરાતી, મરાઠી અને બંગાળી ભાષા પણ તેમના રહેણાંક વિસ્તારોને આધારે બોલે છે.

અરબી સમુદ્રમાં ભારતમાં છેક દક્ષિણના લક્ષદ્વીપના મિનિકોય ટાપુમાં રહેતા મુસ્લિમો માહલ ભાષા બોલે છે, જે માલદિવ્ઝમાં બોલાતી દિવેહી જબાનનું એક સ્વરૂપ છે.

બંગાળમાં રહેતા મુસલમાનો બંગાળી બોલે છે અને કોઈ પણ સામાન્ય બંગાળીની માફક હિલ્સા માછલીના શોખીન હોય છે.

તેઓ પંજાબ કે દેશના અન્ય કોઈ હિસ્સામાં રહેતા મુસ્લિમથી બિલકુલ અલગ હોય છે.

1947માં આઝાદી મળવાની સાથે જ જેણે ખુદને ઇસ્લામિક દેશ જાહેર કર્યો હતો એ પાકિસ્તાનના મુસલમાનોથી તદ્દન વિપરીત ભારતીય મુસલમાનો અત્યંત ગર્વ સાથે એક લોકશાહી દેશમાં રહે છે.

ભારતમાં બંધારણીય રીતે તમામ નાગરિકો એકસમાન છે, પણ હવે એવું લાગે છે કે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

સેલ્ફી યુગમાં મુસલમાનો

આ સેલ્ફી યુગમાં હકીકતનું બયાન ફોટોગ્રાફ્સ કરે છે અને સેલ્ફી યુગે તેની મોટી કિંમત વસૂલી છે.

આજે હિંદુસ્તાનના મુસલમાનો તેમની વૈવિધ્યસભર ઓળખને છોડીને તેના સ્થાને આંતરરાષ્ટ્રીય મુસ્લિમ એકતાવાળી ઓળખની નજીક જઈ રહ્યા છે.

મુસલમાનો સર્વત્ર એકસમાન હોવાની છબી આપણને દરેક જગ્યાએ જોવા મળી રહી છે.

આ બદલાતી પરિસ્થિતિ તુલનાનું રાજકારણ રમતા અને ચોક્કસ મુદ્દાઓને જ આગળ ધપાવતા રાજકારણીઓના પેદા થવા માટે અનુકૂળ વાતાવરણ પુરું પાડે છે.

આખી દુનિયામાં અતિ-રાષ્ટ્રવાદી જમણેરી ચળવળોને ભીડ એકઠી કરવા તથા સફળતા હાંસલ કરવા માટે કોઈ 'બીજું' જોઈતું હોય છે, જેના વિરુદ્ધ તેઓ માહોલ બનાવી શકે. લોકોને ભડકાવીને પોતાની તરફેણમાં લાવી શકે.

યહૂદી, અશ્વેતો, જિપ્સી અને મૂળ વસાહતીઓ આવી ચળવળોનું નિશાન ઐતિહાસિક રીતે બની રહ્યા છે.

ભારતમાં હિંદુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના વિસ્તારના પરિણામે મુસલમાનોને અલગ કરવામાં આવી રહ્યા છે. તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

નફરતના આ માહોલનાં મૂળિયાં હિંદુસ્તાનમાં જ છે. આપણા ઉપનિવેશક ઇતિહાસમાં જ મુસલમાનો પ્રત્યે નફરતનો પાયો છે.

આજે આખી દુનિયામાં ઇસ્લામ પ્રત્યે ભય અને નફરતનો માહોલ જે રીતે બન્યો છે તેને લીધે ભારતમાં પણ રાષ્ટ્રવાદના નામે મુસલમાનોને નિશાન બનાવવાનું રાજકીય રીતે સરળ થઈ ગયું છે.

આ એક નવા યુગની લડાઈ છે, જેના નેતા ટ્વિટર પર હુંકાર કરતા દેખાતા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ છે.

મુસ્લિમોની મુશ્કેલીઓની શરૂઆત

અલબત, ભારતીય મુસલમાનોની મુશ્કેલીઓની શરૂઆત 2014ની સામાન્ય ચૂંટણીમાં બીજેપીની જીત સાથે થઈ ન હતી. તેના ઘણા સમય પહેલાંથી થઈ ગઈ હતી.

ભારતના પ્રગતીશીલ બંધારણીય વચનોની ચમક બહુ પહેલાંથી ઝંખવાવા લાગી હતી. જ્ઞાતિ અને ધર્મના નામે સમાજમાં પડેલી તિરાડો સ્પષ્ટ દેખાવા લાગી હતી.

હકીકત એ છે કે જ્ઞાતિ-ધર્મની એ તિરાડો આપણા સામાજિક ડીએનએનો એક હિસ્સો છે.

પહેલાંની અને ખાસ કરીને કોંગ્રેસની સરકારો મુસલમાનો પ્રત્યે હંમેશા દયાભાવ દેખાડતી હતી, પણ સાથે જ તેમની અવગણના કરી રહી હતી.

અગાઉની સરકારો મુસલમાનો સાથે ભેદભાવ રાખતી હતી. એ પક્ષો અને સરકારો મુસલમાનોના મત તેમને સમાનતા, ન્યાય અને વિકાસ આપવાના નામે માગતા ન હતા, મુસલમાનોને ધર્મના નામે હંમેશા ભડકાવવામાં આવતા હતા.

પછી મુસલમાનોની ધાર્મિક ઓળખના રક્ષણની ખાતરી આપીને પક્ષો તેમના મત માગતા હતા.

એ દરમ્યાન મુસ્લિમ સમાજનો વિકાસ અટવાતો ગયો હતો. તાલીમ, નોકરી, આરોગ્ય અને આધુનિકતાના મોરચે ભારતના મુસ્લિમો અન્ય લોકોની સરખામણીએ પાછળ પડતા રહ્યા હતા.

ખતરાની ઘંટડી

2006માં રજૂ થયેલા સચ્ચર કમિટીના રિપોર્ટે ભારતના મુસલમાનોની હાલત સંબંધે ખતરાની ઘંટડી સૌપ્રથમવાર જોરશોરથી વગાડી હતી.

એ રિપોર્ટ આવ્યા પછી મુસ્લિમ સમાજના પછાતપણા વિશે ચર્ચા થવા લાગી હતી.

મુસલમાનોનું મૂલ્યાંકન ધાર્મિક-સાંસ્કૃતિક સમૂહને બદલે તેમના વિકાસના સંદર્ભમાં કરવામા આવ્યું હતું. તેની તસવીર અત્યંત ભયાનક હતી.

2001ની વસતી ગણતરી અનુસાર, મુસલમાનોનો સાક્ષરતા દર માત્ર 59.1 ટકા હતો, જે ભારતના તમામ સામાજિક હિસ્સાઓમાં સૌથી નીચો હતો.

2011ની વસતી ગણતરીમાં મુસલમાનોનો સાક્ષરતા દર વધીને 68.5 ટકા થયો હતો. તેમ છતાં અન્ય સમુદાયોની સરખામણીએ તો ઓછો જ હતો.

6થી 14 વર્ષની વયનાં 25 ટકા મુસ્લિમ બાળકો ક્યારેય સ્કૂલે ગયાં જ ન હતાં અથવા તેમણે શરૂઆતમાં જ અભ્યાસ છોડી દીધો હતો.

દેશની અગ્રણી કોલેજોમાં માત્ર બે ટકા મુસ્લિમો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન લે છે.

મુસલમાનોને નોકરી પણ ઓછી મળે છે અને પ્રતિ વ્યક્તિ ખર્ચની રાષ્ટ્રીય સરેરાશમાં પણ તેઓ નીચલા સ્થાને છે. મોખરાની સરકારી સેવાઓમાં મુસલમાનોની ઉપસ્થિતિ નહીં જેવી છે.

દેશની કુલ વસતીમાં મુસલમાનોનું પ્રમાણ 13.4 ટકા છે, પણ વહીવટી સેવાઓમાં ત્રણ ટકા, વિદેશ સેવામાં 1.8 ટકા છે, જ્યારે પોલીસ સેવામાં માત્ર ચાર ટકા અધિકારીઓ મુસ્લિમ છે.

સચ્ચર કમિટીનો રિપોર્ટ આવ્યા પછી તમામ પ્રકારના રાજકીય વચનો આપવામાં આવ્યાં હતાં, પણ તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.

કુંડૂ સમિતિનો રિપોર્ટ

મુસ્લિમ સમાજમાં થયેલા પરિવર્તનની તપાસ માટે 2013માં સરકારે કુંડૂ સમિતિની રચના કરી હતી.

કુંડૂ સમિતિના રિપોર્ટમાં તો અગાઉ કરતાં પણ વધારે ખરાબ સમાચાર બહાર આવ્યા હતા.

સચ્ચર કમિટીના અહેવાલ બાદ ભારતના મુસલમાનોની પરિસ્થિતિમાં જરાય સુધારો થયો ન હતો. એ વધારે બગડી હતી.

મુસલમાનોમાં ગરીબીનું પ્રમાણ દેશની સરેરાશ કરતાં વધારે છે.

મુસ્લિમ સમાજની આવક, ખર્ચ અને માગની વાત કરીએ તો તેઓ દલિતો તથા આદિવાસીઓ પછી નીચેથી ત્રીજા ક્રમે છે.

સરકારી નોકરીઓમાં મુસલમાનોનું પ્રમાણ ચાર ટકા છે ત્યારે 2014ની સામાન્ય ચૂંટણી પહેલાં કોમી હિંસાની ઘટનાઓ વધી હતી.

મુસ્લિમ સમાજના વિકાસ તથા સલામતી બાબતે કુંડૂ સિમિતએ તેના અહેવાલમાં જે જણાવ્યું હતું એ ભવિષ્યવાણી જેવું સાબિત થયું હતું.

કુંડૂ સમિતિએ તેના અહેવાલના અંતે લખ્યું હતું, "મુસ્લિમ લઘુમતીનો વિકાસ તેમની સલામતીના પાયા પર થવો જોઈએ.

તેમને ખાતરી થાય એટલા માટે બનાવટી ધ્રુવીકરણના અંતના રાષ્ટ્રીય રાજકીય વચનનો અમલ કરવો જોઈએ."

કુંડૂ સમિતિની આ વાત ભવિષ્યવાણીની માફક સાચી સાબિત થઈ હતી.

2014માં માહોલ બદલાયો

2014માં કેન્દ્રમાં સરકાર બદલવાની સાથે દેશનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

આજે મુસલમાનોની વાત થાય છે, પણ તેમનાં બાળકો ભણવાનું શા માટે છોડે છે ત્યાંથી માંડીને આવક ઘટવાની ચિંતાનો કોઈ ઉલ્લેખ થતો નથી.

તેમના પ્રાણ તથા આઝાદીના રક્ષણ અને તેમના માટે ન્યાય માગવાની વાતો થાય છે.

મુસલમાનો સામે નફરતભર્યા અપરાધોની ઘણી ઘટનાઓ 2014 પછી બની છે.

ટોળાબંધ લોકોએ મુસલમાનોને ઢોરમાર મારીને તેમની હત્યા કરી હોય એવી ઘટનાઓના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પ્રચારિત કરવાની અને એ બાબતે બેશરમ બનીને વિજયના ઉત્સવની ઊજવણીની ઘટનાઓ બની છે.

લોકો પર બસોમાં, ટ્રેનોમાં અને હાઈવે પર હુમલા કરવામાં આવ્યા હતા તેનું કારણ એ હતું કે તેઓ મુસલમાન હતા અથવા તો મુસલમાન જેવા દેખાતા હતા.

ચોક્કસ લોકો ગૌમાંસ લઈ જતા હોવાની શંકાને કારણે કેટલાક લોકોએ કેટલાક લોકોને માર માર્યો હતો.

કૃષિપ્રધાન દેશ ભારતમાં પશુઓનો વેપાર અત્યંત મહત્વનો છે, પણ પશુ મેળામાંથી વેપાર માટે કાયદા અનુસાર ગાય ખરીદીને લઈ જઈ રહેલા લોકોને માર મારવામાં આવ્યો હતો.

આ ટોળાંનું રાજ છે, કાયદાનું નહીં.

પોલીસનું વલણ પક્ષપાતપૂર્ણ

એ પ્રકારની તમામ ઘટનાઓમાં પોલીસનું વલણ પક્ષપાતપૂર્ણ રહ્યું છે.

પોલીસે ટોળાંના જુલમનો ભોગ બનેલા લોકો સામે ગૌ સંરક્ષણ કાયદા (જે ભારતનાં 29માંથી 24 રાજ્યોમાં અમલમાં છે) હેઠળ કેસ નોંધ્યા હતા, જ્યારે પોલીસ અધિકારી પાસે પુરાવાના નામે માત્ર ટોળાનો ઘોંઘાટ હતો.

આરોપીઓ સામે તમામ પુરાવા હતા, ત્યારે દબાણ વધતાં પોલીસે તેમની સામે કેસ નોંધ્યા હતા.

નફરતની હિંસાનો શિકાર થઈને મરેલા કે ઘાયલ થયેલા લોકો સામે હોવા છતાં પોલીસ કેસ નોંધવામાં આનાકાની કરતી હતી.

ભારતમાં લઘુમતી સામેની હિંસા કોઈ નવી વાત નથી. આવી ઘટનાઓ રોજિંદી બની જાય અને સત્તાધીશો એ બાબતે મૌન ધારણ કરી લે એ નવી વાત છે.

પહેલાં જે ઘટના ક્યારેક જ બનતી હતી તેને હવે સામાન્ય બનાવવામાં આવી રહી છે.

એ પછી લોકોમાં એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે હિંદુ છોકરીઓને ફોસલાવીને મુસલમાન બનાવીને તેમને આતંકવાદી પ્રવૃત્તિમાં જોડવાના આંતરરાષ્ટ્રીય કાવતરામાં ભારતના મુસ્લિમ યુવાનો સામેલ છે.

હિંદુ જમણેરીઓ તેને લવ જેહાદ કહે છે.

હિંદુ જમણેરી સંગઠનો સાથે જોડાયેલા લોકોએ યુવા કપલ્સ પર હુમલા કર્યા છે અને મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કરી ચૂકેલી હિંદુ છોકરીઓને જિહાદીઓએ ભોળવી હોવાનું કહીને તેમની સામે કેસ નોંધાવ્યા છે.

મુસલમાનો વિરુદ્ધનાં નિવેદનો

સત્તાધારી બીજેપીના નેતાઓ અને પ્રધાનોનાં મુસલમાનો વિરુદ્ધનાં નિવેદનો સામાન્ય બાબત બની ગયાં છે. હવે એવાં નિવેદનોથી આંચકો પણ નથી લાગતો કે આશ્ચર્ય પણ નથી થતું.

રાજસ્થાનના એક ધારાસભ્યએ કહ્યું હતું કે ભારતને હિંદુઓ પાસેથી છીનવી લેવા માટે મુસલમાનો વધુ બાળકો પેદા કરી રહ્યા છે.

હવે એ ધારાસભ્યએ માગણી કરી છે કે મુસ્લિમ પરિવારો દ્વારા વધારે બાળકો પેદા કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

એક કેન્દ્રીય પ્રધાને શબ્દોની ચાલાકી દેખાડીને મુસલમાનો પર શાબ્દિક હુમલો કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે મતદારો પાસે બે વિકલ્પ છે. તેઓ રામજાદા (હિંદુઓ) અને હરામજાદા(મુસલમાનો)માંથી એકની પસંદગી કરી શકે છે.

આ પ્રકારની નફરતભરી નિવેદનબાજી વિરુદ્ધના કાયદાઓની નિયમિત રીતે અવગણના થાય છે.

મુસલમાનો વિરુદ્ધ તમામ વિકલ્પો ખુલ્લા હોય એવું લાગી રહ્યું છે. પુસ્તકો નવેસરથી લખવામાં આવી રહ્યાં છે. રસ્તાઓનાં નામ બદલવામાં આવી રહ્યાં છે. ઇતિહાસની ખુલ્લી લૂંટ ચાલી રહી છે.

બાદશાહ સારા હતા કે ખરાબ તેનો નિર્ણય તેઓ મુસલમાન હતા કે હિંદુ એ આધારે કરવામાં આવી રહ્યો છે.

મુસલમાનો નોકરી માગે, ન્યાય માગે, મોલમાં જાય, ટ્રેનમાં પ્રવાસ કરે, ઇન્ટરનેટ પર ચેટિંગ કરે, જીન્સ પહેરે કે પોતાના મુસલમાન હોવાની ખુલ્લેઆમ જાહેરાત કરે.

સમાજના અલગ પડેલા આવા હિસ્સા માટે આ રીતે પોતાનો અધિકાર માગવાનું ભારે પડી શકે છે. તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ શકે છે.

ટોળું નફરતના તેના ઝનૂનને શાંત કરવા તેમના પર હુમલો કરી શકે છે.

રાષ્ટ્રવાદના નામે હુમલા

આ બધું શું થઈ રહ્યું છે? આ આગ કેવી રીતે ભડકી રહી છે?

આ સવાલનો જવાબ એ છે કે તે અસમાનતાની પ્રગતિનું પરિણામ છે. દુનિયાભરમાં વધી રહેલી અસમાનતામાં ભારત પણ પાછળ નથી.

આપણા દેશના સૌથી શ્રીમંત એક ટકા લોકોનો દેશની 58 ટકા સંપત્તિ પર કબજો છે. આ પરિસ્થિતિમાં સામાજિક સદભાવ કઈ રીતે સંભવી શકે?

ભારતમાં આજે ત્રણ કરોડથી વધુ લોકો નોકરી શોધી રહ્યા છે અને 2018માં માત્ર છ લાખ નોકરીઓ ઉપલબ્ધ થશે.

2018ના મે મહિનામાં પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ બેરોજગારોની વધુ એક ખેપ બજારમાં આવશે. તેનાથી વધુ એક આંચકો લાગવાનો છે.

આવી ખરાબ પરિસ્થિતિમાં આર્થિક પ્રગતિની આશા ઓછી દેખાય છે, ત્યારે બીજા પર હુમલો કરીને જ લોકોને ખુશી થાય છે.

ખાસ કરીને રાષ્ટ્રવાદના નામે તમે કોઈના પર હુમલો કરી રહ્યા છો એવું જણાવવામાં આવે ત્યારે વધારે ખુશી થાય છે.

તેમાં પણ જેમણે ભારતના ભાગલા કર્યા હતા અને હવે પાકિસ્તાનના મુસલમાનો સાથે સંબંધ ધરાવતા જેહાદી મુસલમાનો તમારું નિશાન હોય તો પછી શું કહેવાનું બાકી રહે!

વર્તમાન શાસન તમારી સલામતીની ગેરંટી આપતું હોય ત્યારે એ અનુભૂતિ વધારે બહેતર બની રહેતી હોય છે.

વળી ભારત પર પહેલો હક્ક હિંદુઓનો છે, હિંદુઓ સિવાયના જે અન્ય લોકો છે તેઓ માથું ઝૂકાવીને હુકમનું પાલન કરે, એમ કહીને હિંદુત્વવાદી વિચારધારા પણ આવા હુમલાઓને પ્રોત્સાહન આપે છે.

વોટ બેંક તરીકેનુંમહત્ત્વ ખતમ

ભારતના મુસલમાનો માટે સૌથી મોટો ઝટકો એક વોટ બેંક તરીકે તેમનું મહત્ત્વ ખતમ થઈ જવાનો છે.

2014માં એક પણ મુસ્લિમ સંસદસભ્ય વિના બીજેપી સત્તા પર આવી હતી. કોઈ પક્ષને બહુમતી મળી હોય અને તેનો એકેય સંસદસભ્ય મુસ્લિમ ન હોય તેવું પહેલીવાર બન્યું હતું.

2014ની લોકસભાની ચૂંટણીમાં માત્ર ચાર ટકા મુસ્લિમ સંસદસભ્યો ચૂંટાયા હતા.

દેશની કુલ વસતીમાં મુસલમાનોનો હિસ્સો 14.2 ટકા છે એ હિસાબે લોકસભામાં આ મુસલમાનોનું આજ સુધીનું સૌથી ઓછું પ્રતિનિધિત્વ છે.

ભારતમાં સૌથી વધુ વસતી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં મુસલમાનોની વસતી 19.2 ટકા છે.

જોકે, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ એક પણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો ન હતો અને આરામથી બહુમતી હાંસલ કરી લીધી હતી.

ભગવાધારી યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવીને બીજેપીએ મુસલમાનોના ઘા પર નિમક છાંટ્યું હતું.

યોગી પર અનેક ફોજદારી કેસ ચાલતા હતા. તેમાં ધર્મ તથા જ્ઞાતિના નામે બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાનો (આઈપીસીની કલમક્રમાંક 153એ) આરોપનો પણ સમાવેશ થાય છે.

જે લોકતાંત્રિક વ્યવસ્થામાં નિર્ણયો બહુમતીથી થતા હોય, અધિકારોની વહેંચી, સ્વતંત્ર ન્યાયતંત્ર, કાયદાનું શાસન અને નિષ્પક્ષ મીડિયા ન હોય ત્યાં લઘુમતી માટે મુશ્કેલી વધી જતી હોય છે.

એ પરિસ્થિતિ તાનાશાહી ભણી દોરી જતી હોય છે.

બંધારણ સૌથી મોટો રક્ષક

આજે ભારતનું બંધારણ દેશના નાગરિકોનો સૌથી મોટો રક્ષક છે, પણ એક પ્રસ્તાવિત કાયદો ધર્મનિરપેક્ષ નાગરિકતાના બંધારણીય પાયાને નબળો પાડવાનું કામ કરી શકે છે.

પ્રસ્તાવિત નાગરિકતા (સુધારા) ખરડો, 2016માં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાનથી આવતા હિંદુઓ, શીખો, બૌદ્ધ, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને પણ ભારતનું નાગરિકત્વ આપવાની દરખાસ્ત તો છે.

સાથે જ તેની સાથે એ દેશોમાંથી આવતા મુસલમાન શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવા પર પ્રતિબંધ લાદવાની દરખાસ્ત પણ છે.

વાતાવરણમાં આટલી નફરતથી લોકોની ખીજ વધી રહી છે, પણ આ વાતાવરણને બદલવા માટે મુખ્યધારાના વર્તમાન રાજકારણમાં બહુ મોટું પરિવર્તન જરૂરી છે.

એ ઉપરાંત સામાન્ય ભારતીયોના મન તથા દિલમાં પણ પરિવર્તન જરૂરી છે.

મુસ્લિમો સહિતના લઘુમતી વર્ગોના લોકો ભૂતકાળના ભારતનાં પ્રતીક નથી, ભારતના લોકતાંત્રિક ભવિષ્ય માટે જરૂરી પણ છે.

આ વાત સમજીને હિંદુસ્તાન લાંબા સમયથી જાળવી રાખેલું મૌન તોડશે એવી આશા છે.

(ફારાહ નક્વી કુંડૂ સમિતિનાં સભ્ય હતાં અને 'વર્કિંગ વિથ મુસ્લિમ્સઃ બિયૉન્ડ બુરખા એન્ડ ટ્રિપલ તલાક' પુસ્તકનાં લેખિકા છે.)

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો