You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન કર્ણાટકમાં ક્યાં સુધી ટકશે?
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, કર્ણાટકથી, બીબીસી ગુજરાતી માટે
કર્ણાટકની ચૂંટણી અંગે સટોડિયાઓએ સ્થિર સરકાર માટે ભાજપ પર દાવ લગાવ્યો હતો અને તેમને નુકસાન થયું. કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન કેટલું ચાલશે તેની પર હવે આ સટોડિયાઓ દાવ લગાવી રહ્યાં છે.
સટોડિયાઓ તો ઠીક સામાન્ય લોકો પણ આ રાજકીય ઘટનાક્રમ પર મીટ માંડીને બેઠા છે.
બન્ને પક્ષો 33 વર્ષોની રાજનીતિમાં સૌથી મુશ્કેલ ચૂંટણી લડી રહ્યાં છે એ લોકોની ઉત્સુકતાનું કારણ નથી. લોકો ઉત્સુક છે કેમ કે આ ચૂંટણી જંગ કડવાશથી ભરપૂર છે.
જોકે, એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ બન્ને પક્ષો ઘણાં રાજકીય કારણોસર ગઠબંધન કરવા માટે મજબૂર થયા છે.
પહેલી વાત તો એ કે છેલ્લાં દસ વર્ષોમાં જેડીએસ સત્તાથી દૂર રહ્યું છે, એટલે હવે જેડીએસનું રાજકીય અસ્તિત્વ જાણે કે જોખમમાં છે. બીજું કે બન્ને પક્ષો ભાજપને રોકવા ઇચ્છે છે.
બન્ને પક્ષોનું ગઠબંધન કેટલું ચાલશે?
રાજકીય વિશ્લેષક એમ.કે. ભાસ્કર રાવ કહે છે કે, "આ પક્ષો 2019ની લોકસભા ચૂંટણી સુધી એકસાથે રહેશે.
"જોકે, હજુ મંત્રાલયોની વહેંચણી, વહીવટ સંલગ્ન બાબતો અને ઘણી લોકશાહી સંસ્થાઓના નામકરણ સાથે જોડાયેલા પ્રશ્નો બાકી જ છે."
પ્રોફેસર મુઝફ્ફર અસાદીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ એક અસામાન્ય ગઠબંધન છે અને આ રાષ્ટ્રીય રાજનીતિમાં સફળ થનારા અન્ય ગઠબંધનની જેમ જ આ ગઠબંધન ચાલશે. આ એક પ્રયોગ છે અને તે કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ અને ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધન જેવું જ ચાલે એવી શક્યતા છે.."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
એમ.કે. ભાસ્કર રાવનું માનવું છે કે, પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના નેતા એચ.ડી.દેવગૌડા કોંગ્રેસ પાર્ટીમાં પ્રદેશ સ્તરના નેતાઓ સાથે આ મુદ્દાઓ પર વાત નહીં કરે. આ પ્રકારના મુદ્દાઓ પર તેઓ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી સાથે જ વાત કરશે, રાહુલ ગાંધી સાથે પણ નહીં.
બેઠકોની વહેંચણી અંગે તણાવ સર્જાવવાની શક્યતા
જોકે, આવતા વર્ષે યોજાનાર ચૂંટણી વખતે બન્ને પક્ષોએ બારીકાઈથી જોવું પડશે કારણકે બન્ને પક્ષો વધુમાં વધુ બેઠકો જીતવાની ઇચ્છા રાખશે.
જોકે, અહીં 1996ની લોકસભાની ચૂંટણીનું પુનરાવર્તન નહીં થાય કે જેમાં જેડીએસે 28માંથી 16 બેઠકો જીતીને કોંગ્રેસને ચોંકાવી દીધી હતી.
એક અઠવાડિયા પહેલાં સુધી કોઈને એવી અપેક્ષા નહોતી કે કોંગ્રેસ જેડીએસને ટેકો આપશે. જ્યારે જેડીએસે વોક્કાલિગા સમાજના મતોને એકજૂટ કરીને ચામુંડેશ્વરીમાંથી કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની હાર નિશ્ચિત કરી દીધી.
કોંગ્રેસની પહેલ પર દેવગૌડા અને કુમારસ્વામી તરફથી તરત હકારાત્મક પ્રતિક્રિયા આવી હતી.
વર્ષ 1991નાચંદ્રશેખર જેવી સ્થિતિનો સામનો વર્ષોથી રાજનીતિના મહારથી રહેલાં દેવગૌડા કરવા નહોતા માંગતા કે, જ્યારે કોંગ્રેસે તેમના પક્ષને ટેકો આપ્યો હતો.
એક દિવસે સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીઓ રાજીવ ગાંધીના ઘરની બહાર જાસૂસી કરતા પકડાયા એટલે કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો હતો.
વધુ બેઠકો છતાં કોંગ્રેસ જુનિયર પાર્ટનર
કોંગ્રેસ પક્ષ દેવગૌડાના પ્રસ્તાવને માનવા માટે તૈયાર થઈ ગયો અને આ ગઠબંધનમાં એક જુનિયર પાર્ટનર બનવા માટે પણ તૈયાર થઈ ગયો. જોકે, કોંગ્રેસ પાસે 78 અને જેડીએસ પાસે ફક્ત 37 બેઠકો જ છે.
પ્રોફેસર અસાદી માને છે કે, "કોંગ્રેસ જ્યાં સુધી ફરી એક વખત મજબૂત સ્થિતિમાં પાછી આવી ન જાય ત્યાં સુધી આ ગઠબંધન ટકી રહેશે. જો કોંગ્રેસ ફરી મજબૂત સ્થિતિમાં આવી જશે તો ચોક્કસ સમસ્યાઓ સર્જાશે."
જે દિવસે કુમારસ્વામી પોતાના 117 ધારાસભ્યોનાં સમર્થન સાથેનો પત્ર વજુભાઈ વાળાને સોંપવાના હતાં ત્યારે એક નવા ચૂંટાયેલા જેડીએસના ધારાસભ્યને પૂછવામાં આવ્યું હતું કે, 'શું તેમણે તેમના જૂના મિત્ર સિદ્ધારમૈયા સાથે વાત કરી છે?'
અંગત વાતચીતમાં ધારાસભ્યએ રિપોર્ટરને કહ્યું હતું કે, "ના, અમને હજુ સુધી એવી તક મળી નથી. પણ જો હું ઇમાનદારીથી કહું તો જ્યારે હું તેમને મળીશ ત્યારે શું કરીશ તે મને નથી ખબર.
"આ અમારી રાજકીય જિંદગીનો કપરો સમય છે."
કપરો રાજકીય સમય
એવું નથી કે થોડાંક જ ધારાસભ્યો આ પ્રકારે અનુભવી રહ્યાં છે. કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા અને એચ.ડી. દેવગૌડાએ વિધાનસભાના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે હાથ મિલાવ્યા.
એ સ્પષ્ટ બાબત છે કે કુમારસ્વામી આવતા અઠવાડિયે વિશ્વાસ પ્રસ્તાવ જીતી લેશે તો એક પ્રકારે સહજતા થઈ જશે.
પણ પ્રોફેસર અસાદી એ જોઈ રહ્યાં છે કે શું બન્ને પક્ષો સમન્વય સમિતિ બનાવે છે કે નહીં, જેનાથી આંતરિક મતભેદ દૂર કરી શકાય અને બન્ને વચ્ચે સંમતિ સધાય.
આ પ્રકારે આ ગઠબંધનને સતર્ક રહેવામાં મદદ મળશે, કેમકે વિધાનસભામાં વિરોધી પક્ષ ભાજપ 104 ધારાસભ્યો હોવાથી મજબૂત સ્થિતિ ધરાવે છે.
કદાચ આ એકમાત્ર બાબત જ ગઠબંધનને સાચવી રાખશે કારણકે તેમને ડર હશે કે, "જો આ ગઠબંધન તૂટી જાય તો તેઓ ક્યારેય ભવિષ્યમાં સત્તામાં આવી નહીં શકે."
આ ગઠબંધન દેશમાં ભાજપ વિરોધી શક્તિઓ માટે એક ઉદાહરણ બનશે જેના આધારે આવતા વર્ષે મોદી-અમિત શાહની જોડીને ટક્કર આપવાની તૈયારી કરી શકાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો