You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટકની જેમ શક્તિ પરીક્ષણમાં જ્યારે જ્યારે પડી ગઈ સરકારો!
કર્ણાટક વિધાનસભામાં શનિવારે વિશ્વાસમત સાબિત કરતાં પહેલાં મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ કર્ણાટકમાં ભાજપની સરકાર પડી ગઈ.
વિધાનસભાની 222 બેઠકોનું પરિણામ જોઈએ તો ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠકો મળી હતી.
કોંગ્રેસે જેડીએસને ટેકો આપ્યો હતો પણ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સૌથી વધુ બેઠકો જીતનાર પક્ષ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
ભારતીય રાજકારણમાં આવી પરિસ્થિતિ પ્રથમવાર નથી આવી. પરંતુ આવી ઘટનાઓથી ભારતનો ઇતિહાસ ભરેલો પડ્યો છે.
વર્ષ 1979: શપથના 15 દિવસોમાં જ પડી ગઈ ચરણ સિંહની સરકાર
દેશમાં કટોકટી લાગુ કર્યાના લગભગ બે વર્ષ બાદ વિરોધનું વાતાવરણ ગંભીર બનતા તત્કાલિન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ લોકસભા ભંગ કરીને ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી.
ચૂંટણીમાં કટોકટી લાગુ કરવાનો નિર્ણય કોંગ્રેસ માટે ઘાતક સાબિત થયો. અને તેના પરિણામ સ્વરૂપે 30 વર્ષો બાદ કેન્દ્રમાં ગેરકોંગ્રેસી સરકારનું ગઠન થયું હતું.
જનતા પાર્ટી ભારે બહુમતીથી સત્તામાં આવી અને મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા. ચરણસિંહ તે સરકારમાં ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પક્ષમાં આંતરિક ઝઘડાને કારણે મોરારજી દેસાઈની સરકાર પડી ગઈ. ત્યારબાદ કોંગ્રેસ અને સીપીઆઈની મદદથી ચરણ સિંહે 28 જુલાઈ 1979ના રોજ વડા પ્રધાન પદે શપથ લીધા હતા.
રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ તેમને બહુમતી સાબિત કરવા માટે 20 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. પરંતુ એક દિવસ પહેલાં એટલે કે 19 ઓગસ્ટના રોજ ઈન્દિરા ગાંધીએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું અને ફ્લોર ટેસ્ટનો સામનો કર્યા વગર તેમણે રાજીનામું આપી દીધું હતું.
વર્ષ 1989: બિહારમાં રથ યાત્રા થોભી, બીજી તરફ દિલ્હીમાં સરકાર પડી
બીજી કહાણી છે વર્ષ 1989ની. એક વર્ષ પહેલાં એટલે કે વર્ષ 1988માં જય પ્રકાશ નારાયણના જન્મદિવસ 11 ઓક્ટોબરના રોજ જનમોરચા, જનતા પાર્ટી, લોકદળ અને કોંગ્રેસ (એસ)નો વિલય થયો અને નવા પક્ષ જનતા દળનું ગઠન થયું હતું.
વર્ષ 1989માં ચૂંટણી થઈ. નેશનલ ફ્રન્ટને સારી સફળતા મળી પરંતુ એટલી પણ નહીં કે સરકાર બનાવી શકે.
નેશનલ ફ્રન્ટે, ભાજપ અને ડાબેરી વિચારધારા ધરાવતી પાર્ટીઓનું સમર્થન મેળવીને સરકાર બનાવી લીધી અને વીપી સિંહ વડા પ્રધાન બન્યા હતા.
એક વર્ષ થયું હતું કે ભાજપે રથયાત્રા શરૂ કરી. રથ ઘણા રાજ્યો થઈને બિહાર પહોંચ્યો. બિહારમાં જનતા દળની સરકાર હતી અને લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા.
તેમણે લાલકૃષ્ણ અડવાણીના રથ આગળ સ્પીડબ્રેકરનું કામ કર્યું અને અડવાણીની ધરપકડ કરી લીધી હતી.
પછી શું, ભાજપે કેન્દ્ર સરકારમાંથી સમર્થન પરત ખેંચી લીધું અને સરકાર પડી ગઈ.
વર્ષ 1990 : રાજીવ ગાંધીની જાસૂસીની ઘટના બાદ સરકાર પડી
ભારતીય રાજનીતિના ઇતિહાસનો મહત્ત્વનો અધ્યાય એટલે વર્ષ 1990.
વીપી સિંહના રાજીનામા બાદ જનતા દળના નેતા ચંદ્રશેખરે પોતાના સમર્થકો સાથે પક્ષ છોડી દીધો અને સમાજવાદી જનતા પાર્ટીની રચના કરી.
ચૂંટણી થઈ અને તેમના પક્ષનો 64 બેઠકો પર વિજય થયો. સંસદના ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસે તેમને મદદ કરી અને ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા હતા.
આશરે સાત મહિના પાછી એવું કંઇક થયું કે તેમને રાજીનામુ આપવું પડ્યું.
2 માર્ચ 1991એ રાજીવ ગાંધીના નિવાસ સ્થાન 10, જનપથ બહાર જાસૂસી કરવાના આરોપ હેઠળ હરિયાણા પોલીસના કર્મચારીઓ પ્રેમસિંહ અને રાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
બન્ને સાદા કપડાંમાં હતા અને ધરપકડ પછી તેમને સ્વીકાર્યું હતું કે તેઓ કોઈ માહિતી મેળવવા ત્યાં ગયા હતા.
આ અંગે રાજનીતિમાં જાણે કે ભૂકંપ આવી ગયો અને કોંગ્રેસે કેન્દ્ર સરકારને આપેલો ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી.
ત્યારબાદ સંસદમાં ફ્લોર ટેસ્ટની સ્થિતિ સર્જાઈ. ફ્લોર ટેસ્ટ થાય એ પહેલાં ચંદ્રશેખરે 6 માર્ચ 1991એ રાજીનામું આપ્યું હતું.
વર્ષ 1992 : જ્યારે માયાવતીએ સત્તા માટે ફ્લોર ટેસ્ટ કરાવ્યો
આ ઉત્તર પ્રદેશની રસપ્રદ ફ્લોર ટેસ્ટની કહાણી છે. વર્ષ 1992માં મુલાયમસિંહ યાદવે સમાજવાદી જનતા પાર્ટીથી અલગ થઈને સમાજવાદી પાર્ટી બનાવી હતી.
એક વર્ષ પછી ઉત્તર પ્રદેશમાં ઇમારતનો વિવાદાસ્પદ ભાગ તોડી પાડ્યો. આ ઘટના બાદ કલ્યાણસિંહની રાજ્ય સરકારનો ભંગ કરવામાં આવ્યો.
ત્યારબાદ ચૂંટણી યોજાવાની હતી. સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીનું ગઠબંધન થયું. જેમાં છ-છ મહિના માટે મુખ્યમંત્રી બનાવવાની ગોઠવણ કરાઈ.
ગઠબંધનની સરકાર બની. પહેલી વખત માયાવતી મુખ્યમંત્રી બન્યાં. પણ જ્યારે મુલાયમસિંહ યાદવનો મુખ્યમંત્રી બનવાનો વારો આવ્યો ત્યારે માયાવતીએ મુખ્યમંત્રી પદ ખાલી કરવાની ના પાડી અને સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થયો અને ભાજપના સમર્થનમાં માયાવતી બીજી વખત મુખ્યમંત્રી બન્યાં અને સમાજવાદી પાર્ટી પોતાના સાથે દગો થયો હોવાથી સરકારમાંથી બહાર નીકળી ગઈ.
વર્ષ 1999 : જ્યારે માત્ર એક મતથી વાજપેયીની સરકાર પડી ગઈ હતી
વર્ષ 1998માં થયેલી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી નહોતી મળી. પણ અન્નામુદ્રકની મદદથી રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનના નામે સરકાર બનાવાઈ હતી.
13 મહિના પછી અન્નામુદ્રકે પોતાનો ટેકો પાછો ખેંચી લીધો અને સરકાર લઘુમતીમાં આવી ગઈ.
વિપક્ષની માગ આધારે રાષ્ટ્રપતિએ સરકારને બહુમતી સાબિત કરવા કહ્યું હતું.
સંસદમાં ફ્લોર ટેસ્ટ થયો અને અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતથી તૂટી ગઈ. કોઈએ આવું વિચાર્યું નહોતું.
જે એક મતથી સરકાર પડી ભાંગી, એ એક મત ઓરિસ્સાના મુખ્યમંત્રી ગિરધર ગમાંગનો હતો. ગમાંગ એ સમયે ઓરિસ્સાના મુખ્યમંત્રીની સાથે સાંસદ પણ હતા. આ ફ્લોર ટેસ્ટમાં પોતાનો મત આપવા માટે જ તેઓ દિલ્હી આવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો