કર્ણાટક: અઢી દિવસના મુખ્યમંત્રી યેદિયુરપ્પા પર ભાજપે શા માટે દાવ ખેલ્યો હતો?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

કર્ણાટકની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ બધા રાજકીય દળોમાં કૂતુહલ સર્જાયું હતું. રાજ્યમાં ભાજપ મોટા પક્ષ તરીકે તો ઊભરી આવ્યો પરંતુ સ્પષ્ટ બહુમતી ના મળી.

કર્ણાટકમાં 222 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો મળી. જ્યારે કોંગ્રેસને 78 અને જનતા દળ સેક્યુલરને 37 બેઠકો મળી હતી.

ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને તો પોતાની જીતનો એટલો વિશ્વાસ હતો કે તેમણે તો મતગણતરી પહેલાં જ જાહેર કર્યું હતું કે તેઓ 17મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે.

તમે આ વાંચ્યું કે નહીં?

આખરે થયું પણ એવું જ્યારે બુધવારેની મોડી સાંજે રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

જે બાદ વિધાનસભામાં બહુમત સાબિત કરતાં પહેલાં જ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું.

તમામ જાણકારોનું માનવું હતું કે મોદી સરકારનાં છેલ્લાં ચાર વર્ષના કામકાજને જોઈને કર્ણાટકમાં તેમને પૂર્ણ બહુમતિ મળશે. સાથે જ આ ચૂંટણી 2019ની આવનારી ચૂંટણી માટે સેમીફાઇનલ સાબિત થશે.

યેદિયુરપ્પાનું રાજકારણ

2013માં ભાજપને લાગ્યું હતું કે સંગઠનથી મોટું કોઈ નથી એટલા માટે યેદિયુરપ્પાને હટાવીને જગદીશ શેટ્ટરને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

યેદિયુરપ્પા ભાજપ માટે એ સ્થાનિક ચહેરો હતો જેમની મારફતે 2008માં તેમણે દક્ષિણ ભારતમાં સરકાર બનાવી હતી.

જોકે, આ સરકાર જેડીએસના સમર્થનથી ચાલી રહી હતી. પરંતુ ભાજપને ફાયદો એ વાતનો થયો કે તેમની પાસે 1985માં માત્ર બે વિધાનસભા બેઠકો હતી તે વધીને 2008માં 110 થઈ ગઈ.

સાથે જ મતોની ટકાવારી પણ 3.88થી વધીને 2008માં 33.86 થઈ. આ બધુ જ ભાજપના પ્રયત્નથી શક્ય બની શક્યું જેમાં સૌથી ઉપર હતા યેદિયુરપ્પા.

'યેદિયુરપ્પાના કારણે ભાજપ 2013માં હાર્યો'

લિંગાયત સમાજમાંથી આવનાર યેદિયુરપ્પાની સૌથી મોટી શક્તિ હતી લિંગાયતોનું સમર્થન. પરંતુ જ્યારે ખનન કૌભાંડમાં તેમનું નામ આવ્યું, તો ભાજપે તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો.

આ વાતથી ગુસ્સે ભરાયેલા યેદિયુરપ્પાએ 'કર્ણાટક જન પક્ષ' નામથી એક અલગ પક્ષ બનાવ્યો.

2013ની વિધાનસભાની ચૂંટણીમાં યેદિયુરપ્પા ભાજપને ખૂબ જ મોંઘા પડ્યા અને આ વાતનો ફાયદો મળ્યો કોંગ્રેસને. તેમણે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનાવી.

ત્યારબાદ ભાજપના નેતાઓ અને યેદિયુરપ્પા અને તેમના પક્ષના નેતાઓ વચ્ચે કડવી નિવેદનબાજી થઈ. ભાજપના ઇશ્વરપ્પા અને જગદીશ શેટ્ટર જેવા નેતાઓએ ખુલ્લેઆમ યેદિયુરપ્પા વિરુદ્ધ મોરચો માંડ્યો.

યેદિયુરપ્પનો વિદ્રોહ ભાજપને ખૂબ જ મોંધો પડ્યો.

જોકે, યેદિયુરપ્પાની પાર્ટીને માત્ર 6 બેઠકો મળી હતી. પરંતુ તેમના કારણે બીજી બેઠકો પર ભાજપના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો.

શાહે કરાવી યેદિયુરપ્પાની 'ઘરવાપસી'

છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં યેદિયુરપ્પાની કર્ણાટક જનતા પક્ષ પાર્ટી બીજા તો અથવા તો ત્રીજા સ્થાને હતી.

224 માંથી 30 બેઠકો એવી હતી જ્યાં કર્ણાટક જન પક્ષ અને ભાજપના કુલ મતો કોંગ્રેસના જીતનાર ઉમેદવારના મતો કરતાં વધારે હતા. ત્યારે ભાજપને 40 બેઠકોથી સંતોષો કરવો પડ્યો હતો.

આ દરમિયાન 2014માં ભાજપે સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને અમિત શાહે અધ્યક્ષ પદ સંભાળ્યું હતું.

જૂની ટીમ હટી અને અમિત શાહની બુદ્ધિના જોરે યેદિયુરપ્પાની 'ઘરવાપસી' કરાવવામાં આવી.

તેમને પહેલાં સંગઠનની કેન્દ્રીય સમિતિમાં રાખવામાં આવ્યા. ત્યારબાદ તેમને પ્રદેશ અધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું.

યેદિયુરપ્પા ભાજપના હનુમાન સાબિત થયા

પ્રદેશમાં પક્ષના પ્રવક્તા બામન આચાર્યએ કહ્યું હતું કે તેઓ પક્ષના હનુમાન સાબિત થશે.

તેમનો દાવો હતો કે દક્ષિણ ભારતમાં યેદિયુરપ્પા ભાજપના એવા નેતા છે, જેમણે પોતાના જોરે સંગઠનને ઊભું કર્યું હતું.

વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ યેદિયુરપ્પાએ સમગ્ર પ્રદેશમાં પ્રચારનું બીડું ઝડપી લીધું.

ટિકિટ વહેંચણીને લઈને પક્ષની અંદર વિરોધના સ્વર પણ ઉઠ્યા હતા, પરંતુ યેદિયુરપ્પાને હાઈ કમાન્ડ તરફથી સંપૂર્ણ સમર્થન મળેલું હતું.

વરિષ્ઠ પત્રકાર વિજય ગ્રોવરનું માનવું હતું કે ભાજપે યેદિયુરપ્પાનો માત્ર મહોરા તરીકે ઉપયોગ કર્યો.

તેમનું કહેવું કહેવું હતું, "ભાજપમાં યેદિયુરપ્પા જેવા નેતા કર્ણાટકમાં નથી, એટલા માટે તેમને આગળ કરીને પક્ષ ચૂંટણી લડ્યો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો