You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બે દાવેદારોને કારણે કર્ણાટકમાં સત્તાનું કોકડું ગૂંચવાયું
એવું લાગે છે કે કર્ણાટકમાં સત્તા મેળવવા માટે તમામ રાજકીય પક્ષોએ પૂરેપૂરી તાકત લગાવી દેશે. એક તરફ કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરનું ચૂંટણી પછીનું ગઠબંધન છે તો બીજી બાજુ, ભાજપ અને સત્તા વચ્ચે હાથવેંતનું છેટું છે.
આ લખાય છે ત્યારે કુલ 222માંથી 221 બેઠકોના પરિણામ આવી ગયા છે. જે મુજબ ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે.
ભાજપે 103 બેઠકો જીતી છે અને એક બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 78 તથા જનતાદળ સેક્યુલર 37 બેઠકો પર વિજેતા થયા છે.
બહુજન સમાજ પક્ષ, કર્ણાટક પ્રજ્ઞાવંથા જનથા પાર્ટી તથા અપક્ષ એક-એક બેઠકો પર વિજેતા થયા છે. બસપા કર્ણાટકમાં પ્રથમ વખત વિજેતા થયો છે.
આપને આ પણ વાંચવું ગમશે
ભાજપનો વિજયોત્સવ
મંગળવારે સાંજે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો.
અમિત શાહે કહ્યું હતું, "ગત 14 ચૂંટણી ભાજપે જીતી છે અને 15મી ચૂંટણી પણ ભાજપ જીતશે." તેમના આ નિવેદનના આધારે અંદાજ મૂકી શકાય છે કે કર્ણાટકનું રાજકીય કોકડું કેટલી હદે ગૂંચવાયું છે.
આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ પણ પાર્ટીને વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા. કર્ણાટકમાં ભાજપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પાએ પણ સરકાર રચવા માટે દાવો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, બહુમત માટે ખૂટતા આઠ ધારાસભ્યો ક્યાંથી લાવશે તે અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી થઈ. ભાજપે કર્ણાટકના પ્રભારી પ્રકાશ જાવડેકર ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાનને બેંગ્લુરુ મોકલ્યા છે.
કર્ણાટકમાં પરાજય છતાંય કોંગ્રેસ સત્તાની નજીક હોય તેમ જણાય છે. પાર્ટીએ જનતા દળ સેક્યુલરને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે.
પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડાના પુત્ર કુમારસ્વામીએ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે.
06:00 PM:બીબીસી ગુજરાતી સાથેના ફેસબુક લાઇવમાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે કહ્યું,"કર્ણાટકમાં કયો પક્ષ સરકાર બનાવશે? એનો નિર્ણય લેવામાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
"રાજ્યપાલ સરકાર બનાવવા માટે કોને આમંત્રણ આપે છે, તેના પર જ હવે સઘડી રાજનીતિ અને જોડતોડનો આધાર છે.
"તેઓ રાજકીય દ્રષ્ટીએ કાબેલ વ્યક્તિ છે અને વહીવટી સૂઝબૂઝ ધરાવતા બંધારણના જાણકાર માણસ છે.
"ઉત્તરાંચલ હોય, મેઘાલય હોય, મણિપુર હોય, ગોવા હોય, આ બધે જ સ્પષ્ટ બહુમતી ન હોવા છતાં ભાજપે સત્તા આંચકી લીધી છે. એટલે કર્ણાટકમાં પણ એવું જ કરે તો નવાઈ નહીં.
"કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોએ નૈતિકતાના નામે નહાઈ નાખ્યું છે."
05:45 PM:કોંગ્રેસના નેતા તથા કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી વીરપ્પા મોઇલીના કહેવા પ્રમાણે, જનતાદળ સેક્યુલર તથા કોંગ્રેસ પાસે સરકાર બનાવવા માટે જરૂરી ધારાસભ્યો છે. પૂરતી સંખ્યા વગર ભાજપ સરકાર બનાવી ન શકે.
05:30 PM:સાંજે સાત કલાકે ભાજપ સંસદીય દળની બેઠક મળશે, જેમાં અમિત શાહ અને મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ભાગ લેશે. આ બેઠકમાં સરકાર ગઠન અંગે ચર્ચા કરવામાં આવશે.
05:15 PM:વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વીટ કર્યું, "આજ માટે એક નવું ગીત- જૈસે કો તૈસા...ભાજપે ગોવામાં કોંગ્રેસ પાસેથી જીત છીનવી હતી. કોંગ્રેસ કર્ણાટકમાં ભાજપ સાથે એવું જ કરી રહી છે. જિંદગીમાં એક નવો પાઠ. જ્યારે તમે એક રાજ્યમાં નૈતિકતાના બાદલે સત્તાને પસંદ કરો છો, તો બીજા રાજ્યમાં તમે નૈતિક સત્તા ગુમાવી દો છો"
05:00 PM:કર્ણાટકના રાજકારણમાં હવે ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થશે એ તરફ ઇશારો કરતા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે લખ્યું, 'કાશ, મારી પાસે બેંગ્લુરુ પાસે એક રિસોર્ટ હોત.'
કર્ણાટકમાં શું ચાલી રહ્યું છે?
04:34 PM:મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જેડીએસે સમર્થન આપવાનો કોંગ્રેસનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. એચ. ડી. કુમારસ્વામીએ રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માગ્યો છે.
04:09 PM: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કર્ણાટકના રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
04:07PM: બીજેપી નેતા યેદિયુરપ્પાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે કર્ણાટકની જનતાએ કોંગ્રેસને સમર્થન નથી આપ્યું અને ભાજપને સ્વીકારી છે. લોકો કોંગ્રેસમુક્ત કર્ણાટક તરફ વળી રહ્યા છે. બહુમતિ ના મળ્યા બાદ પણ કોંગેસ સત્તા પર આવવાનો પ્રયત્ન કરી રહી છે.
સત્તાની ચાવી
મીડિયા રિપોર્ટથી જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના નેતા અહમદ પટેલ કર્ણાટક માટે રવાના થઇ ચૂક્યા છે.
ગુલાબ નબી આઝાદ અને અશોક ગેહલોત પહેલેથી જ બેંગ્લુરુમાં હાજર છે.
દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ કર્ણાટકના પ્રભારી પ્રકાશ જાવડેકર આજે બેંગ્લુરુ પહોંચવાના છે.
જાવડેકર સાથે રાજનીતિક પ્રંબધન માટે જેપી નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાન છે.
જે પાર્ટીના હાથમાં સત્તાની ચાવી દેખાઈ રહી છે તે પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની પાર્ટી જનતા દળ સેક્યુલર છે.
કર્ણાટકમાં માયાવતીની બસપાએ પણ ખાતું ખોલ્યું છે અને તેમને એક સીટ મળી છે.
કર્ણાટક પ્રગ્ન્યાવંશા જનતા પાર્ટીએ પણ એક સીટ જીતી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો