કર્ણાટક ચૂંટણી પરિણામો : દેવગૌડા-કુમારસ્વામી કઈ તરફ જશે? ભાજપ કે કોંગ્રેસ?

    • લેેખક, ભરત શર્મા
    • પદ, બીબીસી સંવાદદાતા

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીએ કેટલી અસમંજસ પેદા કરી છે, એનો અંદાજ ઍક્ઝિટ પૉલના તારણોથી આવે છે. કેટલાક ભાજપને જીતાડતા હતાં અને કેટલાક કોંગ્રેસને.

શનિવારે મતદાન પૂર્ણ થયા બાદ જ્યારે ઍક્ઝિટ પૉલના તારણો આવ્યા ત્યારે બન્ને પક્ષોને ટીવી પર પોતાની જીતનો દાવો કરવાની તક મળી ગઈ.

ચૂંટણી પ્રચાર વખતે પોતાને હાલના અને ભવિષ્યના મુખ્યમંત્રી ગણાવતા કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયાએ રવિવારે કહ્યું કે, જરૂર પડે તો તેઓ દલિત મુખ્યમંત્રી માટે ખુરશી ખાલી કરી શકે છે. જોકે કોંગ્રેસનો જ વિજય થશે એવો તેમને વિશ્વાસ છે.

બીજી તરફ ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પાનું કહેવું છે કે, ભાજપને બહુમતી મળશે એવું તેઓ લેખિતમાં આપવા તૈયાર છે.

બન્ને બહારથી ભલેને ગમે તે દાવા કરે, પણ પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચિંતામાં રહેશે. હવે તેના આડે ગણતરીના કલાકો જ બાકી છે.

કિંગમેકર કોણ બનશે?

કર્ણાટકની ચૂંટણીમાં ઝંપલાવતા દેશના બન્ને મુખ્ય રાજકીય પક્ષોની સાથે-સાથે અન્ય એક રાજકીય પક્ષ એવો છે જે સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે.

જે પક્ષનું નામ ગઈકાલ સુધી જનતા દળ (સેક્યુલર) હતું, એ પક્ષનું નામ હવે પરિણામ નજીક આવવાની સાથે જ બદલાઈને 'કિંગમેકર' થઈ ગયું છે!

ઍક્ઝિટ પૉલના તારણો પ્રમાણે હવે એચ ડી દેવગૌડા અને તેમના પુત્ર એચ ડી કુમારસ્વામીના પક્ષનું કર્ણાટકના રાજકારણમાં મહત્ત્વ વધી ગયું છે.

શું તમે આ વાંચ્યું?

હવે, એ જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે, આ કિંગમેકર કયા પક્ષને કિંગ બનાવશે?

ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળનાર નરેન્દ્ર મોદીએ વચ્ચે એવા નિવેદનો આપ્યા હતાં કે જેનાથી તેઓ દેવગૌડાની નિકટ જઈ શકે.

એવી ચર્ચા હતી કે કદાચ જરૂર પડે તો જનતા દળ (સેક્યુલર) ભાજપ સાથે જઈ શકે છે.

દેવગૌડા કોની તરફ જશે?

પણ હવે કોગ્રેંસ પણ એવા સંકેતો આપે છે કે બહુમતી ન મળે તો અન્ય પક્ષ સાથે મળીને એ લોકો આગળ વધવા માટે તૈયાર થશે.

જોવાનું એ છે કે જનતા દળ (સેક્યુલર) કોની બાજુ જાય છે, એના આધારે જ ખબર પડશે કે પક્ષમાં દેવગૌડાનું વધારે ચાલે છે કે પછી કુમારસ્વામીનું.

એક ઇંટર્વ્યૂમાં દેવગૌડા કહી ચૂક્યાં છે કે, તમામ સમસ્યાઓ હોવા છતાં તેઓ કર્ણાટકમાં સારું પ્રદર્શન કરવા જઈ રહ્યાં છે.

તેમણે કહ્યું કે, "જે લોકો અંદાજ લગાવી રહ્યાં છે કે અમારા પક્ષને 30-40 બેઠકો મળશે, તેમને વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ નથી.”

“મોદી સાહેબ પહેલાં મારા માટે સારું-સારું બોલતા હતાં અને હવે નિંદા કરવા લાગ્યા છે."

"આનાથી શું સાબિત થાય છે? શરૂઆતમાં એમને સાચી પ્રતિક્રિયા નહોતી મળી. તેમને યૂ ટર્ન લેવો પડ્યો કારણકે એમને ખ્યાલ આવી ગયો હતો કે અમે ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. કોંગ્રેસ પણ અમારાથી ગભરાયેલો છે. એ જ કારણ છે કે તેઓ અમને ભાજપની બી-ટીમ ગણાવે છે."

આ નિવેદનો પર ધ્યાન આપીએ તો એવું લાગે છે કે જનતા દળ (સેક્યુલર) બન્ને પૈકી એક પણ પક્ષનો સાથ નહીં આપે. પણ, એવી રીતે રાજનીતિ ચાલતી જ નથી.

સોદાબાજી કરવામાં કોણ આગળ, કોણ પાછળ?

ઍક્ઝિટ પોલના તારણો બાદ ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ વધી અને સાથે-સાથે પ્રશ્ન ઉદ્ભભવ્યો કે દેવગૌડા-કુમારસ્વામી જરૂર પડ્યે કોનો સાથ આપશે?

આ મહત્ત્વના પ્રશ્નના અનેક જવાબ છે. વરિષ્ઠ પત્રકાર ઉર્મિલેશે બીબીસીને કહ્યું કે, "કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષમાંથી કયો પક્ષ કેટલી મોટી ઓફર કરી શકે છે એના પર જ બધું નિર્ભર છે."

તેમને કહ્યું, "પ્રાદેશિક રાજકીય પક્ષો આ પ્રકારે જ વિચારે છે. કુમારસ્વામી ઘણાં મહત્ત્વાકાંક્ષી છે અને બન્ને પક્ષોની ઓફર પર નજર રાખશે. તક મળે તો પોતાને મુખ્યમંત્રી બનાવવાની શરત પણ મૂકી શકે છે. તે એવું પણ કહી શકે છે કે, રાજીવ ગાંધીએ ચંદ્રશેખરને બનાવ્યા હતાં, તમે પણ બનાવી શકો."

પણ જો કુમારસ્વામી મુખ્યમંત્રી પદની માંગણી કરે તો શું ભાજપ કે કોંગ્રેસ તેમની માગ સ્વીકારશે?

તેમણે કહ્યું કે, "એ અંગે હાલ તબક્કે કહેવું અતિશયોક્તિ ગણાશે. રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે."

નરેન્દ્ર મોદી તથા દેવગૌડા વચ્ચે કેવો સંબંધ છે? "પહેલાં બન્ને વચ્ચેના સંબંધોમાં કડવાશ હોવાનું લોકો માનતા હતાં, પણ હવે સંબંધો સુધર્યા હોવાનું સાંભળવા મળે છે. તાજેતરમાં મોદીએ તેમના વખાણ પણ કર્યા હતાં."

પિતા-પુત્રમાંથી કોનું વધારે ચાલશે?

પણ ભાજપના બદલે શું જનતા દળ (સેક્યુલર) કોંગ્રેસ તરફ ન જઈ શકે?

રાજનીતિમાં કોઈ પણ પ્રશ્નનો ચોક્કસ જવાબ આપવો મુશ્કેલ છે.

કર્ણાટકની રાજકીય ગતિવિધિઓ પર નજર રાખી રહેલાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ભાસ્કર હેગડેએ કહ્યું કે, "જો પરિણામો નિર્ણાયક ન આવે અને એક પણ પક્ષને જરૂરી બહુમતી ન મળે તો બે-ત્રણ સંભાવનાઓ છે."

તેમને કહ્યું કે, "જો કોંગ્રેસ સારી સંખ્યામાં સીટ લઈ આવવામાં સફળ થાય તો જેડી(એસ) તેમને બહારથી સમર્થન આપે એ શક્ય છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી બનાવવા જેવી કોઈ વિશેષ માંગણી નહીં કરે.

"જો તેઓ સરકારમાં સામેલ થાય તો પછી મુખ્યમંત્રી પદ કોને આપવામાં આવશે, એ અંગે પણ ચર્ચા થઈ શકે છે અને માંગણી પણ કરી શકે છે."

તજજ્ઞોનું માનવું છે કે કુમારસ્વામી ભાજપની તરફ જઈ શકે છે, પણ દેવગૌડા કોંગ્રેસને સાથ આપવાનું પસંદ કરશે. કારણકે, રાષ્ટ્રીય સ્તરે ત્રીજા મોરચામાં તેમને મહત્ત્વની ભૂમિકા દેખાઈ રહી છે.

ભૂતકાળમાં કેવી સ્થિતિ હતી?

જનતા દળ સેક્યુલરમાં દેવગૌડા અને કુમારસ્વામી પૈકી કોનું વધારે ચાલે છે. એ વિશે હેગડે એ કહ્યું કે, "હાલની સ્થિતિ મુજબ તો કુમારસ્વામી."

દેવગૌડા વર્ષ 2008 થી 2013 વચ્ચે અસ્થિર સરકાર ચલાવવા માટે ભાજપને ભાંડતા રહ્યાં, જેમાં ત્રણ વખત મુખ્યમંત્રી બદલવામાં આવ્યા હતા.

સાથે-સાથે એવા પણ આક્ષેપો કરતા રહ્યાં કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારને ડામવામાં અસફળ રહી છે.

જે રીતે ભાજપ અને જેડી(એસ) વચ્ચે સમાધાન અંગે જટિલતાઓ દેખાઈ રહી છે, એ જ રીતે કોંગ્રેસ અને જેડી(એસ)ની મિત્રતામાં પણ અનેક અવરોધો છે.

વર્ષ 2005માં સિદ્ધારમૈયાએ જનતા દળ (સેક્યુલર) છોડ્યું હતું અને કોંગ્રેસમાં જોડાયા હતાં.

એ વખતે કુમારસ્વામી ભાજપ સાથે ગઠબંધન ધરાવતી સરકારના મુખ્યમંત્રી હતાં. સિદ્ધારમૈયાના આ નિર્ણયથી તેઓ નિરાશ થયા હતા.

ભૂતકાળની એવી અનેક ઘટનાઓ છે જે મિત્રતા અને ગઠબંધનમાં અવરોધ બને, પણ રાજનીતિમાં ગઈકાલ કરતાં આવતીકાલની ચિંતા રાખીને નિર્ણયો લેવાની પરંપરા પણ રહેલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો