You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રાઉંડ રિપોર્ટ - હિંસક કૂતરાંનું રહસ્ય છ મહીનામાં 12 બાળકોનાં મૃત્યુ
- લેેખક, નિતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં જંગલી કુતરાઓનો ભય હજું પણ યથાવત્ છે.
છેલ્લા છ મહિનામાં કૂતરાંના હુમલાથી 12 બાળકોનાં મૃત્યુ થયાં છે, સેંકડો ઘાયલ છે અને ગામના લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યાં છે.
લીલીછમ કેરીની વાડીઓમાંથી પસાર થવામાં પહેલાં ક્યારેય સ્થાનિકોએ આટલો ડર નથી અનુભવ્યો.
હાથમાં લાકડીઓ લઈને ત્રણ હટ્ટાકટ્ટા યુવાનો મને એ ઝાડ પાસે લઈ ગયા જ્યાં આજે પણ લોહીના ડાઘ છે.
ઘટના શું છે ?
આશરે દોઢ સપ્તાહ પહેલાં 11 વર્ષનો ખાલિદ અલી સવારે સ્કૂલ જવા માટે નિકળ્યો હતો અને રસ્તાની એક વાડીમાં અન્ય બાળકોની જેમ જ કેરી તોડવા ગયો હતો.
એને અંદાજ પણ નહોતો કે પાંચ કૂતરાઓનું ટોળું તેનું મોત નોંતરવા માટે ત્યાં જ બેઠું હતું.
65 વર્ષના અમીન અહેમદે જણાવ્યું, "મને બાજુની વાડીમાંથી ચીસો સંભળાઈ. હું દોડીને ગયો અને જે જોયું એ ભયાનક હતું. એક ઘાયલ બાળક ઝાડ પર ચઢવાનો પ્રયત્ન કરતો હતો અને પાંચ કૂતરાં એના પગને દાંતમાં ભરાવીને નીચે ખેંચતા હતા. હું મદદ માટે બુમરાણ કરતો ગામ તરફ દોડ્યો."
ગ્રામજનો પહોંચે એ પહેલાં જ ખાલિદ જીવતા રહેવાની જંગ હારી ચૂક્યો હતો. કૂતરાં જંગલમાં ગાયબ થઈ ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાલિદનો પરિવાર હજુ આઘાતમાંથી બહાર નથી આવી શક્યો.
ખાલિદના માતા મહઝબીએ ડૂસકાં ભરતાં કહ્યું, "ઝાડ નીચે જ ખાલિદનું મૃત્યુ થઈ ગયું હતું. શરીરનું કોઈ અંગ બચ્યું ન હતું એટલે હોસ્પિટલ લઈ જવાનો પણ કોઇ મતલબ નહોતો."
1 મેના દિવસે ફક્ત ખાલિદ પર જ હુમલો નહોતો થયો.
એ દિવસે ખૈરાબાદ પાસેના 20 કિલોમીટરના વિસ્તારમાં વધુ બે બાળકો પર પણ કૂતરાંએ હુમલો કર્યો હતો અને એમણે પણ ખાલિદની માફક પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આશરે એક ડઝન બાળકો ગંભીર રીતે ઘવાયાં પણ હતાં.
જંગલી કૂતરાંઓના ભયથી ડરેલા સ્થાનિકોએ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે.
હુમલાઓના પગલે અફવાઓનું વાતાવરણ
એકાએક આ વિસ્તારમાં કૂતરાં બાળકો પર હુમલા કેમ કરી રહ્યાં છે એ અંગે સ્પષ્ટ ખ્યાલ નથી આવતો.
મોટાભાગના સ્થાનિક લોકો આ વિસ્તારના બંધ થઈ ચૂકેલાં કતલખાનાને જવાબદાર ઠેરવે છે.
એમના કહેવા પ્રમાણે કૂતરાંઓને પહેલાં કતલખાનામાંથી ખાવાનું મળી જતું હતું અને કતલખાનું બંધ થયા બાદ કૂતરાં હિંસક થઈ ગયા છે.
જોકે આ દલીલ અયોગ્ય હોવાનું કારણ એ પણ છે કે, સરકારે એક વર્ષ પહેલાં જ કતલખાનું બંધ કરી દીધું હતું.
બાળકો પર હુમલા થવાની ઘટનાઓ છેલ્લાં છ મહિનાથી જ શરૂ થઈ છે.
હુમલો કરનાર કૂતરાંની શોધખોળ
એક ચર્ચા એવી પણ છે કે, જંગલી કૂતરાંની પ્રજાતિ જંગલી વિસ્તારોમાંથી રહેણાક વિસ્તારોમાં આવી રહી છે અને બાળકો પર હુમલા કરે છે.
સાબિર અલીનો ભત્રીજો આવા જ એક હુમલાનો ભોગ બન્યો હતો. એમને લાગે છે કે, "જે કૂતરાંએ તેમના ભત્રીજા પર હુમલો કર્યો હતો તે રસ્તા પર રખડતાં કૂતરાં કરતાં અલગ હતાં, આ કૂતરાંના જડબાં શિયાળ જેવાં હતાં."
વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ અને ઇન્ડિયન વેટરિનરી રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ટીમો પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઈ રહી છે, હુમલા કરનાર કૂતરાંની ઓળખ કરવાના પ્રયાસો આ ટીમ કરી રહી છે.
હુમલો કરનાર કોણ હોઈ શકે?
એનિમલ વેલ્ફેયર બોર્ડ ઓફ ઇન્ડિયાના ચીફ ટ્રેનર વિવેક શર્મા પણ જિલ્લાના પ્રત્યક્ષદર્શીઓને મળીને તપાસ કરી રહ્યા છે.
એમણે જણાવ્યું હતું કે, "કૂતરાંના બદલે જો વરું આ હુમલા કરે છે એવું બહાર આવશે તો મને આશ્ચર્ય નહીં થાય. જો વરુને હડકવાં થાય તો તે 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં શિકાર કરવા માટે રખડે છે. એવા વરુ બાળકોને જ શિકાર બનાવતા હોય છે."
છેલ્લાં ત્રણ દસકાંઓમાં ઉત્તર પ્રદેશ અને પડોશી રાજ્ય બિહારમાં જંગલી વરુ દ્વારા જાન-માલનું નુક્શાન કરવાના ઘણાં કિસ્સા નોંધાયા હતા.
લખનૌના જાણીતા ડૉગ બ્રીડર અસગર જમાલનું માનવું છે કે કૂતરાંનું શિયાળ કે વરુ સાથે પ્રજનન થવું એ પણ એક કારણ હોઈ શકે.
તેઓ કહે છે એ પ્રમાણે, "કદાચ આ પ્રકારના પ્રજનનથી એવાં કૂતરાં જન્મ્યાં છે કે જેમાં શિકારી પ્રજાતી હાઉંડ જેવા કૂતરાંઓના લક્ષણ જોવા મળે છે."
સ્થાનિક પ્રશાસન શું કહે છે?
સ્થાનિક પ્રશાસન આ પ્રકારના તર્ક સાથે અસંમત છે અને સમગ્ર ઘટનાની તપાસ કરીને મૂળ સુધી પહોંચવાનો દાવો પણ કરે છે.
સીતાપુર જીલ્લાના પોલિસ અધિકારી આનંદ કુલકર્ણી કહે છે કે, "મોટાભાગના પ્રત્યક્ષદર્શી કૂતરાંના હુમલાની વાત સાથે જ સહમત છે અને અમે 50 જેટલા કૂતરાંને પકડી પણ લીધાં છે. નિષ્ણાંતો તેમના વર્તનનું પરીક્ષણ પણ કરી રહ્યાં છે."
જેમને અત્યાર સુધી મારી નાંખવામાં આવ્યા છે અથવા પકડવામાં આવ્યા છે એ કૂતરાં તો ઉત્તર ભારતના રસ્તા પર રખડતાં સામાન્ય કૂતરાં જેવા જ છે.
લાકડી-દંડા અને બંદૂકો સાથે પાંચ ગામોના લોકો ટોળા બનાવીને દિવસ-રાત કૂતરાં મારવા-પકડવા માટે ફરી રહ્યાં છે.
ગુરપલિયા ગામના વસી ખાન પણ આવા જ એક ટોળામાં ફરતા હોય છે. તેમણે કહ્યું કે, "આ જંગલી કૂતરાં હોય છે અને એમને પગપાળા દોડીને પકડવાં શક્ય જ નથી. પણ છેલ્લા એક સપ્તાહમાં અમે છ કૂતરાંને મારી નાંખ્યા છે. અમે લોકો કૂતરાંને શોધવા ટોળું બનાવીને એકસાથે જંગલોમાં જઈએ છીએ."
મીડિયામાં સતત સમાચારો આવ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા પણ કૂતરાં પકડવાની કામગીરી ઝડપી કરી દેવાઈ છે.
13 ટીમો કૂતરાંને શોધી રહી છે અને એમને ડ્રોન કેમેરા, વાયરલેસ સેટ્સ અને નાઇટ વિઝન મશીન્સ પણ આપવામાં આવ્યા છે.
પણ જે લોકો પોતાના બાળકોને ગુમાવી ચૂક્યા છે એમનું જીવન ફરી સામાન્ય ક્યારે થશે એ કહેવું મુશ્કેલ છે.
મૃત્યુ પામેલાં એક બાળકની માતા કહે છે કે, "જો મને આ હુમલાઓ વિશે ખબર હોત તો હું મારા નવ વર્ષના છોકરાને તાળું મારીને ઘરમાં જ પૂરી રાખત."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો