દૃષ્ટિકોણ: કર્ણાટકમાં મોદીનો જાદુ ચાલશે કે પછી સિદ્ધારમૈયાનું નસીબ?

    • લેેખક, રાધિકા રામાશેષન
    • પદ, વરિષ્ઠ પત્રકાર બીબીસી ગુજરાતી માટે

કર્ણાટકની 10 દિવસની મુલાકાત લીધા બાદ એટલું તો કહી શકાય કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓની તુલનામાં કર્ણાટકની ચૂંટણીમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રાદેશિક પક્ષો પડકારરૂપ સ્થિતિ ધરાવે છે.

કર્ણાટકમાં 222 વિધાનસભા બેઠકો માટે શનિવારે મતદાન થઈ રહ્યું છે અને પરિણામોની જાહેરાત 15 મે ના રોજ થશે.

કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે પરંતુ બે બેઠકો માટે મતદાનની પ્રક્રિયા પછી કરાશે.

ડી દેવરાજ ઉર્સ પછી સિદ્ધારમૈયા કર્ણાટકના એવા પહેલા મુખ્યમંત્રી છે કે જેઓ પોતાનું પાંચ વર્ષનું શાસન પૂર્ણ કરવા જઈ રહ્યા છે. દક્ષિણ ભારતની રાજનીતિ પર તેમની મજબૂત પકડ છે.

આપણે ઉત્તર પ્રદેશ અને બિહારના રાજકીય ચશ્માથી દક્ષિણ ભારતની રાજનીતિને જોઈ ન શકીએ.

સિદ્ધારમૈયાની રાજનીતિ

એમાં કોઇ જ શંકા નથી કે, અહીં પણ જાતિ એક મોટો મુદ્દો છે અને તમામ પક્ષોએ તમામ પ્રકારના જાતિવાદી સમીકરણો પોતાના તરફ કરવાના પૂરતા પ્રયાસો કર્યા છે.

પરંતુ ડી દેવરાજ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ જી રામચંદ્રનની જેમ સિદ્ધારમૈયા પણ સમજી શક્યા છે કે, સામાજિક કલ્યાણના કાર્યો અને કચડાયેલા વર્ગને ઉપર લાવવાના પ્રયત્નો સારી સરકાર માટે ચાવીરૂપ છે.

એચ. ડી. દેવગૌડા દ્વારા સિદ્ધારમૈયાને પક્ષમાંથી બરતરફ કરાયા બાદ સિદ્ઘારમૈયાનો જનતા દળ(સેક્યુલર) સાથેનો સંબંધ વણસ્યો હતો.

બરતરફ કરાયા બાદ સિદ્ધારમૈયા કોંગ્રેસમાં સામેલ થયા અને પછીથી પૂરેપૂરા કોંગ્રેસી થઈ ગયા.

તેમણે ક્યારેય કોઈ દરબાર ભર્યા નથી અને દિલ્હીમાં બેઠેલા નેતાઓને નારાજ કરીને ક્યારેય રાજ્યના મોટા નેતાઓ સામે ઝૂક્યા નથી.

શું તમે આ વાંચ્યું?

એના બદલે તેમણે 'ભાગ્ય' યોજનાઓ પર પોતાનું ધ્યાન કેંદ્રિત કર્યું છે. જેમકે 'અન્ન ભાગ્ય' યોજના અંતર્ગત ગરીબી રેખા નીચેના પરિવારોને દર મહિને સાત કિલો ચોખા, એક કિલો દાળ, જમવાનું બનાવવા માટેનું તેલ અને આયોડીનયુક્ત મીઠું ઓછા ભાવે આપવામાં આવ્યું. જેનો ચાર કરોડ લોકોને લાભ મળ્યો.

ચિત્રદુર્ગ જિલ્લામાં ગોવરમ્માહલ્લી ગામના કપાસના એક વેપારી એસએમ ફખરુદ્ધીને કહ્યું કે સરકાર તરફથી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મિડ ડે મીલમાં ગુણવત્તાયુક્ત દૂધ, ઈંડાં, ભાત અને સંભાર આપવામાં આવે છે.

આ ગામમાં મકાઈ અને અલગ-અલગ શાકભાજીની ખેતી કરતા દલિત ખેડૂત બી સિદ્ધાપાએ મુખ્યમંત્રીની 'કૃષિ ભાગ્ય' યોજનાના વખાણ કર્યા. આ યોજના થકી દુષ્કાળગ્રસ્ત ગામોમાં ખેડૂતોને બોરવેલથી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવ્યું.

ભાજપનો દાવો

જોકે ભાજપનું કહેવું છે કે, સિદ્ધારમૈયાની 'અન્ન યોજના'ની સફળતા પાછળ કેન્દ્ર સરકારનો મહત્ત્વનો ફાળો છે.

ભાજપ કહે છે કે કેન્દ્ર સરકારે 32.64 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા ખરીદ્યા અને ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કર્ણાટકમાં મોકલ્યા. આ રીતે કેન્દ્ર સરકારે 29.64 રૂપિયા પ્રતિ કિલોની સબસિડી આપી.

ભાજપના કાર્યકર્તાઓએ માગ કરી છે કે 'અન્ન ભાગ્ય' યોજનાનું નામ બદલીને 'મોદી ભાગ્ય' કરી દેવું જોઈએ.

આ જ વાત પર તુમુકુરા કોંગ્રેસ કાર્યાલયના પ્રમુખ નરસિમ્હા મૂર્તી કહે છે કે, જો મોદીને લાગતું હોય કે આ યોજના સફળ છે તો તેઓ આ યોજનાને ગુજરાત કે મહારાષ્ટ્ર જેવા ભાજપ શાસિત રાજ્યોમાં લાગુ કેમ નથી કરતા?

મૂર્તીના કહ્યા પ્રમાણે, "અન્ન ભાગ્ય યોજનાનો ફાયદો દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાંથી લોકો સ્થાનાંતર થતા હતાં, પણ આ યોજનાએ લોકોના સ્થાનાંતર પર લગામ કસી છે.

સાથે-સાથે જે રીતે સિદ્ધારમૈયાએ સમાજકલ્યાણ સાથે જોડાયેલી રાજનીતિ પર ભાર મૂક્યો છે. જેનાથી દલિત, પછાત વર્ગ અને લઘુમતી સમુદાય પર કોંગ્રેસની પકડ વધી હોવાનું દેખાઈ રહ્યું છે.

જોકે મુખ્યમંત્રી પર આરોપ છે કે, તેમણે પોતાની પછાત જાતિ કુરુબાનું વધારે ધ્યાન રાખ્યું જ્યારે અન્ય જાતિઓની અવગણના કરી.

ચિત્રદુર્ગમાં ભાજપના પ્રવક્તા નાગરાજ બેદ્રે આરોપ લગાવે છે કે "મુખ્યમંત્રીએ અમારા જિલ્લામાં ફક્ત પોતાના સમુદાયના અધિકારીઓની જ નિમણૂકો કરી છે, એ બધાં જ ભ્રષ્ટ છે અને એમનો સંબંધ અહીંના સ્થાનિક રેતી ખનનના માફિયાઓ સાથે છે."

કોની યોજનાઓ વધુ સફળ?

રાજ્યમાં ચાલી રહેલી તમામ યોજનાઓને પોતાના પક્ષે ગણાવવાની ખેંચમખેંચ વચ્ચે ભાજપે હિંદુત્વના પોતાના એજન્ડાને પાછળ કરીને કેન્દ્ર સરકારની પ્રમુખ યોજનાઓ ગણાવવાની શરૂઆત કરી છે.

જેમકે, એલપીજી કનેક્શન સાથે સંકળાયેલી ઉજ્જ્વલા યોજના, સસ્તા ભાવે દવાઓની જન ઔષધી યોજના અને કૃષિ વીમા યોજના.

સિદ્ધારમૈયાએ પોતાના પાછલા બજેટમાં 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'ની તુલનામાં 'મુખ્યમંત્રી અનિલ ભાગ્ય યોજના'ની શરૂઆત કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ યોજના અંતર્ગત તેઓ ગરીબ પરિવારોને મફતમાં એલપીજી કનેક્શન તથા ગેસ ચૂલો આપશે અને વર્ષમાં બે વખત ગેસ સિલિંડર ભરી આપવામાં આવશે.

તો હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ તમામ યોજનાઓની મદદથી કોણ મતદારોને પોતાના તરફ આકર્ષવામાં સફળ થાય છે?

હુબલીના કનકડસા કૉલેજનો વિદ્યાર્થી મારુથ એચ ટી કહે છે કે, પ્રસિદ્ધિમાં સિદ્ધારમૈયા મોદીને હરાવી રહ્યા હોય એવું લાગે છે.

મારુથ કહે છે કે, "ઉજ્જ્વલા યોજના વાસ્તવમાં રાજ્ય સરકારની હતી. કૃષિ વીમા યોજના કેન્દ્ર સરકારની હતી પણ તેનો અમલીકરણ ન થયો. ગરીબ ખેડૂતોને એ ખબર જ ન પડી કે વીમા માટે દાવો કેવી રીતે કરવો? પરંતુ આ યોજના માટે તેમના બૅન્ક ખાતામાંથી 2હજાર રૂપિયા કાપી લેવાયા."

લિંગાયત પર દાવ

આ બધા વચ્ચે સિદ્ધારમૈયાએ લિંગાયત સમુદાયને અલગ ધાર્મિક ઓળખ આપવાની વાત કરીને મોટો દાવ રમ્યો છે.

લિંગાયતો 1940થી આ માટે માગ કરી રહ્યા છે અને શરૂઆતથી જ લિંગાયત સમુદાય ભાજપ તરફ રહ્યો છે.

એટલે સુધી કે વર્ષ 2008માં ભાજપ સત્તામાં આવ્યું હતું ત્યારે તેમના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ લિંગાયત સમુદાયના જ હતા.

સિદ્ધારમૈયાનું લિંગાયત કાર્ડ ભાજપ માટે અજાણે જ ફાયદાકારક થઈ શકે છે. દાવંગરી બેઠકથી ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા શિવયોગી સ્વામી કહે છે કે, "લિંગાયતો માટે આ ચૂંટણી વર્ષ 2008નું પુનરાવર્તન હશે, તેઓ ભાજપ અને યેદિયુરપ્પા માટે જ મતદાન કરશે. જો આજે યેદિયુરપ્પા અમારા વિસ્તારમાં આવી જાય તો લોકો એમને મળવા માટે ઊમટી પડશે."

ઉત્તર કર્ણાટકમાં હાવરાના ભાજપ સાંસદ શિવકુમાર ઉદાસી કહે છે કે, ભાજપે કોઈ તક બાકી નથી છોડી. એટલે એમણે હવે લિંગાયત સમુદાયના યુવાનોને પોતાની તરફેણમાં કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

લિંગાયત સમુદાયના જે મતદારો કોંગ્રેસ સમર્થિત લાગે છે એ મતદારોને ભાજપને મત આપવા માટે રાજી કરાઈ રહ્યાં છે.

જ્યારે લિંગાયત સમુદાયના વરિષ્ઠ લોકો પોતાના સમુદાયના કોંગ્રેસ નેતાઓને ભાજપ તરફ જવાનું કહે છે.

લિંગાયત સમુદાયના પોતાના મુખ્ય વોટ બચાવવા માટે ભાજપે બેલ્લારીથી સાંસદ બી શ્રીરામુલૂને પાછા બોલાવ્યા છે. શ્રીરામુલૂનો સંબંધ રેડ્ડી ભાઈઓ સાથે પણ રહેલો છે.

એના માટે ભાજપ ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર સમાધાન કરવા માટે તૈયાર છે. કારણકે, શ્રીરામુલૂની પોતાના સમુદાયમાં સારી પકડ છે.

જેનાથી પૂર્વ મુખ્યમંત્રી એસ બંગરપ્પાના પુત્ર કુમાર બંગરપ્પાની તકલીફો ચોક્કસ વધી ગઈ છે જે કોંગ્રેસ તરફથી મેદાનમાં છે.

કુમાર બંગરપ્પા ઇડિગા-ગૌડા નામની પછાત જાતિમાંથી આવે છે અને આ સમુદાયની કર્ણાટક-હૈદરાબાદમાં સારી સંખ્યા છે.

ભાજપે પોતાની દલિત વિરોધી છબીને તોડવા માટે ગોવિંદ એમ કરઝોલ અને રમેશ જિગજિનિગી જેવા દલિત નેતાઓને પણ આગળ કર્યા છે.

જેડીએસના સમીકરણ

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતી જાતિ આધારીત રસાકસીમાં ત્રીજા મુખ્ય પક્ષ તરીકે જનતા દળ (સેક્યુલર) ક્યાં છે?

જેડીએસની પકડ મુખ્ય રીતે મૈસુરમાં છે, જ્યાં 61 બેઠકો પર એમની લડાઈ મુખ્ય રીતે કોંગ્રેસ સાથે છે.

એમના વોક્કાલિગા સમુદાયના મતમાં કોઇ ભંગાણ પડતું હોય એવું દેખાતું નથી. વર્ષ 2013માં જ્યારે કોંગ્રેસે આ ક્ષેત્રમાં ક્લીન સ્વીપ કરી હતી ત્યારે પણ આ વોટ બૅન્ક જેડીએસ સાથે યથાવત્ રહી હતી.

પરંતુ જેડીએસની મુખ્ય સમસ્યા મુસ્લિમ સમર્થનની છે, કારણકે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો થકી મુસ્લિમ સમુદાયમાં એવો પ્રચાર કરાઈ રહ્યો છે કે, જો પરિણામો બાદ ત્રિકોણીય વિધાનસભાની શક્યતા સર્જાય તો જેડીએસ ભાજપ સાથે જાય એ શક્ય છે.

મૈસુર શહેર જેડીએસના મહાસચિવ રાજૂ ગૌડા એ આ વાત સ્વીકારી છે કે એમણે મુસ્લિમ મતદારોને એવું સમજાવવાના પ્રયાસો કર્યા છે કે એમના નેતાઓને ભાજપ સાથે કોઈ પણ પ્રકારે લેવા-દેવા નથી.

જો તમામ રાજકીય સમીકરણોને એક સાથે મૂકવામાં આવે તો કહી શકાય કે કર્ણાટકમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.

જે બેઠકો પર કોંગ્રેસના નેતાઓ અથવા ધારાસભ્યો લોકપ્રિય નથી અથવા તો જેમની છાપ અહંકારી તરીકેની છે એ બેઠકો કોંગ્રેસ ગુમાવી શકે છે.

એ જોવું પણ રસપ્રદ રહેશે કે સિદ્ધારમૈયાની કલ્યાણકારી યોજનાઓ એમના વિરુદ્ધ સત્તાવિરોધી ભાવનાઓ સ્વરૂપે સફળ થાય છે કે નહીં.

વર્ષ 2013માં યેદિયુરપ્પા અને શ્રીરામુલૂના પક્ષ છોડી દીધા બાદ જે વિસ્તારોમાં ભાજપની પકડ ઓછી થઈ ગઈ હતી. ત્યાં ફરીથી ભાજપ કેટલું મજબૂત થયું છે.

આ ઉપરાંત ભાજપ કોંગ્રેસના વિરોધમાં જનમાનસ તૈયાર કરી શકે છે કે નહીં અને જરૂરી બહુમતી એકઠી કરી શકે છે કે નહીં?

આ પરિસ્થિતિમાં મોદી નિર્ણાયક સાબિત થાય છે કે નહીં અને તેમણે જોર-શોરથી કરેલો પ્રચાર કેટલું પરિવર્તન લાવી શકે છે એ બાબત પણ મહત્ત્વની રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો