કોણ હતા આત્મહત્યા કરનારા IPS હિમાંશુ રોય?

મુંબઈ પોલીસના ટોપ પોલીસ ઓફિસરોમાંના એક હિમાંશુ રોયે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી હોવાની પુષ્ટિ મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી દિપક કેસરકરે કરી હતી.

તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

કેસરકરે કહ્યું, “તેઓ છેલ્લાં કેટલાક દિવસોથી બીમાર હતા. મને તેમના મૃત્યુ વિશે જાણીને આઘાત લાગ્યો છે. આ મુંબઈ પોલીસ માટે આઘાત છે.

“તેઓ હાર માની જનારા અધિકારી નહોતા. તેમણે ઘણા કેસ ઉકેલ્યા હતા. તે એક ઉત્કૃષ્ટ અધિકારી હતા.”

નજીકના લોકોના કહેવા પ્રમાણે, કેન્સર બાદ તેઓ અંદરથી તૂટી ગયા હતા.

'કેન્સરથી રોયને આઘાત લાગેલો'

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન જયંત પાટીલે બીબીસીને જણાવ્યું, "ગત સવારે જિમમાં હિમાંશુ રોય મને મળ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે કિમોથેરેપીની પણ કેટલીક મર્યાદા છે.

"તેઓ અપસેટ જણાતા હતા. તેમણે કહ્યું કે કિમોથેરેપી ભારે પીડાદાયક છે. તેમની વાતો પરથી લાગતું ન હતું કે તેઓ આવું પગલું ભરશે.

"થોડા દિવસો અગાઉ તેમણે મને કહ્યું હતું કે હું બીમારી સામે લડીશ."

મહારાષ્ટ્રના પૂર્વ ડાયરેક્ટર જનરલ પોલીસ પી. એસ. પસરીચાએ બીબીસીને જણાવ્યું, "હીમાંશુ પોલીસ સેવામાં આવ્યા તે પહેલાથી હું તેમને ઓળખતો હતો.

"હું એ સમયે મુંબઈના ટ્રાફિક પોલીસ વિભાગમાં હતો, જ્યાં તેઓ મને મળવા આવતા હતા. તેઓ સારા માણસ હતા અને ધીરજથી કામ કરી જાણતા હતા.

શું થયું?

મળતી માહિતી પ્રમાણે હિમાંશુ રોયે બપોરે એક વાગ્યાની આસપાસ ગોળી મારી હતી.

મુંબઈની એન્ટી ટેરિરીસ્ટ સ્કવૉડના તેઓ વડા પણ તેઓ રહી ચૂક્યા છે.

1988ની બેન્ચના આઈપીએસ ઓફિસર હિમાંશુ રોય ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા.

શા કારણે તેમણે આત્મહત્યા કરી તે હજી સુધી જાણવા મળ્યું નથી.

શું તમે આ વાંચ્યું?

હિમાંશુ રોયે તેમની પોલીસ ઓફિસર તરીકેની કારકિર્દીમાં ઘણા હાઈ પ્રોફાઇલ કેસ હૅન્ડલ કર્યા હતા.

છેલ્લે તેમને એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (હાઉસિંગ)ની પોસ્ટ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આ પહેલાં 2010થી 2014 વચ્ચે તેઓ જોઇન્ટ પોલીસ કમિશનર હતા.

કયા કયા કેસ ઉકેલ્યા હતા?

આ સમયે તેમણે આઈપીએલ બેટિંગ સ્કેન્ડલ અને લૈલા ખાન અને તેમના પાંચ સંબંધીઓની હત્યાના હાઇ પ્રોફાઇલ કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ત્યારબાદ તેમને એટીએસમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. તેમના જ કાર્યકાળમાં બ્રાન્દ્રા કુર્લા કૉમ્પલેક્ષમાં આવેલી અમેરિકન સ્કૂલને ઊડાવી દેવાના કાવતરાના મામલે સોફ્ટવેર એન્જિનિયર અનીસ અન્સારીની ધરપકડ કરી હતી.

તેમનો છેલ્લો સૌથી હાઇ પ્રોફાઇલ કેસ 2013માં હતો જેમાં હિમાંશુ રોયે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે બિંદુ દારા સિંહની ધરપકડ કરી હતી.

આ કેસની તપાસ બાદ તેના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા.

તેમણે આઈપીએલનો કેસ હૅન્ડલ કરવાની સાથે તેમણે ડીઝલ ડૉન તરીકે ફેમસ મોહમ્મદ શેખ અલીની પણ ધરપકડ કરી હતી.

તેમના મુંબઈ ક્રાઇમ બ્રાંચના હેડના કાર્યકાળમાં જ અજમલ કસાબને સજા થઈ હતી.

તેમના એટીએસ ચીફના કાર્યકાળ દરમિયાન ISISમાં જોડાવા ગયેલા કલ્યાણના એક યુવાન આરીબ મજીદને ભારત પરત લાવવામાં આવ્યો હતો

CA બનવા ઇચ્છતા હિમાંશુ IPS બની ગયા

હિમાંશુ રોયના પિતા કોલાબાના ખૂબ પ્રખ્યાત ડૉક્ટર હતા. હિમાશું રોયે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું.

12માં ધોરણ સુધી તેઓ ડૉક્ટર બનવા માટે અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ તે બાદ તેમણે તે અભ્યાસ છોડીને CA બનવાનું નક્કી કર્યું હતું.

બે વર્ષ સુધી CAનો અભ્યાસ કર્યા બાદ હિમાંશુ રોયને ફરી કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો અને તેમણે આઈપીએસની પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કર્યું.

લેખક અમિશ ત્રિપાઠીના બહેન ભાવના સાથે તેમનાં લગ્ન થયાં. આ પહેલાં 1990માં ભાવનાએ જ આઈએએસ તરીકેની પરીક્ષા આપી હતી.

1991માં માલેગાંવમાં હિમાંશુ રોયને પ્રથમ પોસ્ટિંગ મળ્યું. જ્યાં તેમને બાબરી મસ્જિદ બાદ થયેલાં રમખાણોના કેસ હૅન્ડલ કરવાના આવ્યા.

બાદમાં તેમના પત્નીએ આઈએએસ તરીકે રાજીનામું આપી દીધું હતું અને એઇડ્સથી પીડિત લોકોની સેવા સાથે સામાજીક કાર્યોમાં જોડાયાં હતાં.

કેરિયરનો ગ્રાફ આ રીતે ઉપર ચઢ્યો

તેમના પ્રથમ પોસ્ટિંગ બાદ તેમની કરિયરનો ગ્રાફ ખૂબ ઝડપી ઉપર ચડતો જોઈ શકાય છે.

યુવાન વયે 1995માં તેઓ નાસિકના સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોલીસ (એસપી), બાદમાં અહમદનગરના એસપી, ઇકોનોમિક્સ વિંગના ડેપ્યૂટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી), ટ્રાફિક વિભાગમાં ડીસીપી, ઝૉન 1ના ડીસીપી.

2004માં તેમની નિમણૂક નાસિક શહેરના કમિશનર ઓફ પોલીસ તરીકે કરવામાં આવી, આ પદ પર તેઓ 2007 સુધી રહ્યા.

ત્યારબાદ 2009માં તેમની મુંબઈના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

ફિટનેશ આઇકોન

હિમાંશુ રોય તેમની કામ કરવાની પદ્ધતિને કારણે તો જાણીતા હતા પરંતુ તેમનો પહાડી અવાજ પણ જાણીતો હતો.

સામાન્ય પોલીસ ઓફિસર કરતાં જરા જૂદો દેખાવ ધરાવતા હિમાંશુ રોય તેમની મોટી મૂંછો, મજબૂત શરીરના બાંધા તથા વાત કરવાની પોતાની આગવી છટા ધરાવતા હતા.

6 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા હિમાંશુ રોયની પોલીસ બેડામાં બાહોશ ઓફિસર તરીકે ગણતરી થતી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે તેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પસંદ કરતા હતા.

જોકે, તેમની ટીકાકારોના મત મુજબ તેમને સ્વપ્રતિષ્ઠા ખૂબ ગમતી અને ફિટનેશને તેઓ જાણે સતત વળગી રહેતા.

બોલીવૂડથી લઈ રાજકીય સર્કલ અને મીડિયા સાથે ઘરોબો ધરાવતા હિમાંશુ રોય ફિટનેશ આઇકન તરીકે પણ ઓળખાતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો