કર્ણાટકમાં હારવાથી રાહુલ શું ગુમાવશે, મોદીને શું મળશે?

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને કોગ્રેંસ અધ્યક્ષ રાહુલ ગાંધી બન્ને નેતાઓએ પોતાની પૂરી તાકાત હોમી દીધી હતી.

કોગ્રેંસ તરફથી સોનિયા ગાંધીએ પણ લાંબા સમય બાદ કર્ણાટકનાં મતદારોને લલચાવવાના પ્રયાસો કર્યા.

ત્યાં ભાજપે પણ એવો દાવો કર્યો છે કે કર્ણાટક ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનાં નામનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. જે આજ ચૂંટણી પરિણામમાં જોવા મળી રહ્યું છે.

પ્રચાર વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે આકરા વાક્પ્રહારો જોવા મળ્યા છે.

જ્યાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને સંસદમાં 15 મિનિટ બોલવાનો પડકાર ફેંક્યો ત્યાં જ મોદીએ રાહુલ ગાંધીને કાગળમાં જોયા વગર જ 15 મિનિટ બોલવાનો પડકાર ફેંક્યો.

શું તમે આ વાંચ્યું?

આ ચૂંટણીમાં બન્ને પક્ષો તરફથી આકરા વાક્પ્રહારોનું કારણ એ રહ્યું કે આ ચૂંટણીનાં પરિણામ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનાં રાજનીતિક ભવિષ્ય માટે મહત્ત્વનાં પુરવાર થઈ શકે છે.

પ્રધાનમંત્રી મોદી એક બાજુ જ્યાં એ મુલ્યાંકનોને ખોટા ઠરાવવાનાં પ્રયાસો કરી રહ્યાં છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવે બ્રાંડ મોદીનો જાદુ ઓસરી ગયો છે.

ત્યાં બીજી બાજુ જાણકારો માને છે કે રાહુલ ગાંધી માટે આ ચૂંટણીએ 'કરો યા મરો'ની સ્થિતિ ઊભી કરી છે.

જીતથી મોદીને શું મળશે?

પ્રધાનમંત્રી મોદી માટે ચૂંટણી મહત્ત્વની તો હતી જ કારણ કે તેઓ પ્રયાસો કરી રહ્યા છે કે 2019ની ચૂંટણી પહેલાં બ્રાંડ મોદી-શાહ ફરી એક વખત અજેય સિદ્ધ થાય.

ભાજપની રાજનીતિ પર ચાંપતી નજર રાખનારી અગ્રણી પત્રકાર પૂર્ણિમા જોશી જણાવે છે,"જો આ ચૂંટણીમાં ભાજપનો વિજય થાય છે તો આ વાત વધુ મજબૂત બનશે કે મોદી અને અમિત શાહની જોડી અજેય છે, તેઓ કોઈ પણ ચૂંટણી ગમે ત્યાંથી જીતી શકે છે. એટલું જ નહીં ભાજપની રાજનીતિમાં એમનાં સિવાય કોઈ મુદ્દો કે વ્યક્તિ વધુ મહત્ત્વનાં નથી."

તેમણે વધુમાં કહ્યું, "કર્ણાટક ચૂંટણીમાં ભાજપનાં કેટલાક સ્થાનિક નેતાઓ હતા જેમ કે યેદિયુરપ્પા અને ઈશ્વરરપ્પા, પણ મોટા પ્રચારક તો શાહ અને મોદી જ હતાં.”

“એક અગત્યની વાત તો એ છે કે અમિત શાહ એક રણનીતિકારનાં ઢાંચામાંથી બહાર નીકળી રાજનેતા તરીકે ઊભરી આવ્યા છે કારણકે એમણે ઘણો પ્રચાર કર્યો છે અને એ પણ એવા પ્રદેશમાં જ્યાં એમની સામે ભાષાની મર્યાદા હતી.”

“એમના ભાષણોનો અનુવાદ કરવામાં આવતો હતો કારણ કે તેઓ અંગ્રેજીમાં નહોતા બોલતા."

જોશી જણાવે છે કે જીતવાની સ્થિતિમાં મોદી અને શાહની જોડી એટલી મજબૂત બની જશે કે આવનારી ચૂંટણીઓમાં આ બન્ને જ રણનીતિ નક્કી કરશે, ચૂંટણી કરાવશે અને જીતનો જશ પણ એમણે જ મળશે.

સરળ શબ્દોમાં કહીએ તો આનાથી ભાજપમાં "એક વ્યક્તિ પાર્ટી"ની વિચારધારા સંગઠન કરતાં વધુ મજબૂત બની શકે છે.

પરંતુ જો આ ચૂંટણીમાં સિદ્ધારમૈયા પોતાની ખુરશી બચાવવામાં સફળ થઈ જશે તો ભાજપ માટે આ એક અત્યંત પડકારજનક સ્થિતિ હશે.

જોશી જણાવે છે કે,"જો સિદ્ધારમૈયા કર્ણાટકમાં પોતાની ખુરશી બચાવવામાં સફળ થઈ જશે તો ગુજરાતથી જે એક ટ્રેંડ શરૂ થયો છે તે આગળ વધશે.”

“પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને ગુજરાત બચાવવામાં ઘણી મહેનત કરવી પડી હતી, મોદીએ 37 સભાઓ આયોજીત કરી હતી અને ત્યાં જીએસટી, નોટબંધી અને ખેડૂતોને લગતાં મુદ્દા ઊભરી આવ્યાં હતા.”

“પહેલી વાર પ્રધાનમંત્રી મોદી વિશે જનતાના મંચ પરથી બેધડક ખરું ખોટું બોલવામાં આવી રહ્યું હતું.”

“આવામાં આ મુખ્ય ચૂંટણીમાં મોદીની રાષ્ટ્રીય રાજનીતિ પર જે પકડ છે તે પહેલી વાર ઢીલી પડતી જોવા મળી.”

કર્ણાટકની હારની રાહુલ ગાંધી પર અસર

ગુજરાત ચૂંટણી વખતે રાહુલ ગાંધી એક અલગ જ રંગમાં જણાતા હતા. એમનાં ભાષણોમાં એક અલગ જ ધાર જોવા મળી રહી હતી.

આ સાથે જ એમણે 2019ની ચૂંટણીમાં કોગ્રેંસને બહુમત મળવાની સ્થિતિમાં પ્રધાનમંત્રી ઇચ્છા પણ પણ દર્શાવી છે.

આવામાં સવાલ ઊભો થાય છે કે કર્ણાટક ચૂંટણીનાં પરિણામની એમના ભવિષ્ય પર શું અસર પડશે?

કોગ્રેંસની રાજનીતિને નજીકથી સમજનાર અગ્રણી પત્રકાર સ્મિતા ગુપ્તા જણાવે છે કે, કોગ્રેંસ માટે કર્ણાટક એક મુખ્ય રાજ્ય હતું.

આ દક્ષિણનું એક માત્ર રાજ્ય હતું જ્યાં કોગ્રેંસની સરકાર હતી. ભાજપ પાસે દક્ષિણ ભારતમાં કોઈ પણ રાજ્ય નહોતું.

સ્મિતા ગુપ્તા જણાવે છે કે જો કોગ્રેંસ કર્ણાટક ગુમાવી દેશે તો રાહુલ ગાંધીનાં ભવિષ્ય માટે આ યોગ્ય પુરવાર નહીં થાય.

તેઓ જણાવે છે કે જો કોગ્રેંસ કર્ણાટક ગુમાવી દે તો રાહુલ ગાંધીને ગઠબંધનનાં નેતા બનવું પણ મુશ્કેલ બની શકે છે. એમને વધુ મહેનત કરવી પડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો