You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગ્રાઉન્ડ રિપોર્ટ: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હિંસા કેમ ભડકી?
મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ શહેરમાં શુક્રવારે બે પક્ષો વચ્ચે હિંસા ભડકતા કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ઔરંગાબાદના પોલીસ કમિશનર મિલિંદ ભારાંબેએ કહ્યું કે આ ઘટનામાં બે લોકોનાં મૃત્યુ અને 30 ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણા પોલીસકર્મીઓ પણ સામેલ છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શુક્રવારની રાત્રે 10.30 વાગે પાણી કનેક્શન તૂટવાને કારણે વિવાદ શરૂ થયો હતો.
ત્યારબાદ બંને પક્ષો વચ્ચે મારપીટ થઈ જેણે બાદમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું.
મામલો શું હતો?
ઔરંગાબાદના કેન્દ્રમાં શાહગંજ નામનો વિસ્તાર છે. તેની આસપાસ મોતી કારંજા, ગાંધીનગર, રાજા બજાર અને નવાબપુરા જેવા નાના-મોટા વિસ્તાર છે. જેમાં હિન્દુ અને મુસલમાન બંને સમુદાયના લોકો રહે છે.
આ સમુદાયના લોકો ગુજરાન માટે નાનું-મોટું કામ કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સ્થાનિક નેતાઓનો આ વિસ્તારોમાં ઘણો પ્રભાવ છે. જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના નેતાઓ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ પણ આ નેતાઓની આંતરિક લડાઈને ખતમ કરવાનો પ્રયત્ન કરી ચૂકી છે.
ગઇકાલે અમૂક મુસલમાનોનાં ઘરના પાણીનાં કનેક્શનો કાપી નાખવામાં આવ્યાં હતાં.
ત્યારબાદ ગાંધીનગરમાં જ્યારે બંને સમુદાયના લોકો પાણી ભરવા માટે એકઠા થયા, ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો અને થોડી જ કલાકોમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ.
ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને સ્થિતિ કાબૂમાં લીધી. પરંતુ બીજા દિવસે વહેલી સવારે એક સમૂહે (આ સમૂહ કયું હતું અથવા બહારથી આવ્યું હતું તેની જાણકારી નથી) દુકાન પર પથ્થરબાજી કરી.
આ હુમલાનો જવાબ આપવા બીજો પક્ષ પણ રસ્તાઓ પર ઉતરી આવ્યો.
સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા અને ફાયરિંગ પણ કર્યું.
આ ઘટનામાં 62 વર્ષના એક વ્યક્તિ(ચાની દુકાન ચલાવનાર) અને 17 વર્ષના એક યુવકનું મોત થયું છે. બંનેનાં મૃતદેહોનું પોસ્ટ્મૉર્ટમ કરી તેમના દેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે.
17 અબ્દુલ હારિજ કાદરીને કિડનીમાં પ્લાસ્ટીક બુલેટ વાગવાથી તેનું મૃત્યુ થયું હતું.
62 વર્ષના જગનલાલના ઘરમાં આગ લગાવવામાં આવી ત્યારે તેઓ ઘરની અંદર જ હતા. તેઓ વિકલાંગ જેથી જીવતા જ સળગી ગયા.
હાલ આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે અને પોલીસ સ્થિતિ પર નજર રાખી રહી છે.
પોલીસ આ મામલે શું કહે છે?
ભારાંબે કહે છે, "પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ હિંસાને કાબૂમાં લેવા લાઠીચાર્જ, પ્લાસ્ટિકની ગોળીઓ અને ટિયર ગેસનો ઉપયોગ કર્યો. ત્યારબાદ સ્થિતિ કાબૂમાં આવી."
તેમણે જણાવ્યું કે શનિવાર સવારે સાડા ચાર વાગ્યાથી શહેરના ગાંધીનગર, મોતી કારંજા, શાહગંજ અને રાજા બજાર વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ શનિવારે સવારે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો. જેમાં ઘણાં લોકો પાસે ધારદાર હથિયારો પણ હતાં.
ભારાંબે જણાવે છે કે શાહગંજના ચમન પરિસર સ્થિત દુકાનો બળીને રાખ થઈ ગઈ છે.
આ ઘટના બાદ શહેરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
ભારાંબે કહે છે, "પોલીસ પોતાનું કામ કરી રહી છે. વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે જેથી લોકોએ રસ્તા પર જમા થઈને ના નીકળવું. જો પોલીસને આવા લોકો નજરે પડશે તો તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો