8.64 લાખનું લાઇટ બિલ આવતાં શાકભાજીના વેપારીએ કર્યો આપઘાત

    • લેેખક, અમેય પાઠક
    • પદ, ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)થી બીબીસી ગુજરાતી માટે

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શાકભાજીના વેપારી(કાછિયા)એ તેનું લાઇટ બિલ 8.64 લાખ રૂપિયાનું હોવાનું જાણતાં કથિત રીતે આપઘાત કર્યો હતો.

તેમનું નામ જગન્નાથ શેલકે હતું અને તેઓ 36 વર્ષના હતા.

જગન્નાથ શેલકેના પરિવારજનોએ બીબીસીને જણાવ્યું હતું કે આત્મહત્યા પહેલાં લખેલી ચિઠ્ઠીમાં પણ જગન્નાથ શેલકેએ વીજળીના બિલની વાત લખી હતી.

વીજળી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જગન્નાથ શેલકેનું વીજળીનું બિલ વાસ્તવમાં 2800 રૂપિયા હતું.

પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે જગન્નાથ શેલકે બિલ સંબંધે વીજળી વિભાગનો સંપર્ક કર્યો ત્યારે તેમને કોઈએ મદદ કરી ન હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આત્મહત્યા કરતાં પહેલાં જગન્નાથ શેલકે વીજળી વિભાગમાં અનેક વખત રજૂઆત કરી હોવાનું પણ તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.

ખોટું બિલ મોકલવા બદલ પોલીસે વીજળી વિભાગના એક અધિકારી સામે ફરિયાદ નોંધી છે.

જગન્નાથ શેલકેએ આપઘાત પહેલાં લખેલી ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વીજળી બોર્ડે સંબંધિત અધિકારીને સસ્પેન્ડ પણ કરી દીધા હતા.

કેમ આવ્યું તોતિંગ બિલ?

જગન્નાથ શેલકેને 6117.8 યુનિટ વીજળીના વપરાશનું બિલ મોકલવાનું હતું, પણ તેમને 61,178 યુનિટ વીજળીના વપરાશનું બિલ મોકલવામાં આવ્યું હતું.

મીટર રીડરે અયોગ્ય રીતે મીટર રીડિંગ નોંધ્યું હતું અને એ આધારે જ બિલ બનાવીને જગન્નાથ શેલકેને મોકલવામાં આવ્યું હતું.

જગન્નાથ શેલકેને માર્ચ મહિનાનું બિલ એપ્રિલના અંતે મોકલવામાં આવ્યું હતું.

વીજળી વિભાગના વરિષ્ઠ એન્જિનિયર સુરેશ ગણેશકરે બીબીસીને કહ્યું હતું, "દશાંશનું ચિહ્ન ગાયબ થવાને કારણે ખોટું બિલ બન્યું હતું અને તે જગન્નાથ શેલકેને મોકલવામાં આવ્યું હતું."

"એ માટે જવાબદાર કર્મચારી સામે અમે કાર્યવાહી કરી છે."

સુરેશ ગણેશકરના જણાવ્યા અનુસાર, જગન્નાથ શેલકેની સમસ્યાનું સમાધાન કરી શકાયું ન હતું, કારણ કે તેમણે વીજળી વિભાગને કોઈ લેખિત ફરિયાદ કરી ન હતી.

વ્યવસ્થાની નિષ્ફળતા

જગન્નાથ શેલકેના ભાઈ વિઠ્ઠલે કહ્યું હતું, "મારા ભાઈએ આઠ દિવસ પહેલાં મને ફોન કર્યો હતો. તેઓ વીજળીના તોતિંગ બિલથી પરેશાન હતા."

"વીજળી વિભાગના અધિકારી સંપત્તિ જપ્ત કરવાની ધમકી આપતા હોવાનું પણ જગન્નાથે મને જણાવ્યું હતું."

જગન્નાથનાં દીકરી અશ્વિનીએ જણાવ્યું હતું કે વ્યવસ્થાની નિષ્ફળતાને કારણે મારા પિતાનું મોત થયું છે.

અશ્વિનીએ કહ્યું હતું, "મારા પિતા આર્થિક મુશ્કેલીનો સામનો કરતા હતા ત્યારે વીજળીનું તોતિંગ બિલ તેમના માટે મોટા આંચકા સમાન હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો