એવા દેશો જ્યાં લોકો મરવા માટે આવે છે!

પ્રખ્યાત વૈજ્ઞાનિક ડેવિડ ગુડઑલે સ્વિત્ઝર્લેન્ડના એક ક્લિનિકમાં પોતાનો જીવ આપી દીધો.

તેઓ લંડનમાં જન્મ્યા હતા અને હાલમાં ઑસ્ટ્રેલિયામાં રહેતા હતા. તેમણે આત્મહત્યા માટે સ્વિત્ઝર્લેન્ડને પસંદ કર્યું. પરંતુ શા માટે?

સામાન્ય રીતે દુનિયાના ઘણા દેશ એવા છે, જ્યાં ઇચ્છામૃત્યુ કાયદેસર છે. પરંતુ આ માટે શરત એવી છે કે મૃત્યુની ઈચ્છા ધરાવનાર વ્યક્તિને કોઈ ગંભીર બીમારી હોવી જોઈએ.

સમગ્ર દુનિયામાં માત્ર સ્વિત્ઝર્લેન્ડ એવી જગ્યા છે જ્યાં કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ પોતાની ઇચ્છા મુજબ પોતાનો જીવ આપી શકે છે. અહીં 'અસિસ્ટેડ સુસાઇડ' કાયદેસર છે.

104 વર્ષના વિજ્ઞાનિક ડેવિડ ગુડઑલે પણ 'અસિસ્ટેડ સુસાઇડ' કર્યું છે.

શું છે અસિસ્ટેડ સુસાઇડ?

જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મરજીથી આત્મહત્યા કરવા માગતી હોય અને આ માટે જો તેઓ કોઈની મદદ લે તો તેને 'અસિસ્ટેડ સુસાઈડ' કહે છે.

આ પ્રક્રિયામાં મૃત્યુની ઇચ્છા ધરાવનાર વ્યક્તિને કોઈ બીજી વ્યક્તિ આત્મહત્યાના સાધનો આપે છે.

સામાન્ય રીતે ઝેરીલી દવાઓ આપીને તેમને મરવામાં મદદ કરવામાં આવે છે.

સ્વિત્ઝર્લેન્ડમાં અસિસ્ટેડ સુસાઇડ માટે એક બીજી શરત એવી પણ છે કે મરનાર વ્યક્તિને મદદ કરતી વ્યક્તિએ એવું લેખિતમાં આપવું પડે છે કે આમાં તેમનું કોઈ હિત જોડાયેલું નથી.

વિદેશીઓને પણ ઇચ્છામૃત્યુની પરવાનગી

'ધ ઈકોનોમિસ્ટ મેગેઝિન' મુજબ સ્વિત્ઝર્લેન્ડ એક એવી જગ્યા છે, જ્યાં કોઈપણ પુખ્ત વ્યક્તિને મરવામાં મદદ કરવામાં આવે છે.

અહીં અસિસ્ટેડ સુસાઇડનું કારણ કોઈ ગંભીર બીમારી હોવું જરૂરી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

અહીં એ લોકોને પણ મરવામાં મદદ કરવામાં આવે છે, જેઓ દેશના નાગરિક નથી. એટલે કે, અહીં વિદેશી નાગરિકોને પણ અસિસ્ટેડ સુસાઇડની મંજૂરી મળે છે.

સ્વિત્ઝર્લેન્ડના સરકારી આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2014માં 742 લોકોએ અસિસ્ટેડ સુસાઇડ કર્યું હતું.

જ્યારે, કોઈની પણ મદદ વિના પોતાની જિંદગી ખતમ કરનારની સંખ્યા 1029 છે.

અસિસ્ટેડ સુસાઇડ કરનારી વ્યક્તિઓમાં મોટાભાગે ઘરડાઓ હતા, જેઓ ગંભીર બીમારીઓથી પીડાતા હતા.

મરતા પહેલાં ગુડઑલે શું કહ્યું?

મરતા પહેલાં ગુડઑલે મીડિયાને કહ્યું કે અસિસ્ટેડ સુસાઈડની વધુમાં વધુ મંજૂરી આપવી જોઈએ.

તેમણે કહ્યું, "મારી ઉંમરના અને મારી ઉંમરથી નાની વ્યક્તિઓને પણ પોતાનું મૃત્યુ પસંદ કરવાનો સ્વતંત્ર અધિકાર હોવો જોઈએ."

એબીસી ન્યુઝ મુજબ, મૃત્યુમાં મદદ કરનાર સંસ્થા એક્ઝિટ ઇન્ટરનેશનલે જણાવ્યું કે ડેવિડ ગુડઑલની નસોમાં એક પાઇપ લગાવવામાં આવી જેમાંથી ઝેરને શરીર અંદર મોકલવાનું હતું. ડૉક્ટરે આવું કર્યા બાદ ડેવિડે જાતે જ મશીન ચાલુ કર્યું જેથી ઝેર તેમના શરીરમાં પ્રવેશી શકે.

મોટાભાગના દેશોમાં જ્યાં અસિસ્ટેડ સુસાઇડની મંજૂરી છે, ત્યાં ડૉક્ટર મરનાર વ્યક્તિને ઝેર આપે છે. પરંતુ, સ્વિત્ઝર્લેન્ડમાં મરનાર વ્યક્તિ જાતે જ પોતાના શરીરમાં ઝેર આપે છે.

સ્વિત્ઝર્લેન્ડમાં એવી સંસ્થાઓ છે, જ્યાં અસિસ્ટેડ સુસાઇડ માટે મદદ કરવામાં આવે છે.

આ સંસ્થાઓનો ઉપયોગ મોટાભાગે વિદેશી નાગરિકો કરી રહ્યાં છે. આ જ કારણ છે કે સ્વિત્ઝર્લેન્ડને 'સુસાઇડ ટુરિઝમ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતમાં ઇચ્છામૃત્યુ

ભારતમાં સુપ્રીમ કોર્ટે 9 માર્ચ, 2018માં 'ઇચ્છામૃત્યુ'ની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઇપણ વ્યક્તિને ગરિમા સાથે મરવાનો અધિકાર છે.

કોર્ટે આ માટે 'પેસિવ યૂથેનેશિયા' શબ્દનો ઉપયોગ કર્યો છે. આનો મતલબ એવો થાય છે કે કોઈ બીમાર વ્યક્તિની મેડિકલ સારવાર રોકી દેવી જેથી તેમનું મૃત્યુ થાય.

કોર્ટે આ આદેશ અસહ્ય બીમારીથી પીડાતા દર્દીઓ મદદ માટે આપ્યો હતો.

અરજીકર્તાઓએ કોર્ટના આ આદેશનું સ્વાગત કર્યું હતું. તેમનું કહેવું હતું કે, કૃત્રિમ સાધનોની મદદથી દર્દીઓનું આયુષ્ય લંબાવવાના પ્રયત્નથી માત્ર હૉસ્પિટલની કમાણી થાય છે.

ક્યાં-ક્યાં છે ઇચ્છામૃત્યુની મંજૂરી

નેધરલૅન્ડ્સ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગમાં ઇચ્છામૃત્યુ અને અસિસ્ટેડ સુસાઇડ બંનેની મંજૂરી છે.

નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમમાં સગીરોને વિશેષ મામલાઓમાં ઇચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે છે.

કોલમ્બિયામાં પણ ઇચ્છામૃત્યુનો કાયદો છે.

અમેરિકાનાં અમૂક રાજ્યો જેવાં કે ઓરેગન, વૉશિંગ્ટન, વેરમોન્ટ, મોન્ટાના, કેલિફોર્નિયા, કોલોરાડો અને હવાઈમાં અસિસ્ટેડ ડેથની મંજૂરી માત્ર ગંભીર બીમારી હોય તો જ આપવામાં આવે છે.

બ્રિટન, નોર્વે, સ્પેન, રશિયા, ચીન, ફ્રાન્સ અને ઈટલી જેવા મોટા દેશોમાં ઇચ્છામૃત્યુને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં ઇચ્છામૃત્યુ ગેરકાયદે અને શરતોનો આધીન છે.

કોના માટે ઇચ્છામૃત્યુ?

દર્દીની બીમારી અસહ્ય બને, ત્યારે તેઓ ઇચ્છામૃત્યુ માટે અરજી કરી શકે છે. જે દેશોમાં ઇચ્છામૃત્યુ કાયદેસર છે, ત્યાં મોટાભાગે આ નિયમનું પાલન કરવામાં આવે છે.

નેધરલૅન્ડ્સમાં જોવામાં આવે છે કે દર્દીની બીમારી અસહ્ય છે કે નહીં અને તેમાં સુધાર થવાની સંભાવના કેટલી છે.

બેલ્જિયમનો કાયદો પણ આની સાથે મળતો આવે છે. દર્દીની બીમારી અસહ્ય હોવી જોઇએ અને તેઓ સતત બીમારીથી પીડાતા હોય તો ઇચ્છામૃત્યુ માટે આવેદન કરી શકે છે.

અમેરિકા અને કેનેડામાં દર્દીઓને ઇચ્છામૃત્યુ માટે મદદ ત્યારે કરવામાં આવે છે, જ્યારે બીમારી અસહ્ય હોય, સાથે જ સારવારથી દર્દીને સાજો કરવો અસંભવ હોય અને તેમને સતત પીડા થઈ રહી હોય.

દર્દીઓની ઉંમર કેટલી હોવી જોઇએ?

માત્ર નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમાં જ 18 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓને ઇચ્છામૃત્યુ માટે આવેદન કરવાની મંજૂરી છે.

જો 16થી 18 વર્ષની વ્યક્તિ ઇચ્છામૃત્યુ માટે આવેદન કરે, તો દર્દીના માતાપિતા પણ કોઈ રોકટોક ના કરી શકે.

જોકે, બેલ્જિયમમાં 18 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓ માતાપિતાની મંજૂરી સાથે અરજી કરી શકે છે.

જે દેશોમાં ઇચ્છામૃત્યુને કાયદેસર કરવામાં આવ્યું છે, તે મોટાભાગના દેશોમાં 18 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓ આવેદન કરી શકતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો