ઇઝરાયલના હાઇફામાં કેમ મૃત્યુ પામ્યા હતા ભારતીય સૈનિકો?

દિલ્હીનો તીન મૂર્તિ ચોક હવેથી હાઇફા ચોક તરીકે ઓળખાશે.

દેશના ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થાય કે નવી દિલ્હીના તીન મૂર્તિ ચોક અને હાઇફા વચ્ચે શું કનેક્શન છે?

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ભારત આવ્યા ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે તેમના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી બન્ને આ ચોક પર પહોંચ્યા, જ્યાં નામ બદલવાનો અધિકૃત કાર્યક્રમ સંપન્ન થયો.

તમને આ વાંચવું પણ ગમશે:

બન્ને નેતાઓએ ત્યાં પુષ્પાંજલિ આપી અને સ્મારકની મુલાકાતી ડાયરીમાં નોંધ લખીને સહી પણ કરી.

શું લખ્યું મોદીએ?

એ નોંધપોથીમાં મોદીએ લખ્યું, "એ ભારતીય સૈનિકોના ત્યાગને નમન કરીએ છીએ, જેમણે હાઇફા શહેરને આઝાદ કરાવવા માટે તેમન પ્રાણોની આહૂતિ આપી."

"એમાંથી એક પાનું 100 વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું જે હાઇફામાં ભારતીય સૈનિકોના બલિદાનની કથા કહે છે.

આ બલિદાનને સો વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. અને આ ઐતિહાસિક અવસરે આ જગ્યાનું નામ તીન મૂર્તિ-હાઇફા ચોક કરી રહ્યા છીએ.

ઇઝરાયલના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં અમે બહાદૂર સૈનિકોને સલામ કરીએ છીએ."

દિલ્હીથી ચાર હજાર કિલોમીટરથી પણ વધુ અંતરે આવેલા ઇઝારાયલનું આ શહેર અચાનક આટલું મહત્ત્વનું કેમ થઈ ગયું? એનો જવાબ આપતા પહેલા હાઇફા વિશે જાણવું જરૂરી છે.

હાઇફા એ ઉત્તર ઇઝરાયલનું બંદર છે, જે એક તરફ ભૂમધ્ય સમુદ્ર અને બીજી તરફ માઉન્ટ કૈરમલ છે.

આ શહેરમાં જ બહાઈ વિશ્વ કેંદ્ર પણ છે, જે યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.

ઇઝરાયલના શહેરનો આપણી સાથે શું સંબંધ?

હવે સવાલ એ છે કે દિલ્હીના એક ચાર રસ્તા પર લાગેલી ત્રણ પ્રતિમાઓને હાઇફા શહેર સાથે શું લેવાદેવા છે?

એ બન્ને વચ્ચેનો સંબંધ જાણવા માટે આપણે વર્ષ 1918માં જવું પડશે.

કાંસાની આ ત્રણ પ્રતિમાઓ ખરેખર તો હૈદરાબાદ, જોધપુર અને મૈસૂર લાંસરનું પ્રતિનિધિત્વ કરે છે, જે 15 ઇમ્પીરિયલ સર્વિસ કેવલરી બ્રિગેડનો હિસ્સો હતા.

પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન 23 સપ્ટેમ્બરે આ ત્રણેય યુનિટ્સે મળીને હાઇફાનો કબ્જો જમાવીને વિજય મેળવ્યો હતો.

આ શહેર પર ઓટોમન સામ્રાજ્ય, જર્મની અને ઑસ્ટ્રિયા-હંગેરીની સંયુક્ત સેનાનો કબ્જો હતો.

તેના પર કબ્જો મેળવવો એટલા માટે જરૂરી હતો કારણ કે, મિત્ર રાષ્ટ્રોની સેનાઓ માટે રસદ પૂરી પાડવા માટે સમુદ્રનો માર્ગ અહીંથી જ જતો હતો.

હાઇફામાં કેમ મૃત્યુ પામ્યા ભારતીય સૈનિકો?

બ્રિટિશ શાસન તરફથી લડતી વખતે આ લડાઈમાં 44 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. આજ પણ 61 કેવલરી 23 સપ્ટેમ્બરને રાઇઝિંગ ડે અથવા હાઇફા ડેના રૂપે ઊજવે છે.

આ જ દિવસે 15 ઇમ્પીરિયલ કેવલરી બ્રિગેડને હાઇફા પર કબ્જો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નહ્ર અલ મુગત્તા અને માઉન્ટ કેમલના શિખરોની વચ્ચે આ વિસ્તારમાં ઓટોમન સામ્રાજ્યની તોપો અને આર્ટિલરી ગોઠવાયેલી હતી.

બ્રિગેડના જોધપુર લાંસર્સને એ પોઝિશન પર કબ્જો લેવાનો હુકમ આપવામાં આવ્યો હતો. જ્યારે મૈસૂર લાંસર્સને શહેરના પૂર્વથી ઉત્તર તરફ હુમલો કરતાં કરતાં આગળ વધવાનો હુકમ અપાયો હતો.

મૈસૂર લાંસર્સને જવાનોએ સીધું ચઢાણ કરીને મહત્ત્વની પોઝિશને કબ્જો જમાવી લીધો હતો અને તોપમારાને શાંત કરી દીધો હતો.

જોધપુર અને મૈસૂરના લાંસર્સના બચી ગયેલા જવાએ જર્મન મશીનગન્સ પર હુમલો કર્યો.

લડાઈ ખૂબ મુશ્કેલ હતી

એ ઓટોમનની પોઝિશન તરફ આગળ વધ્યા અને એક રેલવે લાઇન પાર કરી, પરંતુ તેમની ઉપર મશીનગન અને આર્ટિલરી દ્વારા ભારે ગોળીબાર કરવામાં આવ્યો.

નદી કિનારે રેતી હોવાને કારણે તેમને આગળ વધવામાં મુશ્કેલી પડી રહી હતી એટલે તેઓ ડાબી બાજુથી માઉન્ટ કેરેમલના નાના શિખરો તરફ આગળ વધવા લાગ્યા.

આ રેજિમેન્ટે 30 સૈનિકો પકડ્યા, બે મશીન ગન અને બે કેમલગન (ઊંટ પર મૂકીને ચલાવવામાં આવતી નાની તોપ) પર કબ્જો કરી લીધો, જેથી હાઇફા પર વિજય મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો.

આ દરમિયાન જોધપુર લાંસર્સે આગળ વધવાનું ચાલું રાખ્યું. જેથી બચાવની સ્થિતિમાં આવી ગયેલાં સૈનિકો ચારેય બાજુથી ઘેરાઈ ગયા હતા.

આ બન્ને રેજિમેન્ટે 1350 ઓટોમન અને જર્મન સૈનિકોને હરાવી દીધા જેમાં સૈન્ય અધિકારીઓ પણ સામેલ હતા.

જોધપુર લાંસર્સના કમાન્ડર મેજર દલપત સિંહ શેખાવત આ લડાઈમાં મૃત્યુ પામ્યા હતા અને તેમને મરણોત્તર મિલિટરી ક્રોસનું સૈન્ય સન્માન આપવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો