પ્રેમની માયાજાળમાં ફસાવતી ઇઝરાયલની મહિલા જાસૂસ!

    • લેેખક, માનસી દાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

1986માં સમાચાર પત્રોમાં પ્રકાશિત થયેલા એક સમાચારે સમગ્ર વિશ્વને મોટો આંચકો આપ્યો હતો.

આ એક એવા સમચાર હતા જેનાથી વિશ્વની મહાસત્તાઓ પણ જાણે દોડતી થઈ ગઈ હતી.

આ સમાચાર એટલે ઇઝરાયલનો ગુપ્ત રીતે ચાલી રહેલો પરમાણુ ક્રાર્યક્રમ, જેની દુનિયાને ખબર જ ન હતી.

આ કાર્યક્રમ અંગે જાણકારી આપનાર હતા મોર્ડેખાઈ વનુનુ, જે પહેલાં ત્યાં જ કામ કરતા હતા.

વનુનુને પરમાણુ કાર્યક્રમમાંથી કાઢી મુકાયા હતા, જે બાદ પ્રકાશિત થયેલા આ સમાચારે ઇઝરાયલને હચમચાવી મુક્યું.

જોકે, ઇઝરાયલ હવે વનુનુને પકડીને સજા કરવા અધીરું બન્યું હતું, પરંતુ ઇઝરાયલ છોડીને ભાગી ગયેલા વનુનુને પકડવા કઈ રીતે?

અહીંથી શરૂ થાય છે એક મહિલા જાસૂસની દિલધડક કહાણી, જે કેવી રીતે વનુનુને પ્રેમજાળમાં ફસાવવા માટે હાથ ધરે છે મિશન.

આ રીતે શરૂ થાય છે કહાણી

વનુનુ 1976થી 1985 વચ્ચે ઇઝરાયલના બીરશેબા નજીક નેગેવ રણપ્રદેશ સ્થિત ડિમોના પરમાણુ પ્લાન્ટમાં ટૅકનિશિયન તરીકે કામ કરતા હતા.

ઇઝરાયલના બીરશેબા નજીક નેગેવ રણપ્રદેશમાં ડિમોના પરમાણુ પ્લાન આવેલો હતો. જે ગુપ્ત રીતે ચાલતો હતો.

અહીં 1976માં વનુનુએ ટૅક્નિશિયન કરીકે કામ શરૂ કર્યું હતું. જેમાં તેઓ પરમાણુ બોમ્બ માટેનું પ્લૂટોનિયમ તૈયાર કરતા હતા.

'ન્યૂક્લિયર વૅપન્સ ઍન્ડ નૉનપ્રૉલિફિકેશનઃ અ રેફરેન્સ હૅન્ડબુક'માં આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમણે ઇઝરાયલની બેન ગુરિઓન યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું.

આ પરમાણુ કાર્યક્રમમાં કામ કરતાં કરતાં વનુનુ ધીરે ધીરે અમૂક સંગઠનો સાથે જોડાવા લાગે છે.

આ એવાં સંગઠનો હતાં જે પેલેસ્ટાઇનના લોકો તરફી સંવેદનાં ધરાવતાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, તેમની આ હલચલ ઇઝરાયલના સુરક્ષા અધિકારીઓના રડારમાં આવી ગઈ. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનને હંમેશાથી દુશ્મનાવટ રહી છે.

વાત એટલી બધી આગળ વધી ગઈ કે અંતે 1985માં તેમને નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યા.

વનુનુ પણ ગાજ્યા જાય તેમ ન હતા, તેમણે નોકરી છોડતા પહેલાં પરમાણુ પ્લાન્ટની 60 જેટલી તસવીરો લઈ લીધી હતી.

આ જ તસવીરો સાથે તેઓ ઇઝરાયલ છોડીને ઑસ્ટ્રેલિયા જતા રહ્યા અને ત્યાં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો.

એ લેખ જેણે દુનિયાને ચોંકાવી દીધી

હવે વનુનુ દુનિયાને ઇઝરાયલના ગુપ્ત પરમાણુ કાર્યક્રમ વિશે જણાવવા માગતા હતા, તેમણે લંડન સ્થિત 'સન્ડે ટાઇમ્સ'ના પત્રકાર પીટર હૂનમનો સંપર્ક કર્યો.

બંને વચ્ચે થયેલી વાતચીત બાદ વનુનુએ પીટરને તેમની પાસે રહેલી તસવીરો આપી.

5 ઑક્ટોબર 1986નો એ દિવસ જ્યારે વિશ્વને ચોંકાવનારો લેખ સન્ડે ટાઇમ્સમાં પ્રકાશિત થયો.

આ લેખનું ટાઇટલ હતું, 'રિવીલ્ડ: ધી સિક્રેટ ઑફ ઇઝરાયલ ન્યૂક્લિયર આર્સેનલ.'

'ન્યૂક્લિયર વૅપન્સ ઍન્ડ નૉનપ્રૉલિફિકેશનઃ અ રેફરેન્સ હૅન્ડબુક'માં અપાયેલી માહિતી પ્રમાણે અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA માનતી હતી કે ઇઝરાયલ પાસે માત્ર 10થી 15 જેટલાં જ પરમાણુ હથિયારો છે.

પરંતુ વનુનુની માહિતીના આધારે છપાયેલા લેખમાં વિશ્વને જાણવા મળ્યું કે ઇઝરાયલ પાસે અંડરગ્રાઉન્ડ પ્લૂટોનિયમ સેપરેશનની સુવિધા હતી.

લેખમાં પ્રકાશિત આંકડા મુજબ ઇઝરાયલ પાસે 150થી 200 જેટલાં પરમાણુ હથિયારો હતા.

સન્ડે ટાઇમ્સને સંપૂર્ણ માહિતી આપવા માટે વનુનુ લંડન પહોંચ્યા હતા. આ ધડાકા બાદ હવે ઇઝરાયલ ઇચ્છતું ન હતું કે વધારે માહિતી લીક થાય.

હવે ઘડવામાં આવે છે વનુનુને લંડન બહાર કાઢી ઇઝરાયલ લાવવાનું એ મિશન જેને પાર પાડવા માટે મોકલાય છે મહિલા જાસૂસ.

પુસ્તક 'પૉલિટિકલ સેન્સરશીપ'માં આપેલી માહિતી પ્રમાણે ઇઝરાયલની જાસૂસી એજન્સી મોસાદે વનુનુને લંડથી ઇટાલી લાવવા માટે એક મહિલા જાસૂસને મોકલ્યાં હતાં.

તેમનો ઉદ્દેશ હતો કે વનુનુને પ્રેમમાં પાડી તેને કોઈ વિવાદ વિના લંડનમાંથી બહાર કાઢવા.

મહિલા જાસૂસે આ રીતે બિછાવી પ્રેમજાળ

પીટર હૂનમ પોતાના પુસ્તક 'ધ વૂમન ફ્રૉમ મોસાદ'માં લખે છે કે એક દિવસ (24 સપ્ટેમ્બર 1986) લંડનમાં વનુનુએ રસ્તા પર એક સુંદર યુવતીને જોઈ.

આ યુવતી જરા પોતાની ગભરામણમાં હોય એવું વનુનુને લાગ્યું, તેમણે યુવતની મદદ કરવાનું વિચાર્યું.

વનુનુએ તેમને કૉફી માટે નિમંત્રણ આપ્યું, યુવતી જરા શરમાતા શરમાતા કૉફી માટે રાજી થઈ.

વાતચીત દરમિયાન એ યુવતીએ જણાવ્યું હતું કે તેમનું નામ 'સિંડી' છે અને તેઓ એક અમેરિકી બ્યૂટિશિયન છે.

પહેલી મુલાકાતમાં બન્ને એટલાં હળી મળી ગયાં હતાં કે તેઓ સાથે મળીને ફરવા જવાની યોજના પણ બનાવવા લાગ્યાં હતાં.

પીટર હૂનમ લખે છે કે વનુનુએ જણાવ્યું હતું કે સિંડીએ પોતાના ઘરનું સરનામું આપ્યું નહીં.

પરંતુ વનુનુએ તેમને જણાવી દીધું હતું કે તેઓ ધ માઉન્ટબેટન હોટેલના રૂમ નંબર 105માં જ્યોર્જ ફૉર્સ્ટીના નકલી નામે રોકાયા છે.

ત્યારબાદ એક તરફ 'સન્ડે ટાઇમ્સ'ની સાથે સ્ટોરી પર વાતચીત ચાલી રહી હતી તો બીજી તરફ 'સિંડી' સાથે વનુનુની મુલાકાત વધી રહી હતી.

વનુનુ તો થોડા સમય માટે બ્રિટનની બહાર જવાની યોજના પણ બનાવવા લાગ્યા હતા. અંતે તેઓ 30 સપ્ટેમ્બરના રોજ 'સિંડી' સાથે રોમ પહોંચી ગયા હતા.

પ્રેમમા પડેલા વનનુ આ રીતે ફસાયા

પીટર હૂનમના આધારે વનુનુના બ્રિટનથી ગુમ થયા હોવાના સમાચારના લગભગ ત્રણ અઠવાડીયા બાદ 'ન્યૂઝવીક'માં છપાયા કે વનુનુ ઇઝરાયલમાં છે અને ત્યાં તેમને 15 દિવસની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

'ન્યૂઝવીક'ના આધારે વનુનુને તેમના એક મહિલા મિત્રએ એક યૉટમાં બેસીને ઇટલીના સમુદ્રમાં જવા માટે તૈયાર કર્યા હતા.

ઇટલી અને અન્ય કોઈ દેશની સમુદ્રી સીમાથી બહાર ગયા બાદ તેમની મોસાદના એજન્ટોએ ધરપકડ કરી લીધી અને ઇઝરાયલને સોંપી દીધા હતા.

1986ના ડિસેમ્બરમાં 'લૉસ એન્જ્લસ ટાઇમ્સ'એ પૂર્વ જર્મનીની સમાચાર એજન્સીના માધ્યમથી ખબર આપી હતી કે 30 સપ્ટેમ્બરના રોજ વનુનુનું રોમથી અપહરણ કરી લેવાયું હતું.

પીટર હૂનમ લખે છે કે વનુનુ એ માનવા માટે તૈયાર ન હતા કે તેમના મિત્ર 'સિંડી' મોસાદનાં એજન્ટ હતાં.

'ધ સન્ડે ટાઇમ્સ'એ એક વર્ષ બાદ 1987માં 'સિંડી'ની ઓળખ સંબંધિત એક કહાણી છાપી હતી પરંતુ તેના પર વિશ્વાસ કરવાની પણ વનુનુએ ના પાડી હતી.

જોકે, ત્યારબાદ તેમણે માની લીધું હતું કે 'સિંડી' મોસાદનાં એજન્ટ હતાં અને તેમને ફસાવવામાં આવ્યા હતા.

મહિલા જાસૂસની સાચી ઓળખ શું હતી?

પીટર હૂનમના જણાવ્યા અનુસાર 'સિંડી'નું સાચું નામ શેરિલ હૈનિન બેનટોવ છે.

વર્ષ 2004માં સેન્ટ પીટર્સબર્ગ ટાઇમ્સે લખ્યું હતું કે શેરિલ હૈનન બેનટોવ 1978માં ઇઝરાયલની સેનામાં સામેલ થયાં હતાં.

ત્યારબાદ તેઓ 'મોસાદ'માં સામેલ થયાં હતાં અને ઇઝાયલના દૂતાવાસો સાથે જોડાઈને કામ કરવા લાગ્યાં હતાં.

એવું કહેવામાં આવે છે કે પીટર હૂનમે ઇઝરાયલનાં શહેર નેતન્યામાં શેરિલને શોધ્યાં હતાં, જ્યાં તેઓ તેમનાં પતિ સાથે રહેતાં હતાં.

તેમણે પોતાના 'સિંડી' હોવાના સમાચારોને નકારી દીધા હતા.

પરંતુ પીટરે તેમની કેટલીક તસવીરો કૅમેરામાં કેદ કરી લીધી હતી. આ ઘટના બાદ શેરિલ ઘણાં વર્ષો સુધી દેખાયાં ન હતાં.

ગોર્ડન થોમસ પોતાના પુસ્તક 'ગીડોન્સ સ્પાઇસઃ મોસાદ્સ સિક્રેટ વૉરિયર્સ'માં લખે છે કે 1997માં શેરિલ ઑરલેન્ડોમાં જોવા મળ્યાં હતાં.

અહીં 'સન્ડે ટાઇમ્સ'ના એક પત્રકારના સવાલ કરવા પર તેમણે વનુનુના અપહરણમાં તેમની ભૂમિકા હોવાની વાતથી ઇન્કાર કર્યો ન હતો.

વનુનુને સજા અને સ્વતંત્રતા માટે અભિયાન

મોર્ડેખાઈ વનુનુને 1988માં ઇઝરાયલમાં 18 વર્ષ માટે જેલની સજા સંભળાવવામાં આવી હતી, જેમાંથી તેમણે 13 વર્ષ કેદમાં વિતાવ્યા.

વર્ષ 2004માં તેમને જેલમાંથી તો છોડી દેવાયા હતા પણ તેમના પર ઘણા પ્રકારના પ્રતિબંધ પણ લગાવી દેવાયા હતા.

પરંતુ પરમાણુ મુક્ત દુનિયા બનાવવા માટે તેમના સહયોગના વખાણ પણ ખૂબ થયા.

તેમને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર અભિયાન ચાલુ કરવામાં આવ્યું.

વનુનુની સ્વતંત્રતા માટે ચલાવવામાં આવેલા એક અભિયાનના આધારે 21 એપ્રિલના રોજ જેલમાંથી છૂટ્યા બાદ વનુનુ સેન્ટ જ્યૉર્જ કેથેડ્રલમાં રહેતા હતા.

ત્યાં જેરૂસલેમના એપિસ્કોપલ બિશપે તેમને આશરો આપ્યો હતો.

11 નવેમ્બર 2004ના રોજ લગભગ 30 જેટલા ઇઝરાયલી સુરક્ષાબળોએ તેમની ધરપકડ કરી લીધી હતી. જોકે, તેમને એ જ રાત્રે ફરી મુક્ત કરી દેવાયા હતા.

પરંતુ ઇઝરાયલે તેમના પર જે પ્રતિબંધો લગાવ્યા છે, તે 32 વર્ષ બાદ આજે પણ અમલમાં છે.

ગત વર્ષે નોર્વેએ વનુનુને ઑસ્લોમાં રહેવા દેવા માટે શરણાગતિની રજૂઆત કરી હતી. વનુનુનાં પત્ની ઑસ્લોમાં રહે છે.

ઇઝરાયલનો પરમાણુ કાર્યક્રમ

ઇઝરાયલે વર્ષ 1950માં ફ્રાંસની મદદથી નેગેવમાં પરમાણુ પ્લાન્ટ બનાવ્યો હતો.

સમગ્ર દુનિયા એમ જ માનતી આવી છે કે એ કપડાંનું કારખાનું, એગ્રીકલ્ચર સ્ટેશન અથવા તો સંશોધન કેન્દ્ર છે.

1958માં યૂ-2 જાસૂસી હવાઈ જહાજોએ આશંકા વ્યક્ત કરી હતી કે ઇઝરાયલ પરમાણુ કાર્યક્રમ પર આગળ વધી રહ્યું છે.

1960માં આખરે તત્કાલિન વડાપ્રધાન ડેવિડ બેન ગુરિયોને ડિમોના વિશે કહ્યું હતું કે આ પરમાણુ રિસર્ચ કેન્દ્ર છે જે શાંતિપૂર્ણ ઉદ્દેશ્યોના હેતૂસર બનાવવામાં આવ્યું છે.

ઇઝરાયલ પરમાણુ કાર્યક્રમ પર કેટલું આગળ વધી રહ્યું છે, તેની જાણકારી મેળવવા માટે અમેરિકાના ઘણા અધિકારીઓએ ઇઝરાયલનો પ્રવાસ કર્યો હતો.

પરંતુ અહીં શું થઈ રહ્યું છે તેની સાચી જાણકારી તેમને મળી ન હતી.

1968માં જાહેર થયેલા CIAના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલે પરમાણુ હથિયાર બનાવવાની શરૂઆત કરી દીધી છે.

ત્યારબાદ વનુનુના ખુલાસાએ અમેરિકા સહિત સમગ્ર દુનિયાના દેશોને હેરાન કરી મૂક્યા હતા.

શિમોન પેરેસે ઇઝરાયલના ગુપ્ત પરમાણુ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

બેન્જામિન નેતન્યાહૂએ વર્ષ 2016માં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે કેબિનેટની અગત્યની બેઠકમાં કહ્યું હતું કે નેગેવના પરમાણુ પ્લાન્ટનું નામ બદલીને શિમોન પેરેસના નામ પર રાખવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો