પ્રેમી યુગલે કિસ કરતા જેલની સજા થઈ

કારમાં કિસ કરી રહેલા એક યુગલને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે. આ મામલો ટ્યૂનિશિયાનો છે.

અહીં અલ્જીરિયાઈ મૂળના ફ્રાંસના નસીમ અવદી અને ટ્યૂનિશિયાની તેની ગર્લફ્રેન્ડને કોર્ટે ગયા અઠવાડિયે જેલની સજા સંભળાવી છે.

કોર્ટે ફટકારેલી સજા બાદ આ મામલો ત્યાંના સોશિઅલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. લોકો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

નસીમ 33 વર્ષનો છે અને તેમની ગર્લફ્રેન્ડ 44 વર્ષની છે. વાત એટલી આગળ વધી ગઈ કે ટ્યૂનિશિયામાં આવેલા ફ્રાંસના દૂતાવાસે હસ્તક્ષેપ કરવો પડ્યો.

તમને આ પણ વાંચવું ગમશે

નસીમના વકીલે કહ્યું, "બંનેએ ક્લબમાંથી નીકળતા પહેલા થોડો દારૂ પીધો હતો અને કારની અંદર એકબીજાને કિસ કરી રહ્યા હતા. ત્યાં પોલીસ સાથે એમનો ઝઘડો થયો અને બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાયા."

સોશિઅલ મીડિયા

કોર્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ મામલો સાર્વજનિક નૈતિકતાની વિરુદ્ધ છે. આ યુગલને સજા એટલા માટે થઈ કારણ કે તેમણે એક સરકારી અધિકારીને ફરજ બજાવવામાં અડચણ ઊભી કરી હતી.

જજે નસીમને ચાર મહિનાની અને તેમની ગર્લફ્રેન્ડને ત્રણ મહિનાની સજા કરી છે.

ત્યારબાદ નસીમની માતાએ ટ્યૂનિશિયા આવીને ફ્રાંસના દૂતાવાસ પાસે મદદ માગી હતી.

બીજી તરફ આખા મામલાએ ટ્યૂનિશિયામાં સોશિઅલ મીડિયા પર તૂલ પકડ્યું છે.

એક વ્યક્તિએ લખ્યું, "ટ્યૂનીશિયામાં ગર્લફ્રેન્ડને કિસ કરવાથી ચાર મહિનાની જેલ થાય છે. જ્યારે કોઈને મારવાથી કોઈ સજા થતી નથી."

કાનૂની મદદ

એક યૂઝરે લખ્યું, "નવજવાન યુગલોને પ્રેમ કરવાના ગુના હેઠળ જેલ મોકલવામાં આવી રહ્યા છે."

ફ્રાંસના રાજદૂતે તેમની ફેસબુક પોસ્ટમાં નસીમની માતાને કાયદાકીય મદદ કરવાનો ભરોસો આપ્યો છે.

સામાન્ય રીતે મહિલાઓના અધિકારોના મામલામાં બીજા અરબ દેશોની સરખામણીમાં ટ્યૂનિશિયાને આધુનિક માનવામાં આવે છે.

તેમના રાષ્ટ્રપતિ પણ મહિલાઓ અને પુરુષોની સમાનતા વિષે ભાષણ આપતા હોય છે. પરંતુ આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધાં છે.

સ્વયંસેવી સંસ્થાઓએ આ મુદ્દે લોકોને રસ્તા પર આવીને વિરોધ કરવા આહવાન કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો