You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ પાંચ રસ્તાથી ભાજપ પોતાની સરકાર બચાવી શકે છે!
ભાજપના ધારાસભ્ય કે. જી. બોપૈયાને પ્રો-ટેમ સ્પીકરપદેથી હટાવવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. જેના પગલે હવે બોપૈયાની અધ્યક્ષતામાં જ વિશ્વાસમત યોજાશે.
બોપૈયાના નામ સામે કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓને સુપ્રીમ કોર્ટે નકારી કાઢ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપીલ સિબ્બલે દેશની સર્વોચ્ચ અદાલતમાં પાર્ટી વતી પક્ષ રજૂ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતીય જનતા પક્ષે આજે સાંજે ચાર કલાકે કર્ણાટક વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે.
વિધાનસભાના સંચાલન માટે રાજ્યપાલ વજુભાઈ વાળાએ કે. જી. બોપૈયાને અસ્થાયી એટલે કે પ્રો-ટેમ સ્પીકર તરીકે નિમ્યા છે.
કોંગ્રેસે તેના વરિષ્ઠ નેતા આર. વી. દેશપાંડેને પ્રો-ટેમ સ્પીકર બનાવવાની માગ કરી હતી. પાર્ટીએ દલીલ આપી હતી કે દેશપાંડે સૌથી વરિષ્ઠ હોવાને કારણે તેમને જ પ્રો-ટેમ સ્પીકર બનાવવા જોઈએ.
આપને આ પણ વાંચવું ગમશે
આ પાંચ રીતે સરકાર બચાવી શકે છે ભાજપ
- જો ભાજપ 15 ધારાસભ્યોને બહુમત પરિક્ષણ દરમિયાન વિધાનસભાથી દૂર રાખવામાં સફળ રહે છે તો તેનાથી ગૃહમાં હાજર ધારાસભ્યોની કુલ સંખ્યા 208 થઈ જશે.
- ભાજપ પાસે 104 ધારાસભ્ય છે અને ગૃહમાં હાજર કુલ ધારાસભ્યોના હિસાબે સાધારણ બહુમત માટે આ પર્યાપ્ત ધારાસભ્યો નથી. ભાજપ આ રીતે પોતાની સરકાર બચાવી શકે છે.
- વિધાનસભામાં શક્તિ પરીક્ષણ દરમિયાન કેટલાક ધારાસભ્યો હોબાળો કરી દે અને એ ધારાસભ્યોને અધ્યક્ષ ગૃહની બહાર મોકલી દેવાનો આદેશ આપે તો તેનાથી ગૃહમાં હાજર ધારાસભ્યોની સંખ્યા ઓછી થઈ જશે. તેનાથી પણ ભાજપની યેદિયુરપ્પા સરકાર બચી શકે છે.
- કોંગ્રેસમાં એક ડઝન કરતા વધારે લિંગાયત ધારાસભ્યો છે. લિંગાયત મઠાધીશોની તરફથી અપીલ કરવામાં આવી શકે છે કે યેદિયુરપ્પા લિંગાયત છે અને શક્તિ પરીક્ષણમાં લિંગાયત ધારાસભ્યો તેમનો સાથ આપે. એવો તર્ક આપી શકાય છે કે કોંગ્રેસ પહેલેથી જ વીરશૈવ સમાજના માધ્યમથી લિંગાયતોની એકતા તોડવાનો પ્રયાસ કરી રહી હતી.
- ભાજપ પ્રયાસ કરી રહ્યો છે કે બહુમત મેળવવા દરમિયાન ગોપનીય બેલેટનો ઉપયોગ કરવામાં આવે જેનાથી ધારાસભ્યોની ઓળખ જાહેર ન થાય. યેદિયુરપ્પાની મુખ્યમંત્રીની ખુરસી તેનાથી પણ બચી શકે છે.
હવે પછી શું થશે?
જો સુપ્રીમ કોર્ટ દ્વારા બોપૈયાના નામને માન્યતા આપવામાં આવશે તો રાજ્યપાલ વજુભાઈ વાળા તેમને શપથ ગ્રહણ કરાવશે.
પ્રો-ટેમ સ્પીકર બોપૈયા નવા ચૂંટાયેલા સભ્યોને ધારાસભ્યપદના શપથ લેવડાવી રહ્યા છે..
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમામ સભ્યોને શપથ લેવડાવવાની પ્રક્રિયા ખાસ્સી લાંબી હોય છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, ચાર વાગ્યા સુધીમાં પૂર્ણ ન પણ થાય.
કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર કે. આર. રમેશે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું, "આ સંજોગમાં સુપ્રીમ કોર્ટના આદેશનું શબ્દશઃ નહીં, પરંતુ તેના હાર્દનું પાલન કરવાનું હોય છે.
ધારાસભ્યોની શપથવિધિ અંગે બે વિકલ્પ છે. અ.) પ્રો-ટેમ સ્પીકર વિશ્વાસમતની પ્રક્રિયાનું નેતૃત્વ કરે બ.) સ્પીકરની ચૂંટણી કરવી.
કોંગ્રેસે મત વિભાજનની માગ ન કરી હોવાથી ધ્વનિમતના આધારે વિશ્વાસમત લેવાની છૂટ બોપૈયાને મળી શકે છે.
છતાં જો બોપૈયા દ્વારા મતવિભાજન હાથ ધરવામાં આવે તો કોરમબેલ વગાડવામાં આવે છે, દરવાજા બંધ રાખવામાં આવે છે અને ધારાસભ્યોએ ઊભા થવાનું હોય છે, જેના આધારે બંને બાજુઓને મળેલા મતોની ગણતરી કરવામાં આવે છે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રો-સ્પીકર દ્વારા પરિણામની જાહેરાત કરવામાં આવશે.
કોણ છે કે. જી. બોપૈયા?
- કે. જી. બોપૈયાનું પુરૂં નામ કોમ્બારના ગણપતિ બોપૈયા છે. તેમણે વિરાજપેટ વિધાનસભા બેઠક પરથી જીત મેળવી છે.
- આ પહેલા પણ તેઓ ત્રણ વખત આ જ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
- બોપૈયા 2009માં યોજાયેલી ચૂંટણી બાદ પણ પ્રો-ટેમ સ્પીકર રહ્યા હતા. એ ચૂંટણીમાં ભાજપને જીત મળી હતી.
- સરકાર બન્યા બાદ તેમની પસંદગી વિધાનસભા સ્પીકર તરીકે થઈ હતી.
- કે. જી. બોપૈયા નાનપણથી જ સંઘ પરિવાર સાથે જોડાયેલા રહ્યા છે. કૉલેજ દરમિયાન તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય પણ રહ્યા છે.
- B.Scની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ તેમણે વકિલાતનો અભ્યાસ કર્યો હતો. ઇમરજન્સી દરમિયાન બોપૈયાની ધરપકડ થઈ હતી.
- બોપૈયાના બી. એસ. યેદિયુરપ્પા સાથે નજીકના સંબંધ હોવાનું મનાઈ રહ્યું છે. ગેરકાયદેસર ખનન મામલે વર્ષ 2010માં જ્યારે ભાજપના ધારાસભ્યો પોતાની જ સરકારનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે સ્પીકર તરીકે બોપૈયાએ 11 બાગી ધારાસભ્યો અને 5 અપક્ષ ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કર્યા હતા.
- સુપ્રીમ કોર્ટે બોપૈયાના નિર્ણયનો ખોટો ગણાવ્યો હતો.
આ પહેલા સુપ્રીમમાં શું થયું?
- સુપ્રીમ કોર્ટે આજે 4 કલાકે વિધાનસભામાં વિશ્વાસમત હાંસલ કરવા આદેશ આપ્યો હતો.
- સુપ્રીમ કોર્ટે વિધાનસભા માટે એંગ્લો- ઇન્ડિયન સભ્યને મનોનીત કરવા પર રોક લગાવી દીધી છે.
- સુપ્રીમ કોર્ટે ચૂંટાયેલા સભ્યોને આજે સાંજે 4 વાગ્યા પહેલા શપથ લેવા આદેશ આપ્યા છે.
- સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આજે સાંજે 4 કલાકે પ્રોટેમ સ્પીકર ફ્લોર ટેસ્ટ કરશે.
- ડીજીપીને પુરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવા આદેશ અપાયા છે.
- સુપ્રીમ કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નવી ચૂંટાયેલી સરકાર જ્યાં સુધી વિધાનસભામાં બહુમતી ન મેળવી લે ત્યાં સુધી કોઈ મોટો નિર્ણય ન લે. યેદિયુરપ્પાએ ખાતરી આપી છે કે તેઓ આ પ્રકારનો કોઈ નિર્ણય નહીં લે.
- જસ્ટિસ સિકરીએ કહ્યું, "યેદિયુરપ્પા પાસે મોટો નિર્ણય લેવાનો સમય જ હશે નહીં. તેઓ બીજી વસ્તુઓમાં વ્યસ્ત રહેશે."
- જાણીતા કાયદા નિષ્ણાત રામ જેઠમલાણીએ કહ્યું કે ગવર્નરે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને તેમણે શરમજનક કામ કર્યું છે.
- સુપ્રીમ કોર્ટે રામ જેઠમલાણીને કહ્યું કે ગવર્નર બંધારણીય સત્તાધિકારી છે. તેમની ક્રિયા કેવી છે તે અંગે કોર્ટ પછી વિચાર કરશે.
- કોંગ્રેસ અને જેડીએસએ ગવર્નર વજુભાઈ વાળા પર આરોપ લગાવ્યો છે કે ઓછી બેઠક હોવા છતાં તેમણે ભાજપને સરકાર બનાવવાનું નિમંત્રણ આપ્યું.
- યેદિયુરપ્પાએ કહ્યું કે ભાજપ સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે અને એવા રાજ્યમાં જનાદેશ મેળવ્યો છે કે જેણે કોંગ્રેસને ઉખાડીને બહાર ફેંકી દીધી છે.
- ભાજપે ફ્લોર ટેસ્ટ માટે 21 મે સુધીનો સમય માગ્યો હતો. ભાજપે એમ પણ ઉમેર્યું કે કોંગ્રેસ- જેડીએસના ધારાસભ્યો કોચ્ચીમાં રહે છે અને બેંગલુરૂ આવતા તેમને સમય લાગશે.
- કોંગ્રેસ- જેડીએસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ આજે ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે અને તેમને પુરતી સુરક્ષા મળવી જોઈએ. સાથે વીડિયોગ્રાફી પણ થવી જોઈએ.
સિદ્ધારમૈયા CLP લીડર તરીકે ચૂંટાયા
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ફરી એક વખત કોંગ્રેસ વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
કોંગ્રેસ વિધાયક દળના નેતાઓએ શુક્રવારે હૈદરાબાદની એક હોટેલમાં મિટીંગ કરી હતી. તે દરમિયાન યેદિયુરપ્પાના બહુમતી સાબિત કરવા સમયે પાર્ટીની રણનીતિ અંગે પણ ચર્ચા થઈ.
મહત્ત્વનું છે કે ભાજપે વિધાનસભા ચૂંટણીમાં કુલ 104 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 78 બેઠકો પર અને જેડીએસએ 37 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે.
ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન માટે તૈયાર થયા હતા અને 117 MLAનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો