Top 5 News: ગડકરી- ભ્રષ્ટાચાર કર્યો તો બુલડોઝર નીચે કચડી નાખીશ

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી શુક્રવારે મધ્ય પ્રદેશના બૈતૂલમાં હતા.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગડકરીએ કહ્યું હતું, "અહીં જે કોઈ કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યા છે, તેમાંથી કોઈ દિલ્હીથી નથી આવ્યો. એક રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી.

"આ રસ્તાના માલિક તમે છો. કામ બરાબર રીતે થાય છે કે નહીં, તે જોવું, આપની ફરજ છે. જો કામ બરાબર ન થયું તો બુલડોઝર નીચે કચડી નાખીશ."

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં હાજર હતા.

62% જીડીપી પર ભાજપનો કબજો

ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે, કર્ણાટકના વિજય સાથે દેશના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)ના 62 ટકા ભાગ પર ભાજપ કે ભાજપની યુતી સરકારોનો કબજો થઈ શકે છે.

કર્ણાટકમાં સત્તાની સાથે ભાજપ 21 રાજ્યોમાં સત્તા ધરાવે છે.

અહેવાલ મુજબ, ટોપ-5 રાજ્યોમાં મહારાષ્ટ્ર (14.29 %), યુપી (7.43 %), ગુજરાત (7.4 %), કર્ણાટક (7.52 %) અને રાજસ્થાન (4.78 %)નો સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ, કેન્દ્રમાં મોદીની સરકાર બની ત્યારે આઠ રાજ્યોમાં ભાજપ કે એનડીએ સત્તા પર હતો. ત્યારબાદ પાર્ટીએ વધુ 14 રાજ્યોમાં સત્તા સ્થાપી છે.

કર્ણાટકમાં હોર્સ ટ્રેડિંગ?

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલની વચ્ચે કોંગ્રેસ દ્વારા એક ઓડિયો ટેપ બહાર પાડવામાં આવી છે.

અંગ્રેજી અખબાર ડીએનએના અહેવાલ પ્રમાણે, ઓડિયોમાં કથિત રીતે ભાજપના નેતા જનાર્દન રેડ્ડી કોંગ્રેસના ધારાસભ્ય બાસનગૌડા દાદલાને નાણા અને પ્રધાનપદની ઓફર કરી છે.

ઉપરાંત ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરાવવાની ખાતરી આપતા પણ જણાય છે.

ઓડિયો ક્લિપમાં દાદલા આ ઓફરને નકારતા જણાય છે.

દરમિયાન કર્ણાટક ભાજપના પ્રભારી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસના આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે, 'સીડી નકલી છે' અને 'કોંગ્રેસના ડર્ટી ટ્રીક્સ ડિપાર્ટમેન્ટ'નું કામ છે.

ટ્રમ્પના રિસોર્ટમાં ગોળીબાર

અમેરિકાના ફ્લોરિડાના એક ગોલ્ફ રિસોર્ટમાં એક બંદૂકધારીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી મિયામી પોલીસ પર ગોળીબાર કર્યો હતો.

પોલીસ કાર્યવાહીમાં તે વ્યક્તિ ઘાયલ થયો છે અને તેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ રિસોર્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો છે. બંદૂકધારીની ઓળખ જોનાથન ઓડ્ડી તરીકે થઈ છે જેમની ઉંમર 42 વર્ષ છે.

મિયામી પોલીસે જણાવ્યું છે કે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

વાઇબ્રન્ટ સમિટની તારીખો જાહેર

ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતો વાઇબ્રન્ટ સમિટ આગામી વર્ષે જાન્યુઆરી મહિનાની 18 થી 20 તારીખે યોજાશે.

તારીખોની જાહેરાત મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. આગામી વર્ષે યોજાનારા વાઇબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે, "ગુજરાત સરકારનો આ એક એવો કાર્યક્રમ છે કે જેના દ્વારા આજે ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે હબ બની ગયું છે. આ સમિટમાં 125 કરતા વધારે દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો