ગુજરાત : મહિલા કામદારોની વ્યથા, કામ દરમિયાન શૌચાલય પણ જવા દેતા નથી

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

"ગાર્મેન્ટ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ટૉઇલેટ હોય છે પણ તાળાં મારી રાખવામાં આવે છે. ચાર-પાંચ કલાકે સુપરવાઇઝર તાળું ખોલે અને થોડી જ વારમાં ટૉઇલેટને ફરી તાળું મારી દેવાય છે."

આ શબ્દો સાઉથ ગુજરાત ટેક્સટાઇલ વર્કર્સ યુનિયનના જનરલ સેક્રેટરી રામમુરત મૌર્યના છે. તેઓ વર્ષોથી સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

કેરળમાં તાજેતરમાં સરકારે મહિલાઓને કામના સ્થળે બેસવાનો અધિકાર આપવાની વાત કરી છે.

મહિલાઓ જ્યાં કામ કરે છે ત્યાં તેમને બેસવા માટે આપવામાં આવેલા અધિકારને 'રાઇટ ટુ સીટ' કહે છે.

કેરળ સરકારના આ નિર્ણયની દેશભરમાં હાલ ચર્ચા થઈ રહી છે.

ગુજરાત મોટા ઉદ્યોગોની સાથે સાથે નાની-મોટી સેંકડો ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે.

આ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓની સ્થિતિ શું તે જાણવાનો પ્રયાસ બીબીસી ગુજરાતીએ કર્યો હતો.

'અમારા ટૉઇલેટને તાળાં મારી દેવાય છે'

કેરળમાં મહિલાઓને કામના સ્થળે 'બેસવાનો અધિકાર' મળ્યો પણ ગુજરાતમાં મહિલા કામદારોની સ્થિતિ ઘણા અંશે સારી નથી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રામમુરત મૌર્ય કહે છે "મોટાભાગની ઍમ્બ્રૉઇડરી ઇન્ડસ્ટ્રીમાં તો ટૉઇલેટ જ નથી.

"મહિલાઓએ જો શૌચાલય જવું હોય તો ઝાડી પાછળ જવું પડે અથવા કોઈ વેરાન જગ્યા શોધવી પડે."

તમે આ વાંચ્યું કે નહીં?

સુરતની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા એક મહિલા કામદારે પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી સાથે વાતચીત કરી હતી.

તેઓ કહે છે, "અમે કામ કરીએ છીએ ત્યાં શૌચાલય તો છે પણ તેને બંધ રાખવામાં આવે છે. આખા દિવસમાં એક કે બે વખત જ ખોલવામાં આવે છે."

'શટર બંધ કરી દેવાય જેથી પેશાબ કરવા ન જઈ શકીએ'

ઉપરાંત તેઓ કહે છે, "ઘણી વખત તો અમે જઈએ પછી શટર બંધ કરી દેવામાં આવે છે, જેથી અમે પેશાબ કરવા ન જઈ શકીએ."

"એટલે જ પછી અમે પાણી પીતાં નથી કારણ કે કલાકો સુધી અમારે પેશાબ રોકી રાખવો પડે છે."

"એટલે જ માસિક વખતે ઘણી બહેનો કામ પર આવતી નથી પણ રજા લઈએ તો પૈસા કાપી લે અને ક્યારેક તો કામમાંથી કાઢી પણ મૂકે છે."

શૌચાલય હોવા છતાં બંધ કેમ કરી દેવાય છે?

એના જવાબમાં તેઓ કહે છે, "સાહેબ અમને એવું કહે છે કે તમે બાથરૂમના બહાને જઈને સમય બગાડો છો. તમે આવો સમય બગાડો તો અમારું કામ ક્યારે થાય."

'સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ અલ્ટરનેટિવ્સ'ના પ્રોફેસર ઇન્દિરા હિરવેનો મત છે કે ગુજરાતમાં મહિલા કામદારોની સ્થિતિ ખૂબ ખરાબ છે.

તેઓ કહે છે, "ગારમેન્ટ ફૅક્ટરીઓમાં મહિલાઓએ ઊભા રહીને જ કામ કરવાનું હોય છે."

"બેસવાની પરવાનગી આપવામાં આવતી નથી. ગુજરાત શ્રમ કાયદા લાગુ કરવામાં નબળું છે."

"શૌચાલયોની સ્થિતિની વાત કરીએ તો દુકાન કે શોરૂમાંથી માંડીને ફૅક્ટરીમાં પણ ટૉઇલેટ કે યુરિનલ માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ હોય છે."

"ઘણી જગ્યાઓએ વ્યવસ્થા હોય તો પુરુષો અને સ્ત્રીઓ માટે એક જ ટૉઇલેટ હોય છે."

"ઘણી વખત વ્યવસ્થા ન હોવાથી મહિલાઓને શૌચાલય માટે દૂર જવું પડે છે."

"જેથી ખુલ્લામાં શૌચાલય જવાની ફરજ પડે છે અને ઑર્ગેનાઇઝ્ડ સૅક્ટરમાં આ પ્રકારની સ્થિતિ વધારે જોવા મળે છે."

મહિલાઓને ઓછું વેતન

કેરળમાં મહિલાઓ માટે 'બેસવાના અધિકાર' સાથે રેસ્ટરૂમ અને શૌચાલયની વ્યવસ્થા ફરજિયાત પૂરી પાડવાની વાત પણ ચર્ચાઈ રહી છે.

વડોદરામાં એક યુનિટમાં કામ કરતા લક્ષ્મીબહેન કહે છે કે અમારી પાસે આઠના બદલે દસ કલાક કામ કરાવાય છે.

તેઓ કહે છે, "સ્ત્રી-પુરુષના વેતનમાં ભેદભાવ કરાય છે, એક દિવસના અમને 150 રૂપિયા આપે તો અમારી સાથે જ કામ કરતા પુરુષોને 300 રૂપિયા આપે છે."

"મહિલાઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા પણ નથી, જ્યાં પુરુષો જાય ત્યાં જ અમારે પણ જવું પડે છે."

પીપલ્સ ટ્રેનિંગ ઍન્ડ રિસર્ચ સૅન્ટર સાથે સંકળાયેલા વડોદરાના જગદીશ પટેલે કરેલા એક અભ્યાસનો રિપોર્ટ 'સ્ટડી ઑફ લેબર કન્ડિશન્સ ઇન સુરત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી' નામથી પ્રકાશિત કર્યો છે. આ અભ્યાસ પ્રમાણે,

  • 34 ટકા મહિલા કામદારોને ટૉઇલેટ કે યુરિનલની કોઈ સુવિધા મળતી નથી.
  • માત્ર 2.5 ટકા કામદારોને રેસ્ટ રૂમની સુવિધા મળે છે.
  • 80 ટકા કામદારોને આઇડેન્ટિટી-કાર્ડ આપવામાં આવતાં નથી.
  • મહિલાઓને 8 કલાકથી વધારે કામ કરવા દબાણ કરાતું હોય છે.

ઉપરાંત આ રિપોર્ટમાં એવું પણ નોંધ્યું છે કે કામદારો પાસે 12 કલાક કામ કરાવાય છે. જેમાં કોઈ બ્રેક અપાતો નથી.

ઘણી વખત 12 કલાક બાદ રિલીવર ન આવે તો કામ ચાલુ જ રાખવું પડે છે. જેમાં મહિલા કામદારો પણ સામેલ હોય છે.

મૅટરનિટી લીવની પણ કફોડી સ્થિતિ

મૅટરનિટી લીવ મેળવવા માટે પણ મહિલા કામદારોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

ઉપરોક્ત રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે, "17 ટકા મહિલા કામદારોને મૅટરનિટી લીવ મળી હતી પણ તે અનપેઇડ લીવ હતી."

સુરતના એક મહિલા કામદાર કહે છે, "બાળક થવાનું હોય એ વખતે જો અમારે રજા જોઈતી હોય તો અમારી જગ્યાએ અન્ય કોઈ મહિલા અમારે જ શોધી આપવી પડે. એ દિવસોના પૈસા પણ ન મળે."

વડોદરાના લક્ષ્મીબહેન કહે છે, "અમારે ત્યાં એવી કોઈ રજા અપાતી નથી. રવિવારે રજા આપે એના પણ પૈસા કાપી લે છે."

"એમની પાસે કામ ન હોય ત્યારે પણ બ્રેકના નામે રજા આપી દે અને પગાર આપતા નથી."

હિન્દુસ્તાન મજદૂર સંઘ (એચ.એમ.એસ.)ના જનરલ સેક્રેટરી પી.કે.વાળંજ કહે છે, "મહિલા કામદારોએ અનેક પ્રકારના અન્યાયોનો સામનો કરવો પડે છે. પણ મૅટરનિટી લીવ અંગેની સમસ્યા ભયંકર છે."

"મૅટરનિટી લીવ ન આપવી પડે એ માટે ઘણી જગ્યાઓએ મહિલા કામદારોની નોંધણી જ થતી નથી."

"ઘણી વખત મહિલા કામદાર ગર્ભવતી થાય ત્યારે મૅટરનિટી લીવ ન આપવા તેમને છૂટા કરી દેવાય છે."

વડોદરામાં અધ્યાપનકાર્ય સાથે સંકળાયેલા દિપાલી ઘેલાણી મહિલા અધિકાર માટે સંગઠન પણ ચલાવે છે.

તેઓ કહે છે, "કંપનીઓ, ફૅક્ટરીઓમાં અમે મહિલાઓ માટે રેસ્ટરૂમ કે ટૉઇલેટની યોગ્ય સુવિધા ન હોય અને રજૂઆત કરીએ તો એવું કહે છે કે અહીં કોઈ મહિલા રજૂઆત કરતી નથી."

"મહિલાઓને રેસ્ટરૂમ કે ટૉઇલેટ માટે રજૂઆત કરવી પડે એ જ દર્શાવે છે કે આપણા ફ્રેમવર્કમાં મહિલાઓની સમસ્યાઓને સ્થાન નથી. આ પુરુષપ્રધાન સમાજની જ એક નિશાની છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો