કામના સ્થળે 'બેસવાનો અધિકાર' મેળવવા મહિલાઓએ લડત કરવી પડી

    • લેેખક, ઇમરાન કુરૅશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મોટાભાગના લોકોને આ વાત અસામાન્ય લાગી શકે છે અથવા આ વાતથી કોઈ આશ્ચર્યચકિત પણ થઈ શકે છે. પણ કેરળની કેટલીક મહિલાઓ માટે આ ઘટના યુદ્ધમાં જીતવા જેટલી જ મહત્ત્વપૂર્ણ છે.

આ એ મહિલાઓ છે કે જેમને પોતાના કામના કલાકો દરમિયાન બેસવાની પરવાનગી ન હતી.

આ મહિલાઓએ રાજ્ય સરકારને એ નિયમમાં ફેરફાર કરવા માટે મજબૂર કરી દીધી, જે અંતર્ગત રિટેલ આઉટલેટમાં નોકરી દરમિયાન તેમને બેસવા દેવાતાં નહોતાં. મહિલાઓએ એના વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું.

રાજ્યના શ્રમ સચિવ કે. બીજૂએ બીબીસી હિન્દીને કહ્યું, "ઘણું ખોટું થતું હતું, જે થવું ન જોઈએ. એટલે જ નિયમોમાં ફેરફાર કરાયો છે. હવે તેમને બેસવાની જગ્યા આપવામાં આવશે. સાથે જ મહિલાઓને શૌચાલય જવા માટે પણ પૂરતો સમય આપવામાં આવશે."

આ પ્રસ્તાવ પ્રમાણે હવે મહિલાઓને કામની જગ્યાએ રેસ્ટ રૂમની સુવિધા આપવામાં આવશે અને ફરજીયાત થોડા કલાકો માટે બ્રેક પણ મળશે.

જે જગ્યાઓએ મહિલાઓને મોડાં સુધી કામ કરવાનું હોય છે, ત્યાં તેમને હૉસ્ટેલની સુવિધા પણ આપવી પડશે.

અધિકારીઓના પ્રમાણે જો આ નિયમોનું ઉલ્લંઘન થાય તો વ્યવસાય પર બે હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઑલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ટ્રેડ યુનિયનના મહાસચિવ અને વકીલ મૈત્રેયી કહે છે, "આ પાયાની જરૂરિયાત છે, જેના વિશે લખવું કોઈને જરૂરી ન લાગ્યું, દરેક માટે બેસવું, શૌચાલય જવું અને પાણી પીવું જરૂરી હોય છે."

આઠ વર્ષ પછી મળ્યો બેસવાનો અધિકાર

મહિલા અધિકારના આ મુદ્દાને વર્ષ 2009-10માં કોઝિકોડની પલીથોદી વિઝીએ ઉઠાવ્યો હતો.

વિઝી કહે છે, "બેસવા માટે કાયદો બનવો, નોકરી આપનાર લોકોના ઘમંડનું જ પરિણામ છે. તેઓ મહિલાઓને પૂછતા હતા કે કોઈ એવો કાયદો છે જેના આધારે તમને બેસવાનું કહીએ. નવો કાયદો તેમના આ ઘમંડનું જ પરિણામ છે."

"કેરળની તપતી ગરમીમાં મહિલાઓ પાણી પી શકતી નહોતી કારણકે તેમને દુકાન છોડીને જવાની પરવાનગી મળતી નહોતી. એટલી હદ સુધી કે તેમને શૌચ માટે જવાનો પણ સમય આપતા નહોતા."

"તેઓ પોતાની તરસ અને શૌચ રોકીને કામ કરતી હતી, જેના કારણે અનેક બીમારીઓ થાય છે."

આ પ્રકારની મહિલાઓ એક થઈ અને તેમને સંગઠન બનાવ્યું, કોઝિકોડથી શરૂ થયેલું અભિયાન અન્ય જિલ્લાઓમાં ફેલાઈ ગયું.

આ પ્રકારના જ એક સંઘનાં અધ્યક્ષ માયા દેવી કહે છે, "જે પહેલાંથી સ્થાપિત યુનિયનો હતાં, તેમણે ક્યારેય આ પ્રકારનો મુદ્દો ન ઉઠાવ્યો. એટલી હદ સુધી કે મહિલાઓને પણ આ અધિકાર વિશે ખબર ન હતી."

માયા કહે છે, "દુકાનમાં ગ્રાહકો ન હોય ત્યારે પણ અમને બેસવાની પરવાનગી ન હતી. પીએફ અને સ્વાસ્થ્ય વીમાના પૈસા પગારમાંથી કાપી લેવાતા હતા પણ તેને સ્કીમ અંતર્ગત જમા કરતા ન હતા."

વર્ષ 2012માં માયાને માસિક 7,500 રૂપિયાના વેતન પર નોકરી આપવામાં આવી. પણ તેમને ક્યારેય 4,200 રૂપિયાથી વધારે વેતન ન મળ્યું.

તેમણે આનો વિરોધ કર્યો ત્યારે તેમણે નોકરી ગુમાવવી પડી. વર્ષ 2014માં તે તેમના જેવી 75 મહિલાઓ સાથે એકઠાં થયાં અને મળીને આ અનિયમિતતાઓ વિરુદ્ધ પોતાનું અભિયાન શરૂ કર્યું.

ત્યારબાદ તેમને અને અન્ય છ મહિલાઓની ટ્રાન્સફર કરાઈ અને પછી એ તમામને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યાં.

પુરુષોને પણ ફાયદો થયો

કેરળ સરકારે બનાવેલા નવા નિયમોનો ફાયદો માત્ર મહિલાઓને જ થયો એવું નથી, પુરુષોને પણ ફાયદો થયો છે. હવે તેઓ પણ પોતાની નોકરી દરમિયાન બેસી શકશે.

જલ્દી જ સરકાર આ અંગે એક નોટિફિકેશન જાહેર કરશે. વિઝીનું કહેવું છે કે નોટિફિકેશન જાહેર થયા બાદ તેઓ નવા નિયમો જોશે અને જો તેમાં કોઈ ઊણપ લાગશે તો તેમનું આંદોલન ચાલું જ રાખશે.

પણ હાલમાં તો કેરળની મહિલાઓએ બેસવાનો અધિકાર પોતાની લડત દ્વારા જીતી લીધો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો