એ ચહેરાઓ જેના કારણે સેનિટરી નૅપ્કિન પરથી જીએસટી હટાવાયો

    • લેેખક, સિંધુવાસિની
    • પદ, બીબીસ, સંવાદદાતા

"હું ખૂબ જ ખુશ છું. પોતાના માટે તો ખુશ છું જ, એ લાખો મહિલાઓ માટે વધારે ખુશ છું જેઓ મોંઘા સેનિટરી નૅપ્કિન ખરીદી શકતી નથી."

બીબીસી સાથે ફોન પર વાત કરતી ઝરમીના ઇસરાર ખાનની અવાજ ખુશીથી છલકાતો લાગે છે.

આ ખુશી સેનિટરી નૅપ્કિનને જીસીએસટીમાંથી બહાર કરવા માટેની છે.

કેન્દ્ર સરકારે શનિવારે થયેલી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ સેનિટરી નૅપ્કિનને જીએસટીમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલાં સેનિટરી નૅપ્કિન પર 12% જીએસટી લગાવવામાં આવ્યો હતો.

જવાહરલાલ યુનિવર્સિટી(જેએનયૂ)માં પીએચડી કરી રહેલી 27 વર્ષની ઝરમીનાએ દિલ્હી હાઈકોર્ટમાં સેનિટરી નૅપ્કિન પરથી જીએસટી હટાવવા માટે જાહેર હિતની અરજી કરી હતી.

સસ્તાં સેનિટરી નૅપ્કિન માટે કોર્ટનો રસ્તો કેમ?

આ પ્રશ્નના જવાબમાં ઝરમીના કહે છે, "હું ઉત્તર પ્રદેશના પીલીભીત જેવી નાના વિસ્તારમાંથી આવું છું."

"મેં જોયું છે કે ગરીબ મહિલાઓ કેવી રીતે માસિક ધર્મ દરમિયાન અખબારના કટિંગ, રાખ અને રેતીનો ઉપયોગ કરે છે."

"હું તેમનું દુઃખ સમજું છું. હું ખુદ એક યુવતી છું અને સમાજવિદ્યાની વિદ્યાર્થિની છું. હું સમાજમાં મહિલાઓની સ્થિતિને સારી રીતે જાણું છું. "

તમે આ વાંચ્યું કે નહીં?

"મને ખબર છે કે ગરીબ વર્ગની મહિલાઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે. બસ આ જ કારણ છે કે મેં કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો."

ઝરમીનાએ કહ્યું કે જેએનયૂમાં પણ આ મામલે ખૂબ ચર્ચા થતી હતી પરંતુ કોઈ આગળ આવીને પહેલ નહોતું કરતું એટલે આખરે હું આગળ આવી.

કોર્ટમાં આ મામલે શું તર્ક આપ્યો?

ઝરમીનાએ કહ્યું, "મેં કહ્યું કે જો સિંદૂર, ચાંદલા, કાજલ અને કૉન્ડોમ જેવી ચીજોને જીએસટીના દાયરામાંથી બહાર રાખી શકાય તો સેનિટરી નૅપ્કિનને કેમ નહીં?"

દિલ્હી હાઈકોર્ટે તેમની અરજીનું સંજ્ઞાન લઈને કેન્દ્ર સરકારને સવાલો પણ કર્યા હતા.

કોર્ટે 31 સભ્યોવાળી જીએસટી કાઉન્સિલમાં એક પણ મહિલાના હોવા પર પણ હેરાનગતિ જાહેર કરી હતી.

કોર્ટે પૂછયું હતું કે શું સરકારે સેનિટરી નૅપકિનને જીએસટીના દાયરામાં રાખતાં પહેલાં મહિલા અને બાળકલ્યાણ વિભાગની સલાહ લીધી હતી કે નહીં.

હાઈકોર્ટની બૅન્ચે એમ પણ કહ્યું હતું કે સેનિટરી નૅપ્કિન મહિલાઓ માટે ખૂબ જરૂરી ચીજોમાંની એક છે. તેના પર આટલો વધારે ટૅક્સ લગાવવા પાછળ કોઈ દલીલ ના થઈ શકે.

ઝરમીનાનું માનવું છે કે સરકારે આ નિર્ણય લેવામાં આટલું મોડું કરવું જોઈતું ન હતું.

જોકે, તે ખુશ છે કે મોડેથી પણ સરકારે આખરે આ નિર્ણય લીધો છે.

દિલ્હી હાઈકોર્ટમાં ઝરમીનાનો પક્ષ રાખનારા વકીલ અમિત જ્યૉર્જનું માનવું છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણય પાછળ કોર્ટની મોટી ભૂમિકા છે.

ઝરમીનાએ બીબીસીને કહ્યું, "કોર્ટમાં એટલી અરજીઓ આવી કે મામલો અદાલતની નજરોમાં આવી ગયો. કોર્ટે ભલે તેના પર કોઈ આદેશ ના આપ્યો હોય પરંતુ સરકારને આકરા પ્રશ્નો પૂછ્યા હતા."

"કોર્ટે તેના પર પુનઃવિચારણા કરવાનું કહ્યું હતું અને તેનું પરિણામ આપણી સામે છે."

આ મામલામાં ઝરમીનાના વકીલ અમિત જ્યૉર્જ કહે છે, "સેનિટરી પૅડ્સ કોઈ લકઝરી આઇટમ નથી. તે મહિલાની જરૂરિયાત છે નહીં કે તેની પસંદગી."

"બીજી તરફ તેના પર લાગેલા ટૅક્સની અસર માત્ર મહિલાઓ પર થાય છે."

"ભારતીય બંધારણ અનુસાર તમે એવી કોઈ જોગવાઈ નથી કરી શકતા કે જેની ખરાબ અસર માત્ર મહિલાઓ પર જ પડે, પછી ભલે તે ટૅક્સ જ કેમ ના હોય."

"સેનિટરી નૅપ્કિન મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે આ મામલો ખૂબ જ અલગ છે."

સરકારની દલીલો શું હતી?

અમિતે કહ્યું, "સરકારની બે દલીલો હતી. એક તો તેમનું કહેવું હતું કે સેનિટરી નૅપ્કિન પર પહેલાં જ સર્વિસ ટૅક્સ લાગેલો હતો તેને હટાવીને તેની કિંમત ઘટાડી દેવામાં આવી છે."

"આ તર્ક તથ્યાત્મક રીતે જ ભ્રામક હતો કેમ કે ઘણાં રાજ્યોમાં સેનિટરી પૅડ્સ પર લાગેલો સર્વિસ ટૅક્સ ખૂબ ઓછો હતો."

અમિતના જણાવ્યા પ્રમાણે બીજી દલીલ એ હતી કે જો સેનિટરી પૅડ્સને જીએસટીમાંથી હટાવી દેવામાં આવશે તો ભારતની નાની કંપનીઓ પર તેની ખરાબ અસર પડશે અને માર્કેટ ચીની ઉત્પાદનોથી ભરાઈ જશે.

અમિતનું માનવું છે કે સરકારે હલે ખુદે જ પોતાનો નિર્ણય ફેરવી નાખ્યો છે તો તેની દલીલોમાં કોઈ દમ ન હતો.

અમિતે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં દિલ્હી હાઈકોર્ટમાં આ મામલે ત્રણ સુનાવણી થઈ હતી.

ત્રણેય સુનાવણી બાદ સરકારે મામલાને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે આ મામલે કેટલાક મહિનાઓ સુધી સ્ટે લગાવી દીધો હતો.

એવું એટલા માટે થયું કે બૉમ્બે હાઈકોર્ટમાં પણ આ મામલે સુનાવણી ચાલી રહી હતી.

અમિતે કહ્યું કે હવે સરકાર તરફથી નિર્ણય લેવાઈ ગયો છે ત્યારે કોર્ટમાં કરેલી અરજીઓ પરત લઈ લેવામાં આવશે.

સેનિટરી પૅડ મહિલા માટે જીવનરક્ષક દવા જેવાં'

કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવ પણ સેનિટરી નૅપ્કિન પર 12 ટકા જીએસટી સામે અવાજ ઉઠાવતાં આવ્યાં છે.

જીએસટી કાઉન્સીલના નિર્ણય બાદ તેમણે બીબીસીને કહ્યું, "હું સરકારના આ નિર્ણયનું સ્વાગત કરું છું."

"અમે તો છેલ્લા એક વર્ષથી આ જ કહીએ છીએ કે સેનિટરી નૅપ્કિન એટલી રેવન્યૂ આપનારી પ્રોડક્ટ નથી કે તેના પર આટલો ટૅક્સ લગાવવો જોઈએ."

તેમણે કહ્યું, "સેનિટરી નૅપ્કિન મહિલાઓના જીવનના અધિકારો સાથે જોડાયેલાં છે."

"આ તેમના માટે કોઈ જીવનરક્ષક દવાથી ઓછાં નથી. તેના પર ટૅક્સ લગાવવો મહિલાઓના હકો છીનવી લેવા બરાબર છે."

"હવે જ્યારે તેના પરથી જીએસટી હટાવી દેવામાં આવ્યો છે, તે ગામડાંની બજારોમાં પણ ઉપલબ્ધ થશે."

"સુષ્મિતા કહે છે, "મહિલાઓ સાથે જોડાયેલા મુદાઓ પર નિર્ણયો કરતી વખતે મહિલાઓને જ ધ્યાનમાં રાખવામાં નથી આવતી."

"તેનું કારણ પૉલિસી મેંકિંગ અને રાજકારણમાં મહિલાઓની ભાગીદારી ના હોવાનું પણ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો