You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અક્ષય કુમાર: સંરક્ષણ બજેટના બે ટકા સેનિટરી પૅડ્સ માટે ફાળવવા જોઇએ
- લેેખક, સુપ્રિયા સોગલે
- પદ, બીબીસી ગુજરાતી માટે
હિંદી ફિલ્મો ઇન્ડસ્ટ્રીમાં 'ખેલાડી' તરીકે વિખ્યાત અક્ષય કુમારે ગત અમુક વર્ષો દરમિયાન દેશપ્રેમ અને સામાજિક વિષયો પર બનેલી ફિલ્મોમાં કામ કર્યું છે.
હાલમાં અક્ષય કુમાર મહિલાઓનાં પીરિયડ્સ અંગેની ફિલ્મ 'પૅડ મેન'માં કામ કરી રહ્યા છે.
50 વર્ષના અક્ષય કહે છે કે ખુદ તેમને પણ પીરિયડ્સ અંગેની સંપૂર્ણ માહિતી બે વર્ષ અગાઉ આ ફિલ્મની નિર્માણ પ્રક્રિયા દરમિયાન મળી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
બીબીસી સાથે વાતચીતમાં અક્ષયે કહ્યું, "સામાન્ય રીતે જેવું અન્ય ઘરોમાં થાય છે, તેવું મારા ઘરમાં પણ થતું. આ વાતને મારાથી છુપાવવામાં આવી હતી.
મને આ અંગે જાણકારી ન હતી, પરંતુ જેમજેમ મોટો થતો ગયો, તેમતેમ મહિલાઓનાં માસિક ધર્મ અંગે માલૂમ પડ્યું."
પીરિયડ્સ અંગે અક્ષય શું કહે છે?
અક્ષય ઉમેરે છે, "માસિક કેમ આવે છે તથા એ દિવસોમાં શું કરવું, તે વિશે આપણા દેશમાં 82 ટકા મહિલાઓને ખબર જ નથી.
"દેશમાં મહિલાઓ એ ગાળામાં માટી, પાંદડા તથા રાખનો ઉપયોગ કરે છે, જે શરમજનક બાબત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મને બે વર્ષ પહેલાં આ વિશે માહિતી મળી, ત્યારે મને લાગ્યું કે આ પ્રકારની ફિલ્મ બનાવવાની ખૂબ જરૂર છે."
આ ફિલ્મ સસ્તાં સેનિટરી પૅડ બનાવવાં માટેનું મશીન તૈયાર કરનારા અરુણાચલમ મુરગુનાથમના જીવન પર આધારિત છે.
અક્ષયનું કહેવું છે કે અરુણાચલમની એક વાત મારા મનમાં અંકિત થઈ ગઈ છે. અરુણાચલે કહ્યું હતું, "મહિલાઓ સશક્ત હશે તો દેશ સશક્ત બનશે."
'રક્ષા બજેટના બે ટકા સેનિટરી પૅડ્સ માટે ફાળવો'
આર. બાલ્કિ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રાધિકા આપ્ટે અને સોનમ કપૂર મહત્ત્વની ભૂમિકાઓ ભજવી રહ્યાં છે.
અક્ષયનો સવાલ છે કે દર વર્ષે સંરક્ષણ બજેટ પાછળ જંગી રકમ ખર્ચવામાં આવે છે, પરંતુ મહિલાઓ સશક્ત ન હોય તો આ ખર્ચનો શું લાભ?
અક્ષય માને છે કે સંરક્ષણ બજેટની બે ટકા રકમ મહિલાઓને નિઃશુલ્ક સેનિટરી પૅડ આપવા પાછળ ખર્ચાવી જોઇએ.
પાંચ દિવસ મહિલાઓ માટે નરક સમાન
પીરિયડ્સ દરમિયાન મહિલાઓની સ્થિતિ અંગે અક્ષય કુમાર કહે છે, આ અંગે હું પુષ્કળ વાંચી રહ્યો છું. આપણાં દેશમાં આ પાંચ દિવસ મહિલાઓ માટે નરક સમાન બની રહે છે.
"પીરિયડ્સનાં કારણે નહીં, પરંતુ આજુબાજુનાં લોકોનાં વ્યવહારને કારણે મહિલાઓએ કપરી સ્થિતિમાંથી પસાર થવું પડે છે.
"તેમની પાસે સ્વચ્છતા માટે પૂરતા સાધનો નથી હોતા. ઉપરાંત તેમનાં ઉપર જાતજાતનાં નિયંત્રણો લાદવામાં આવે છે.
"જેમ કે, રસોડામાં ન પ્રવેશી શકે, ઘરની બહાર સૂવાની ફરજ પાડવી, અથાણું ન ખાઈ શકે, મંદિર ન જઈ શકે."
'પાંચ દિવસની ટેસ્ટ મેચ કહેવું શરમજનક'
આ પ્રકારના નિયંત્રણો અંગે ગુસ્સો પ્રગટ કરતા અક્ષય કહે છે, "સ્કૂલે જતી છોકરીનાં ડ્રેસ પર ડાઘ પડે તો તેની મજાક ઉડાવવામાં આવે છે, જે શરમજનક બાબત છે.
"કેટલાક સ્થળોએ તેને પાંચ દિવસની ટેસ્ટ મેચ પણ કહેવામાં આવે છે."
અક્ષય કુમારનું કહેવું છે કે, છોકરીઓનાં પીરિયડ્સ શરૂ થાય એટલે તેની ઊજવણી કરવી જોઇએ, જેથી છોકરીઓ તેનાંથી ગભરાઈ ન જાય અને તેમનો આત્મવિશ્વાસ જળવાય રહે.
બોક્સ ઓફિસ પર એક પછી એક હિટ ફિલ્મો આપી રહેલા અક્ષય કુમારે નિર્ધાર કર્યો છે કે તેમની દર બીજી ફિલ્મ અલગ જ વિષય પર હશે.
તેઓ કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિટ ફિલ્મની કોઈ ચોક્કસ ફૉર્મ્યુલા નથી.
50 વર્ષના અક્ષય કુમારે કહ્યું હતું કે, જ્યાં સુધી તેઓ દોડી શકશે, ત્યાર સુધી તેઓ ફિલ્મોમાં કામ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો