ઑફિસના વ્યસ્ત જીવનથી મળતા તણાવનો 'રામબાણ ઇલાજ'

    • લેેખક, રોબર્ટ કોલવાઇલ
    • પદ, બીબીસી કેપિટલ

ભાગદોડ જ જીવન છે. જો કોઈ વસ્તુ સ્થિર છે, તો માની લો કે તે જીવિત નહીં, પણ મૃત છે.

આપણઆ જીવનની વાત કરીએ, તો દરેક ક્ષણ સાથે આપણા જીવનની ગતિ તીવ્ર થતી જઈ રહી છે.

માનવ જાતિના પૂર્વજો એક સમયે જ્યારે ગુફામાં રહેતા હતા, તે જ માનવ જાતિનું જીવન આજે અવાજ કરતા પણ વધારે ઝડપી બની ગયું છે.

પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ યૂરોપથી કૉનકૉર્ડ વિમાનથી ન્યૂયોર્ક ગયા હતા.

કૉનકૉર્ડ વિમાનની ઝડપ અવાજ કરતા પણ વધારે હતી. તેને 80ના દાયકામાં ફ્રાંસ અને બ્રિટને મળીને બનાવ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

દિલીપ સાહેબ એ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા કે આટલી ઝડપી યાત્રા કરી લોકો પોતાની મંજિલ સુધી પહોંચ્યા બાદ ભાગતા-ભાગતા એરપોર્ટમાંથી બહાર નીકળ્યા હતા.

તેમનું માનવું હતું કે આજની પેઢી ભાગદોડમાં જ વિશ્વાસ રાખે છે. અને આરામથી કોઈ કામ થતું નથી.

દિલીપ સાહેબના અનુભવથી હટકે કંઈક વાત કરીએ, તો આજે ગતિ જ સફળતા અને પ્રગતિનો રસ્તો છે.

જેમની ગાડી ઝડપથી ભાગે છે, જેમનું ઇન્ટરનેટ ઝડપથી કામ કરે છે, તેમનું કામ ઝડપથી થાય છે.

એટલે કે એવું કહી શકીએ, 'સ્પીડ ઇઝ લાઇફ'. છેલ્લા કેટલાક દાયકામાં દુનિયાએ ઘણી પ્રગતિ કરી છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર આર્થિક સ્થિતિ સુધરી છે. રોજગારીની નવી તક ઊભી થઈ છે. લોકોના જીવનને ગતિ મળી છે. ઝડપથી આગળ વધતી ટેકનિકની તેમાં મહત્ત્વની ભૂમિકા છે.

દિલીપ કુમાર જેવા ઘણા લોકોને તીવ્ર ગતિથી ચાલતા આ જીવન અંગે ફરિયાદો છે. તેમના આધારે આજે લોકો એકબીજાથી દૂર થઈ ગયા છે.

પોતાના કામની ડેડલાઇન પૂરી કરવા તેઓ માત્ર દોડી રહ્યા છે.

કંપનીઓએ છીનવી શાંતિ

મલ્ટીનેશનલ કંપનીઓએ તો મનુષ્યની શાંતિ જ છીનવી લીધી છે. જોકે, કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘણી સગવડ પણ આપે છે. અને તેના બદલામાં કિંમત પણ વસૂલે છે.

દિવસ શરૂ થાય છે, અને તરત જ પુરો પણ થઈ જાય છે. પરંતુ આપણું કામ પૂર્ણ થતું નથી. કામનું દબાણ લોકોનાં જીવનમાં તણાવ વધારે છે.

આજે મોટાભાગના નોકરિયાત લોકોને ફરિયાદ છે કે તેમને પોતાની મરજી પ્રમાણે કામ કરવાની તક મળતી નથી. નોકરીની લાલચમાં તેમના શોખ પાછળ છૂટી જાય છે.

એક સંશોધનના આધારે 94 ટકા લોકો માને છે કે તેમને પોતાના દરેક કામ સમય પર કરવાનો મોકો પણ મળતો નથી.

ઘરે હોવા છતાં ઑફિસનો માનસિક તણાવ પરેશાન કરે છે. સતત મળતા આ તણાવનું કારણ છે ઑફિસના ઈ-મેઇલ. ગેજેટ્સે આપણા જીવનને એ રીતે જકડી લીધું છે કે તેમાંથી છૂટકારો જ મળતો નથી.

અમેરિકામાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર અડધાથી વધારે લોકો એવા છે કે જેઓ પોતાની રજાઓ પણ ચિંતામુક્ત રહીને માણી શકતા નથી.

તેઓ એ જ તણાવમાં રહે છે કે થોડા દિવસની રજા બાદ જ્યારે ઑફિસે જઈશું ત્યારે ઢગલાબંધ કામ તેમની રાહ જોતું હશે.

કહેવામાં આવે છે કે જે લોકો ઑફિસમાં વધારે સમય વિતાવે છે તેમને હૃદયરોગનો હુમલો આવવાનો ખતરો વધારે હોય છે.

ક્રિએટીવ વિચારને ખતમ કરી દે છે ઑફિસનો તણાવ

ઘણાં જાણકારોનું કહેવું છે કે કામનો તણાવ આપણી રચનાત્મક ક્ષમતા એટલે કે ક્રિએટીવ વિચારને ખતમ કરી દે છે.

રચનાત્મક વિચાર માટે માનસિક શાંતિની ખૂબ જરૂર હોય છે. પરંતુ આજના વ્યસ્ત જીવનમાં જે વસ્તુની સૌથી વધારે ખામી છે, તે છે માનસિક શાંતિ.

કોઈ પણ વ્યક્તિ એક સમયે એક જ કામ કરી શકે છે. પરંતુ કામનું ભાર એટલું હોય છે કે આપણે એકસાથે ઘણાં બધા કામની વચ્ચે મૂંઝવણમાં જ રહીએ છીએ.

જેમ કે, તમે કોઈ કામમાં ધ્યાન આપીને તેને પુરૂં કરવા પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ ત્યારે જ કોઈ ઈ-મેઇલ આવી જાય છે જેનો તુરંત જવાબ આપવાનો હોય છે. તેનાથી તમારું ધ્યાન તમારા કામ પરથી હટી જાય છે.

2005માં કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે આપણે કોઈ અડચણ વગર કોઈ કામમાં 11 મિનિટ જ ધ્યાન આપી શકીએ છીએ.

હાલ જ કરવામાં આવેલા વધુ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે કર્મચારી ઓછામાં ઓછા મેઇલ જુએ છે તેઓ તણાવના ઓછા શિકાર બને છે. અને તેઓ પોતાના કામ પર પણ વધુ ધ્યાન આપી શકે છે.

કેટલાક વિશેષજ્ઞો એવું પણ માને છે કે વ્યસ્ત જીવનના કેટલાક નકારાત્મક પાસા છે. પરંતુ આ નેગેટિવિટીમાં પૉઝિટીવ વાતો છૂપાયેલી છે.

1999માં થયેલા એક સંશોધન મુજબ જે લોકો વધારે તણાવગ્રસ્ત માહોલમાં રહે છે, તેમની અંદર પડકારને સ્વીકારવાની ક્ષમતા વધી જાય છે.

સાથે જ તેઓ રચનાત્મક રીતે વિચારવા લાગે છે. તણાવના સકારાત્મક પાસામાંથી એક એ પણ છે કે પડકારને પૂર્ણ કર્યા બાદ જે ખુશીનો અનુભવ થાય છે તેને વ્યક્ત કરવો મુશ્કેલ છે.

શું તણાવ લેવા તૈયાર છીએ આપણે?

ઘણાં સર્વે જણાવે છે કે લોકો આજે આ પ્રકારનો તણાવ લેવા માટે તૈયાર છે.

યુવાનોમાં પડકાર સ્વીકાર કરવાનો જુસ્સો વધારે હોય છે. બ્રિટનમાં દસમાંથી આઠ કર્મચારી પોતાના કામથી ખુશ છે.

સમગ્ર યૂરોપમાં 74 ટકા લોકો પોતાના કામથી સંતુષ્ટ છે. અમેરિકામાં આ આંકડો 88 ટકા છે. લાંબા સમયથી આ આંકડો યથાવત રહ્યો છે અથવા તો તેમાં વધારો થયો છે. પરંતુ ઘટાડો ક્યારેય થયો નથી.

બદલાતા આર્થિક માહોલે કામના રૂપને પણ બદલી નાખ્યું છે.

ઉદાહરણ તરીકે, અત્યાર સુધી જે કામ હાથથી થતા હતા, હવે તેમનું સ્થાન મશીનોએ લઈ લીધું છે. મશીનોની મદદથી એ કામ હવે સહેલા થઈ ગયા છે અને ખતરો પણ ઓછો થઈ ગયો છે.

કામના સ્થળે ઘાયલ થનારા મજૂરોની સંખ્યામાં ખૂબ ઘટાડો થયો છે.

જોકે, ઘણાં લોકોનું કહેવું છે કે મશીનોના કારણે નોકરીઓ ઘટી જશે. પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે નવી ટેકનિક સાથે રોજગારની તક વધશે.

સમય બચશે તો બીજા કામો માટે તેનો ઉપયોગ થઈ શકશે.

રાહત મેળવવા શું કરશો?

તે વાતમાં કોઈ શંકા નથી કે આજનું વ્યસ્ત જીવન તણાવ આપે છે. પરંતુ તમે ઇચ્છો તો નાની નાની વાતોનો અમલ કરી પોતાને તણાવથી દૂર રાખી શકો છો.

  • થોડા સમય માટે ઈ-મેઇલ નોટિફિકેશન બંધ કરી દો.
  • પોતાના કાર્યસ્થળેથી થોડો સમય કાઢી બહાર તાજી હવામાં ફરો.
  • ઑફિસની વાતોને મન પર ન લો. માત્ર તમારા કામ પર ધ્યાન કેન્દ્રીત કરીને તમારી ઑફિસ, કામ અને વ્યસ્ત જીવનની મજા માણો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો