ગુજરાત : ગાય-ભેંસને થતો 'ખરવા મોવાસા' રોગ શું છે, આ વાઇરસનો ચેપ માણસને પણ લાગી શકે?

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી

સામાન્ય રીતે શિયાળાના મહિનામાં અને ઑક્ટોબર-ફેબ્રુઆરીમાં પશુઓમાં જોવા મળતો 'ખરવા મોવાસા' નામનો રોગ એ પશુમાલિકોને ખૂબ પરેશાન કરે છે.

જાણકારોના મતે તો આ રોગ હવે આખું વર્ષ પ્રાણીઓમાં દેખાય છે.

પશુઓમાં વારંવાર જોવા મળતો આ રોગ એ વાઇરસથી થાય છે અને ફૂટ ઍન્ડ માઉથ ડિસીઝ (એફએમડી)તરીકે ઓળખાય છે. પ્રાણીઓમાં જોવા મળતા રોગને કારણે અનેક આર્થિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે.

ખરવા મોવાસા રોગ શું છે અને કયાં લક્ષણો પરથી પ્રાણીઓમાં દેખાતાં આ રોગને કેવી રીતે નિવારી શકાય? તેનાથી પશુઓમાં શું ખરેખર દૂધ ઉત્પાદન ઘટી જાય?

જાણીએ આ અહેવાલમાં...

પશુઓને થતો ખરવા મોવાસા રોગ શું છે?

વર્લ્ડ ઑર્ગેનાઇઝેશન ફૉર એનિમલ હૅલ્થની વેબસાઇટ અનુસાર, આ એક ટ્રાન્સબાઉન્ડરી એનિમલ ડિસીઝ (ટીએડી) છે.

ડબલ્યુઓએએચ અનુસાર, પુખ્ત વયનાં પ્રાણીઓમાં આ રોગ ભાગ્યે જ જીવલેણ હોય છે, પરંતુ નાનાં પ્રાણીઓમાં મ્યોકાર્ડિટિસ અથવા પશુઓનાં બચ્ચાંમાં આ રોગ વધારે હાનિકારક સાબિત થતો હોય છે.

વાઇરસથી ફેલાતી આ બીમારીમાં શરૂઆતમાં પશુઓમાં ઊંચો તાવ જોવા મળે છે, જે 104ºથી 106°F હોય છે.

જૂનાગઢ કામધેનુ યુનિવર્સિટીના પશુચિકિત્સા અધિકારી ડૉ. પીયૂષ ડોડિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "આ રોગ ખરી (પશુના પગનાં તળિયાંમાં બે ભાગ થતાં હોય) હોય તેવા પશુઓમાં વધારે જોવા મળે છે."

તેઓ કહે છે કે, "ખરવાનો મતલબ જ છે કે, પશુની ખરીના બે ભાગ વચ્ચે જે જગ્યા હોય ત્યાં ચાંદી પડે છે.

ડૉ. પીયૂષ ડોડિયા કહે છે કે, "ખરવા મોવાસા અત્યંત ચેપી રોગ છે. તે એક પશુને બીજા પશુના સંપર્કમાં આવવાથી થાય છે. ચેપગ્રસ્ત પશુની લાળ દ્વારા, ખોરાક દ્વારા અથવા પશુને પાણી મેળવવાનો સ્રોત એક જ હોય ત્યારે પણ આ રોગ ફેલાતો હોય છે."

તેઓ કહે છે, "એક પશુને એફએમડી થાય ત્યારે પશુમાલિકો તેની સાથે રહેતા અન્ય પશુઓમાં પણ રસી મુકાવવાનો આગ્રહ રાખતા હોય છે. રસીને કારણે અન્ય પશુની રોગ પ્રતિકારશક્તિ ઘટવાથી ખરવા મોવાસા થવાની શક્યતા પણ વધતી હોય છે."

જૂનાગઢ સંયુક્ત પશુપાલન નિયામક ડૉ. અમિત કાનાણી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "આ રોગ ગાય-ભેંસમાં વધુ જોવા મળે છે. તે ઉપરાંત ઘેટાં-બકરાં, હરણ અને ડુક્કર પણ જોવા મળે છે. એફએમડીને વેક્સિન દ્વારા નિયત્રંણમાં લાવી શકાય છે."

આ રોગનાં લક્ષણો શું છે?

આ રોગનાં લક્ષણો પર પ્રકાશ પાડતાં ડૉ. પીયૂષ ડોડિયા જણાવે છે કે, "જ્યારે રોગ થાય ત્યારે પશુને મોઢામાં ચીકણી દોરી જેવી લાંબી લાળ થતી હોય છે. ઉપરાંત પશુને તાવ આવે છે અને ચાલવામાં તકલીફ પડતી હોય છે."

તેઓ કહે છે, "શરૂઆતમાં મોંની અંદરના ભાગમાં પાણી ભરેલી ફોલ્લીઓ થતી હોય છે. તે ફૂટે એટલે ચાંદા પડે, તેથી પશુને ખાવામાં, પાણી પીવામાં પણ તકલીફ પડતી હોય છે. આ સિવાય આંચળની આસપાસ પણ ચાંદા પડતા હોય છે."

વધુમાં તેઓ કહે છે કે, "જો ગર્ભવતી પશુને આ રોગ થયો હોય અને વધુ પડતો તાવ આવે ત્યારે ગર્ભમાં રહેલું પ્રાણીનું બચ્ચું મરી પણ શકે છે. ઉપરાંત પશુનાં નાનાં વાછરડાં તેમજ પાડાને એફએમડી થાય, તો પણ એ જીવલેણ સાબિત થઈ શકે છે."

ડૉ. અમિત કાનાણી આ રોગની એક ગંભીર બાબત પર નજર કરતાં કહે છે કે, "પશુનાં નાનાં બચ્ચાંનું હૃદય વિકસિત થતું હોય છે તેમાં એપીથેલિયલ પ્રકારના કોષો હોય છે. તો કોષોને આ રોગને કારણે અસર થતી હોય છે. બચ્ચાંને સંક્રમિત પશુનું દૂધ પીવડાવવામાં આવે ત્યારે તેનો ચેપ લાગતાં મૃત્યુ પણ થઈ શકે છે."

આ રોગને કારણે 'દૂધ ઉત્પાદનમાં ફેર પડે'

પશુધન ગણતરી 2019 અનુસાર, ભારતમાં પશુધનની વસ્તી 535.78 મિલિયન છે અને વિશ્વમાં સૌથી વધુ છે.

જેમાંથી ગાય અને ભેંસ 302.34 મિલિયન છે. પશુધન ઉત્પાદન રાષ્ટ્રીય કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં 4.11% અને કૃષિ જીડીપીમાં 25.6% ફાળો આપે છે.

ભારતમાં લગભગ 2 કરોડથી વધુ લોકો તેમની આજીવિકા માટે સીધા જ પશુધન પર આધાર રાખે છે અને નાના ખેડૂત પરિવારોની આવકમાં 16% ફાળો આપે છે.

ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ મંત્રાલયે આ રોગને કારણે ઊભા થતાં કેટલાક ગંભીર પ્રશ્નો પર નજર કરી છે.

મંત્રાલય અનુસાર, "એફએમડીના કારણે દૂધના ઉત્પાદનમાં ઘટાડો, પશુવૃદ્ધિ દરમાં ઘટાડો, વંધ્યત્વ, બળદમાં કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે."

આવાં રોગિષ્ટ પશુઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેમના વેપાર પર પ્રતિબંધ લાગી જાય છે.

આથી, રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ (એનએડીસીપી)નો એકંદરે ઉદ્દેશ્ય 2025 સુધીમાં રસીકરણ દ્વારા એફએમડીને નિયંત્રિત કરવાનો અને 2030 સુધીમાં તેના નાબૂદીનો છે.

સાયન્સ ડાયરેક્ટ મૅગેઝિનમાં છપાયેલા એક રિસર્ચ પેપર અનુસાર, ગામડાંમાં રોગના બનાવો મધ્ય પ્રદેશ અને આસામ રાજ્યોમાં વધુ જોવા મળ્યા હતા, જ્યારે FMD-CP અમલમાં મુકાયેલા પંજાબ રાજ્યમાં નહિવત્ ઘટનાઓ જોવા મળી હતી.

રોગનું નિદાન, રસીની આડઅસર

ભારત સરકાર દ્વારા 'એફએમડી કન્ટ્રોલ પ્રોગ્રામ' ચલાવવામાં આવે છે, જેમાં દર છ મહિને વિનામૂલ્યે પશુને રસી આપવામાં આવતી હોય છે.

ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ મંત્રાલયની વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (એનએડીસીપી) હેઠળ ગાય, ભેંસ, ઘેટાં, બકરી અને ડુક્કરની વસ્તીને એફએમડી અને 4-8 મહિનાની વાછરડીઓને બ્રુસેલોસિસ માટે રસી આપવાની યોજનાનો કુલ ખર્ચ પાંચ વર્ષમાં (2019-24) માટે રૂપિયા 13343 કરોડ છે.

ડૉ. અમિત કાનાણી જણાવે છે કે, "દરેક રસીનો દરેક પ્રાણીમાં સમાન રિસ્પોન્સ નથી મળતો, ત્યારે સરકાર દ્વારા પશુઓમાં ડીવર્મિંગ કરવામાં આવે છે. ત્યારે રસીકરણ પહેલાં પશુઓને કૃમિનાશક દવાઓ આપવામાં આવે છે. તેમજ સૌપ્રથમ સ્વસ્થ પશુઓમાં જ રસીકરણ કરવામાં આવે છે."

આ વાઇરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં પ્રવેશી શકે?

પ્રાણીઓમાંથી મનુષ્યમાં પ્રવેશી શકે તેવા રોગને ઝૂનોટિક રોગ કહેવાય છે. ખરવા મોવાસા એ ઝૂનોટિક પ્રકારનો રોગ નથી.

વર્લ્ડ ઑર્ગેનાઇઝેશન ફૉર એનિમલ હેલ્થ અનુસાર, એફએમડી મનુષ્યોમાં સરળતાથી ફેલાતો નથી અને તે જાહેર આરોગ્ય માટે જોખમી નથી.

ડૉ. અમિત કાનાણી જણાવે છે કે, "કોઈ પણ વાઇરસના રિસેપ્ટર્સ હોય છે. એફએમડીના મનુષ્યોમાં રિસેપ્ટર્સ ન હોવાથી મનુષ્યોમાં આ રોગ પ્રવેશવાની શક્યતા નથી. જોકે, કોઈ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અતિશય ઓછી હોય તો જ ચેપ લાગી શકે છે અને તેમાં હાથમાં ફોલ્લીઓ જોવા મળી શકે છે."

પશુમાલિકોએ શું ધ્યાન રાખવું?

એફએમડી નિયંત્રણનો અમલ દેશ-દેશમાં બદલાય છે અને તે રોગચાળાની પરિસ્થિતિ પર આધાર રાખે છે.

વર્લ્ડ ઑર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ અનુસાર, આટલું ધ્યાન રાખવાથી આ રોગથી પશુઓને બચાવી શકાય...

  • રોગયુક્ત ટોળામાં પ્રાણીઓ પ્રવેશે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે
  • પશુધન વાડા, તેમની હેરફેર માટેના વાહનો કે તેમના માટે ઉપયોગમાં લેવાતાં સાધનોની નિયમિત સફાઈ અને જીવાણુ નાશ છંટકાવ જરૂરી છે
  • યોગ્ય સમયે બીમારીનું નિરીક્ષણ અને રિપોર્ટિંગ થવું જરૂરી છે
  • દૂષિત ખાતર અને પશુના મૃતદેહનો યોગ્ય નિકાલ પણ જરૂરી છે
  • સ્વસ્થ થયેલાં પ્રાણીઓને એફએમડી ચેપગ્રસ્ત પ્રાણીઓથી દૂર રાખવા

ભારતમાં કયા પ્રકારનો ખરવા મોવાસા જોવા મળે છે?

વર્લ્ડ ઑર્ગેનાઇઝેશન ફૉર એનિમલ હેલ્થ અનુસાર, એફએમડી એ પિકોર્નાવિરિડે પરિવારના ઍફ્થોવાઇરસને કારણે થાય છે. સાત વાઇરલ સેરોટાઇપ્સ (એ, ઓ, સી, એસએટી1, એસએટી2, એસએટી3, અને એશિયા1) છે.

ડૉ. અમિત કાનાણી બીબીસીને જણાવે છે કે, "વિશ્વમાં ખરવા મોવાસામાં કુલ સાત પ્રકારના વાઇરસ છે. તેમાંથી ભારતમાં ચાર પ્રકારના વાઇરસ સક્રિય જોવા મળે છે. તેમાંથી સી પ્રકારનો વાઇરસ ઘણાં વર્ષોથી જોવા નથી મળ્યો.

ઓ, એ, સી, એશિયા 1 (એસએટી 1,2,3)માંથી ભારતમાં "ઓ" પ્રકારની સ્ટ્રેન્થ વધારે જોવા મળે છે.

તેઓ કહે છે, "આ વાઇરસ પણ કોરોનાની જેમ આરએનએ વાઇરસ હોવાથી તેની પ્રકૃતિ બદલતો રહે છે. ઘણી વાર રસીકરણ થયા બાદ પણ વાઇરસ જીવિત રહેતો હોય છે."

"આ રોગના અધ્યયન માટે ભુવનેશ્વર ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચર દ્વારા એક આધુનિક લૅબોરેટરી બનાવાઈ છે, તે પીડીએફએમડી (પ્રોજેક્ટ ડિરોક્ટેટડ ઑન ફૂટ ઍન્ડ માઉથ ડિસીઝ) તરીકે ઓળખાય છે. ત્યાં વાઇરસના પ્રકાર અને તેની રસીને લઈને દરેક પ્રકારનાં પરીક્ષણ કરવામાં આવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન