અટલ બિહારીથી નીતિન નબીન સુધી : ભાજપના અધ્યક્ષ સામેના પાંચ મોટા પડકારો કયા છે?

    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

અટલ બિહારી વાજપેયી 1968માં ભારતીય જનસંઘના અધ્યક્ષ બન્યા ત્યારે તેમની વય માત્ર 44 વર્ષ હશે.

લાલકૃષ્ણ અડવાણી પણ 46 વર્ષની વયે ભારતીય જનસંઘના અધ્યક્ષ બન્યા હતા. ભારતીય જનસંઘનો 1977માં જનતા પાર્ટીમાં વિલય થયો હતો, પરંતુ એ વિલય ત્રણ વર્ષથી વધારે ચાલ્યો ન હતો. 1980ની છઠ્ઠી એપ્રિલે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની રચના થઈ અને તેના પહેલા અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી બન્યા.

એ વખતે ભાજપ કૉંગ્રેસનો વિકલ્પ બનવાના પ્રયાસ કરતો હતો, પરંતુ 1984ની લોકસભા ચૂંટણીમાં તેને માત્ર બે બેઠકો મળી.

એ ચૂંટણીપરિણામ વિશે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ તેમના પુસ્તક 'માય કન્ટ્રી માય લાઇફ'માં લખ્યું છે, "એ ચૂંટણીપરિણામે અમને ફરી ત્યાં જ પહોંચાડી દીધા, જ્યાં અમે જનસંઘના જમાનામાં 1952માં પહેલી ચૂંટણી દરમિયાન હતા. એ ચૂંટણી પછી અટલજીએ બે સવાલ રજૂ કર્યા હતા, 1977માં જનસંઘનું જનતા પાર્ટીમાં વિલીનીકરણ અને પછી 1980માં જનતા પાર્ટીથી અલગ થઈ જવાનો નિર્ણય જ પક્ષની હારનું કારણ બન્યો છે? બીજો સવાલ એ હતો કે ભાજપે ફરીથી જનસંઘ થઈ જવું જોઈએ?"

ભાજપ હવે આ બંને સવાલોથી બહુ આગળ નીકળી ગયો છે અને 45થી વધુ વર્ષનો પ્રવાસ ખેડી ચૂક્યો છે. નીતિન નબીનનો જન્મ ભાજપના જન્મના લગભગ બે મહિના પછી 1980ની 23 મેએ થયો હતો. હવે એમના હાથમાં જ ભાજપની જવાબદારી છે.

45 વર્ષના નીતિન નબીનને ભાજપનું નેતૃત્વ મળ્યું એટલે તેમની વય વિશે બહુ ચર્ચા થઈ, પરંતુ ભાજપ પહેલાં જનસંઘમાં પણ આવું થતું રહ્યું છે.

અટલ બિહારીથી નીતિન નબીન સુધી

નીતિન નબીન એવા સમયે ભાજપના અધ્યક્ષ બન્યા છે, જ્યારે ભાજપ ઐતિહાસિકપણે ખૂબ જ મજબૂત છે. લોકસભામાં ભાજપની 240 બેઠકો છે અને 21 રાજ્યોમાં ભાજપની કે તેના વડપણ હેઠળની ગઠબંધનવાળી એનડીએ સરકાર છે. રાજ્યસભામાં પણ ભાજપના 99 સાંસદ છે.

આ પરિસ્થિતિમાં સવાલ થાય કે નીતિન નબીન સામે એકેય પડકાર નહીં હોય?

નીના વ્યાસે અંગ્રેજી અખબાર 'ધ હિંદુ' માટે લાંબા સમય સુધી ભાજપ સંબંધી રિપોર્ટિંગ કર્યું છે. તેઓ માને છે કે ભાજપ સત્તા પર હોય છે ત્યારે તેના અધ્યક્ષનું મહત્ત્વ હામાં હા પરોવવા કરતાં વધુ હોતું નથી.

નીના વ્યાસ કહે છે, "આ વાત હું 2014 પછીના ભાજપ વિશે જ નથી કહી રહી. 2014 પહેલાં પણ અટલ-અડવાણીનું કહ્યું જ થતું હતું. પક્ષના અને સરકારના પણ બધા નિર્ણયો પીએમઓમાં થતા હતા. નરેન્દ્ર મોદીને 2002માં ગુજરાતના મુખ્ય મંત્રી બનાવીને મોકલાવ્યાના ખબર પક્ષના તત્કાલીન અધ્યક્ષ જના કૃષ્ણમૂર્તિને પણ નહોતી. કુશાભાઉ ઠાકરે તો અડવાણીની અનુમતિ વિના કશું કરી શકતા ન હતા. બંગારુ લક્ષ્મણની હાલત તેમનાથી પણ ખરાબ હતી. અટલ-અડવાણીથી અલગ મુરલી મનોહર જોશીની સ્થિતિ ઠીકઠાક હતી."

નીના વ્યાસના કહેવા મુજબ, "મારા કહેવાનો અર્થ એ છે કે નીતિન નબીન માટે હાલ તો અમિત શાહ તથા નરેન્દ્ર મોદી જ પડકાર છે અને સમાધાન પણ."

નીતિન નબીનના અધ્યક્ષ બનવાની વાતને બે રીતે જોવામાં આવે છે. ભાજપ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકોનું કહેવું છે કે આ એવો પક્ષ છે, જેમાં સામાન્ય કાર્યકર પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. બીજી તરફ ભાજપની ટીકા કરતા લોકોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે ઇચ્છતા હોય એ જ પાર્ટીમાં થાય છે.

જોકે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના રાજકારણ પર બારીક નજર રાખતા વરિષ્ઠ પત્રકાર તથા લેખક નીલાંજન મુખોપાધ્યાય નીતિન નબીનના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની ઘટનાને ઉપરના બંને તર્કની વચ્ચે જુએ છે.

તેઓ કહે છે, "ભાજપમાં લગભગ અજાણ્યા કાર્યકરોને પણ ટોચે પહોંચવાની તક મળે છે તે સાચું છે. નીતિન નબીને ઘણા લોકોને સાઇડલાઇન તો નથી કર્યા, પરંતુ ઓવરટેક જરૂર કર્યા છે. ઓવરટેક કરવાની તેમની ક્ષમતા રાષ્ટ્રીય સ્તરે કે તેમના ગૃહ રાજ્ય બિહારમાં પ્રાદેશિક સ્તરે જોવા મળી નથી. બીજી તરફ વાજપેયી અને અડવાણી જનસંઘના અધ્યક્ષ બન્યા ત્યારે તેઓ ખુદની ક્ષમતા સાબિત કરી ચૂક્યા હતા. આ સંદર્ભમાં, અમિત શાહ અને નરેન્દ્ર મોદીના વફાદાર હોવાને કારણે નીતિન નબીનની પસંદગી કરવામાં આવી હોવાની વાત સાચી લાગે છે."

નીતિન નબીન આરએસએસની પસંદ છે?

આરએસએસ કથિત રીતે સંમત ન હોવાને કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકમાં વિલંબ થતો હોવાનું કહેવાતું હતું. નીતિન નબીન વિશે એવું કહેવાય છે કે તેઓ એવી વ્યક્તિ છે જેનો વિરોધ આરએસએસ કરી શકે તેમ નથી અને ભાજપમાં તેમની સ્વીકાર્યતા બાબતે પણ કોઈ વિવાદ નથી.

નીના વ્યાસ માને છે કે ભાજપના અધ્યક્ષ તરીકે નીતિન નબીન પહેલી પસંદગી નહીં હોય, પરંતુ ભાજપમાં લૉ- પ્રોફાઇલ રહેવું પણ ઘણી વાર તમારા માટે ફાયદાકારક બનતું હોય છે.

નીના વ્યાસ કહે છે, "ભાજપના અધ્યક્ષ માટે મોટો પડકાર આરએસએસ સાથે સારો સમન્વય જાળવી રાખવાનો હોય છે. મારું અનુમાન છે કે આરએસએસ અસંમત હોય એવી કોઈ પણ વ્યક્તિ ભાજપની અધ્યક્ષ બની નથી. 2005માં આરએસએસને કારણે જ અડવાણીએ ભાજપનું અધ્યક્ષપદ છોડવું પડ્યું હતું."

વાસ્તવમાં, 2005માં ભાજપના તત્કાલીન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાન ગયા હતા. તેમણે કરાચીમાં મહમદ અલી ઝીણાની મઝાર પર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઝીણાને શ્રદ્ધાંજલિ આપતાં અડવાણીએ તેમને બિનસાંપ્રદાયિક અને હિંદુ-મુસ્લિમ એકતાના રાજદૂત ગણાવ્યા હતા.

ઝીણાનાં વખાણ કરતાં અડવાણીએ ત્યાંના રજિસ્ટરમાં લખ્યું હતું, "ઇતિહાસમાં અમીટ છાપ છોડી હોય એવા ઘણા લોકો છે, પરંતુ ઇતિહાસ રચ્યો હોય એવા જૂજ લોકો છે. કાયદે આઝમ મહમદ અલી ઝીણા એ જૂજ લોકો પૈકીના એક છે."

અલબત્ત, નીતિન નબીનની પશ્ચાદભૂ આરએસએસની નથી. તેમણે અભ્યાસ પણ પટણાની માઇકલ હાઇસ્કૂલમાં કર્યો છે. દિલ્હીની કર્નલ સત્સંગી મેમોરિયલ પબ્લિક સ્કૂલમાંથી તેમણે ઇન્ટરમીડિયેટનો અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે જરૂર કામ કર્યું છે.

જોકે, વ્યક્તિની પશ્ચાદભૂનું 2014 પછીની ભાજપમાં ખાસ કોઈ મહત્ત્વ નથી. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકો મુખ્ય મંત્રી સુધ્ધાં બન્યા છે.

નીતિન નબીન સામેના પડકારો

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નીતિન નવીને સંગઠનાત્મક કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. કહેવાય છે કે નવેમ્બર 2023માં ભાજપના સહપ્રભારી તરીકે નીતિન નવીને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નેતૃત્વ હેઠળના સત્તાધારી કૉંગ્રેસને હરાવીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો તેનાથી પક્ષની રાષ્ટ્રીય નેતાગીરી બહુ પ્રભાવિત થઈ હતી.

એ પછીના વર્ષે તેમને છત્તીસગઢમાં લોકસભા ચૂંટણી માટે ભાજપના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને પાર્ટીએ રાજ્યમાંની બધી બેઠકો પર વિજય મેળવ્યો હતો. જુલાઈ 2024માં તેમને રાજ્યના પાર્ટી પ્રભારી બનાવવામાં આવ્યા હતા.

2026ની વિધાનસભા અને 2029ની લોકસભા ચૂંટણી

નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે ત્યારે આ વર્ષે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, પુડુચેરી અને કેરળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પૈકીનાં એકેય રાજ્યમાં ભાજપ માટે લડાઈ આસાન નથી.

જોકે, ખરો પડકાર 2029ની લોકસભા ચૂંટણી માટે પક્ષને તૈયાર કરવાનો છે. એ ચૂંટણી એવા સમયે યોજાશે કે જ્યારે દેશ સીમાંકન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હશે. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય લાગુ થશે. તેથી નવા અધ્યક્ષે બદલાયેલા રાજકીય વાતાવરણ માટે પક્ષને તૈયાર કરવો પડશે.

મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન સંસદમાં પસાર કરવામાં આવેલા નારીશક્તિ વંદન કાયદા અનુસાર, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનું, સીમાંકન પછી લાગુ કરવામાં આવશે અને સીમાંકન પ્રસ્તુત કાયદાના અમલીકરણ પછી હાથ ધરવામાં આવનારી પ્રથમ વસતીગણતરીના આધારે કરવામાં આવશે.

મોદી સરકારનો ઇરાદો 2029ની સામાન્ય ચૂંટણી પહેલાં મહિલા અનામત લાગુ કરવાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકારે વસતીગણતરી શરૂ કરવાનો આદેશ પહેલાં જ બહાર પાડી દીધો છે. તેમાં પહેલી માર્ચ, 2027ની સ્થિતિ અનુસાર દેશની વસતીનું આકલન પ્રસ્તુત કરવામાં આવશે. એ પછી સીમાંકનની પ્રક્રિયા માટેનો મંચ તૈયાર થઈ જશે.

નેતૃત્વના પડકારો

2029ની લોકસભા ચૂંટણી વેળાએ નરેન્દ્ર મોદીની વય 80 વર્ષની નજીક પહોંચી જશે. એ સ્થિતિમાં નરેન્દ્ર મોદી પછી ભાજપનું નેતૃત્વ કોણ કરશે? આ સવાલ સામે પણ નીતિન નબીને ઝઝૂમવું પડશે. 2013માં નરેન્દ્ર મોદીને ભાજપના ચૂંટણીઅભિયાનની જવાબદારી સોંપવાનો નિર્ણય વ્યાપક સંમતિથી થયો ન હતો. અડવાણીએ તેનું જાહેર રીતે સમર્થન કર્યું ન હતું.

ભાજપમાં નરેન્દ્ર મોદી પછી બીજા નંબરે અમિત શાહને ગણવામાં આવે છે, પરંતુ અમિત શાહને સર્વસ્વીકાર્ય બનાવવાનો પડકાર પણ હશે. 'ભાજપમાં મોદી પછી કોણ?' એ સવાલના જવાબમાં લોકો યોગી આદિત્યનાથનું નામ પણ સૂચવે છે, પરંતુ ભાજપના સંગઠનમાં અમિત શાહ જેવી પકડ યોગી આદિત્યનાથની ન હોવાનું કહેવાય છે.

નીના વ્યાસ કહે છે, "યોગી બહુ લોકપ્રિય છે, પરંતુ સંગઠનની અંદર તેમણે સંઘર્ષ કરવો પડશે. અમિત શાહની સંગઠન પર બહુ સારી પકડ છે, પરંતુ યોગી પડકાર ફેંકશે તો તેમણે લોકોની વચ્યે સંઘર્ષ કરવો પડશે."

નીલાંજન મુખોપાધ્યાય જણાવે છે કે ભાજપમાં ટોચના નેતૃત્વ પછી નીચેનું નેતૃત્વ ગાયબ છે અને ભવિષ્યમાં ભાજપે આ સંકટ સામે ઝઝૂમવું પડશે.

નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "મોદી પછી નેતૃત્વ માટે અમિત શાહ વિરુદ્ધ યોગી આદિત્યનાથની સ્થિતિ સર્જાઈ શકે છે, એ વાતનો કોઈ ભાગ્યે જ ઇનકાર કરશે. આ પ્રકારની કશમકશ, 2013માં અડવાણીની ટીમમાંથી ભાજપ બહાર આવ્યો ત્યારે પણ જોવા મળી હતી. નીતિન નબીન અમિત શાહની પસંદગી છે, પરંતુ યોગી સાથેનો તેમનો સંબંધ કેવો હશે એ પણ મહત્ત્વપૂર્ણ છે."

સંગઠનાત્મક સ્તરે પડકારો

નીતિન નબીનની ઓળખ સંગઠનની વ્યક્તિ તરીકેની જ છે અને ભાજપના અધ્યક્ષ બનવામાં તેમની આ ઓળખની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હોવાનું કહેવાય છે.

નીતિન નબીન તેમના પિતાના મૃત્યુ પછી 2006માં પહેલી વાર પટણા પશ્ચિમથી ધારાસભ્ય બન્યા હતા. એ વખતે તેઓ ગ્રૅજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યા હતા. મતલબ કે રાજકારણમાં તેમની ઍન્ટ્રી અચાનક થઈ હતી, પરંતુ નીતિન નબીને ખુદની ક્ષમતાને સાબિત કરી અને પાંચમી વખત વિધાનસભ્ય બન્યા. બિહાર સરકારમાં તેઓ હજુ મંત્રી પણ છે.

રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈ માને છે કે નીતિન નબીને સંગઠનાત્મક સ્તરે મોટા પડકારોનો સામનો કરવો પડે તે શક્ય છે.

ડૉ. હરિ દેસાઈ કહે છે, "ભાજપ પણ હાઇકમાન્ડની પાર્ટી થઈ ગઈ છે. શક્તિનું કેન્દ્રીકરણ થાય ત્યારે સંગઠન પોતાની શિસ્ત અનુસાર કામ કરવાને બદલે હાઇકમાન્ડના ઇશારે કામ કરતું હોય છે. આ સ્થિતિમાં નીતિન નબીન માટે સૌથી મોટો પડકાર હાઇકમાન્ડની વાત સાંભળવી કે સંગઠનની શિસ્તને મહત્ત્વ આપવું તે હશે. ભાજપમાં સંગઠન મજબૂત થઈ જશે તો કોઈ એક વ્યક્તિની મુઠ્ઠીમાં તેનું નિયંત્રણ નહીં રહી શકે."

કોલકાતા યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર હિમાદ્રી ચેટરજીના કહેવા મુજબ, ભાજપનાં મશીનરી અને સંગઠન બહુ વ્યાપક જરૂર છે, પરંતુ તેમાં જટિલતા પણ છે. તેથી નીતિન નબીન માટે સંગઠનને દુરસ્ત રાખવાનો માર્ગ બહુ આસાન નહીં હોય.

હિમાદ્રી ચેટરજી માને છે કે નીતિન નબીન માટે દક્ષિણ ભારતમાં સંગઠનોને મજબૂત કરવાનું સૌથી વધુ મુશ્કેલ હશે.

બદલાતું જિયૉપૉલિટિક્સ

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી વૈશ્વિક પરિસ્થિતિ ઝડપથી બદલી છે. ઘણું બધું ભારતની તરફેણમાં નથી. ભારત પોતાની ઇચ્છા ન હોવા છતાં ચીન માટે ઘણું બધું આસાન કરી રહ્યું છે.

ભાજપે કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના (સીપીસી) સાથેનો સંવાદ ફરીથી શરૂ કર્યો છે. 2009 પછી પહેલી વાર આવું થયું છે. એક ચીની પ્રતિનિધિમંડળ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરવા આ મહિને ભાજપના દિલ્હીસ્થિત વડા મથકે આવ્યું હતું.

ટ્રમ્પે ભારત પર પહેલાંથી જ 50 ટકા ટેરિફ લાદ્યો છે અને ભારત ઈરાન સાથે વ્યાપાર કરશે તો વધુ 25 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. સત્તાધારી પક્ષ હોવાને કારણે ભાજપ તેની અવગણના કરી શકે તેમ નથી. પક્ષના નવા અધ્યક્ષ તરીકે નીતિન નવીને આ વાસ્તવિકતાનો સામનો પણ કરવો પડશે.

પ્રોફેસર હિમાદ્રી ચેટરજી કહે છે, "ભારતમા આર્થિક સંકટ ગમે ત્યારે ગંભીર બની શકે છે અને ભાજપ માટે વિકાસનું નૅરેટિવ જાળવી રાખવાનું આસાન નહીં હોય. આપણી વૃદ્ધિ જેટલી હોવી જોઈએ તેટલી નથી. ભારતની આર્થિક વૃદ્ધિનું લોકતંત્રીકરણ કેવી રીતે કરવું તે એક મોટો પડકાર છે. ભારતની મોટી વસ્તી આગામી 10 વર્ષમાં યુવાન નહીં રહે. ભારતે જેટલી પ્રગતિ કરવી હોય તેટલી પ્રગતિ આગામી દસ વર્ષમાં કરી લેવાની રહેશે. એ પછી બહુ મુશ્કેલ સ્થિતિ સર્જાશે. આગામી સમયમાં ભાજપ માટે સૌથી મોટા પડકાર આ હશે."

વૈચારિક અને સાંસ્કૃતિક સંઘર્ષ

ભાજપના પ્રત્યેક નેતૃત્વ માટે કેટલાક પડકારો કાયમ સમાન રહ્યા છે. ભારતની ભાષાકીય અને સાંસ્કૃતિક બહુલતાને એકતાંતણે પરોવવાનો પડકાર ભાજપ સામે કાયમ રહ્યો છે.

ભાજપ માટે દક્ષિણ અને પૂર્વ બન્નેમાં આ સમસ્યા રહી છે. ભાજપના ઉત્તર અને પશ્ચિમના નેતાઓ માટે દક્ષિણ તથા પૂર્વની સાંસ્કૃતિક તથા ભાષાકીય બહુલતા કાયમ પડકાર બની રહી છે. નીતિન નવીને આ પડકાર સામે પણ ઝીલવો પડશે.

એ સિવાય મજબૂત પ્રાદેશિક પક્ષો અને જાતિ આધારિત પક્ષો પણ ભાજપ માટે પડકાર બની રહ્યા છે. તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભાજપે આ બે પડકારોનો સામનો કરવો પડશે. તેના માટે નીતિન નબીનને કોઈ આસાન રીત મળી જશે, એવું લાગતું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન