You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ભાજપ સંગઠનમાં 'જૂના જોગીઓ'ને કેમ ફરીથી લાવી રહ્યો છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભાજપે સી. આર. પાટીલના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે વર્ષ 2025ના અંતભાગમાં જગદીશ પંચાલની નિમણૂક કરી હતી. ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખની સાથે જ તેમની નવી ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
આ ટીમમાં નવી વાત એ છે કે, તેમાં ફરી એકવાર 'જૂના જોગીઓ'ને સંગઠનના મહત્ત્વનાં પદો પર પાછા લાવવામાં આવ્યા છે. એમાંય એવું પ્રતીત થઈ રહ્યું છે કે, 'સી. આર. પાટીલનો ગઢ' ગણાતા સુરત પર વધુ ધ્યાન અપાયું છે.
કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જ્ઞાતિવાર સમીકરણો બેસાડવા માટે દરેક જ્ઞાતિને પ્રાધાન્ય આપી, આ વર્ષે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપની મશીનરીને 'ગિયર અપ' કરવાની આ એક નવી કવાયત છે.
સંગઠનમાં કયા જૂના જોગીઓને પાછા લાવવામાં આવ્યા અને ભાજપની રણનીતિ શું છે? તે જાણીએ આ અહેવાલમાં...
જૂના નેતાઓને કેવી રીતે નવી જવાબદારી આપી છે?
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ઓબીસીમાંથી આવે છે. જ્યારે તેમની નવી જાહેર થયેલી ટીમમાં દસ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.
તેમાં બ્રાહ્મણ, પટેલ, આદિવાસી, કોળી અને ઓબીસીને આવરી લેવામાં આવ્યા છે. નવા જાહેર કરવામાં આવેલા ઉપપ્રમુખોમાં જયદ્રથસિંહ પરમાર જેવા જૂના મંત્રી અને ભરત પંડ્યા જેવા સિનિયર નેતાઓને પણ સમાવેશ કરાયો છે.
એ સિવાય મીડિયા અને સોશિયલ મીડિયામાં ભાજપનો દમ દેખાડવા જૂના બે સિનિયર પ્રવક્તાઓ અનિલ પટેલ અને પ્રશાંત વાળાને ફરીથી મીડિયાની જવાબદારી સોંપાઈ છે.
બીજી તરફ બનાસકાંઠા અને મહેસાણામાં જ્ઞાતિવાર સમીકરણ બેસાડવા પટેલ અને ઠાકોર સમુદાયનેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. ટીમમાં નવા ચહેરા તો છે જ પણ મોટા ભાગે અનુભવી લોકોને પ્રાધાન્ય અપાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણી પહેલાં અચાનક આપ અને કૉંગ્રેસની વધેલી આક્રમકતાને જોતાં આ પગલું લેવાયું છે.
પક્ષપલટુઓને કારણે થતી નારાજગી ખાળવા બદલાવો?
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ડૉ. ધનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાજપમાં એવી છાપ ઊભી થઈ રહી હતી કે કૉંગ્રેસમાંથી આવેલાઓને વધુ મહત્ત્વ અપાય છે, જ્યારે જૂના નેતાઓને તડકે મૂકી દેવાય છે. એ રીતે જૂના નેતાઓની અવગણના થતી હોવાની લાગણી પ્રબળ બની રહી હતી."
"આ સંજોગોમાં જૂના સંગઠનના નેતાઓને ફરી લાવવામાં આવે તો કાર્યકર્તાઓમાં એક સંદેશ જાય."
"વળી, ગુજરાતમાં ભાજપને મળેલી 156 બેઠકો પછી સામાન્ય કાર્યકર્તા અને સરકાર વચ્ચેનું સંકલન ઘટી ગયું હોવાને લીધે પણ આ નિર્ણયો લેવાયા હોય તેવું બની શકે છે."
ફૂલછાબ દૈનિકના ભૂતપૂર્વ તંત્રી અને રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતીને જણાવે છે, "પાટીલની કામગીરીની પદ્ધતિથી ઘણા લોકોમાં નારાજગી હતી. પાટીલના જ સમયગાળામાં લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર ભાજપને જાહેર થયેલા ઉમેદવાર બદલવા પડ્યા જયારે વિધાનસભાની ચૂંટણી સમયે પણ કાર્યકર્તાઓની નારાજગીનો સામનો કરવો પડ્યો. આંતરિક વિરોધ ઘણો વધારે હતો."
તેઓ કહે છે, "ગુજરાતમાં ભાજપને ભલે 156 બેઠકો મળી હોય પરંતુ વિપક્ષવિરોધી મતોમાં કોઈ ખાસ ફર્ક પડ્યો નથી. 2017માં 41.44 ટકા સામે આ વખતે વિપક્ષને 41.20 ટકા મતો મળ્યા હતા."
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આપની સક્રિયતાની અસર?
ઘનશ્યામ શાહ કહે છે, "આમ આદમી પાર્ટી વીસાવદરની ચૂંટણી પછી સોશિયલ મીડિયાથી નૅરેટિવ બનાવવાની કોશિશ કરી રહી છે. તેમણે પક્ષનાં પેજ અને વૉટ્સઍપ ગ્રૂપ તો બનાવ્યાં જ છે પરંતુ જ્ઞાતિવાર અલગ અલગ સોશિયલ મીડિયા પેજ બનાવ્યાં હોવાનું જણાયું છે."
"આપનું વલણ આક્રમક છે અને તે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં સામાજિક સમીકરણો સાચવવા અને તેને કાઉન્ટર કરવા જૂના નેતાઓ જરૂરી છે. "
"સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં આપ આક્રમક બની છે ત્યારે ભાજપમાં આંતરિક અસંતોષને ખાળવા માટે પણ જૂના નેતાઓ સંકલન કરી શકે એમ છે. વળી, નવા સીમાંકનમાં પણ જૂના નેતાઓનો ફાયદો થઈ શકે છે."
કૌશિક મહેતાનું પણ માનવું છે કે, "આપ જે રીતે વાયા સૌરાષ્ટ્ર સુરતમાં ઘુસપેઠ કરી રહી છે, એ જોતાં ભાજપે આગામી પગલાં લીધાં છે એવું લાગે છે."
તેઓનું માનવું છે, "આપની આક્રમકતા સૌરાષ્ટ્ર, આદિવાસી વિસ્તારો અને સુરત તરફ વધુ છે એટલે ભાજપે સુરતમાં પાવર થ્રો કર્યો છે. "
"એક ઉપ પ્રમુખ અને એસટી મોરચાના પ્રમુખ દક્ષિણ ગુજરાતના જૂના જોગી ગણપત વસાવા અને ઝંખના પટેલને બનાવ્યાં છે. જયારે મહિલા મોરચામાં નવો ચહેરો અને સૌરાષ્ટ્રનાં મૂળ ધરાવતાં અંજુ વેકરિયાને લીધાં છે, રમેશ ધડુકને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસની કમિટેડ વોટબૅન્ક હોવાથી ઠાકોર, પટેલનું કૉમ્બિનેશન કરવામાં આવ્યું છે. જયારે એસસી મોરચા માટે પૂર્વ સાંસદ કિરીટ સોલંકીને મૂકવામાં આવ્યા છે. પ્રશાંત કોરાટ જેવા નવા ચહેરાઓને પણ જ્ઞાતિગત સમીકરણોમાં સ્થાન અપાયું છે."
કૌશિક મહેતા કહે છે કે, "સી.આર. પાટીલના પ્રમુખ બન્યા પછી જે લોકો કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એનાથી વધુ લોકો એ પહેલાનાં પાંચ વર્ષમાં આવ્યાં છે. સંગઠનના જૂના લોકો સાથે એમનો સંપર્ક પણ સારો રહ્યો છે. ત્યારે આ વર્ષે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં નારાજગી હોય તો સારું સંકલન કરી શકે એમ છે."
જોકે, ભાજપના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ભાજપમાં સત્તા અને સંગઠન બંનેમાં સમયાંતરે પરિવર્તન થાય છે.
તેમણે કહ્યું હતું કે, "સંગઠનમાં ફેરફારની આ સ્વાભાવિક પ્રક્રિયા છે. ભાજપ એક કાર્યકર્તા તૈયાર કરવા માટે પંદર વર્ષ સુધી તેનું ઘડતર કરે છે. એટલે નવા સંગઠનના માળખામાં માત્ર જૂના લોકો જ નથી, નવા લોકોને પણ સામેલ કરાયા છે. આ ભાજપમાં ચાલતી પ્રક્રિયાનો જ એક ભાગ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન