બનાસકાઠામાં ગેનીબહેન-અલ્પેશ ઠાકોર જેવાં નેતાઓએ મળીને સમાજનું બંધારણ જાહેર કર્યું, કેવાં સૂચનો કરાયાં?

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ઠાકોર સમાજની બેઠક મળી હતી, જેમાં સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓએ એકઠા થઈને 'ઠાકોર સમાજનું બંધારણ' જાહેર કર્યું હતું.

સમાજના કાર્યક્રમમાં ઠાકોર સમાજના ભાજપ તથા કૉંગ્રેસના નેતાઓ એક જ મંચ ઉપર જોવા મળ્યા હતા. વાવ-થરાદ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લગભગ 27 તાલુકાના ઠાકોર સમાજ દ્વારા સમાજનું આ નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખોટા રિવાજ છોડવા, ખોટા ખર્ચા ન કરવા, કુરિવાજો ત્યજવા, વ્યસનમુક્તિ તથા શિક્ષણના પ્રસાર જેવી બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો.

બેઠકમાં 4થી જાન્યુઆરીને 'ઠાકોર સમાજ બંધારણ દિવસ' તરીકે ઊજવવાનો પણ નિર્ધાર કરવામાં આવ્યો.

સમાજમાં વ્યસનમુક્તિ માટે આહ્વાન

ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે, "ઠાકોર સમાજના યુવાનો વ્યસનમાં સપડાઈ રહ્યા છે, જેના કારણે તેઓ નાની ઉંમરે મૃત્યુ પામે છે અને 25-30 વર્ષની ઉંમરે સમાજની દીકરીઓ વિધવા બને છે તથા બાળકો નોંધારાં થઈ જાય છે. તેથી સમાજને વ્યસનમુક્ત બનાવવો જ રહ્યો."

ગેનીબહેને વધુમાં ઉમેર્યું કે, "દીકરી, બહેન, પત્ની તથા માતા તરીકે મેં વેદના સહન કરી છે. હું સંસદસભ્ય અને સ્વનિર્ભર હોવા છતાં જો મારે આ વેદના સહન કરવી પડતી હોય, તો સમાજની સામાન્ય દીકરીઓએ શું વેઠવું પડતું હશે?"

સમાજનાં શૈક્ષણિક સંકુલ બનાવવાં તેમજ અન્ય સમાજો જેમ અલગ-અલગ નામે ભેગા થાય છે, તેમ ઠાકોર સમાજ 'સદારામ'ના નામે એકઠો થાય, તેવી હાંકલ પણ ગેનીબહેન ઠાકોરે કરી હતી. જેના માટે તેમણે એક વીઘો જમીનનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી હતી.

અલ્પેશ ઠાકોરે સંબોધનમાં કહ્યું કે, "તાલુકા સ્તરે નવા બંધારણ માટે અભિપ્રાય લેવામાં આવ્યા હતા તથા તેમાંથી જે સૂચનો મળ્યાં અને જે પીડા કે તકલીફો સામે આવી, તેને ધ્યાનમાં રાખીને આ બંધારણ ઘડવામાં આવ્યું છે."

વર્ષ 2016 આસપાસ 'ક્ષત્રિય ઠાકોર સેના'ના નેજા હેઠળ દારૂના વેચાણ અને બદી સામે અભિયાન હાથ ધરનારા અલ્પેશ ઠાકોર પણ તેમનાં પત્ની સાથે મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બંધારણના અમલ ઉપર ભાર મૂક્યો હતો.

મંચ ઉપર અલ્પેશ ઠાકોરનાં પત્નીને ગળે મળીને કૉંગ્રેસનાં સંસદસભ્ય ગેનીબહેન ઠાકોરે સંદેશ આપ્યો હતો કે આ કાર્યક્રમ રાજકારણથી પર અને સમાજનો છે.

અલ્પેશ ઠાકોરે પણ મંચ ઉપર ઉપસ્થિત નેતાઓ કોઈ પક્ષના નહીં, પરંતુ સમાજના આગેવાન હોવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આંદોલન પછી અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાં જોડાયા હતા અને હાલમાં ભાજપની ટિકિટ ઉપર ગાંધીનગર-દક્ષિણની બેઠક પરથી ધારાસભ્ય છે.

ઠાકોર સમાજનાં બંધારણમાં શું છે?

બેઠકમાં 'એક સમાજ, એક રિવાજ' ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને સમાજનું બંધારણ દરેક ઠાકોરના ઘરે પહોંચે તે માટેની વ્યવસ્થાની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

બનાસકાંઠાની બેઠક પરથી સંસદસભ્ય ગેનીબહેન ઠાકોરે 16 મુદ્દાનું આ બંધારણ લોકો સમક્ષ વાંચી સંભળાવ્યું હતું, જેના મુખ્ય મુદ્દા નીચે મુજબ હતા:

  • સગાઈ અને લગ્ન બારેમાસ નહીં, પરંતુ વર્ષના એક જ માસમાં (વૈશાખ કે મહા મહિનાના પ્રથમ 15 દિવસમાં) યોજવાં, જેથી વેપાર-ધંધાને અસર ન થાય.
  • જાનમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓને લઈ જવી.
  • કાર્યક્રમોમાં ડીજેના બદલે માત્ર ઢોલ-શરણાઈનો જ ઉપયોગ કરવો.
  • પત્રિકા તથા આમંત્રણો છપાવવાં નહીં.
  • સગાઈમાં માત્ર 21 લોકોએ જ જવું અને સાડી, નાળિયેર તથા રૂપિયો જ આપવો.
  • માત્ર જરૂરિયાત પૂરતા જ દાગીના આપવા.
  • મામેરામાં 100 વ્યક્તિ, 11 વાહન અને 1,51,000 રૂપિયાની ટોચમર્યાદા રાખવી; દાગીના માંડવામાં પ્રદર્શિત કરવા નહીં.
  • આણાં, બોલામણાં અને રાવણાની પ્રથા સંપૂર્ણ બંધ કરવી.
  • નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવો.
  • મરણપ્રસંગે ખીચડી-કઢીની પરંપરા રાખવી તથા બેસણા માટે વાર-તહેવાર ન જોવા.
  • બંધારણનો અનાદર કરનારને સમાજવિરોધી ગણી તેની સાથે સંબંધ ન રાખવો.
  • જન્મદિવસની ઉજવણી કરવાના બદલે લાઇબ્રેરી કે શૈક્ષણિક સંકુલમાં યથાશક્તિ ફાળો આપવો.

આ કાર્યક્રમમાં જણાવ્યા પ્રમાણે, અગાઉ પણ ત્રણેક વખત બંધારણ બન્યું હતું, પરંતુ તેનું અસરકારક અમલીકરણ થઈ શક્યું નહોતું.

'દરેક જ્ઞાતિ પોતાની ઓળખ માટે સભાન બની છે'

જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીના જણાવ્યા અનુસાર, "છેલ્લાં થોડાંક વર્ષોથી દરેક જ્ઞાતિ પોતાની ઓળખ માટે અગાઉ કરતાં વધુ સભાન બની છે. દરેક જ્ઞાતિ પોતાનું નવું બંધારણ, વેબસાઈટ, ડિરેક્ટરી કે સોશિયલ મીડિયા ગ્રૂપ બનાવે છે."

તેઓ ઉમેરે છે કે, "આજના સમયમાં કોઈપણ જ્ઞાતિ ખોટા ખર્ચા ઘટાડે તે આવકારદાયક છે. જો તેનો અમલ થાય, તો ગરીબ વ્યક્તિને દેખાદેખીમાં સહન કરવું ન પડે. અત્યારે સમાજમાં દેખાદેખી વધી ગઈ છે."

ગૌરાંગ જાની રજિસ્ટર્ડ લગ્નનો વિકલ્પ સૂચવે છે, જેમાં ખર્ચ ઓછો થાય અને કાયદેસરની માન્યતા મળે.

અમલીકરણ અંગે તેઓ કહે છે કે, "જો સમાજનું નેતૃત્વ મજબૂત હોય અને દરેક વ્યક્તિ દેખાદેખીમાંથી મુક્ત થાય, તો જ આ શક્ય છે. નહીંતર સામાન્ય માણસે દેવું કરીને પણ પ્રસંગો કરવા પડે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન