કિંજલ દવેની સગાઈને લઈને વિવાદ થયો તે સમાજ માટે કેમ ચિંતાજનક છે? - બ્લૉગ

    • લેેખક, ડૉ. સોનલ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હાલ સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે પ્રવર્તતી વિષમતાઓ વ્યાપક ચિંતાનો વિષય છે.

એક તરફ હિંદુ સમરસતાની વકીલાત કરતાં જૂથો, બીજી તરફ જ્ઞાતિના વાડાઓને આધારે રાજકીય ભાગીદારીની માંગણી કરતાં જ્ઞાતિમંડળો.

'જાતપાત કી કરો વિદાઈ, હમ સબ હિંદુ ભાઈ-ભાઈ'ની વાત પર સૈદ્ધાંતિક સંમતિ આપતા કે તેનો રાજકીય લાભ લેવા ઇચ્છતા લોકોનો એક વિશાળ વર્ગ છે. પરંતુ આ સ્થિતિ જંગલમાં લાગેલી આગ જેવી છે. જંગલમાં આગ લાગે ત્યારે સિંહ અને સસલું એક સાથે દોડતાં હોય પરંતુ આગ ઠરી જાય એટલે સિંહ સસલાને ખાવા છલાંગ લગાવે!

આવી જ સ્થિતિ જ્ઞાતિ એકતાના મુદ્દે પ્રવર્તે છે.

જયપ્રકાશ નારાયણથી લઈ સમરસતા મંચ સુધી આ દિશામાં પ્રયાસો થયા છે. જ્ઞાતિઓની રાજકીય અને સામાજિક પકડ વધુ ને વધુ મજબૂત બનતી જતી હોય તેવું લાગે છે. પ્રખર સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાએ કહેલું કે, 'જાતિ કભી જાતી નહીં'.

આવી રાજકીય સામાજિક વિસંગતતા વચ્ચે કિંજલ દવેની સગાઈ જૈન સમાજના એક યુવક સાથે થઈ અને બ્રાહ્મણ સમાજના એક વર્ગે તેનો વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં, કિંજલબહેનના કુટુંબને જ્ઞાતિબહાર મૂકવાની વાત પણ કરી.

સોશિયલ મીડિયા થકી આ મુદ્દાની ચર્ચામાં અનેક લોકોએ ભાગ લીધો. આમ તો લગ્ન અને લગ્ન માટેના પાત્રની પસંદગી એ સંપૂર્ણપણે વ્યક્તિગત કે કુટુંબગત વિષય છે. પરંતુ જાહેર જીવનની વ્યક્તિ સાથે આવી ઘટના એ સમાચારનો વિષય બની જાય છે. અંતે કિંજલબહેને પણ આ અંગે ખુલાસો કર્યો અને તેમના પરિવારને આ મુદ્દે જો કોઈ પરેશાની કરવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની વાત પણ તેમણે કરી.

કિંજલ દવેની જગ્યાએ સામાન્ય છોકરી હોય તો?

ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નનું પ્રમાણ ઓછું છે.

વર્ષ 2011ની ગણતરી મુજબ તેનું પ્રમાણ 5.8% હતું. આમ, શિક્ષણનું પ્રમાણ વધવા છતાં લગ્નની બાબતમાં જ્ઞાતિ આધારિત જીવનસાથી પસંદગી કરવાનું સામાન્ય વલણ જોવા મળે છે.

21મી સદીમાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. મહિલાઓ સાચા અર્થમાં સશક્ત બની છે. આથી લગ્ન-પસંદગીનાં ધોરણો અને કારણો પણ બદલાયાં છે.

છોકરીઓને ઊડવાની પાંખો અને આકાશ આપે તેવો જીવનસાથી જોઈએ છીએ. આથી પોતાની કલ્પનાના જીવનસાથી માટે તે જ્ઞાતિ, ધર્મ, કે પ્રદેશ છોડીને કેટલીકવાર જીવનસાથી પસંદ કરવાનું પસંદ કરે છે. શિક્ષિત અને આધુનિક કુટુંબમાં તો છોકરો ગમતો હોય તો, 'જો એ સારો હશે તો લગ્ન કરાવી આપીશું' આવું કહેનારાં કુટુંબો પણ સમાજમાં છે.

કિંજલ દવેના મુદ્દે જે કક્ષાની અને જે મુદ્દાની ચર્ચા થઈ તે ચિંતાજનક છે.

આવા નિર્ણયથી કિંજલબહેનને કે તેમના પરિવારને બહુ મોટો ફરક પડશે એવું લાગતું નથી. કિંજલબહેન વ્યક્તિગત રીતે સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલાં છે. આમ જોઈએ તો આર્થિક અને રાજકીય પ્રતિષ્ઠાની દૃષ્ટિએ તેઓ એક મજબૂત સ્થિતિમાં છે. આથી એમને ટેકો અને સહયોગ મળી રહેશે. છતાં આ વિવાદે આવું સ્વરૂપ ધારણ કર્યું.

જો કોઈ સામાન્ય છોકરીઓ પગલું ભરે તો એની સ્થિતિ શી થાય? એ ચિંતાની બાબત છે કે આ પ્રકારનું વલણ બધી જ્ઞાતિઓ લે તો સામાજિક સમરસતા સામે જોખમ છે અને છોકરીઓની પાત્ર-પસંદગીની સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવશે.

આ વલણ વ્યાપક ન બનવું જોઈએ.

જ્ઞાતિ એ માત્ર સમૂહનું વિભાજન નથી. કેટલીક જ્ઞાતિ ઊંચી અને કેટલીક જ્ઞાતિ નીચી છે એ ચર્ચા ભારતમાં અંતહીન અને જટિલ છે.

કેટલાક લોકોની દલીલ છે કે કિંજલબહેને ઉચ્ચ જ્ઞાતિના પૈસાપાત્ર છોકરા સાથે લગ્ન નક્કી કર્યાં તેમાં ખોટું શું છે? જો છોકરો ઉચ્ચ જ્ઞાતિનો ન હોત અથવા ગરીબ હોત તો શું કિંજલબહેન તેની સાથે લગ્ન ન કરત? આનો લાંબા ગાળાનો ઉકેલ તો જ્ઞાતિવિહીન સમાજરચના જ છે.

જ્ઞાતિના નિર્ણયોમાં પુરુષોનો પ્રભાવ

ભારતમાં સામાજિક સુધારણાના ક્ષેત્રમાં બ્રાહ્મણ જ્ઞાતિનું યોગદાન અમૂલ્ય રહ્યું છે એ બ્રાહ્મણો માટે ગૌરવનો વિષય બનવો જોઈએ.

વિવિધ જ્ઞાતિઓમાં વધી રહેલી જ્ઞાતિગત કટ્ટરતા સોશિયલ મીડિયામાં જોવા મળે છે. થોડા સમય પહેલાં મેં એક લેખમાં લખેલું કે ભારતની વિવિધ જ્ઞાતિઓમાં કેટલી જ્ઞાતિઓની પ્રમુખ મહિલાઓ છે?

મોટાભાગની જ્ઞાતિઓમાં નિર્ણાયક ભૂમિકામાં પુરુષો જ હોય છે. જ્ઞાતિઓ એ મજબૂત સામાજિક સંસ્થા હોય તો એ પણ લોકશાહી ઢબે જ ચાલવી જોઈએ. દીકરીઓ એટલી સક્ષમ છે કે એમના માટે નિર્ણય લેવા માટે એમને બીજા કોઈની જરૂર નથી.

મહિલાઓનાં લગ્ન અને લગ્ન-પસંદગીના મુદ્દે બોલતા સમાજે મહિલાઓ ઉપરના અત્યાચારના મુદ્દે વધુ મજબૂત અવાજ ઉઠાવવાની જરૂર છે.

વર્ષ 2023-24માં દેશમાં દહેજ-પીડિત એવી 6,100 મહિલાઓ મૃત્યુને ભેટી. આનો વૃદ્ધિદર 14% હતો. આ તમામ મહિલાઓએ પોતાના જ સમાજમાં લગ્ન કરેલાં.

આવા સમયે લોકો મૌન રહે છે.

માધ્યમોમાં પણ તેની ચર્ચા પૂરતા પ્રમાણમાં જોવા મળતી નથી. પોતાના જ ઘર-પરિવારની દીકરીઓ સલામત અને ખુશ રહે એ અનિવાર્ય બાબત છે.

ભારતમાં મહિલા અધિકાર માટેના જે કાયદા અમલમાં આવ્યા તે પૈકીના અનેક હકો મહિલાઓએ પોતાના પરિવાર પાસેથી જ લેવાના હોય છે.

આમ આ દેશમાં પોતાના લોકો પાસેથી અધિકાર મેળવવા કાયદાની આવશ્યકતાને આપણે નકારી શકીએ તેમ નથી. અત્યારે 'સમાજ પહેલાં' એવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ છે પરંતુ, કોનો સમાજ? અને કયો સમાજ? એ સવાલ મહત્ત્વનો છે.

દીકરો નાત બહાર લગ્ન કરે ત્યારે શું?

આર્થિક સ્વાવલંબન ધરાવતી મહિલાઓનો એક વર્ગ લગ્નમાં યોગ્ય પાત્ર ન મળે તો એકલા રહેવાનું પસંદ કરે છે.

મોટાં શહેરોમાં એકલી રહેતી મહિલાઓનાં સંગઠનો પણ સક્રિય છે. બદલાતા ભારતમાં લગ્ન-સંસ્થામાં જ્ઞાતિનો આગ્રહ પકડી રાખીએ તો અનેક વિસંગતતા સર્જાઈ શકે તેમ છે.

વર્ષ 2026 ના માર્ચ મહિનામાં ગુજરાતના સમસ્ત બ્રહ્મસમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાવા જઈ રહ્યો છે. જેમાં બ્રાહ્મણોની 84 જેટલી જ્ઞાતિઓ ભાગ લેવાની છે. જેમાં 14 દેશનાં બ્રાહ્મણ યુવક-યુવતીઓ ભાગ લેશે. આ મેળામાં 3,333 દીકરીઓ અને 6667 દીકરાઓએ પોતાની નોંધણી કરાવી છે આમ છોકરીઓ કરતાં લગ્ન ઇચ્છુક છોકરાઓની સંખ્યા બમણી છે.

છોકરીઓની ઘટતી સંખ્યાથી માંડીને બીજાં કારણો પણ આ સ્થિતિ માટે જવાબદાર છે.

આ આંકડાકીય વિગત મુજબ 3,334 યુવકે બીજી જ્ઞાતિમાં પરણવું પડે તો શું આ બ્રાહ્મણ યુવકોને નાતબહાર મૂકીશું? જે સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટી રહી છે ત્યાં અન્ય જ્ઞાતિની છોકરીઓ લાવવાની ફરજ પડી છે.

જો આવું થાય તો ઘણા દીકરાને નાતબહાર મૂકવાનો વારો આવે અથવા જ્ઞાતિની છોકરીઓનો આગ્રહ રાખીએ તો એમને કુંવારા રહેવું પડે. અથવા દીકરાઓ અને દીકરીઓ માટે અલગ અલગ માપદંડો રાખવા પડે. એટલે કે દીકરાઓ બીજી જ્ઞાતિની દીકરી લાવી શકે, પરંતુ દીકરીઓ બીજી જ્ઞાતિમાં ન પરણી શકે. આ સવાલોના જવાબ મેળવ્યા વગર જ્ઞાતિમાં જ લગ્નનો આગ્રહ રાખવો એ કેટલો યોગ્ય છે?

લગ્ન એ વ્યક્તિગત પસંદગીનો મામલો

કિંજલ દવેની સગાઈનો વિવાદ બિનજરૂરી છે તેવું માનનારા, તેમની તરફેણ કે વિરોધ કરી રહેલા લોકો પોતાની સમજ મુજબ સોશિયલ મીડિયા ઉપર પોતાના અભિપ્રાયો અવિરતપણે વહેવડાવી રહ્યા છે ત્યારે આ ઘટનાક્રમનું વિશ્લેષણ કેટલીક બાબતો ઉપર વિચારવા પ્રેરે છે.

પ્રથમ કિંજલબહેને આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતી વખતે પોતે કેટલું યોગ્ય પાત્ર પસંદ કર્યું છે તેની સ્પષ્ટતા કરવાની આવશ્યકતા ખરી? તેમની સાસરીમાં ગાયત્રી મંત્રના જાપ થાય છે તેમ તેમણે જણાવ્યું. જો ગાયત્રી મંત્રના જાપ ન થતા હોત તો તેઓ ધ્રુવીન શાહને ન પરણત?

તેમણે કરેલા પાત્રની પસંદગીની યોગ્યતા તેમણે જાહેર જનતા સામે રજૂ કરવાની જરૂર નહોતી. 'મારી સગાઈનો વિરોધ કરનારાને કોઈ 5,000 રૂપિયા પણ ન આપે' તેવી રજૂઆત થકી તેમણે ખુદની ગરિમાને ઠેસ પહોંચાડી હોય તેવું લાગે છે. તેમણે અને તેમના પરિવારને ધ્રુવીનભાઈ પસંદ પડ્યા અને તેમણે સગાઈ કરી એ તેમની વ્યક્તિગત પસંદગી છે જે હક એમને આ દેશના બંધારણે આપ્યો છે. જરૂર જણાય ત્યાં તેઓ કાયદાકીય લડત લડી શકે છો પરંતુ તેમની સામે આક્ષેપ કરનાર વ્યક્તિ સામાજિક છે કે અસામાજિક? એવાં વિધાનો થકી તેઓ તેમની જ ગરિમા ઘટાડી રહયાં છે.

સેલિબ્રિટી હોવું એ બેધારી તલવાર

બીજી બાબત કિંજલબહેન સેલિબ્રિટી છે.

તેઓ આપબળે નાની ઉંમરે સફળ થયાં છે. આથી એમની સાથે આવો વિવાદ જોડાયો છે. એક વાત સાચી છે કે નીજ જીવનનો અધિકાર એટલે કે 'રાઇટ ટુ પ્રાઇવસી' તેમને મળે છે. પરંતુ કોઈપણ જાહેર જીવનની વ્યક્તિએ એ યાદ રાખવું જોઈએ કે, પ્રતિષ્ઠા એ બેધારી તલવાર છે. તમે જ્યારે અંગત જીવનને પ્રસિદ્ધિ માટે ખુલ્લું મૂકો છો ત્યારે એ મર્યાદા રહેતી નથી. દરેક સેલિબ્રિટીએ પ્રતિષ્ઠાની સાથે ટીકાનો ભોગ બનવાની તૈયારી રાખવી પડે છે.

ત્રીજો સૌથી મહત્ત્વનો મુદ્દો મહિલાઓનાં લગ્ન માટેના પાત્ર-પસંદગીમાં કિંજલબહેનનું રાજકીય, આર્થિક, અને સામાજિક જીવન જોતાં આવા વિવાદથી એમને બહુ મોટો ફરક નહીં પડે. પરંતુ આ રીતે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવાની પરવાનગી આપતા પરિવારને જ્ઞાતિબહાર મૂકવાની એક પદ્ધતિ અન્ય જ્ઞાતિઓમાં પણ વિકસે તો સભ્ય સમાજની એકતા અને માનવ-સમાજની સભ્યતા સામે અનેક સવાલો ઊભા થશે.

કિંજલબહેનનો જય થાઓ, પણ આ ઘટના થકી અન્ય દીકરીઓનો ક્ષય ન થાય તે જોવું ઘટે.

નોંધ : લેખિકા ગુજરાત યુનિવર્સિટી ખાતે પત્રકારત્વનાં પ્રાધ્યાપિકા છે. અહીં વ્યક્ત થયેલા વિચારો લેખિકાના છે, બીબીસી ગુજરાતી તેમનાં દૃષ્ટિકોણ સાથે સહમત હોય તે જરૂરી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન