'સૈરાટની જેમ અમને મારી નાખવાની ધમકી મળતી, આખરે મારા પતિને મારી નાખ્યા'

    • લેેખક, શ્રીકાંત બંગાળે
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

“મારા પતિ મારો હાથ પકડીને મારી સામે જ મરી ગયા. તે સમયે મારું જીવન પણ તૂટી રહ્યું હતું.”

જે હાથો પર બે મહિના પહેલાં જ મેંદીનો રંગ હતો, એ નવપરિણીત વિદ્યા સાળુંક તે જ હાથે આસુંને રોકીને પોતાનું દર્દ વ્યક્ત કરી રહ્યાં હતાં.

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના ઇંદિરાનગરના વિસ્તારમાં રહેતા સાળુંકે પરિવારનું ઘર આવેલું છે. તે સમયે પરિવારના બીજા સભ્યો પણ ત્યાં હાજર હતા, જે વિદ્યા અને તેમના પરિવારને સાંત્વના આપવા માટે એકઠા થયા હતા.

અમિતની હત્યા બાદ 26 જુલાઈએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે સમયે પણ ઘરની બહાર એ જ મંડપ હતો.

અમિત સાળુંકે અને વિદ્યા કીર્તિશાહીએ હાલમાં 2 મેના રોજ લગ્ન કર્યાં હતાં. આ લગ્નને કારણે જ અમિતની હત્યા કરી દેવાઈ.

વિદ્યાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, “અમારાં લગ્નનો મારાં માતા-પિતા અને પિતરાઈ ભાઈ-બહેનોએ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે તેઓ (અમિત) અલગ જ્ઞાતિના છે. તેઓ આપણી જ્ઞાતિના નથી. આ કારણે તેમને લગ્નનો વિરોધ કર્યો હતો.”

વિદ્યા નવ-બૌદ્ધ સમુદાયનાં છે અને અમિત સમુદાયના ગાંધારી હતા.

પરિવારના વિરોધ છતાં બંનેએ પુણેના આલંદીમાં જઈને લગ્ન કર્યાં હતાં. બંને એક મહિના સુધી પુણેમાં રહ્યાં. તેમને ત્યારે પણ ધમકીઓ મળી રહી હતી.

વિદ્યાએ કહ્યું, “અમને ધમકીઓ મળી રહી હતી કે તમે બંને આસપાસ દેખાણાં તો અમે તમને બંનેને ત્યાં જ મારી નાખીશું. આ કારણે જ અમે દૂર રહેતાં હતાં, જો અમને કંઈ થશે તો કોઈને ખબર પણ નહીં થાય એટલે અમે અહીં આવ્યાં.”

14મી જુલાઈનો દિવસ

પ્રેમલગ્ન પછી અમિત અને વિદ્યા એક મહિના પછી સંભાજીનગર પાછાં ફર્યાં હતાં. ત્યાર બાદ અમિતના પરિવારે તેમના નિર્ણયને સ્વીકારી લીધો.

ઘર પાછાં ફર્યાં પછી સાળુંકે પરિવારે અમિત અને વિદ્યાનાં ફરીથી લગ્ન કરાવ્યાં હતાં.

ત્યાર બાદ થોડાક દિવસો સુધી બધું જ બરાબર ચાલ્યું. જોકે, 14 જુલાઈએ જ્યારે અમિત ઘર પર હતા ત્યારે તેમના એક મિત્રનો ફોન આવ્યો અને બધું જ બદલાઈ ગયું.

વિદ્યાએ કહ્યું, “અમિતના મિત્રે ઑનલાઇન ગેમ રમવા માટે એક ઝાડ નીચે બોલાવ્યા. તેઓ ઝાડ નીચે ગયા ત્યારે જ લાઇટ બંધ થઈ ગઈ. ત્યાર બાદ અપ્પાસાહેબ કીર્તિશાહીએ પાછળથી આવીને અમિતને છરી મારી દીધી. તેમના પર છરીના આઠ ઘા મારવામા આવ્યા. તેઓ જ્યારે નીચે પડી ગયા ત્યારે પણ છરીના ઘા માર્યા.”

તેમણે ઉમેર્યું, “મારા પતિ લોહીલોહાણ થઈને નીચે પડ્યા. તેમનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં. અમે તેમનાં આંતરડાને પકડી રાખ્યાં અને તેમને સરકારી હૉસ્પિટલમાં દાખલ કર્યા.”

અમિતના ઘરથી થોડાંક પગલાં પછી એક પીપળાનું ઝાડ આવે છે, જ્યાં આ ઘટના ઘટી હતી.

અમિતની સારવાર સરકારી હૉસ્પિટલમાં 12 દિવસ સુધી ચાલી. જોકે, 25 જુલાઈએ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.

ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ અમિતાના પિતા મુરલીધર સાળુંકે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા. બાળક સાથે થયેલી ક્રૂરતા વિશે વાત કરતા તેમનો અવાજ રુંધતો રહ્યો હતો.

તેમણે કહ્યું, “અમે રીતિ-રિવાજ અનુસાર લગ્ન કર્યાં અને તેના એક મહિના પછી જ આ ઘટના ઘટી. તેઓ અહીં આવ્યા અને તેને મારી નાખ્યો.”

તેમણે કહ્યું કે અમિતે 12મા ધોરણ પછી બીએસસીનો અભ્યાસ કર્યો હતો.

પોલીસ તપાસ કરી રહી છે

છત્રપતિ સંભાજીનગર પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસ અધિકારી નવનીત કાવંતે કહ્યું, “આ ઘટના અંગે હત્યાના પ્રયત્નનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમિતના મૃત્યુને કારણે અમે હત્યાની કલમો સામેલ કરી છે. આ હત્યાના બે આરોપીઓ છે અને અમારી બે ટીમ તેમને શોધવા માટે કામ કરી રહી છે.”

કાવંતે ઉમેર્યું, “આ કેસમાં યુવક અને યુવતીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં હતાં. અમારી તપાસ હજી ત્યાં સુધી નથી પહોંચી કે આંતરજ્ઞાતીય લગ્ન પછી પરિવારો વચ્ચે મતભેદ શું હતા. જોકે, આ કારણે જ યુવકની છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.”

“કોઈ પ્રેમલગ્ન કરવાની હિંમત નહીં કરે”

અમિતનાં માતા છાયા સાળુંકેએ કહ્યું, “સરકાર અમારો સાથ નહીં આપે તો અમે કોને ફરિયાદ કરીશું? ન્યાય કોની પાસે માગીએ? અમે એક જીવન ગુમાવ્યું. તમે સમજી શકો છો મારાં પર શું વીતી હશે.”

તેમણે ઉમેર્યું, “પ્રેમલગ્નનો કાયદો લાગુ છે. જે મરજી પ્રમાણે લગ્ન કરવાનો અધિકાર આપે છે. લોકો પાસેથી તેમનો આ અધિકાર છીનવી લેવામાં આવે તો સરકારને શું ફાયદો?”

સાળુંકે પરિવારની માગણી છે કે આ કેસમાં આરોપીઓને મોતની સજા મળે.

વિદ્યાએ કહ્યું, “તેમને ફાંસીની સજા મળવી જોઈએ, કારણ કે આ બધું કર્યા પછી તેઓ મુક્ત રીતે ફરે તો તેનો શું અર્થ છે? મારા પતિનું અંતે મૃત્યુ થઈ ગયું. આરોપીઓ ખુલ્લેઆમ ફરશે તો કોઈ પણ પ્રેમલગ્ન કરવાની હિંમત નહીં કરે.”

સેફ હોમ એક વિકલ્પ?

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ સરકારને એ પ્રેમી યુગલ માટે પોલીસ પરિસરમાં એક સેફ હોમ સ્થાપિત કરવાની માગણી કરી હતી, જેમણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં હોય અને ઑનર કિલિંગનો ભય હોય.

કૃષ્ણા ચંદગુડે અનીસની 'જાત પંચાયત મૂઠમાટી અભિયાન'ના રાજ્ય પદાધિકારી છે.

તેમણે કહ્યું, “સરકાર જલદી જ આ પ્રકારના સેફ હોમની સ્થાપના કરવા જઈ રહી છે. સેફ હોમમાં છ મહિના સુધી યુગલોને ખૂબ જ ઓછા ભાવે રહેઠાણ અને ભોજનની સુવિધા ઉપલબ્ધ થશે. સંબંધીઓને સમજાવવામાં આવશે. માનવામાં આવે છે કે આ કારણે ઑનર કિલિંગની ઘટનાઓમાં ઘટાડો થશે.”

ચંદગુડેએ કહ્યું, “સંભાજીનગરમાં એક નવ-બૌદ્ધ સમુદાયની એક યુવતીએ ગાંધારી પરિવારના એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં. યુવતીના પરિવારે ગુસ્સામાં આવીને યુવકની હત્યા કરી નાખી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે આંતરજ્ઞાતીય લગ્ન જ જ્ઞાતિના અંતનો ઉકેલ છે. જોકે, સમાજ તેનાથી અલગ વ્યવહાર કરી રહ્યો છે.”

ઑનર કિલિંગ પાછળ જ્ઞાતિ જવાબદાર

સંભાજીનગરના વૈજાપુર તાલુકામાં ગોયેગાંવમાં એક ગંભીર ઘટના ઘટી હતી, જેમાં માતા અને ભાઈએ દગો આપીને એક યુવતીનું માથું કાપીને તેમની હત્યા કરી નાખી હતી.

આ ઘટના 2021માં ઘટી હતી. વૈજાપુર ઍડિશનલ જિલ્લા અને સત્ર ન્યાયાલયે મે 2024માં આ મામલે માતા અને ભાઈને આજીવન કેદની સજા ફટકારી હતી.

મંગળ ખિવાંસરા છત્રપતિ સંભાજીનગરના સામાજિક કાર્યકર્તા છે.

તેમણે ઑનર કિલિંગ પાછળની માનસિકતા વિશે વાત કરતા કહ્યું, “આપણા મગજમાં જ્ઞાતિ ઘર કરી ગઈ છે. ઑનર કિલિંગ જ્ઞાતીય દ્વેષથી પીડિત છે. માણસો તરીકે આપણે જ્ઞાતિથી આગળ વિચારતા જ નથી. પ્રેમ કરવા માટે કહેવામાં આવે છે પણ એ કહેવામાં નથી આવતું કે પ્રેમ માત્ર પોતાની જ્ઞાતિની વ્યક્તિ સાથે જ કરવો જોઈએ. આપણી માનસિકતા આવી જ છે.”

ખિવાંસરાને જ્યારે પૂછવામાં આવ્યું કે આ રોકવા માટે શું કરવું જોઈએ, તો તેમણે કહ્યું, “કાયદો કડક છે, પરંતુ લોકો ડરતા નથી, કારણ કે એક વખત ઘટના ઘટે પછી તરત જ કોઈ પરિણામ આવતું નથી ત્યાં જ બીજી ઘટના બની જાય છે. આમ, લોકો પહેલી ઘટનાને ભૂલી જાય છે.”

“ઑનર કિલિંગની ઘટનામાં આરોપીઓને તરત જ સજા મળે તો સમાજમાં સંદેશો જશે કે આવું કરવાથી કડક સજા મળે છે. આ કારણે લોકો આ પ્રકારના ગુના કરવાથી બચશે.”