એ ગામ, જ્યાં પ્રેમલગ્ન કરનારને 'ટૅક્સ' ભરવો પડે અને ન ભરે તો ગામબહાર કાઢી મુકાય છે

    • લેેખક, એસ. પ્રશાંત
    • પદ, બીબીસી તમિલ માટે

કોઇમ્બતૂર નજીકના ગામમાં પ્રેમલગ્ન કરનાર યુગલો પાસેથી આ ‘અપરાધ’ કરવા બદલ આજે પણ ટૅક્સ વસૂલવામાં આવે છે અને તેઓ ટૅક્સ ન ચૂકવે તો તેમને ગામ બહાર કરવામાં આવે છે. આ પ્રથાને ‘કુઠવારી’ કહેવામાં આવે છે.

વડકાલૂરના ગ્રામ પ્રધાને બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ પ્રથા પેઢીઓથી ચાલી રહી છે.

કોઇમ્બતૂરના જિલ્લા કલેક્ટર ક્રાંતિકુમાર બદીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ બાબતે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

બીબીસીએ આ સમગ્ર ઘટનાની તપાસ માટે ક્ષેત્રીય અભ્યાસ કર્યો હતો.

પ્રેમવિવાહ કરવા માટે ટૅક્સ

કોઇમ્બતૂર જિલ્લાના અન્નુરમાં એવી ફરિયાદ કરવામાં આવે છે કે પ્રેમલગ્ન કરતા લોકોને ગામમાં જ્ઞાતિ સમુદાયના નેતા બહિષ્કૃત જાહેર કરે છે. એ ઉપરાંત ગામમાં પ્રેમલગ્ન કરનાર યુગલો કુટધાવરી એટલે કે આ કથિત ગુનો કરવા બદલ ટૅક્સ ચૂકવ્યા પછી ગામમાં પ્રવેશી શકે છે, તેવી વિચિત્ર પ્રથા પણ હતી.

આ વિશે વધુ જાણવા બીબીસીએ પ્રેમલગ્ન પછી પંચાયતના ગેરકાયદે નિર્ણયના પીડિતો સાથે વાત કરી હતી.

અન્નુરથી પાંચ કિલોમીટરનો પ્રવાસ કરીને અમે વડકલૂર ગામે પહોંચ્યા હતા. ગામ કેળાના બગીચા અને અન્ય પ્રકારના પાકની હરિયાળીથી ઘેરાયેલું હતું.

લગભગ 220 ઘરવાળા આ ગામમાં રહેતા લગભગ 95 ટકા લોકો અનુસૂચિત જનજાતિના છે. ગામમાં આ જ્ઞાતિના નેતાઓ દ્વારા નિર્મિત કરુપ્પારાયણ મંદિર પણ છે.

પીડિતોએ બીબીસીને જણાવ્યું હતું કે જ્ઞાતિના નેતાઓ બહિષ્કૃત યુગલોને મંદિરમાં ન પ્રવેશવાની ધમકી આપે છે.

‘મેં અન્ય ધર્મની યુવતી સાથે લગ્ન કર્યાં’

આ પ્રતિબંધથી પ્રભાવિત કેટલાક લોકો સાથે બીબીસીએ વાત કરી હતી.

40 વર્ષીય મજૂર રમેશે જણાવ્યું હતું કે અલગ ધર્મની મહિલા સાથે લગ્ન કર્યાં પછી તેમને ગામ બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા અને કુઠવારી ચૂકવ્યા પછી જ ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રમેશે કહ્યું હતું, "મારું પૈતૃક ગામ વડકલૂર છે. હું કામ કરવા વિદેશ ગયો ત્યારે અન્ય ધર્મની યુવતી સાથે પ્રેમ થયો હતો અને મેં તેની સાથે લગ્ન કર્યાં હતાં. એ પછી ગામમાં પાછો આવ્યો હતો, પરંતુ અમારી જ્ઞાતિના ઉરપન્નડી નામના સરપંચ તથા તેમના જૂથે મને ગામમાં પ્રવેશવા દીધો ન હતો."

તેમના કહેવા મુજબ, "સરપંચે કહ્યું હતું કે ગામને માહિતી આપ્યા વિના પ્રેમલગ્ન કરવાં અયોગ્ય છે અને એ માટે ગ્રામ પંચાયતને કુઠવારી પેટે રૂ. 500 ચૂકવવા પડશે."

‘ગામમાં પ્રવેશવા મેં 200 ઘરની માફી માગી’

રમેશે ઉમેર્યું હતું,"હું ગામના દરેક ઘરે ગયો હતો અને તેમને જણાવ્યું હતું કે ગામને જણાવ્યા વિના પ્રેમલગ્ન કરવાં તે ખોટું છે. મને માફ કરજો. હું દંડ ચૂકવીશ અને મારી માફી સ્વીકારીને મને ગામમાં પ્રવેશવાની પરવાનગી આપજો."

રમેશે ખેદ સાથે જણાવ્યું હતું કે તેમણે દંડ ચૂકવ્યો એટલે જ તેમને ગામમાં ફરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રમેશે કહ્યું હતું, "હું બહારથી અહીં આવ્યો હતો અને વિચાર્યું હતું કે લગ્ન કર્યાં પછી તો હું આ ગામમાં શાંતિથી રહી જ શકીશ. દંડ આપવા ઉપરાંત હું ગામના તમામ 200 ઘરે ગયો હતો અને માફી માગી હતી. કરુપ્પારાયણ મંદિરમાં આયોજિત ગ્રામ-પંચાયતમાં મેં તથા મારી પત્નીએ આખા ગામ સામે માફી માગી હતી અને ગામમાં ફરી સામેલ થયાં હતાં."

"મારો અનુભવ એટલો ભયાનક હતો કે લગ્ન કર્યાં પછી પણ એક આઝાદ દેશમાં આઝાદીથી રહી શકતો ન હતો. આ પછાતપણાને ખતમ કરવું પડશે."

‘મારા ભાઈએ ગામ છોડી દીધું’

કરુપ્પાસ્વામીના કહેવા મુજબ, તેમના નાના ભાઈને બીજી જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરવાં બદલ ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેથી તેણે ગામ છોડવું પડ્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં કરુપ્પાસ્વામીએ કહ્યું હતું, "મારા નાના ભાઈ ભારતીને બાર વર્ષ પહેલાં અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ થયો હતો અને તેણે લગ્ન કર્યાં હતાં. તેને ઉરપન્નદી ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. મને અને મારા પિતાને ધમકી આપવામાં આવી હતી કે અમે ભારતી સાથે વાત કરીશું કે તેને ઘરમાં આવવા દઈશું તો અમારે પણ ગામ છોડવું પડશે."

કરુપ્પાસ્વામીના કહેવા મુજબ, તેમનો ભાઈ પ્રેમલગ્ન માટે દંડ ચૂકવવા તૈયાર ન હતો. તેથી તે અન્ય શહેરમાં ચાલ્યો ગયો હતો અને એ 10 વર્ષથી ઘરે આવ્યો નથી.

‘તેમણે મારા પરિવારને દૂર રાખ્યો’

ગામના ભૂતપૂર્વ રહેવાસી સુંદરમે કહ્યુ હતું, “હું બે વર્ષ સુધી ઉરબ પન્નાદી હતો ત્યારે પ્રેમલગ્ન કરનારાના બહિષ્કારની પ્રથા હતી. તે મને પસંદ ન હતી. તેથી મેં પદ પરથી રાજીનામું આપી દીધું હતું.”

સુંદરમના જણાવ્યા મુજબ, તેમની દીકરીએ પ્રેમલગ્ન કર્યાં છે અને તેને પણ ગામ બહાર કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું, "મારી દીકરીનાં લગ્ન અમારા જ ગામમાં રહેતા અમારી જ જ્ઞાતિના એક યુવક સાથે 2021માં થયાં હતાં. એ બદલ મને આખા ગામની માફી માગવાનું અને કુટધાવરી ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. મેં તેનો ઇનકાર કર્યો કે તરત જ મને અને મારા પરિવારને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, પરંતુ મારી દીકરી અને તેના સાસરા કુટધાવરી ચૂકવીને ગામમાં રહ્યા."

સુંદરમના કહેવા મુજબ, "ઉરબ ઉન્નાદી પુરુષોત્તમને ધમકી આપી હતી કે અમારો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાથી મારી દીકરી મારા ઘરે આવશે તો તેનો પણ બહિષ્કાર કરવામાં આવશે. એ કારણે મારી દીકરી લગ્ન પછી અત્યાર સુધી મારા ઘરે આવી નથી."

આ મામલે સુંદરમે ઉરબ પન્નાદી પુરુષોત્તમન અને તેમના જૂથ સામે ફરિયાદ નોંધાવી છે.

બહિષ્કાર કરવામાં આવે તો શું કરવું?

ગામ છોડી દઈએ તો કરવું શું, એ જણાવતાં સુંદરમે કહ્યું હતું, "અમને કરુપ્પારાયણ મંદિર સાર્વજનિક હોવા છતાં અમને તેમાં પ્રવેશ મળતો નથી. દુકાનમાંથી ખરીદી કરવા લાંબો સમય રાહ જોવી પડે છે. અમે કોઈનાં લગ્ન કે મૃત્યુ વખતે જઈએ તો અમને અનુષ્ઠાન વિના બહાર મોકલી આપવામાં આવે છે. બીજા લોકો અમારી સાથે વાત કરે તો તેમને પણ ગામની બહાર ધકેલી દેવામાં આવે છે."

બધા પીડિતોએ કહ્યું હતું કે પુરુષોત્તમન હવે ગામના પન્નાડી છે અને તેમના પત્ની વાંચિક્કોડી બે વખત વડકાલરુ પંચાયતના અધ્યક્ષ રહી ચૂક્યા છે. પુરુષોત્તમન અને તેમની ટીમ આ પ્રથાનો અમલ કરાવી રહી છે.

‘અમે પેઢીઓથી આ પ્રથાનું પાલન કરીએ છીએ’

પુરુષોત્તમન ઉર્વ બન્નાડીના નામે પણ જાણીતા છે. ગામવાસીઓના આરોપ બાબતે બીબીસીએ તેમની સાથે વાત કરી હતી.

પુરુષોત્તમને કહ્યું હતું, "આજકાલથી નહીં, અમારી જ્ઞાતિના લોકો અનેક પેઢીઓથી ગામમાં આ પ્રથાનું પાલન કરી રહ્યા છે. અમે તેનું અનુસરણ કરી રહ્યા છીએ. કુટધાવરીમાં કશું ખોટું નથી. તે ગામના મંદિરને આપી દેવામાં આવે છે. અમે તે નાણાંનો ઉપયોગ ગામના વિવાહિત યુગલો માટે કરવામાં આવતાં અનુષ્ઠાનો, તેમના પરિવારના શુભ કાર્યક્રમો કે શોકના પ્રસંગ માટે કરીએ છીએ."

પુરુષોત્તમને ઉમેર્યું હતું, "જૂના ગામમાં બન્નાડી સુંદરમ, તેમના પિતા, દાદા, મારા પિતા અને અનેક અન્ય લોકો પ્રેમલગ્ન સંબંધે આ પ્રથાનું પાલન કરતા હતા. ભૂતપૂર્વ ઉર્વ બન્નાડી સુંદરમ મંદિર માટે લોકો પાસેથી એકઠા કરેલા પૈસાનો હિસાબ આપતા નથી અને આ મુદ્દે અતિશયોક્તિ કરી રહ્યા છે, કારણ કે તેમની દીકરીએ પ્રેમલગ્ન કર્યાં છે."

જોકે, સુંદરમે પુરુષોત્તમનના આરોપનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું, "જે લોકો પ્રેમ માટે લગ્ન કરે છે તેઓ શાંતિથી રહી શકે અને આધુનિક યુગમાં આવી પ્રથાઓને ખતમ કરે એવા હેતુસર મેં અદાલતમાં કેસ દાખલ કર્યો છે. પુરુષોત્તમન આ મામલાને આડે પાટે ચડાવવા આવું કહે છે. મેં મંદિરનો બધો હિસાબ આપી દીધો છે."

જિલ્લા અધિકારીઃ ‘કઠોર કાર્યવાહી કરવામાં આવશે’

આ પ્રથાને ખતમ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર શું કરી રહ્યું છે, એવો સવાલ બીબીસીએ કોઇમ્બતૂરના જિલ્લા કલેક્ટર ક્રાંતિકુમાર બદીને પૂછ્યો ત્યારે તેમણે કહ્યું હતું, "મંદિરમાં હેરાફેરીની ફરિયાદ શરૂઆતમાં મળી હતી અને તપાસ દરમિયાન અન્ય માહિતી બહાર આવી હતી."

તેમણે કહ્યું હતું, "મહેસૂલ આયુક્તના માધ્યમથી અત્યાર સુધી બે વખત વાતચીત થઈ છે. પ્રેમલગ્ન કરનારા લોકો અને અન્ય લોકો મંદિરમાં પ્રવેશીને પૂજા કરી શકી એ અમે સુનિશ્ચિત કર્યું છે."

"એ ઉપરાંત ગામમાં જૂની પ્રથાને ત્યાગવા માટે જાગૃતિ બેઠક પણ યોજવામાં આવશે. પ્રેમલગ્ન કરવા બદલ યુગલોને ગામ છોડવાની ફરજ પાડતા લોકો સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. તેમની ધરપકડ થશે અને અન્ય કાયદાકીય કાર્યવાહી પણ થશે. અમે આ પ્રથાને નિશ્ચિત રીતે ખતમ કરીશું."