એવાં લગ્ન જે સ્મશાનમાં થયાં અને નવયુગલે ફેરા ઊંધા ફર્યા, આવું કેમ થયું?

રાજકોટ જિલ્લાનાં કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં રામનવમીનાં દિવસે અનોખાં લગ્ન યોજાયાં. આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા તેમજ જાનૈયા સહિત પરિવારને ઉતારો આપ્યો. તેમણે કુરિવાજોને તિલાંજલિ આપવાનો સંદેશો આપતો લગ્ન સમારોહ યોજ્યો હોવાનું કહેવાય છે.

રામોદ ગામનાં પાયલ મનસુખભાઈ રાઠોડનાં લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થયાં. જેમાં કમર કોરડાગામથી 17 એપ્રિલ, 2024 રામનવમીના દિવસે રામોદ ખાતે જાનનું આગમન થયું હતું.

સામાન્ય લગ્નોથી વિપરીત આ લગ્નમાં જાનૈયાઓનું સ્વાગત કાળા કપડામાં તૈયાર થયેલા કન્યાપક્ષે કર્યું હતું. કન્યા પક્ષના મોભીઓ કાળાં વસ્ત્રો પહેરીને તૈયાર થયા હતા. તેમણએ જાનૈયાનું સ્વાગત કરી તેમને સ્મશાનમાં ઉતારો અપ્યો. બૌધ્ધ ધર્મની સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુસરતાં આ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લગ્ન મુહૂર્ત કે ચોઘડિયાં જોયાં વિના ઊંધા ફેરા ફરીને કરવામાં આવ્યા અને લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત પણ કાળાં વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવ્યા. આ ઉપરાંત વર અને કન્યાએ લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણનાં સોગંદ લીધા.

મુર્હુત-ચોઘડીયાંને ફગાવી ઊંઘા ફેરા ફરીને બંધારણનું પાલન કરવાના સોગંદ બોલીને લગ્ન કરવામાં આવ્યા.

આ લગ્ન સમારોહ યોજીને જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

લગ્નસમારોહનું આ પ્રકારનું આયોજન કરવા પાછળનાં કારણો અંગે વાત કરતાં કન્યાના પિતા મનસુખભાઈએ કહ્યું હતું કે તેમણે સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે આ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નોંધનીય છે કે લગ્નમાં બૌદ્ધ ધર્મની વિધિ અને વિજ્ઞાનજાથાના વૈજ્ઞાનિક વલણનો સમન્વય જોવા મળ્યો હતો.

આ લગ્ન વિશે મીડિયા વાત કરતાં ભારત વિજ્ઞાનજાથાના પ્રમુખ જયંત પંડ્યાએ કહ્યું, “આ લગ્ન થકી લોકો અંધવિશ્વાસ, કુરિવાજ કે લેતીદેતીમાં ન માને તે માટેનો કાર્યક્રમ છે. તમે ફેરા સીધા ફરો કે ઊંધા તેનાથી ફરક પડતો નથી. આ બધી વર્ષો જૂની માન્યતાને તિલાંજલિ આપવા માટે એક હકારાત્મક અને વૈજ્ઞાનિક વિચારસરણી સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.”

લગ્ન પછી મીડિયા સાથે વાતચીતમાં વરરાજા જય સરવૈયાએ જણાવ્યું, “અમે આ લગ્નથી માત્ર એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે કોઈ વાતમાં શ્રદ્ધા રાખવી, પરંતુ અંધશ્રદ્ધા ન રાખવી જોઈએ. અમે આ લગ્ન પ્રસંગે કરવામાં આવતા ઘણા કુરિવાજોને માનવાની જરૂર ન હોવાનો સંદેશ આપવા માગીએ છીએ.”

નવવધૂ પાયલ રાઠોડે મીડિયાને જણાવ્યું, , “આ લગ્નથી હું સમાજને એક ઉદાહરણ આપી રહી છું કે ચોઘડિયાં, મૂર્હુત એ બધી ખોટી માન્યતાઓ છે. આપણે એ બધું ન માનવું જોઈએ. મેં આ રીતે લગ્ન કરવાનો નિર્ણય એટલા માટે કર્યો, કારણ કે આ બધાં રીતરિવાજો મને ખોટાં લાગે છે.”