'પ્રેમનું ઘર' જ્યાં ભાગીને આવેલાં પ્રેમીયુગલોને સહારો મળે છે

    • લેેખક, સરફરાજ ચાર્ટર
    • પદ, બીબીસી માટે

ભાગીને લગ્ન કરનારાં આરતીએ જણાવ્યું કે "ભાગીને લગ્ન કર્યાં બાદ સર્જાતી સમસ્યાથી બચવા માટે આજે સુરક્ષિત ઘરોની જરૂર છે. કદાચ આ સુરક્ષિત ઘર ન હોત તો અહીં હત્યા જેવી ઘટનાઓ થઈ જાત. એટલે જ લગ્ન બાદ પહેલું ઘર સ્નેહ આધાર ફાઉન્ડેશનનું સુરક્ષિત ઘર હોય છે."

સતારા જિલ્લામાં રહેતાં આરતી અને ગણેશ રોકડેનાં લગ્ન થઈ ગયાં છે. તેમના પરિવારે તેમના નિર્ણયનો વિરોધ કર્યો તે સમયે સતારામાં 'સેફ હાઉસ' મોટો સહારો હતું. આજે તેમનો અઢી વર્ષનો દીકરો છે અને વિરોધ થોડો ઓછો થઈ ગયો છે.

સતારા જિલ્લાનું આ સુરક્ષિત ઘર પ્રેમલગ્ન કરનારાં યુગલો માટે અનેક રીતે સહારો બની ગયું છે. 'સેફ હાઉસ'માં યુવાન છોકરા-છોકરીઓને મનોબળ આપવાની સાથે તેમના રહેવા-ખાવાની સુવિધા પણ અપાય છે અને તેમની સુરક્ષાનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવે છે.

આ 'સેફ હાઉસ' છેલ્લાં પાંચ વર્ષથી અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને 'સ્નેહ આધાર' ફાઉન્ડેશન દ્વારા ચલાવાય છે, જેની સ્થાપના અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યકર્તા શંકર કાંસેની પહેલથી કરાઈ છે.

બીબીસી મરાઠી સાથે વાત કરતા સ્નેહ આધાર ફાઉન્ડેશનના ચૅરમૅન શંકર કાંસેએ કહ્યું કે "સેફ હાઉસની શરૂઆત 2019માં થઈ હતી. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના માધ્યમથી અમે આંતરજ્ઞાતીય અને આંતરધર્મ લગ્ન પર કામ કરવાનું કર્યું. આ બધામાંથી એક વાત જે સામે આવી તે એ હતી કે આ નવાં યુગલો માટે લગ્ન માટે અનેક પડકારો હોય છે. મોટો સવાલ એ છે કે શરણ ક્યાં લઈ શકાય?"

તેમણે ઉમેર્યું કે "ભાગીને લગ્ન કર્યાં બાદ ચાહે એ છોકરો હોય કે છોકરી, તેમના માટે ગામમાં પાછું આવવું એ અશક્ય છે. આ સિવાય તેમને રોષનો પણ સામનો કરવો પડે છે. તેથી તેમને થોડા દિવસો માટે મનોબળ આપવું જરૂરી હોય છે."

તેઓ આગળ જણાવે છે કે "વાસ્તવમાં આવાં યુગલોને સરકાર તરફથી સુરક્ષા મળવી જોઈએ. ડૉક્ટર હામિદ દાભોલકર સાથે ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે હરિયાણા અને પંજાબ જેવાં રાજ્યોમાં પ્રેમલગ્ન કરતાં યુગલો માટે સરકારે સુરક્ષાગૃહો બનાવ્યાં છે. એવી જ રીતે અમે 'સેફ હોમ' કેમ ન બનાવી શકીએ?"

2019માં કાંસેએ પોતાના ઘર પાસે રૂમ બનાવ્યા. આવનારાં યુગલોને પોતાના ઘરમાં ઉતારો આપ્યો. દંપતી ખુશી ખુશી ઘર અને ખેતરમાં કામ કરવાં લાગ્યાં. 'સેફ હાઉસ' પદ્ધતિથી અત્યાર સુધીમાં 15 યુગલોનાં લગ્ન કરાવાઈ ચૂક્યાં છે.

હામિદ દાભોલકર કહે છે કે "ઘરેથી ભાગીને અહીં આવ્યા બાદ અમે પૂછીએ છીએ કે શું બન્નેએ વિવેકથી સાથીની પસંદગી કરી છે? તેમનું કાઉન્સેલિંગ કરીએ છીએ. એની પણ તપાસ કરીએ છીએ કે તેઓ સગીર તો નથી ને. અને શું ખરેખર તેઓ સાથે રહેવા માગે છે? તેમની એક પરીક્ષા લેવાય છે. અમારી વિશેષજ્ઞ ટીમ તેમનો અલગથી ઇન્ટરવ્યૂ લે છે. તેમની ચકાસણી બાદ જ લગ્ન થાય છે અને તેમની નોંધણી થાય છે."

એ નોંધવું જોઈએ કે છેલ્લાં બે વર્ષમાં તેમણે મતભેદને લઈને બે યુગલોને વગર લગ્ન કરાવ્યે પાછાં મોકલી દીધાં છે.

'હવે પરિવારે સ્વીકાર કરી લીધો છે'

પ્રેમલગ્ન માટે પોતાના ગામથી ભાગેલાં દેવાંગના ગણેશ અને આરતી રોકડે હવે પોતાના ગામમાં પરત આવી ગયાં છે.

તેઓ આરામથી ગામમાં જઈ શકે છે. બન્ને પરિવારોએ તેમનો સ્વીકાર કરી લીધો છે.

ગણેશ રોકડે ગામમાં લૉન્ડ્રીનું કામકાજ કરે છે અને ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે. તેમને ગામની એક ઉચ્ચ જ્ઞાતિની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. પછી તેમણે ગામમાંથી ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના માધ્યમથી ઘરમાં સુરક્ષિત રીતે પ્રવેશ કરી લીધો. તેમનાં લગ્ન અહીં જ ફુલેના વિચારોથી પ્રગટેલા સત્યશોધનમાર્ગથી થયાં. 20 દિવસ તેઓ 'સેફ હાઉસ'માં રહ્યાં.

બીબીસી સાથે વાત કરતા ગણેશ રોકડેએ કહ્યું "2017માં સરપંચની ચૂંટણીમાં સીધી જીત થઈ હતી અને આ બાબતની જાહેરાત કરવી જરૂરી હતી. પણ ગ્રામીણ સ્તરે જાતિ-વ્યવસ્થાનું વર્ચસ્વ અને સરપંચપદ સાથે જોડાયેલી જવાબદારીના કારણે એક અલગ જ દબાણ હતું."

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યકર્તા હોવાના કારણે મેં હામિદ દાભોલકર અને શંકર કાંસે સાથે આ અંગે ચર્ચા કરી.

2019માં અમે બન્નેએ ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

"આરતીના પરિવાર તરફથી લગ્નનો વિરોધ કરાયો. જોકે, મારા ઘરમાં લગ્નનો વધુ વિરોધ ન થયો. પણ પરિવારને એ ગમ્યું નહીં, કારણ કે તે આંતરજ્ઞાતીય લગ્ન હતાં."

"અમે જ્યારે અહીં આવ્યાં તો ઘણું માનસિક દબાણ હતો. અહીં જ અમારો બન્નેનો ઇન્ટરવ્યૂ થયો હતો. આ જગ્યાનો માહોલ બિલકુલ અમારા ઘર જેવો જ હતો. અહીં હું તેમના ખેતરમાં અને અન્ય લોકોને પણ કામમાં મદદ કરતો હતો."

તેમણે આગળ જણાવ્યું "આ દરમિયાન ગામમાં અમારાં લગ્નનો ઘણો વિરોધ થયો. ત્યાં સુધી કે અમારાં લગ્નના વિરોધમાં ગામમાં એક બેઠક પણ થઈ. સરપંચપદ પર હોવાથી મારા વિરોધીઓએ તેનો ફાયદો પણ ઉઠાવ્યો અને બાદમાં મારા કપડાં ધોવાના વ્યવસાયને બંધ કરવાનો પ્રયત્ન પણ કરાયો."

"ઘર પર પથ્થર મારવાનો પણ પ્રયત્ન થયો. અમે ઉદાસ પણ થઈ જતાં હતાં કે અમારો નિર્ણય ખોટો તો નથી ને અને અમે ક્યાંક ખોટું પગલું તો નથી ઉઠાવી લીધું ને. પણ 'સેફ હોમ'માં અમને જે સમર્થન મળ્યું તેણે અમને માનસિક રીતે મજબૂત બનાવી દીધાં."

ત્યાર બાદ ગામનો માહોલ શાંત થતા તેઓ દોઢ મહિના બાદ ગામમાં આવ્યા હતા.

'સ્નેહ આધાર ફાઉન્ડેશન અને લગ્ન બાદ સારસંભાળ'

'સેફ હાઉસ' અંગે આરતી રોકડે કહે છે "'સેફ હાઉસ'નો સહયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો, કારણ કે સંબંધીઓ અને મિત્રો કોઈ જાળમાં ફસાતા નથી. પોલીસ પણ ડરે છે. લગ્ન બાદ મારું પહેલું પિયર સ્નેહ આધાર ફાઉન્ડેશન છે, જે મારી ખૂબ જ નજીક છે."

ડૉક્ટર હામિદ દાભોલકર કહે છે, "કોઈ પણ ભવિષ્યવક્તાને એ ભવિષ્યવાણી કરવાની જરૂર નથી કે ભવિષ્યમાં જાતિ-ધર્મથી પર લગ્ન કરનારાની સંખ્યા વધશે. તેથી જ આંતરજાતીય, આંતરધર્મ લગ્ન માટે આવા 'સેફ હોમ'ની જરૂર વધી ગઈ છે."

ઑનર કિલિંગ જેવી ઘટનાઓને રોકવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્ર સરકારે 26 ડિસેમ્બર 2023ના દિવસે સુરક્ષાગૃહ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો.

'સેરાટ' જેવી ફિલ્મોએ આવાં પ્રેમલગ્ન અને ઑનર કિલિંગને ચર્ચામાં લાવી દીધાં. આંતરજાતીય અને આંતરધર્મ લગ્નના વિરોધમાં થતી હિંસાને રોકવા માટે 'સેફ હોમ' જેવા વિકલ્પો ઊભરી રહ્યા છે. તે જિલ્લામાં નવ સ્થાપિત સુરક્ષાગૃહોને માર્ગદર્શન આપી શકશે.

તે જાગૃત યુગલો માટે પોતાના નિર્ણય લેવાના અધિકારોની રક્ષા કરે છે.