You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘કૅનેડા જવા 45 લાખ ખર્ચીને IELTS પાસ યુવતી સાથે લગ્ન’ કર્યાં બાદ યુવક કેવી રીતે છેતરાયો?
- લેેખક, સરબજિતસિંહ ધાલિવાલ
- પદ, બીબીસી સંવાદદાતા
"છોકરાએ કૅનેડા જવા માટે જ છોકરી સાથે લગ્ન કર્યાં છે. છોકરી પછી છોકરાને કૅનેડા બોલાવી લેશે અને તે પછી છોકરો તેની પત્નીને છૂટાછેડા આપવા માટે બંધાયેલો રહેશે. કપુરથલા ખાતે બે પરિવારો વચ્ચેના લગ્નકરારની આ શરતો છે. જાન્યુઆરી-2023માં લગ્ન નક્કી કરવામાં આવ્યાં છે."
કરાર સત્તાવાર સ્ટૅમ્પ પેપર પર સહી સાથે કરવામાં આવે છે અને નૉટરાઇઝ્ડ છે. (બીબીસી પાસે કરારની નકલ ઉપલબ્ધ છે.)
કરાર મુજબ આ કિસ્સામાં છોકરીએ IELTS પાસ કરવી પડશે અને બારમું ધોરણ પાસ કર્યાં પછી કૅનેડા ભણવા જવું પડશે. ભણતરનો ખર્ચ છોકરાવાળા ઉઠાવે છે. બદલામાં છોકરી છોકરાને સ્પાઉઝ વિઝા પર કૅનેડા બોલાવશે.
છોકરીએ દાગીના છોકરાનાં માતાપિતાના ઘરે રાખ્યા હતા, જેથી છોકરી કૅનેડા ગયા પછી કરારનો ભંગ ન કરે.
લગ્ન થયાં. સંબંધીઓ આવ્યા. લગ્નની પણ વિધિવત્ નોંધણી કરવામાં આવી હતી.
પરંતુ માતાપિતાએ છોકરીને વિદાય આપી નહીં. કારણ કે તેમની નજરમાં આ લગ્ન નહીં પણ કૅનેડા જવાનો કરાર હતો. આ પહેલાં યુવતી કૅનેડા ગઈ હતી અને બંને પક્ષે તકરાર થઈ હતી અને મામલો પોલીસ સ્ટેશન અને કોર્ટમાં પહોંચ્યો હતો.
તાજેતરમાં, કૉન્ટ્રેક્ટ મૅરેજ સંબંધિત છેતરપિંડી અંગે છોકરાના પરિવારની ફરિયાદ પર કપૂરથલામાં છોકરી અને તેમનાં માતાપિતા વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી છે. કપૂરથલા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
45 લાખની છેતરપિંડીનો કેસ
પહેલા કેસમાં ફરિયાદી પંજાબના કપૂરથલાનાં રહેવાસી બલજીત જગ્ગી (નામ બદલ્યું છે) છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જગ્ગીની ફરિયાદ મુજબ, તેમનાં માતાપિતાને મોગામાંથી એક મહિલા કવિતા (નામ બદલ્યું છે) સાથે મુલાકાત થઈ હતી. બલજીતના જણાવ્યા મુજબ, કવિતાએ કહ્યું કે, તેમણે તેમની પુત્રી સ્વાતિ (નામ બદલ્યું છે)ને વિદેશ મોકલવાની છે. ત્યારબાદ તેમનાં માતાપિતાએ તેમના નાના ભાઈ સૌરભ (નામ બદલ્યું છે)ના સ્વાતિ સાથે કૉન્ટ્રૅક્ટ મૅરેજ ગોઠવવાનું નક્કી કર્યું. તે સમયે સૌરભ અને સ્વાતિની વય વચ્ચે 9 વર્ષનો તફાવત હતો.
કરાર મુજબ, બલજીત જગ્ગીના પરિવારનાં સભ્યોએ કૅનેડામાં લગ્ન અને સ્વાતિના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનો હતો અને તેના બદલામાં સ્વાતિએ કૅનેડા પહોંચીને તેના પતિ (સૌરભ)ને ત્યાં પરિણીત યુગલને મળતા વિઝા હેઠળ કૅનેડા આવવાનું આમંત્રણ આપવાનું હતું.
સ્વાતિ અને સૌરભનાં લગ્ન 2019માં થયાં હતાં. FIR મુજબ, લગ્નનો ખર્ચ છોકરાના પરિવારે ઉઠાવ્યો હતો. સપ્ટેમ્બર 2019માં સ્વાતિના કૅનેડિયન વિઝા માટે અરજી કરવામાં આવી હતી અને તેઓ કૅનેડા ગયાં હતાં.
છોકરાના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેની પાછળ લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
ફરિયાદી જગ્ગીના જણાવ્યા મુજબ, કૅનેડા જતા પહેલાં યુવતીએ ખાતરી આપી હતી કે, કૅનેડા આવ્યાના ત્રણ મહિના પછી તે સૌરભને પણ ત્યાં બોલાવશે પરંતુ તેમણે તેમ કર્યું નહીં. દરમિયાન સૌરભનું ભારતમાં મૃત્યુ થયું હતું.
આ પછી સ્વાતિ 2023માં ભારત આવે છે અને માર્ચ મહિનામાં સૌરભના મોટા ભાઈ બલજીત જગ્ગી સાથે લગ્ન કરે છે. બંનેની ઉંમરમાં 13 વર્ષનો તફાવત હતો.
જગ્ગીના કહેવા પ્રમાણે, આ લગ્ન કોઈપણ દબાણ વગર થયાં હતાં. લગ્નનો તમામ ખર્ચ ફરી એકવાર જગ્ગીના પરિવાર દ્વારા ચૂકવવામાં આવ્યો. લગભગ વીસ દિવસ ભારતમાં રહ્યા પછી, સ્વાતિ જગ્ગીને કૅનેડામાં આમંત્રણ આપવાનું વચન આપીને કૅનેડા પરત જાય છે.
બલજીત જગ્ગીએ પોલીસને કરેલી ફરિયાદમાં લખ્યું છે કે સ્વાતિએ તેને કૅનેડામાં ફોન કર્યો નથી અને હવે તેનો ફોન ઉપાડતી નથી. જગ્ગીના કહેવા પ્રમાણે, સ્વાતિ અને તેની માતા કવિતાએ તેમની સાથે લગભગ 45 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.
કૅનેડામાં રહેતી યુવતી શું કહે છે?
બીબીસીએ આ કેસમાં કવિતા (નામ બદલ્યું છે) અને તેમની કૅનેડા સ્થિત પુત્રી સ્વાતિ સાથે પણ વાત કરી હતી. યુવતીનું કહેવું છે કે, બલજીત જગ્ગી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
તેમણે કહ્યું, "એ કોઈ લગ્ન કરાર ન હતો પરંતુ તે વાસ્તવિક લગ્ન હતાં."
તેમણે સ્વીકાર્યું કે, કૅનેડાના વિઝા અને ફી છોકરાના પરિવાર દ્વારા ચૂકવવામાં આવી હતી અને તેમણે સૌરભને આમંત્રણ આપવા માટે બે વાર અરજી કરી હતી. પરંતુ ઍમ્બેસીએ તેનો કેસ બે વાર નકારી કાઢ્યો હતો.
આ પછી સૌરભનું મોત થયું હતું. સ્વાતિએ કહ્યું કે, માર્ચ 2023માં તેમણે પરસ્પર સંમતિથી સૌરભના મોટા ભાઈ બલજીત જગ્ગી સાથે ફરીથી લગ્ન કર્યાં.
સ્વાતિના કહેવા પ્રમાણે, બલજીત જગ્ગી તેમને કૅનેડા પહોંચતાં સમયે ફોન કરીને હેરાન કરતો હતો જેના કારણે તેમના સંબંધો બગડી ગયા હતા. સ્વાતિએ એ પણ સ્વીકાર્યું કે, તેમણે બલજીતના કૅનેડાના વિઝા માટે અરજી કરી નથી.
બીજી તરફ બલજીત જગ્ગીનું કહેવું છે કે, સ્વાતિએ જૂન 2023થી તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે અને તેમનાં સાસુ પણ તેમને આ મુદ્દે કોઈ સપોર્ટ નથી આપી રહ્યાં. તેણે પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સ્વાતિનાં માતા કવિતાનું પણ કહેવું છે કે, સ્વાતિ અને બલજીત વચ્ચે ફોન પર કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો જે બાદ સંબંધો બગડી ગયા હતા.
વિદેશ જવાની વૃત્તિ
વિદેશમાં ખાસ કરીને કૅનેડા જવા માટે કૉન્ટ્રેક્ટ મૅરેજનો આ ટ્રૅન્ડ પંજાબમાં ઘણા સમયથી પ્રચલિત છે.
આવા કિસ્સાઓમાં છોકરી IELTS પાસ કરે છે અને વિદેશ જવા ઇચ્છુક છોકરા સાથે લગ્ન કરે છે જે કૅનેડા માટેનો છોકરીના અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકે છે.
જેમાં થોડા સમય પછી છોકરી કૅનેડા પહોંચે છે અને તેણે છોકરાને કૅનેડા બોલાવવાનો રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ લગ્ન છોકરા માટે કૅનેડાની ટિકિટ છે.
2021માં બરનાલા જિલ્લાના કોઠે ગોવિંદપુરા ગામના લવપ્રીતસિંહની કથિત આત્મહત્યા દરમિયાન પણ આવો કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. અહીં પણ લવપ્રીતસિંહે IELTS પાસ યુવતી બિઅંત કૌર સાથે લગ્ન કર્યાં અને તેનાં વિદેશ જવાનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો.
યુવતી કૅનેડા પહોંચ્યા બાદ લવપ્રીતસિંહ અને બિઅંત કૌર ફોન પર વાત કરવા લાગ્યાં, પરંતુ એક દિવસ લવપ્રીતસિંહે આત્મહત્યા કરી લીધી.
છોકરાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે લવપ્રીતની આત્મહત્યા માટે બિઅંત કૌર જવાબદાર છે.
આ કેસ હાલ કોર્ટમાં છે. લવપ્રીતસિંહના કાકા હરવિંદરસિંહ સિદ્ધુએ કહ્યું કે, તે સમયે પણ છેતરપિંડીનો ભોગ બનેલા ઘણા છોકરાઓ આગળ આવ્યા હતા. પરંતુ કૅનેડાનો ટ્રૅન્ડ લોકોના માથા પર એટલો અસર કરી ચૂક્યો છે કે, લોકો હજુ પણ એમાંથી બહાર નથી આવી રહ્યા.
નિષ્ણાતો શું કહે છે?
પટિયાલાની પંજાબી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જ્ઞાનસિંહનું કહેવું છે કે, આખા પંજાબમાં IELTS સાથે લગ્ન કરવાનો ટ્રૅન્ડ જોવા મળી રહ્યો છે.
તેઓ કહે છે, "આનું કારણ પંજાબમાં રોજગારની અછત અને કૅનેડાની ચમક છે. જ્યારે છોકરી કૅનેડા પહોંચે છે, ત્યારે છોકરા અને છોકરીના વિચારોમાં તફાવતને કારણે વસ્તુઓ જટિલ બની જાય છે."
"પંજાબમાં જનરલ કૅટેગરીના લોકોમાં IELTSવાળાં લગ્નો થઈ રહ્યાં છે."
છોકરાઓનું ઓછું ભણતર અને IELTSમાં બૅન્ડ (સ્કૉર) ન મળવાને કારણે તેઓ ઘણીવાર છોકરીઓ સાથે લગ્ન કરીને કૅનેડા જવાનું વિચારે છે.
તેમણે કહ્યું કે, જ્યારે છોકરી કૅનેડા પહોંચે છે, ત્યારે છોકરા અને છોકરીના વિચારોમાં તફાવતને કારણે કેટલીક વાર કેસ ગૂંચવાઈ જાય છે.