You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિઝા ફ્રી દેશોમાં ફરવા જતી વખતે કેવી તકેદારીઓ રાખવી જોઈએ?
- લેેખક, તનીશા ચૌહાણ
- પદ, બીબીસી માટે
2023નો અંત થઈ રહ્યો છે. ક્રિસમસ અને નવા વર્ષની શરૂઆત વખતે રજાઓ માણવા માટે વિદેશ જવાનું ચલણ સતત વધ્યું છે.
જ્યારે પણ આપણે વિદેશ ફરવા જવાનું વિચારીએ, સૌથી પહેલો સવાલ મનમાં આવશે કે વિઝાનું શું કરવું?
જોકે કેટલાક દેશોમાં ભારતીયો માટે વિઝા ફ્રી ઍન્ટ્રી હોવાથી, મુસાફરીમાં થોડી સરળતા વધી છે.
સારા સમાચાર એ છે કે આ યાદીમાં હાલમાં જ ઘણા નવા દેશો ઉમેરાયા છે. હાલમાં જ ઈરાને પણ ભારતીય પાસપોર્ટ ધારકોને ઈરાનમાં વિઝા વિના પ્રવેશ માટે અનુમતિ આપી છે.
બીજા એવા કયા દેશો છે જે ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા વગર પ્રવેશ આપે છે? અને વિઝા ફ્રી ઍન્ટ્રીનો અર્થ શું, ત્યાં પહોંચીએ ત્યારે કેવા દસ્તાવેજની જરૂર પડે?
ભારતીયોને વિઝા વગર પ્રવેશ આપતા દેશો
વિઝા વગર પ્રવેશ મતલબ જે તે દેશમાં વિઝાની અરજી કર્યા વગર પ્રવેશ મેળવવો.
જો કોઈ વ્યક્તિની પાસે જે તે દેશનો વિઝા હોય તો જ તેને તે દેશમાં પ્રવેશ મળી શકે છે. આ વિઝાની મુદત અમુક દિવસો, મહિનાઓ અથવા વર્ષોની હોઈ શકે છે.
તમારા પાસપોર્ટ પર મળેલો વિઝા કોઈ પણ દેશમાં પ્રવેશવા માટે સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં બે ડઝનથી વધારે દેશો ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા વિના પોતાના દેશમાં પ્રવેશ આપે છે.
આ યાદીમાં સૌથી નવું ઉમરાયેલું નામ ઈરાનનું છે.
આ પહેલાં થાઇલેન્ડ, શ્રીલંકા, મલેશિયા, વિએતનામ અને તાઇવાને ભારતીય પાસપોર્ટધારકો માટે વિઝા વગર પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત અંગોલા, બોલિવિયા, કાપો વર્દે, કૂક ટાપુઓ, ફિજી, ગિની બિસાઉ, ઇન્ડોનેશિયા, જમૈકા, રવાન્ડા, જૉર્ડન, કિરીબાતી, લાઓસ, માડાગાસ્કર, મોરિયાનિયા, નાઇજીરીયા, કતાર, રિયુનિયન ટાપુ, કેમરૂન યુનિયન રિપબ્લિક, માર્શલ ટાપુઓનું પ્રજાસત્તાક, સેશેલ્સ, સોમાલિયા, ટયુનિશિયા, તુવાલુ, અને વનુઆતુમાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા વિના પ્રવેશની મંજૂરી છે.
વિઝા વગર પ્રવેશ માટે કઈ બાબતોની તકેદારી રાખવી જરૂરી છે?
આ દેશોની મુલાકાત લેવા માટે વિઝાની જરૂર નથી પરંતુ અલગ-અલગ દેશોના પોતાના નિયમ પ્રમાણે અમુક બાબતોની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.
પાસપોર્ટ ઇન્ડેકસ મુજબ નીચે દર્શાવેલી બાબતોની તકેદારી રાખવી જરૂરી છે.
પાસપોર્ટની માન્યતા – પાસપોર્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે જે વ્યક્તિની ઓળખ, રાષ્ટ્રીયતા અને નાગરિકતાનું પ્રમાણ છે. આ દસ્તાવેજ સાથે તમે અન્ય દેશમાં પ્રવેશ કરી શકો છો. પાસપોર્ટ તમારી વ્ચક્તિગત માહિતી, તસવીર અને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર ધરાવે છે.
ઘણા દેશોમાં પ્રવેશ મેળવવા માટે પાસપોર્ટની માન્યતા ઓછામાં ઓછી છ મહિનાની હોવી જોઈએ.
રોકાવાનો સમય – દરેક દેશો વિઝા વિના પ્રવેશ મેળવતા મુલાકાતીઓ માટે રોકવાનો એક નિશ્ચિત સમય આપે છે. દરેક દેશ પોતાની તે એક સમય મર્યાદા નક્કી કરે છે. આ મર્યાદા અમુક અઠવાડિયાથી લઈને અમુક મહિનાઓ સુધીની હોઈ શકે છે.
જો તમે આ સમય કરતા વધારે સમય માટે રોકાવ તો તમને દંડ ફટકારવમાં આવી શકે અથવા દેશનિકાલ કરવામાં આવે કે તમારી વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે.
તમારે આ દેશોમાં નિશ્ચિત સમય કરતા વધારે સમય માટે રોકાવું હોય તો તમારે એ દેશ એક વખત છોડીને ફરીથી પ્રવેશ મેળવી શકો છો.
આ દરમિયાન એક બાબતની તકેદારી લેવી ખાસ જરૂરી છે કે દરેક દેશોમાં રિ-ઍન્ટ્રી માટે અલગ-અલગ નિયમો છે.
બૅન્ક ખાતામાં પૂરતી રકમ - ઘણા દેશોમાં વિઝા વગર પ્રવેશ મેળવવા માટે તમારા ખાતામાં પૂરતી રકમ હોવી જોઈએ જેથી કરીને તમારે તે દેશમાં કામ કરવું ના પડે. આ માટે તમારે બૅન્ક ખાતાનું સ્ટેટમેન્ટ અથવા તમારી પાસે રહેલી પૂરતી રોકડ કે માન્ય ક્રેડિટ કાર્ડની જાણકારી આપવી પડશે.
રિટર્ન અથવા આગળની ટિકિટ – મોટા ભાગના દેશોમાં વિઝા વગર પ્રવેશ મેળવવા માટે રિટર્ન કે આગળ મુસાફરી માટેની ટિકિટ જરૂરી છે. આ તેમના માટે એક સાબિતી રહેશે કે તમે એક નિશ્ચિત સમય પછી તે દેશ છોડી દેશો.
રહેઠાણની જાણકારી – અમુક દેશો તમારી રહેઠાણની જાણકારી પણ માગી શકે છે. આ માટે તમારે હોટલની રસીદ કે તમારા મિત્ર કે સંબંધીઓ દ્વારા મળેલો આમંત્રણપત્ર રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત તમારે મુસાફરીનો આખો પ્લાન જણાવવો પડશે.
ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ – આ દરેક દેશોમાં પ્રવેશ માટે જરૂરી નથી પરંતુ ઘણા કિસ્સામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટ્રાવેસ ઇન્શ્યૉરન્સ તમને મુસીબતના સમયમાં જેમ કે સ્વાસ્થ્યને લગતી કટોકટી, સામાનની ચોરી કે મુસાફરી રદ થાય તો આર્થિક રીતે મદદ કરી શકે છે.
ગુનાહિત રેકૉર્ડની તપાસ – ક્યારેક મુસાફરો પાસેથી તેમના ગુનાહિત રેકૉર્ડની જાણકરી માગવામાં આવે છે. કેટલીક વખત જો તમારું નામ નાના કેસમાં પણ આવે તો પણ તમારા પ્રવેશને જે તે દેશ અટકાવી શકે છે.
કસ્ટમ્સ અને ડિક્લેરેશન - તમે જે તે દેશની મુસાફરી કરવાના છો તેના ક્સટમ્સ અને ડિક્લેરેશનના નિયમો વિશે જાણવું અત્યંત જરૂરી છે. તમારે સાથે લાવેલી કિંમતી વસ્તુઓની, રોકડની અને અન્ય પ્રતિબંધિત ચીજોની માહિતી આપવાની રહેશે.
આ ઉપરાંત જ્યારે પણ તમે કોઈ પણ દેશમાં વિઝા વગર પ્રવેશ કરો છો તો તે દેશમાં મુસાફરી માટેના અન્ય નિયમો વિશે જાણકારી રાખવી અત્યંત જરૂરી છે.
જે તે દેશ જતાં પહેલાં તે દેશના સરકારી અને ઍમ્બેસીના નિયમોની જાણકારી હોવી ખૂબ જ મહત્ત્વની છે જેથી કરીને ત્યાં પહોંચ્યા પછી તમારે કોઈ તકલીફોનો સામનો ન કરવો પડે.
કેમ આ દેશો ભારતીયોને વિઝા વગર પ્રવેશ આપે છે?
કોવિડને કારણે પડેલા આર્થિક બોજા પછી દરેક દેશ પોતાની આર્થિક સ્થિતી સુધારવા માટે કોશિશ કરી રહ્યા છે.
બુકિંગ ડૉટકૉમ અને મૅકેન્ઝી ઍન્ડ કંપનીએ ઑકટોબરમાં કરેલા "હાઉ ઇન્ડિયા ટ્રાવેલ" રિપોર્ટ અનુસાર ભારતીયોએ 2019માં સ્થાનિક અને વિદેશમાં ફરવા માટે 15,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
આ રિપોર્ટ અનુસાર આ રકમ 2030 સુધીમાં 173 ટકાના ઉછાળા સાથે 41,000 કરોડ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ફરવા પાછળ ખર્ચ કરતા દેશોમાં છઠાં સ્થાને છે અને 2030 સુધી તે ચોથા સ્થાને પહોંચવાનો અંદાજ છે.
2019માં ભારતીયો દ્વારા 230 કરોડ ટ્રિપ કરી હતી અને 2030 સુધીમાં તે આંકડો 500 કરોડ સુધી પહોંચી જશે. આ ઉપરાંત ભારતીયોએ 2019માં કુલ ટ્રિપના 25 ટકા મુસાફરી વિદેશમાં કરી હતી. આ આંકડો 2022માં વધીને 35 ટકા સુધી પહોંચી ગયો અને 2030માં પણ તેની આસપાસ જ રહેવાની શક્યતા છે.
આ રિપોર્ટ અનુસાર કોવિડ-19 પછી ભારતીયો ફરવા જવા બાબતે ખૂબ જ ઉત્સાહિત છે અને પહેલાં કરતાં વધારે ખર્ચો કરે છે. આ દેશો ભારતીય પર્યટકોને આકર્ષવા માટે વિઝા વગર પ્રવેશ આપે છે.
સી-વેય વિઝા કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર ગુરપ્રીત સિંહનુ કહેવું છે કે આ દેશોની સૌથી મોટું લક્ષ્ય પોતાના પર્યટન અને સરકાર સાથે સંબંધ મજબુત કરવાનું છે.
"હાલમાં ડૉમેસ્ટિક ફલાઇટની ટિકિટો અત્યંત મોંધી હોવથી વિદેશ ફરવા જવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જેમ કે, લોકો વિચારે છે કે ગોવા અને થાઇલૅન્ડ માટે ફલાઇટની ટિકિટોના ભાવ સરખા જ છે તો થાઇલૅન્ડ ફરવા શા માટે ન જઈએ."
ભારતીયોના ફરવા માટેના પસંદગીના સ્થળો
"હાઉ ઇન્ડિયા ટ્રાવેલ" રિપોર્ટ અનુસાર દુબઈ ફરવા માટે ભારતીયોની પહેલી પસંદ છે. જ્યારે બીજા સ્થાને બૅંગકૉક, ત્રીજા સ્થાને સિંગાપોર, ચોથા સ્થાને લંડન અને પાંચમી પસંદગી પેરિસ છે.
દિલ્હીના લોકો સૌથી વધારે યાત્રા કરી રહ્યા છે અને ત્યારબાદ નંબર બૅંગ્લુરુનો છે. મુંબઈ ત્રીજા સ્થાને છે જ્ચારે ચેન્નઈ અને પુણે અનુક્રમે ચોથા અને પાંચમાં સ્થાને છે.