દુનિયામાં હરવાફરવાની સાથે પૈસા કેવી રીતે કમાવી શકાય?

    • લેેખક, ફાતિમા ફરહીન
    • પદ, બીબીસી હિન્દી માટે

બાળપણમાં આપણું બધાનું સપનું મોટા થઈને આખી દુનિયામાં પ્રવાસ કરવાનું હોય છે, પરંતુ મોટા થતાં સુધીમાં ભણતર, નોકરી, પૈસા કમાવવા અને ઘર બનાવવાના ચક્કરમાં જિંદગી ગૂંચવાઈ જાય છે.

આખી દુનિયામાં ફરવાનું સપનું દિલમાં દબાયેલી-કચડાયેલી મહેચ્છા બનીને રહી જાય છે, પરંતુ તમે ડિજિટલ નોમેડ એટલે કે ડિજિટલ પ્રવાસી બનીને દુનિયાના દરેક ખૂણામાં પ્રવાસ કરવાની સાથે નોકરી પણ કરી શકો છો એ તમે જાણો છો?

કોણ હોય છે ડિજિટલ નોમેડ?

તમે હિન્દી ફિલ્મોમાં વણજારાઓને જોયા હશે અથવા તો ખાનાબદોશ શબ્દ જરૂર સાંભળ્યો હશે.

ડિજિટલ નોમેડ પણ વણજારા કે ખાનાબદોશની માફક જીવન જીવતા હોય છે અને દુનિયાના અલગ-અલગ પ્રદેશોમાં ફરતા રહેતા હોય છે.

ફરજ એટલો જ છે કે આ આધુનિક વણજારા પાસે મોબાઇલ, લૅપટૉપ અને તેમાં હાઈસ્પીડ ઇન્ટરનેટની સુવિધા પણ હોય છે, જેની મદદથી તેઓ તેમને ગમતી નોકરી પણ કરતા હોય છે.

ડિજિટલ નોમેડનો પ્રવાસ

સ્ટીવન કે રૉબર્ટ્સ વિશ્વના પહેલા ડિજિટલ નોમેડ હોવાનું કહેવાય છે. તેમણે 1983થી 1991 દરમિયાન સમગ્ર અમેરિકામાં સાઇકલ પર લગભગ 10,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.

તેમની પાસે રેડિયો અને બીજાં ઉપકરણ હતાં, જેની મારફત તેઓ કામ કરતા હતા. 90ના દાયકામાં ડિજિટલ નોમેડ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો હતો. કમ્પ્યુટર, લૅપટૉપ, ટેબ્લેટ્સ અને ઇન્ટરનેટના વધતા ઉપયોગે તેમાં વધારો કર્યો.

કાર્લ મેલામડે 1992માં લખેલા પોતાના પ્રવાસવર્ણન ‘એક્સપ્લોરિંગ ધ ઇન્ટરનેટ’માં ડિજિડલ નોમેડ શબ્દનો ઉપયોગ પહેલી વાર કર્યો હતો.

1997માં સુગિયો માકિમોટો અને ડેવિડ મેનર્સે ડિજિટલ નોમેડ નામનું એક પુસ્તક લખ્યું હતું. એ પછી આ શબ્દનો ઉપયોગ વધવાની સાથે આવા લોકોની સંખ્યામાં પણ વધારો થતો રહ્યો છે.

અમેરિકન કંપની એમબીઓ પાર્ટનર્સના 2023ના એક રિપોર્ટ અનુસાર, હાલ અમેરિકામાં 1.37 કરોડ લાખ વર્કર્સ ડિજિટલ નોમેડ છે અને વધુ 2.40 કરોડ લોકો આગામી ત્રણ વર્ષમાં ડિજિટલ નોમેડ બનવા ઇચ્છુક છે.

ડિજિટલ નોમેડનો વિસ્તરતો કારોબાર

2023માં કરવામાં આવેલા એક સર્વેક્ષણના તારણ અનુસાર, ડિજિટલ નોમેડ્સ વૈશ્વિક અર્થતંત્રમાં લગભગ 787 કરોડ ડૉલરનું યોગદાન આપે છે. ડિજિટલ નોમેડનું ચલણ વધવાની સાથે તેની સાથે જોડાયેલા કારોબાર પણ વધતા રહ્યા છે.

સેફ્ટીવિંગ નામનું એક સ્ટાર્ટઅપ અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતા પ્રોફેશનલ્શ માટે પ્રવાસ, સ્વાસ્થ્ય અને આરોગ્ય વીમાની સુવિધા આપે છે.

આ સ્ટાર્ટઅપે 2022માં 18 નવી જગ્યાએથી પોતાનું કામ શરૂ કર્યું હતું. તેનો વાર્ષિક અહેવાલ જણાવે છે કે કંપનીના બિઝનેસમાં 2021ની સરખામણીએ 2022માં લગભગ 98 ટકા વધારો થયો હતો.

જર્મનીના રહેવાસી જોહાનેસ વોએલ્કનરે 2015માં નોમેડ ક્રૂઝની શરૂઆત કરી હતી. તે ડિજિટલ નોમેડ લોકોની સૌપ્રથમ મોબાઇલ કૉન્ફરન્સ હતી.

આ લોકો સમગ્ર વિશ્વમાં ફરે છે અને એ દરમિયાન પોતાની સ્કીલ એકમેકની સાથે શેર કરે છે, નેટવર્કિંગ કરે છે અને સૌથી મોટા વાત એ કે સાથે મળીને જિંદગીની મોજ માણે છે.

ભારત અને ડિજિટલ નોમેડ

આખી દુનિયામાં આવું બધું થતું હોય તો ભારત તેનાથી અલગ ન રહી શકે એ દેખીતું છે.

ભારતમાં પણ ડિજિટલ નોમેડનું ચલણ વધી રહ્યું છે. તેના પ્રત્યે માત્ર ભારતીયો જ આકર્ષાતા નથી, પરંતુ ભારત પણ દુનિયાભરના ડિજિટલ નોમેડ્સની પસંદગીનું લોકેશન બની રહ્યું છે.

ઉદયપુરના રહેવાસી મયંક પોખરના ખુદને ડિજિટલ નોમેડ કહે છે. તેમણે 2015માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બૅંગલુરુમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાં ઘર શોધવામાં મુશ્કેલી પડી એટલે તેમણે તેમના કેટલાક દોસ્તો સાથે મળીને કો-લિવિંગ કંપની બનાવી હતી. થોડા દિવસ નોકરી અને કંપનીનું કામકાજ સાથે-સાથે ચાલતું રહ્યું. પછી 2017માં તેમણે નોકરી છોડી દીધી હતી અને કંપનીમાં ફુલટાઇમ જોડાઈ ગયા હતા.

જોકે, કોરોના બાદ તેમણે કંપની બંધ કરી દીધી અને ફ્રીલાન્સિંગ શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેઓ ભારતનાં અનેક શહેરો ઉપરાંત દુનિયાના દસથી વધારે દેશોમાં રહીને કામ કરી ચૂક્યા છે.

તેઓ કહે છે કે તેઓ દરેક સ્થળે તેમનાં પત્ની સાથે જાય છે. તેમનાં પત્ની પણ નોકરી કરે છે.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે ડિજિટલ નોમેડ કોઈ પણ દેશમાં નાગરિકો અને સહેલાણીઓ વચ્ચેની એક કડી હોય છે. પ્રવાસીઓ તો થોડા દિવસ માટે આવે છે, પરંતુ ડિજિટલ નોમેડ વધુ દિવસો માટે આવે છે. એ લોકો એક સ્થળે કેટલાક મહિનાઓથી માંડીને ઘણી વાર એક-બે વર્ષ સુધી રહેતા હોય છે.

સૌથી વધારે જરૂરી શું હોય છે?

તેમના જણાવ્યા અનુસાર, ડિજિટલ નોમેડ્સ માટે અપકમિંગ ડેસ્ટિનેશન બની શકે તેવી તમામ ખૂબી ભારત પાસે છે. હાઈસ્પીડ ઇન્ટરનેટ સૌથી મહત્ત્વની જરૂરિયાત છે અને ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન આ બાબતમાં ઘણી પ્રગતિ થઈ છે.

ભારત સરકાર પ્રવાસીઓને આકર્ષવા માટે મોટો ખર્ચ કરે છે, તેમ જણાવતાં મયંક ઉમેરે છે કે ડિજિટલ નોમેડ્સ સ્થાનિક સંસ્કૃતિ અને અર્થતંત્ર બન્ને સાથે સંકલન સાધે છે. તેથી સરકાર આ તરફ પર પણ થોડું વધારે ધ્યાન આપશે તો તેનું વધારે વળતર મળશે.

તેમના કહેવા મુજબ, ભારત એટલો વિશાળ દેશ છે, અહીં એવું હવામાન હોય છે કે આખા દુનિયાના લોકો આખું વર્ષ ઋતુ અનુસાર દેશના વિવિધ પ્રદેશોમાં રહી શકે છે.

તેમના જણાવ્યા મુજબ, એ ઉપરાંત વિદેશથી ભારત આવતા ડિજિટલ નોમેડ્સને ફાયદો પણ થાય છે, કારણ કે અહીં ખર્ચ ઓછો કરવો પડે છે. તેઓ વિદેશી કંપની માટે કામ કરીને ડૉલર કે પાઉન્ડમાં કમાણી કરતા હોય તો ભારતમાં રહેવું તેમના માટે બહુ લાભકારક સાબિત થશે.

મયંક માને છે કે ભારત વિશે દુનિયામાં જે ગેરસમજ હતી તે આ બધાને લીધે હવે દૂર થઈ રહી છે.

સ્કીલ તો બહુ જરૂરી છે, પરંતુ સૌથી વધુ જરૂરી છે શિસ્ત. મયંકનું કહેવું છે કે ડિજિટલ નોમેડે દર મહિને-બે મહિને સ્થળ બદલવાનું હોય છે. તેથી તેણે તેની ફિટનેસનું ધ્યાન સૌથી વધારે રાખવું પડે છે. સાથે જેટલો ઓછો સામાન હોય તેટલો વધારે આરામ રહે છે.

ભારતનું નોમેડ ગામ

મયંક પોખરના ભારતને ડિજિટલ નોમેડ્સ માટેનું અપકમિંગ ડેસ્ટિનેશન કહે છે તેનું એક કારણ કદાચ નોમેડ વિલેજ છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુરના રહેવાસી મયૂર સોનટાકેએ નોમેડ વિલેજની સ્થાપના કરી છે.

મયૂરે 2014 સુધી ભારતમાં કૉર્પોરેટ જોબ કરી હતી. પછી એક અમેરિકન કંપની માટે રિમોટ વર્ક એટલે કે ઘરે બેસીને કામ કર્યું હતું.

મયૂરના જણાવ્યા મુજબ, તેમની ડિજિટલ નોમેડ બનવાની સફર 2016થી શરૂ થઈ હતી. નેપાળથી શરૂઆત કરીને તેઓ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો ભણી વળ્યા હતા. 2017માં તેમણે વિદેશી લોકોને ભારત આવવાનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું હતું.

પછી તેમણે ગોવા સરકાર સાથે મળીને કામ કર્યું હતું અને 2019માં નોમેડ વિલેજની સ્થાપના કરી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ નોમેડ લોકો ત્રણ સૌથી જરૂરી માગ હોય છે. પ્રથમ હાઈસ્પીડ ઇન્ટરનેટ, બીજી પોતાની સલામતી અને ત્રીજી ઘરથી દૂર રહેવાથી થતી એકલતાની અનુભૂતિ.

મયૂરે તેમને આ ત્રણેય બાબતમાં નચિંત કર્યા, પરંતુ થોડા મહિના પછી કોરોના મહામારી આવી. એ દરમિયાન વિદેશથી તો લોકો તેમને ત્યાં આવી શક્યા ન હતા, પરંતુ ભારતના ઘણા લોકો તેમના નોમેડ વિલેજમાં પહોંચ્યા હતા. આજે તેમને ત્યાં કુલ પૈકીના અડધા લોકો ભારતીય છે, જ્યારે બાકીના ત્રીસથી વધારે દેશોના લોકો છે.

મયૂર માને છે કે ભારતમાં ડિજિટલ નોમેડ્ઝની સંખ્યા વધી વધી રહી છે. તેમાં ભારતના લોકો ઉપરાંત મોટી સંખ્યા વિદેશીઓની પણ છે.

ભારતમાં ડિજિટલ નોમેડ્ઝ વધવાનાં ઘણાં બધાં સકારાત્મક કારણો છે.

ભારતમાં યુવાનોની સંખ્યા બહુ મોટી છે. લોકો મોડેથી લગ્ન કરી રહ્યા છે અને બાળકો પેદા કરવા બાબતે પણ વધુ ઉત્સાહી નથી. તેથી યુગલો આવી તકને છોડવા માગતા નથી.

ભારતમાં સંભાવના

ભારત અને વિશ્વમાં ટેકનિકલ ડેવલપમૅન્ટ થઈ રહ્યું છે. અન્ય ઘણા દેશોની સરખામણીએ ભારતમાં ઇન્ટરનેટની સુવિધા બહેતર છે. દાખલા તરીકે, ઝૂમ કે ગૂગલ મીટ માટે નવા-નવા ટૂલ્સ આવી રહ્યાં છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકોની આવક વધી છે. તેનાથી યુવા લોકોની ખર્ચપાત્ર આવક પણ વધી છે. યુવાનોમાં જોખમ લેવાની ક્ષમતા વધી રહી છે. તેમનામાં ફ્રીલાન્સર બનવાની કે પછી સ્ટાર્ટઅપ શરૂ કરવાની હિંમત વધી રહી છે.

મયૂરના જણાવ્યા અનુસાર, આગામી પાંચ-દસ વર્ષમાં ભારતમાં ડિજિટલ નોમેડ્ઝની સંખ્યામાં મોટો વધારો થશે. તેનું કારણ એ છે કે હાલ જે યુવા ફ્રીલાન્સર છે કે અંતરિયાળ વિસ્તારમાંથી કામ કરી રહ્યા છે અથવા ડિજિટલ નોમેડ છે, તેઓ આગામી કેટલાંક વર્ષોમાં મૅનેજર બનશે. તેઓ રિમોટ વિસ્તારમાંથી કામ કરવા ઇચ્છતા યુવાઓ પર, હાલના મૅનેજર્સની સરખામણીએ વધારે ભરોસો કરશે.

તેથી હવે પછી બાલી કે ગોવાના દરિયાકિનારે પ્રિન્ટેડ શર્ટ પહેરીને નારિયળનું પાણી પીતી કોઈ વ્યક્તિને જુઓ તો તેને માત્ર વિદેશી પ્રવાસી ગણશો નહીં. તેઓ ડિજિટલ નોમેડ હોય તે પણ શક્ય છે.