ડિજિટલ રૂપિયો : ડિજિટલ રૂપિયા, ક્રિપ્ટોકરન્સી, ડિજિટલ વૉલેટ અને બ્લૉકચેઇન સંબંધી તમામ સવાલોના જવાબ

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ મંગળવારે રજૂ કર્યું હતું. તેમણે વર્ય્યુઅલ ઍસેટ પર ટૅક્સની અને ભારતીય ડિજિટલ કરન્સી લૉન્ચ કરવાની વાત બજેટ ભાષણમાં કહી હતી.

તેમણે કહ્યું હતું, “તમામ પ્રકારની વર્ય્યુઅલ ડિજિટલ ઍસેટની લે-વેચથી થનારી આવક પર 30 ટકા ટૅક્સ લાદવામાં આવશે. વર્ય્યુઅલ ડિજિટલ ઍસેટને ટ્રાન્સફર કરવા પર એક ટકા લેખે ટીડીએસ ચૂકવવાનો રહેશે. ગિફ્ટમાં વર્ય્યુઅલ કરન્સી સ્વીકારનાર વ્યક્તિએ કર ચૂકવવો પડશે.”

નિર્મલા સીતારમણે વર્ય્યુઅલ ઍસેટ સિવાય આ વર્ષે ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા ડિજિટલ રૂપી લૉન્ચ કરવાની વાત પણ કહી હતી.

વર્ય્યુઅલ ઍસેટ, ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ રૂપીના કારભારને સરળ શબ્દોમાં સમજવા માટે બીબીસીએ અર્થશાસ્ત્રી શરદ કોહલી, ક્રિપ્ટોકરન્સી નિષ્ણાત સંજીવ કંસલ અને ક્રૉસ ટાવર ક્રિપ્ટોકરન્સી ઍક્સચેન્જના ચીફ ઍક્ઝિક્યૂટિવ ઑફિસર વિકાસ આહૂજા સાથે વાત કરી હતી.

સવાલઃ ક્રિપ્ટોકરન્સી શું છે?

મોટાં-મોટાં કમ્પ્યૂટરો જે એક ખાસ ફૉર્મ્યૂલા કે અલ્ગોરિધમને હલ કરે છે તેને માઇનિંગ કહેવામાં આવે છે અને એ રીતે ક્રિપ્ટોકરન્સી બને છે.

બિટકૉઇન જેવી લગભગ 4,000 વર્ય્યુઅલ કરન્સી માર્કેટમાં ઉપલબ્ધ છે. આ બધી વર્ય્યુઅલ કરન્સીને ક્રિપ્ટોકરન્સી કહેવામાં આવે છે.

કોઈનેકોઈ સંસ્થા નૉર્મલ કરન્સીનું નિયમન કરતી હોય છે. જેમ કે ભારતમાં કરન્સી પર ભારતીય રિઝર્વ બૅન્કનો અંકુશ છે.

રિઝર્વ બૅન્ક કરન્સીને પ્રિન્ટ કરે છે અને તેનો હિસાબ રાખે છે. ક્રિપ્ટોકરન્સી પર એકેય સંસ્થાનું નિયંત્રણ નથી.

સવાલઃ ક્રિપ્ટોકરન્સીનું કામકાજ કઈ રીતે ચાલે છે?

ક્રિપ્ટોકરન્સીના પ્રત્યેક ટ્રાન્ઝેક્શનનો ડેટા દુનિયાભરનાં અલગ-અલગ કમ્પ્યુટરોમાં નોંધાય છે.

આ વાત સરળ શબ્દોમાં સમજીએ. ધારો કે એક બહુ મોટો ઓરડો છે.

તેમાં આખી દુનિયાના લોકો બેઠા છે. એવામાં કોઈ વ્યક્તિ ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડ કરે તો તેની માહિતી ઓરડામાં બેઠેલા તમામ લોકોને મળી જાય છે.

આવા વ્યવહારનો રેકૉર્ડ એક જ જગ્યાએ નોંધાતો નથી. દુનિયાભરનાં અલગ-અલગ કમ્પ્યુટરોમાં તે નોંધાતી રહે છે.

તેથી અહીં બૅન્ક જેવા કોઈ ત્રીજા પક્ષની જરૂર પડતી નથી. 2008માં બિટકૉઇન નામની ક્રિપ્ટોકરન્સી બની હતી.

2008થી શરૂ કરીને અત્યાર સુધીમાં ક્યારે અને ક્યા વૉલેટમાંથી બિટકૉઈનનું વેચાણ કે ખરીદી કરવામાં આવી હતી તેની સમગ્ર માહિતી આ પ્રકારે કમ્પ્યુટરોમાં નોંધાયેલી છે.

અહીં મુશ્કેલી એક જ છે કે કઈ વ્યક્તિ ક્યા વૉલેટ સાથે જોડાયેલી છે તેની ખબર પડતી નથી.

સવાલઃ વર્ય્યુઅલ ઍસેટ પર 30 ટકા લેખે ટૅક્સ વસૂલવાની વાત બજેટમાં કરવામાં આવી હતી તેનો અર્થ શું?

ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર હવે વ્યક્તિએ 30 ટકા લેખે કર ચૂકવવો પડશે. કોઈ વ્યક્તિએ એક લાખ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી ખરીદી હોય અને બે મહિના પછી તેને બે લાખ રૂપિયામાં વેચી મારી હોય તો તેનો અર્થ એ થયો કે એ વ્યક્તિને એક લાખ રૂપિયા નફો થયો છે.

હવે તે વ્યક્તિએ એક લાખ રૂપિયાના નફા પર 30 ટકા લેખે એટલે કે 30,000 રૂપિયા સરકારને ટૅક્સ તરીકે ચૂકવવા પડશે.

સવાલઃ વર્ય્યુઅલ સેટ પર એક ટકા લેખે ટીડીએસનો અર્થ શું?

પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી એક લાખ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી ખરીદશે ત્યારે પહેલી વ્યક્તિ તેમાંથી એક ટકા લેખે ટીડીએસ એટલે કે 1,000 રૂપિયા કાપીને 99,000 રૂપિયાની ચૂકવણી કરશે.

પહેલી વ્યક્તિએ ટીડીએસ તરીકે કાપેલા 1,000 રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવવા પડશે, જેને બાદમાં ટૅક્સ તરીકે ક્રેડિટ કરી શકાશે. આ રીતે સરકાર લેવડદેવડથી માહિતગાર રહેશે.

સવાલઃ ક્રિપ્ટોકરન્સી ગિફ્ટ સ્વરૂપે આપવા માટે પણ ટૅક્સ ચૂકવવો પડશે?

હા. કેટલાક કિસ્સામાં નજીકના સગાંને સામાન ગિફ્ટ આપવા પર ટૅક્સ લાગતો નથી, પરંતુ ક્રિપ્ટોકરન્સીને ગિફ્ટની કૅટેગરીમાંથી બાકાત રાખવામાં આવી છે. તમે તમારાં ભાઈ-બહેનને ક્રિપ્ટોકરન્સી ગિફ્ટ કરશો તો પણ તેના માટે ટૅક્સ ચૂકવવો પડશે.

સવાલઃ ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડમાં નુકસાન થાય તો?

ક્રિપ્ટોકરન્સીથી થતા લાભ કે નુકસાનને વાર્ષિક આવકમાં જોડી શકાતા નથી.

તમને બિઝનેસમાં પાંચ લાખ રૂપિયાની કમાણી થઈ હોય અને ક્રિપ્ટોકરન્સીમાં એક લાખ રૂપિયાનું નુકસાન થયું હોય તો પણ તમારે પૂરા પાંચ લાખની કમાણી પર ટૅક્સ ચૂકવવાનો રહેશે.

તેમાં ક્રિપ્ટોકરન્સીથી થયેલા નુકસાનને એડજસ્ટ કરી શકાતું નથી. તેનો અર્થ એ થયો કે તમને ચાર લાખની કમાણી જ થઈ છે એવું દર્શાવી શકો નહીં.

સવાલઃ વર્ય્યુઅલ સેટ શું છે?

વર્ય્યુઅલ એટલે કે જેને ફિઝિકલી સ્પર્શી ન શકાય અને ઍસેટનો અર્થ છે સંપત્તિ.

માર્કેટમાં બિટકૉઇન, ઈથીરિયમ અને ડોઝેકૉઈન વગેરે જેવી તમામ ક્રિપ્ટોકરન્સી વર્ય્યુઅલ ઍસેટ ગણાય છે.

તેમાં નૉન-ફંજિબલ ટોકન એટલે કે એનએફટીનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે, વિશ્વમાં જે સૌથી પહેલો એસએમએસ મોકલવામાં આવ્યો હતો તેની જાળવણી કરીને એક વ્યક્તિએ તેને નોન-ફંજિબલ ટોકન બનાવી લીધો છે.

સંખ્યાબંધ પેન્ટિંગ્ઝને પણ લોકોએ એનએફટી સ્વરૂપે તૈયાર કરી લીધાં છે. તેનું વર્ચ્યુઅલ વિશ્વમાં ખરીદ-વેચાણ કરી શકાય છે.

સવાલઃ ડિજિટલ વૉલેટ એટલે શું?

લોકો પોતાની પાસેની રોકડ પર્સમાં રાખતા હોય છે તેમ ક્રિપ્ટોકરન્સી રાખવા માટે ડિજિટલ વૉલેટની જરૂર પડે છે.

ડિજિટલ વૉલેટ ઓપન કરવા માટે પાસવર્ડ હોય છે. જેની પાસે ડિજિટલ વૉલેટનો પાસવર્ડ હોય તે વ્યક્તિ ડિજિટલ વૉલેટ ખોલીને ક્રિપ્ટોકરન્સીની ખરીદી કે વેચાણ કરી શકે છે.

ડિજિટલ વૉલેટનું સરનામું હોય છે, જે 40થી 50 આંકડાનું હોય છે. તેમાં આલ્ફાબેટ અને ન્યૂમેરિક બન્ને સામેલ હોય છે.

દરેક વૉલેટનું સરનામું યુનિક એટલે કે આગવું હોય છે. વિશ્વમાં આવા અબજો ડિજિટલ વૉલેટ્સ છે.

સવાલઃ બ્લૉકચેઇન એટલે શું?

ક્રિપ્ટોકરન્સીનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન બ્લૉકમાં નોંધાતું હોય છે. બ્લૉકમાં મર્યાદિત પ્રમાણમાં જ ટ્રાન્ઝેક્શનની નોંધણી થઈ શકે છે.

એક બ્લૉક ભરાઈ જાય પછી ટ્રાન્ઝેક્શન બીજા બ્લૉકમાં નોંધાય છે. આ રીતે એક બ્લૉક સાથે બીજો અને બીજા સાથે ત્રીજો એમ બ્લૉક જોડાતા રહે છે. તે સાંકળીને બ્લૉકચેઇન કહે છે.

સવાલઃ ક્રિપ્ટોકરન્સી ઍક્સચેન્જ એટલે શું?

આ એક એવું પ્લૅટફૉર્મ છે, જ્યાં લોકો ક્રિપ્ટોકરન્સીનું ખરીદ-વેચાણ કરી શકે છે.

આ ઍક્સચેન્જ પ્લૅટફૉર્મ મારફત રૂપિયાને ક્રિપ્ટોકરન્સીમાં પરિવર્તિત કરી શકે છે.

એક ક્રિપ્ટોકરન્સી વેચીને બીજી ક્રિપ્ટોકરન્સી ખરીદવા હોય ત્યારે પણ આ પ્રકારના ઍક્સચેન્જનું કામ પડે છે.

લોકો ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પરથી જે રીતે માલસામાનની ખરીદી કરે છે એવી જ રીતે ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે ક્રિપ્ટો ઍક્સચેન્જની મદદ લે છે. એવાં ઍક્સચેન્જમાં ક્રિપ્ટોકરન્સી ખરીદનારા અને વેચનારા બન્ને હોય છે.

સવાલઃ પેટીએમ જેવાં ઈ-વૉલેટમાં રાખવામાં આવેલા પૈસા કરતાં ડિજિટલ રૂપી કઈ રીતે અલગ છે?

ડિજિટલ રૂપીની વાત કરીએ તો તમારા ખિસ્સામાંના ચલણી નોટો કે સિક્કા ડિજિટલ સ્વરૂપમાં તમારા ફોન કે વૉલેટમાં રહેશે.

તેમાંથી લેવડ-દેવડ માટે તમને બૅન્કની જરૂર નહીં પડે. અત્યારે કોઈ પણ પેમેન્ટ કરવા માટે કોઈ બૅન્ક કે પેમેન્ટ વૉલેટની મદદ લેવી પડે છે.

પેટીએમ જેવી ઈ-વૉલેટ કંપનીઓ મધ્યસ્થી સ્વરૂપે કામ કરે છે.

ડિજિટલ રૂપીમાં એવું હોતું નથી. તમે જે રીતે રોકડા રૂપિયાનો વ્યવહાર કરો છો એ રીતે ડિજિટલ રૂપીના સ્વરૂપમાં પણ કરી શકશો.

આ ડિજિટલ કરન્સી બ્લૉકચેઇન ટેકનૉલૉજી પર આધારિત હશે.

તેથી ડિજિટલ કરન્સી તમારી પાસે ક્યાં-ક્યાંથી ફરીને આવી છે તે જાણવા મળશે.

સાધારણ કરન્સીની માફક ડિજિટલ રૂપી પણ ભારતીય રિઝર્વ બૅન્ક જ બહાર પાડશે.

સવાલઃ ડિજિટલ રૂપી અને ક્રિપ્ટોકરન્સી વચ્ચે શું ફરક છે?

બિટકૉઇન 2.10 કરોડથી વધારે નથી. બિટકૉઇનની સપ્લાય લિમિટેડ છે.

માગ વધે છે ત્યારે બિટકૉઇનની કિંમતમાં પણ વધારો થાય છે. પાંચ વર્ષ પહેલાં બિટકૉઇનની કિંમત 22,000 રૂપિયા હતી, પણ આજે તેની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે.

તેના ભાવમાં વધારો-ઘટાડો થતો રહે છે. ક્રિપ્ટોકરન્સીની સંખ્યા મોટાભાગે નિશ્ચિત હોય છે.

તેનાથી વધારે એ બનાવી શકાતી નથી. બીજી તરફ ડિજિટલ રૂપીની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી.

દસ રૂપિયાના ડિજિટલ રૂપીનું મૂલ્ય આગામી ઘણાં વર્ષો સુધી દસ રૂપિયા જ રહેશે. ડિજિટલ રૂપી માત્ર આપણી લેવડ-દેવડની પદ્ધતિને જ બદલશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો