એઆઈ ટેકનૉલૉજીની ભવિષ્યમાં ભગવાનની માફક પૂજા કરવામાં આવશે?

    • લેેખક, સના ખૌરી
    • પદ, ધાર્મિક બાબતોના સંવાદદાતા, બીબીસી ન્યૂઝ અરેબિક

શું ChatGPT જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) પ્રોગ્રામ પવિત્ર ગ્રંથોને અને નવી ધાર્મિક ચળવળને જન્મ આપશે? સાયન્સ ફિક્શન તથા ફિલ્મોની માફક મશીન પોતે શાણપણ અને કાયદાનો સ્રોત બની જશે ત્યારે માણસો મશીનોના પ્રેમમાં પડી જશે? એઆઈના લેંગ્વેજ મોડેલમાં સતત પ્રગતિ થઈ રહી છે ત્યારે મશીન નવા સંપ્રદાયોના સર્જનમાં વેગ આપશે?

એઆઈ ટૂલ્સે ચિતાકર્ષક ચર્ચાઓ કરવાની, સમાચાર તથા વૈજ્ઞાનિક લેખો લખવાની અને હેરસ્ટાઇલ્સની ટિપ્સ આપવાની પોતાની ક્ષમતા વધારે છે. તેથી તે ઘણી બાબતોમાં માણસોનું સ્થાન લઈ શકે છે એવી આપણી ધારણા આશ્ચર્યજનક નથી.

સવાલ એ પણ છે કે તે ધાર્મિક લોકોના પેંગડામાં પગ મૂકશે, આધ્યાત્મિક તથા ધાર્મિક સલાહો આપશે, ઉપદેશો અને પ્રાર્થનાઓ લખશે તો શું થશે?

નિષ્ણાતો માને છે કે એઆઈ તેના પ્રોગ્રામર્સને કોડ લખવામાં મદદ કરે છે તેમ ધર્મગુરુઓને પણ મદદ કરી શકે છે.

કૅનેડાની યુનિવર્સિટી ઑફ મનિટોબાના સેન્ટર ફૉર પ્રોફેશનલ ઍન્ડ અપ્લાયડ ઍથિક્સના ડિરેક્ટર પ્રોફેસર નીલ મેકઆર્થરે બીબીસીને કહ્યું હતું, "આજે કોઈ વ્યક્તિ પવિત્ર ગ્રંથોમાંથી માર્ગદર્શન મેળવવા ઇચ્છતી હોય તો તેને થોડા પેજીસમાંથી જ તે મળી શકે છે. જોકે, એ શોધવું મુશ્કેલ છે. મારે છૂટાછેડા લેવા જોઈએ કે નહીં અથવા મારે બાળકોનો ઉછેર કરવો જોઈએ કે નહીં, તેવા ચોક્કસ સવાલોના જવાબ એઆઈ તત્કાળ આપી શકે છે."

એઆઈ દ્વારા આશ્વાસન અને સલાહ

રોમાનિયાના ધર્મશાસ્ત્રી મારિયસ ડોરોબાન્તુએ પરંપરાગત મનોચિકિત્સકો અથવા ધાર્મિક વ્યક્તિઓને બદલે એઆઈ આધારિત ચેટબોટ્સ (જેની સાથે વાત કરી શકાય એવાં સ્વયંચાલિત ટૂલ્સ) પાસેથી સાંત્વના તથા સલાહ મેળવવાના લોકોના ઝોક વિશે સંશોધન કર્યું હતું.

નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ એમ્સ્ટેરડેમના સંશોધક ડોરોબાન્તુએ દાવો કર્યો છે કે પોતાની રોજિંદી આધ્યાત્મિક બાબતોમાં ChatGPT જેવાં ટૂલ્સ પાસેથી માર્ગદર્શન મેળવવા ઇચ્છતા લોકોની સંખ્યા વધી રહી છે.

ડોરોબાન્તુએ કહ્યું હતું, “આપણી વસ્તુઓને માનવરૂપી બનાવવાની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. આપણે મોટરકારોના નામ રાખીએ છીએ અને વાદળોમાં ચહેરા જોઈએ છીએ. માનવીય વિશેષતા શોધવાની આપણી પ્રવૃત્તિ એટલી પ્રબળ છે કે આપણે તેને એવી બાબતોમાં પણ નિહાળીએ છે, જ્યાં તેનું અસ્તિત્વ હોતું નથી. ચેટબૉટ ડિઝાઇનમાંની વર્તમાન પ્રગતિ આ અંતર્નિહિત પ્રવૃત્તિઓને વ્યાપક રીતે સુદૃઢ કરે છે.”

ડોરોબાન્સુને જણાવ્યા મુજબ, આવું પરિદૃશ્ય એવા સવાલ ઊભા કરે છે, જે મશીનો અને માણસ વચ્ચે આધ્યાત્મિક સંબંધ સ્થાપિત કરવાથી પણ ક્યાંય આગળ જાય છે. આ પ્રકારના સંબંધથી સર્જાઈ શકે તેવી નૈતિક દુવિધા સુધી તે વિસ્તરેલી છે.

તેમણે સવાલ કર્યો હતો, "દાખલા તરીકે ચેટબૉટ પાસેથી સલાહ લીધા બાદ કોઈ આપઘાત કરી લે તો એના માટે કોને જવાબદાર ઠેરવવું જોઈએ?"

આ વિશેની ચર્ચા પહેલેથી જ ચાલી રહી છે. બેલ્જિયમમાં એક મહિલાએ તેના પતિને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ ચેટબૉટ પર મૂક્યો હતો. સ્થાનિક અખબારી અહેવાલો મુજબ, ચેટબૉટે જળવાયુ પરિવર્તનથી "પૃથ્વીને બચાવવા માટે પોતાનું બલિદાન આપવા" એ મહિલાના પતિને પ્રોત્સાહિત કર્યા હતા.

‘અદ્ભુત’ એઆઈ-સર્જિત પવિત્ર ગ્રંથો

તાજેતરના મહિનાઓમાં ધાર્મિક પરામર્શ માટે ચેટબૉટ્સ વિકસાવવામાં આવ્યા છે. એ પૈકીના કેટલાંક ટૂલ્સને હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતાના પાઠનો ઉપયોગ કરીને તાલીમ આપવામાં આવી છે.

આ પ્રોગ્રામ્સનો લાખો લોકોએ ઉપયોગ કર્યો છે, પરંતુ આ ટૂલ્સ હિંસાને માફ કરતા હોય તેવા કિસ્સા પણ નોંધાયા હતા.

અંગ્રેજીમાં 40,000થી વધુ ઇસ્લામિક સ્રોત પર આધારિત એક ટૂલ HadithGPT આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ટૂલને મળેલા સામુદાયિક પ્રતિભાવના મૂલ્યાંકન પછી, તેના ડેવલપરે તેને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

દરમિયાન, જાન્યુઆરીમાં ઇસ્લામ અને યહૂદી ધર્મના પ્રતિનિધિઓએ એઆઈ નીતિમત્તા માટેના રોમા કૉલ નામના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા હતા.

આ ઘોષણાપત્ર કેથોલિક ચર્ચ દ્વારા 2020માં લૉન્ચ કરવામાં આવ્યું હતું અને ટેકનૉલૉજીને પારદર્શી તથા સર્વસમાવેશક બનાવવાની હાકલ તેમાં કરવામાં આવી છે. અનેક સરકારો તથા ટેકનૉલૉજી કંપનીઓએ તેનું સમર્થન કર્યું છે, જ્યારે પોપ ફ્રાન્સિસે “એઆઈની ક્ષિતિજ પરના ભાવિ પડકારો”ની વાત કરી છે.

તાજેતરમાં પ્રકાશિત રિસર્ચ પેપર ‘એઆઈ વર્શિપ એઝ અ ન્યૂ ફૉર્મ ઑફ રિલિજન’માં પ્રોફેસર મેકઆર્થર એઆઈ દ્વારા સર્જવામાં આવેલા ગ્રંથો પ્રત્યે આદર વ્યક્ત કરતા ઉપાસના કે ધર્મના નવાં સ્વરૂપોના ઉદ્ભવની સંભાવના ચકાસે છે.

આ અભ્યાસના ભાગરૂપે તેમણે પોતે ChatGPTને ધાર્મિક સવાલ કર્યા હતા. તેની વાત કરતાં મૅકઆર્થરે કહ્યું હતું, “મેં તેને મારા માટે એક પવિત્ર પાઠ લખવા જણાવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે હું આવું નહીં કરી શકું. જોકે, નવો ધર્મ શરૂ કરતા એક પેગંબર બાબતે નાટક લખવાનું કહ્યું ત્યારે ChatGPTએ પ્રેમ તથા શાંતિ માટે પોતાના સિદ્ધાંતો શેર કરતા એક નેતાની કહાણી તરત તૈયાર કરી આપી હતી. તેનાથી હું ઘણો પ્રભાવિત થયો હતો.”

ઘર્મશાસ્ત્રી મારિયસ ડોરોબાન્તુ નોંધે છે કે એઆઈમાં એવી વિશેષતા છે, જેનો માણસ આદર કરે છે.

ડોરોબાન્તુએ કહ્યું હતું, “ધર્મનો ઇતિહાસ વાંચશો તો સમજાશે કે માણસ અન્યોની પૂજા કરવાનો શોખીન છે. તમે ઑલ્ટ ટેસ્ટામેન્ટ વાંચો તો સમજાય કે માનવ સ્વભાવ મૂળભૂત રીતે જ મૂર્તિપૂજક છે. આપણે કશું નિરાકાર, ખાસ કરીને તે બુદ્ધિમાન લાગે ત્યારે, તેને પૂજવા ટેવાયેલા છીએ.”

ડોરોબાન્તુ શાશ્વત જીવન અને એ પછી વાદળમાં અસ્તિત્વની ધાર્મિક માન્યતા વચ્ચેની સમાનતા તરફ પણ ઇશારો કરે છે. તેમની દલીલ એવી છે કે "એઆઈ શાશ્વત જીવનનું વચન છે. તે માનવ શરીરની નિર્બળતાથી મુક્ત છે."

એઆઈ 24 કલાક ઉપલબ્ધ છે અને લાખો વ્યક્તિઓ જોડે એકસાથે સંવાદ કરવા ઉપરાંત માનવ જ્ઞાનની અસીમિત સંપદા સુધીની તેની પહોંચ સહિતનાં કારણોને લીધે માણસ માટે અલૌકિક સ્વરૂપે પ્રગટ પણ થઈ શકે છે.

ડોરોબાન્તુએ 2022ના એક અભ્યાસપત્રમાં લખ્યું હતું, "એઆઈ સૈદ્ધાંતિક રીતે કોઈ પણ માણસથી, સમગ્ર માનવજાતથી વધારે સ્માર્ટ હોઈ શકે છે. તે માનવ સમજની બહાર હોય તેટલી સ્માર્ટ પણ હોઈ શકે છે."

પોતાના રિસર્ચમાં ડોરોબાન્તુએ દાર્શનિક નિક બોસ્ટ્રોમનો સંદર્ભ આપ્યો છે. નિક બોસ્ટ્રોમ માને છે કે એઆઈના ભાવિ સ્વરૂપો ભવિષ્યમાં ઓરેકલ (દેવવાણી), જીનિયસ (પ્રતિભાસંપન્નતા) અને અમર્યાદ એમ ત્રણ ભૂમિકા એક સાથે ભજવી શકશે. ડોરોબાન્તુને આમાં "એકેશ્વરવાદી ધર્મોમાં ભગવાનને આપવામાં આવેલી ભૂમિકા જેવી એક વિચિત્ર સમાનતા” જુએ છે.

કટ્ટરપંથી સંપ્રદાય

આપણે જાણીએ છીએ તેમ ધર્મ, ધર્મગ્રંથ સાથે જોડાયેલો છે, પરંતુ એઆઈ મોટા પ્રમાણમાં ધર્મગ્રંથ સર્જી શકે તો કોઈ ધર્મગ્રંથને કઈ બાબત વિશેષ બનાવશે?

ડોરોબાન્તુ દલીલ કરે છે તેમ શું પવિત્ર છે અને શું નથી તેનો નિર્ણય માણસે કરવાનો છે. તેમણે કહ્યું હતું, "સમગ્ર ઇતિહાસમાં કેટલાક ગ્રંથો જ સમયની કસોટી પર ખરા સાબિત થયા છે. એઆઈમાં અનેક સર્જન કરવાની ક્ષમતા છે અને માણસોને તેમાંથી કદાચ કોઈ એવી રચના મળી જશે, જેને અસાધારણ રીતે ઈશ્વર દ્વારા પ્રેરિત માનવામાં આવશે."

જોકે, મેકઆર્થર માને છે કે 15મી સદીમાં પ્રિન્ટિંગ પ્રેસની શોધને લીધે સમાજના તમામ ક્ષેત્રોમાં જે રીતે પવિત્ર ગ્રંથોનો પ્રસાર થયો હતો અને પ્રોટેસ્ટન્ટ રિફોર્મેશન જેવી પ્રભાવી ચળવળને વેગ મળ્યો હતો તેવી રીતે વ્યાપક અર્થમાં અસરકારક સાબિત થવા માટે એઆઈમાં હજુ ઘણો વિકાસ થવો બાકી છે.

તેમણે કહ્યું હતું, "એઆઈ બુદ્ધિથી ઉપરના સ્તરે નહીં પહોંચે, દેખીતી રીતે આપણને નહીં વટાવી જાય ત્યાં સુધી નજીકના ભવિષ્યમાં આમૂલ પરિવર્તન આવશે, એવું હું માનતો નથી."

મહત્ત્વનો એક સવાલ એ પણ છે કે એઆઈ ખતરનાક અથવા કટ્ટરપંથી સંપ્રદાયોના ઉદ્ભવને પ્રોત્સાહન આપશે?

મેકઆર્થર માને છે કે ધર્મમાં આવું જોખમ કાયમ હોય છે. "લોકો દૃઢ માન્યતા ધરાવતા હોય ત્યારે તેમની સાથે અસંમત હોય તેવા લોકોના વિરોધી બની જાય છે."

એઆઈ જોખમ વધારી કે ઘટાડી શકે છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું, "સૌથી મોટું જોખમ એ છે કે પોતે સર્વેશ્રેષ્ઠ પાસેથી સીધો આદેશ મેળવતા હોવાનું લોકો માને છે અને તે એકમાત્ર સાચો જવાબ હોવાનો દાવો કરે છે."

"બીજી તરફ એઆઈ ધર્મોની વિકેન્દ્રિત પ્રકૃતિ, કોઈ મજબૂત નેતાના ઊભરવાની અને અનુયાયીઓને નિયંત્રિત કરવાની શક્યતાને મર્યાદિત કરી શકે છે."