દૈનિક વપરાશની એ પાંચ ઉપયોગી વસ્તુઓ જે આપણને ચંદ્ર અભિયાનોથી મળી છે

    • લેેખક, ગુલશન કુમાર વણકર
    • પદ, બીબીસી મરાઠી

આખરે ભારતે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ઊતારીને ઇતિહાસ રચી દીધો છે. ચંદ્રયાન-3એ બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર સફળતાપૂર્વક લૅન્ડિંગ કર્યું હતું.

ચંદ્ર પર પહોંચનાર ભારત ચોથો દેશ બન્યો છે. આ પહેલાં અમેરિકા, ચીન અને રશિયા જ ચંદ્ર પર સૉફ્ટ લૅન્ડિંગ કરવામાં સફળ રહ્યાં છે.

પરંતુ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરાણ કરનારો પ્રથમ દેશ છે.

તમે તમારી આસપાસ ઘણા લોકોને એવી ચર્ચાઓ કરતા સાંભળ્યા હશે કે – ‘આપણે ચંદ્ર પર કેમ જવા માંગીએ છીએ? ત્યાં શું તમારે ઘર બાંધવા છે? સરકારે આ પૈસાને લોકોના કલ્યાણ માટે વાપરવા જોઇએ.’

પરંતુ ચંદ્રયાન જેવાં મિશન આપણને માત્ર ચંદ્ર વિશે જ માહિતી નથી આપતા.

આવા ચંદ્ર અભિયાનોના કારણે આપણને એવી અનેક વસ્તુઓ મળી છે જેણે પૃથ્વી પર આપણા જીવનને વધુ સગવડભર્યું અને આરામદાયક બનાવ્યું છે.

ડિજિટલ ફ્લાઇટ કંટ્રોલ

એક સમય હતો જ્યારે કમ્પ્યૂટર એટલાં મોટાં હતાં કે તે આખા ઓરડામાં પણ સમાતાં નહોતાં.

'ડિજિટલ ઍપોલો' પુસ્તકના લેખક ડૅવિડ મિન્ડૅલ કહે છે કે, 1960માં ચંદ્ર સંબંધિત મિશનોનો સમય શરૂ થયો હતો અને એ સમયે જ લોકોએ નાનાં કમ્પ્યૂટર અંગે વાત કરવાનું શરૂ કર્યું હતું.

નાસાનાં ઍપોલો મિશન ચાલતાં હતાં ત્યારે સૂટકેસમાં સમાઈ જાય એવું કમ્પ્યૂટર પ્રથમ વખત ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેમાં એક સ્ક્રીન હતી, ઇનપુટ કીબોર્ડ હતું જેથી લોકો વિશાળકાય સ્પૅસક્રાફ્ટને પૃથ્વી પરથી 3.8 લાખ કિલોમીટર દૂર બેસીને નિયંત્રિત કરી શકે. એટલે આ કમ્પ્યૂટર એવું પ્રથમ ડિવાઇસ હતું જેમાં ડિજિટલ સ્ટીયરીંગ કંટ્રોલ હતો.

ડિજિટલ ફ્લાય બાય ફાયર નામની આ સિસ્ટમના જન્મને કારણે આ ટેકનૉલૉજિકલ વિકાસ શક્ય બન્યો. આજે આ ટેકનૉલૉજી દરેક ઍરક્રાફ્ટમાં જોવા મળે છે.

પહેલાં વપરાતાં સાધનો જેમકે ગરગડી અને અન્ય હાઇડ્રૉલિક ડિવાઇસનું સ્થાન ઇલેક્ટ્રોનિક ડિવાઇસે લેવાનું શરૂ કર્યું હતું. આવું પ્રથમ વખત બન્યું હતું કે ફ્લાઇટ માટે ડિજિટલ કંટ્રોલ સિસ્ટમ મળી હતી.

કમ્પ્યૂટર, માઇક્રૉચિપ્સ અને સ્માર્ટફૉન

જ્યાં પણ ડિજિટલ ટેક્નૉલૉજી આવી ત્યાં કમ્પ્યૂટર આવ્યાં. તમે જાણો છો કે, 1969માં નાસાના ચંદ્ર મિશનમાં અપોલો 11 અંતરિક્ષ યાનમાં એક કમ્પ્યૂટર હતું જેની મદદથી નીલ આર્મસ્ટ્રૉંગ અને બઝ એલ્ડ્રિને ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો.

આ કમ્પ્યૂટરની વિશેષતાઓ તમને હસવા માટે મજબૂર કરી દેશે – તેમાં માત્ર 74KB ROM અને 4KB RAM મેમરી હતી. આજે તમારા ફૉનમાં તેનાથી લાખો ગણી મેમરી છે.

અમેરિકા અને રશિયા વચ્ચેના શીત યુદ્ધ અને અંતરિક્ષ સ્પર્ધાને ધ્યાનમાં રાખીને અમેરિકા તેના સ્પેસ મિશનને વેગ આપવા માંગતું હતું. આ માટે દેશના કુલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પ્રોડક્શનનો 60 ટકા અપોલો મિશનને આપવામાં આવ્યો હતો.

લેખક ડૅવિડ મિન્ડૅલ કહે છે, “તે સમયે સિલિકોન ચિપ્સ અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ સૌથી આધુનિક ટેક્નૉલૉજી હતી, અને નાસા પણ તેનો અવકાશયાનમાં ઉપયોગ કરી રહ્યું હતું. એ સમયે સમાચાર ફેલાયા કે દેશમાં સિલિકોન ક્રાંતિ શરૂ થઈ ગઈ છે. એ અપોલો મિશન જ હતું કે જેણે વિશ્વને આ ટૅક્નૉલૉજીની ઉપયોગિતા વિશે ખાતરી આપી અને તેને ફેલાવવાનું શરૂ કર્યું.

તે પછી આ ચિપ્સ વધુ શક્તિશાળી અને નાની થઈ, એટલી નાની કે આજે આપણા હાથમાં રહેલા સ્માર્ટફોનમાં પણ છે.

રિચાર્જેબલ બેટરી

મોંઘી હેવી ડ્યુટી લૅન્ડલાઈનથી શરૂ કરીને આધુનિક સ્માર્ટફોન સુધીની આપણી સફર ખૂબ લાંબી રહી છે. અને બૅટરી ટેકનૉલૉજીએ પણ આમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ તમે જાણો છો કે આ ટેકનૉલૉજી પણ સ્પેસ મિશનમાંથી આવેલી છે?

નાસા દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા કમાન્ડ મોડ્યુલમાં સિલ્વર ઝિંક બૅટરી હતી. જે તે સમયે તે સૌથી હળવી બૅટરી હતી. પરંતુ આ બૅટરી રિચાર્જેબલ ન હતી અને નાસાએ લાંબા સમય સુધી તેના પર સંશોધન કર્યું, પરંતુ સફળતા ન મળી.

અંતે 1996માં સ્થપાયેલી એક ખાનગી કંપનીએ આ ટેક્નૉલૉજી પર વધુ સંશોધન શરૂ કર્યું. તેઓ શ્રવણ યંત્રોમાં રિચાર્જ કરી શકાય તેવી બૅટરીઓ મૂકવા માંગતા હતાં. પરંતુ લિથિયમ-આયન બૅટરીઓ, જે આપણા મોબાઇલ ફોન, લૅપટોપ અને હવે કારમાં પણ છે તેમાં વધુ ગરમ થવાની સંભાવના પણ રહેલી છે.

પરંતુ આખરે આ કંપની સિલ્વર ઝિંક બૅટરી વિકસાવવામાં સફળ રહી, જે લગભગ 1000 વખત રિચાર્જ કરી શકાય છે. આ બૅટરીની મદદથી પહેલી રિચાર્જેબલ હિયરિંગ એઇડ વર્ષ 1999માં લૉન્ચ કરવામાં આવી હતી.

સ્પેસ બ્લૅન્કેટ

જ્યારે લોકોને પૂર કે હિમપ્રપાતમાંથી બચાવવામાં આવે છે, ત્યારે તેમને પ્રથમ શું આપવામાં આવે છે? જવાબ છે આશાનું કિરણ.

આ વસ્તુને સ્પૅસ બ્લૅન્કેટ કહેવામાં આવે છે. નાસાને સમજાયું કે ધાતુઓથી મિશ્રિત માઇલરના બહુવિધ સ્તરો અને હળવા વજનના પ્લાસ્ટિક એ ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે. જે અન્ય કોઈ સામગ્રી પ્રદાન કરી શકે નહીં. નાસાએ પાછળથી એ જ ટેક્નૉલૉજી વિકસાવી અને અવકાશયાત્રીઓનાં સ્પૅસસૂટ માટે તેનો ઉપયોગ કર્યો.

અને આજે એ જ માઇલરનો ઉપયોગ ફેશન ઉદ્યોગમાં, અગ્નિશામકોમાં, કૅમ્પિંગ, કૉલ્ડ સ્ટૉરેજમાં અને ઠંડી સામે રક્ષણ મેળવવા બચાવ ટીમો દ્વારા પણ થાય છે.

સ્માર્ટફૉનમાં કૅમેરો

કમ્પ્યૂટરની જેમ શરૂઆતમાં કૅમેરા પણ એક મોટા બાથરૂમ જેટલી જગ્યા રોકતા હતા. આજે તો તમારા ફૉનમાં જ ઓછામાં ઓછા ત્રણ કૅમેરા છે.

કોડૅક દ્વારા 1975માં પ્રથમ ડિજિટલ કૅમેરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ નાસાની જૅટ પ્રૉપલ્શન લૅબોરેટરી, જેપીએલ ખાતે તો 1960ના દાયકામાં ડિજિટલ ફૉટોગ્રાફી પર સંશોધન શરૂ થઈ ચૂક્યું હતું.

જ્યારે ફૉટો લેવામાં આવે છે, ત્યારે ફ્રેમને ઘણા નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે, અને દરેક ભાગ એક અલગ ફોટો સેન્સર સાથે અથડાય છે. જે સાથે મળીને એક ડિજિટલ ઇમેજ બનાવે છે. આ દરેક ટુકડાને 1965માં ફ્રેડરિક બિલિંગ્સ્લે દ્વારા નામ આપવામાં આવ્યું હતું - પિક્સલ.

પછીથી, ઍરિક ફોસમના નેતૃત્વ હેઠળ જેપીએલ ખાતે, તે જ ટેકનૉલૉજીને માઇક્રૉપ્રૉસેસર અને ચિપ ટેકનૉલૉજી સાથે વધુ સૂક્ષ્મ બનાવવામાં આવ્યા હતા. અને આજે એવા નાના ડિજિટલ કૅમેરા અસ્તિત્વમાં આવ્યા છે જે આપણા હાથમાં જ સમાઈ શકે છે.

એક અન્ય કંપનીએ 1969માં ચંદ્ર પરનો એ ઐતિહાસિક ફૉટો લીધો હતો. જે હેસલબ્લેડ ડેટા કેમેરા (HDC) દ્વારા લેવામાં આવ્યો હતો. તે આજકાલ ઘણા ફૉનમાં પણ ઉપલબ્ધ છે.

એ સિવાય આ ચંદ્ર મિશનોએ એવી ઘણી બધી વસ્તુઓ પ્રદાન કરી છે, જે આપણી પાસે છે અથવા તો અમુક સમય પછી આપણે તેને ઉપયોગમાં લઈશું. અલબત્ત, આ અવકાશ અભિયાનોએ ઘણી પેઢીઓને પ્રેરણા પણ આપી છે. ક્યારેક તમે પણ અવકાશયાત્રી બનવા ઇચ્છતા હશો અને અવકાશમાં જઈને ચંદ્ર પર મોટો કૂદકો મારવાની ઇચ્છા થતી હશે.