You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રયાન-3ની સફળ લૅન્ડિંગ બાદ કેવી રીતે કામ કરશે લૅન્ડર અને રૉવર, જાણો તમામ સવાલના જવાબ
- લેેખક, પલ્લવ બાગલા
- પદ, વરિષ્ઠ વિજ્ઞાન પત્રકાર
ભારતના ચંદ્રયાન-3 ઉપગ્રહે બુધવારે સાંજે વિક્રમ લૅન્ડરને ચંદ્રમાની દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતારીને ઇતિહાસ રચ્યો છે. વિક્મ લૅન્ડરને દક્ષિણ ધ્રુવ પર લૅન્ડિંગ કરવાનું હતું જે વિના અવરોધે થયું. આ ભારતની સાથે દુનિયા માટે મોટી ઉપલબ્ધિ છે.
દુનિયાની નજર ચંદ્રયાન-3 પર ટકેલી હતી. આ સફળતા બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લૅન્ડ કરનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે અને ચાંદ પર સૉફ્ટ લૅન્ડિંગ કરનારો ચોથો દેશ બની ગયો છે. આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીન ચંદ્રમા પર સૉફ્ટ લૅન્ડિંગ કરી ચૂક્યા છે.
આ દેશોનું કામ ભૂમધ્યરેખાના ક્ષેત્રમાં હતું. વિક્રમ લૅન્ડરે દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લૅન્ડિંગ કરી જે ભારત માટે ગર્વની વાત છે.
લૅન્ડર વિક્રમમાંથી રૉવર પ્રજ્ઞાન પણ બહાર આવી ગયું છે અને તેણે ચંદ્ર પર પોતાના પગલાં પાડી દીધાં છે.
દક્ષિણ ધ્રુવ પર કેવી રીતે ઊતર્યું વિક્રમ લૅન્ડર
આપણે વારંવાર સૉફ્ટ લૅન્ડિંગ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ સૉફ્ટ લૅન્ડિંગ છે શું? આ સૉફ્ટ લૅન્ડિંગ સરળતાથી નથી થઈ. વિક્રમ લૅન્ડર દસ કિલોમીટરની ઝડપે ચંદ્રમાની સપાટી પર આગળ વધી રહ્યું હતું.
જો તેને આ જ પ્રકારે છોડી દેવામાં આવે તો તે બહુ ઝડપથી સપાટી પર પડી જાત, જે પ્રકારે ચંદ્રયાન-2નું લૅન્ડર ક્રેશ થયું હતું.
પરંતુ ચંદ્રયાન-3નું વિક્રમ લૅન્ડર એ પ્રકારે બનાવવામાં આવ્યું હતું કે ચંદ્રની સપાટી પર જઈને આરામથી ઊતરે. ત્યારબાદ તે બેંગલુરુમાં સ્થિત તેના કમાન્ડ સેન્ટર સાથે વાતચીત કરી શકે.
આ બહુ મુશ્કેલ કામ હતું. દુનિયામાં અત્યારસુધી જે પણ સૉફ્ટ લૅન્ડિંગ થઈ છે તેવી બે પૈકી એક જ સૉફ્ટ લૅન્ડિંગ સફળ થઈ શકી છે. આ પહેલાં ચંદ્રયાન-2નું લૅન્ડર ક્રેશ થઈ ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ત્યારબાદ ચંદ્રયાન-3ના વિક્રમ લૅન્ડરનું ચંદ્રમા પર ઊતરવું એ મોટી ઉપલબ્ધિ છે. વિક્મનું નામ સ્પેસ ટેકનૉલૉજીના જનક વિક્રમ સારાભાઈના નામ પરથી આપવામાં આવ્યું છે.
વિક્રમ લૅન્ડરની ઝડપ કેવી રીતે ઓછી કરવામાં આવી?
ચંદ્રમાની સપાટી પર લૅન્ડિંગ પહેલાં વિક્રમની ઝડપ ઓછી કરવી એ મોટો પડકાર હતો.
તેના માટે ચંદ્રયાન-3ના વિક્રમ લૅન્ડરને 125*25 કિલોમીટરની ઑર્બિટમાં રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ડિઑર્બિટ કરવામાં આવ્યું. પછી તેને ચંદ્રમાની સપાટી તરફ મોકલવામાં આવ્યું ત્યારે તેની ઝડપ 6000 કિમી પ્રતિ કલાકથી વધુ હતી.
જ્યારે તેને ચંદ્રમાની સપાટી પર ઉતારવામાં આવ્યું ત્યારે તેની ગતિ બહુ જ ઓછી કરી દેવામાં આવી.
આમ કરવા માટે વિક્રમ લૅન્ડર પર લાગેલા ચાર એન્જિનોની મદદ લેવામાં આવી.
જોકે બે ઍન્જિનની મદદથી જ વિક્રમને ચાંદ પર ઉતારી દેવાયું.
બહાર આવીને શું કામ કરશે પ્રજ્ઞાન રૉવર
ચંદ્રયાન-3ના વિક્રમ લૅન્ડરમાંથી રૉવર પ્રજ્ઞાન બહાર આવી ગયું છે.
વિક્રમના લૅન્ડિંગ બાદ તરત તે બહાર નહોતું આવ્યું પણ તેણે બહાર નીકળવામાં થોડી રાહ જોવી પડી હતી.
કારણકે વિક્રમ લૅન્ડર જ્યારે ચંદ્રની સપાટી પર ઊતર્યું ત્યારે તેને કારણે ધૂળના રજકણો ઊડ્યા હતા. તેને થોડો સમય સ્થિર થતા લાગે અને તે સપાટી પર બેસી જાય ત્યાર બાદ રૉવર તેમાંથી બહાર નીકળ્યું.
હવે તેણે ચંદ્રની સપાટી પર ચાલવાનું પણ શરૂ કરી દીધું છે.
પ્રજ્ઞાન અને રૉવર એકબીજા સાથે વાતચીત કરી શકે છે. વિક્રમ લૅન્ડર ચંદ્રયાન-2ના ઑર્બિટર અને બેંગલુરુ સ્થિત કમાંડ સેન્ટરથી વાત કરી શકે છે. પ્રજ્ઞાન ડેટા એકત્ર કરીને વિક્રમને આપશે અને વિક્રમ તેને ઑર્બિટર અને કમાંડ સેન્ટરને આપશે.
આ કામ 14 દિવસો સુધી ચાલુ રહેશે
વિક્રમ અને પ્રજ્ઞાન એમ બંને સૌર ઊર્જાથી સંચાલિત છે. તેમને ચાંદની રોશનીમાં તે જ સમયે પહોંચાડાયા છે જે સમયે ચાંદ પર સૂર્યપ્રકાશ મળે. હવે 14 દિવસો સુધી વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરશે.
તેઓ 4*2.5 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં કામ કરશે. આ ક્ષેત્રનું નામ કલામ વિહાર રાખવામાં આવ્યું છે.
કારણકે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉ. અબ્દુલ કલામે જ કહ્યું હતું કે ભારતે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર તિરંગો લહેરાવવો જોઈએ. એટલે તેમના નામ પરથી આ ક્ષેત્રનું નામ કલામ વિહાર પાડવામાં આવ્યું છે.
પ્રજ્ઞાન અને વિક્રમ વચ્ચે વાતચીત કેવી રીતે થાય છે?
પ્રજ્ઞાન અને વિક્રમ વચ્ચે વાતચીતનું માધ્યમ રેડિયો વૅવ્સ છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વૅવ હોય છે.
તેના માધ્યમથી બંને એકબીજા સાથે વાતચીત કરી શકે છે.
પ્રજ્ઞાન સીધું બેંગલુરુ સ્થિત કમાન્ડ સેન્ટર સાથે વાતચીત નહીં કરી શકે પરંતુ તે વિક્રમની વાત કરશે અને વિક્રમ તેનો સંદેશો કમાન્ડ સેન્ટર સુધી મોકલશે. જોકે ચંદ્રયાન-3ના પ્રોપેલ્શન મૉડ્યુલમાં કોઈ કૉમ્યુનિકેશન ડિવાઇસ નથી.
આ આખી પ્રક્રિયામાં ચંદ્રમાથી ધરતી સુધી સંદેશ પહોંચાડવામાં સવા સેકન્ડનો સમય લાગે છે. આ તમામ પ્રક્રિયા ઑટોમેટેડ રીતે થાય છે.
અંતિમ ક્ષણોમાં કોના હાથમાં હતો કંટ્રોલ?
છેલ્લી કેટલીક મિનિટોમાં બધાનો શ્વાસ અટકી ગયો હતો. ત્યારે બધું કામ કૉમ્પ્યુટરે કર્યું.
ઇસરોના વૈજ્ઞાનિકોએ તમામ કમાન્ડ્સ લોડ કરી દીધા હતા. કૉમ્પ્યુટરે તમામ કમાન્ડ્સને બરાબર ફૉલો કર્યા. જેથી વિક્રમ લૅન્ડર આરામથી ચંદ્રમાની સપાટી પર પહોંચી ગયું.